રાજા-રાણી/ત્રીજો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રીજો પ્રવેશ

બીજો અંક


સ્થળ : મંદિર
પુરુષને વેશે રાણી સુમિત્રા. બહાર અનુચર
સુમિત્રા : જગત-જનની માતા, આ દુર્બળ હૃદયની દીકરીને ક્ષમા કરજે! આજ મારી બધી પૂજા એળે ગઈ છે. આજ સાંભરી આવે છે માત્ર એ સુંદર મોં, પ્રીતિભરી બે આંખો, અને એ જ પથારી ઉપર પોઢેલા રાજાજી! હાય રે માડી! અબળાનું હૃદય શું આટલું બધું કઠોર? હે સતી, દક્ષપિતાના યજ્ઞમાં તું પોતે જ્યારે ગઈ હતી, ત્યારે ડગલે ડગલે તારું જ હૃદય તારા પગ પકડીને શું તને નહોતું વિનવી રહ્યું, કે ‘પાછી વળ, પતિને ઘેર પાછી જા’? પરંતુ, ઓ મા, ત્યારપછી તો એ કૈલાસને માર્ગે તારાં રાતાં રાતાં ચરણો કદીયે ન પાછાં ફર્યાં. માડી, એ દિવસની વાત આજે સંભારી તો જો! જનની, આજ અબળાના હૃદયનું બલિદાન દેવા આવી છું. તાજા તોડેલા કમળ સરખો મુજ અબળાનો પ્રેમ તારે ચરણે ધરવા આવી છું. તું સ્ત્રી છે, સ્ત્રીનું હૈયું સમજે છે. માતા, મને બળ દેજે. પળે પળે જાણે રાજમહેલમાંથી રોજને એ હેતભર્યે અવાજે કોઈ સાદ કરે છે કે પાછાં વળો, રાણી! પાછાં વળો. પણ ઓ મા! ઉઘાડું ખડ્ગ લઈને તું રાજમહેલને રસ્તે ઊભી રહેજે, અને હાકલ કરજે કે ‘ખબરદાર! ચાલી જા, રાજધર્મને જાગવા દે, પ્રજાનાં સુખને પાછાં વળવા દે, રાજાના યશ-ચંદ્રની અંદરથી કલંક ભુંસાવી દે; અને તું, અભાગણી નારી, ધરતીને છેડે જ્યાં જગ્યા મળે ત્યાં જતી રહેજે — એકલી બેઠી બેઠી છાતીફાટ રોયા કરજે.” ભલે, મૈયા, પિતાની ટેક પળાવવા રામચંદ્રજીએ વનવાસ લીધો હતો, અને પતિની ટેક રખાવવા આજ હું વનવાસ વેઠીશ. રાજ્ય-લક્ષ્મીની સમક્ષ રામજી જે વચને બંધાયા છે, તે વચન એક પામર સ્ત્રીને કારણે હું કદીયે ખોટું પડવા નહીં દઉં.

[એક સ્ત્રી ને એક પુરુષ પ્રવેશ કરે છે.]

અનુચર : કોણ છો તમે! ઊભાં રહો આંહીં.
પુરુષ : કાં બાપા? આંઈયે જગ્યા નથી?
સ્ત્રી : માડી રે! આંઈયે સપાઈ!

[સુમિત્રા બહાર આવે છે.]

સુમિત્રા : તમે કોણ છો, અલ્યા!
પુરુષ : દાદા! મિહિરગુપ્તે અમારાં છોકરાંને પકડી લઈને અમને કાઢી મેલ્યાં છે. અમારી પાસે નથી દાણા, કે નથી ઘરબાર. મરવા જેટલીયે જગ્યા નથી રહી; એટલે જ અમે મંદિરે આવ્યાં. મનમાં થયું કે માડીને ખોળે જઈને આપઘાત કરશું. જોશું કે એ અમારી શી દશા કરે છે.
સ્ત્રી : તે હેં ભૈ, તમે આંઈયે સપાઈ બેસાડ્યા છે? રાજાની ડેલી તો બંધ કરી; અને હવે આંઈ માતાજીનો દરવાજો પણ દઈને ઊભા છો?
સુમિત્રા : ના ના બેટા, ખુશીથી આવો. આંહીં તમારે કોઈથી બીવું નહીં. કોણે તમારા ઉપર જુલમ કર્યો?
પુરુષ : આ જયસેને, બીજા કોણે? અમે તો રાજા આગળ દુઃખ કહેવા ગયા’તાં, પણ રાજાનાં દર્શન ન થયાં. જ્યાં ઘેર આવીને જોઈએ, ત્યાં તો અમારાં ઝૂંપડાં બાળી દીધેલાં, ને છોકરાને બાંધી ગયેલાં.
સુમિત્રા : [સ્ત્રી પ્રત્યે] તો બહેન, તેં રાણીની આગળ જઈને કાં ન કહ્યું?
સ્ત્રી : ઓય મા! રાણીએ જ રાજાને મંતર મારેલા છે ને! અમારો રાજા તો બિચારો બહુ જ ભલો, રાજાનો જરાય વાંક નથી. એ તો રાણી જ પરદેશથી આવી છે ને, તે પોતાનાં પિયરિયાંને જ આખા રાજમાં પાથરી દીધાં છે, બાપુ! ઈ ડાકણ જ વસ્તીનાં કાળજાં ચૂસી ચૂસીને લોહી પી રહી છે.
પુરુષ : છાનીમાની મર, રાંડ! તને રાણીની શી ખબર? ખબરદાર! જે વાત જાણતી નથી એ વાત જીભે આણતી નહીં.
સ્ત્રી : જાણું છું, ભૈ, બધુંય જાણું છું. ઈ રાણી જ બેઠી બેઠી આપણી હજાર વાતો રાજાના કાનમાં ભંભેર્યા કરે છે.
સુમિત્રા : સાચી વાત, બેટા. એ કાળમુખી રાણી જ બધાં પાપનું મૂળ છે. પણ હવે એ લાંબું નહીં કાઢે. એના પાપનો ઘડો ભરાઈ ગયો છે. આ લ્યો, આ ગજાસંપત આપું છું, તમારું પૂરેપૂરું દુઃખ તો નથી ટાળી શકાતું.
પુરુષ : આહા, તમે ક્યાંકના રાજકુંવર લાગો છો! તમારું ભલું થાજો.
સુમિત્રા : હવે ભલું થવાને નથી વાર; હમણાં જ જાઉં છું.

[જાય છે. ત્રિવેદી પ્રવેશ કરે છે.]

ત્રિવેદી : હરિ હરિ! આ હું શું જોઉં છું? પુરુષને વેશે રાણી ઘોડે ચડીને ચાલી જાય છે! પૂજાને બહાને મંદિરે આવીને નાસી જતી લાગે છે. અને મને દેખીને કેવી ખુશી ખુશી થઈ ગઈ! એના મનમાં તો એમ હશે કે બ્રાહ્મણ બહુ ભોળો! બ્રાહ્મણના માથાના તોલામાં જેમ એકેય મોવાળો નહીં, તેમ માથાના તળિયામાં અક્કલનો એકેય છાંટો નહીં! એના મનમાં તો એમ જ હશે, કે બ્રાહ્મણની પાસેથી એકાદ કામ પણ કઢાવી લઉં! બ્રાહ્મણને મોઢે રાજાને બે મીઠાં વેણ મોકલાવી દઉં! બાપલા! તમારું ભલું થાજો. કાંઈક કામ પડે એટલે બોલાવો ત્રવાડીને. અને દાન-દક્ષિણા દેવા ટાણે? બોલાવો દેવદત્તને! હે...એ...એ દયામય! ભલે, રાજાને કહીશ, ખૂબ મીઠું મીઠું કહીશ. મીઠી વાતો મારી જીભે બોલાય, એટલે તો જાણે સાકરના કટકા! હે...એ કમલલોચન! રાજા કેવો ખુશી થશે! જેમ જેમ વધારી વધારીને વાતો કહીશ, તેમ તેમ તો રાજાનું ડાચું ફાટ્યું જ રહેવાનું. મને ખબર છે કે મોટી મોટી વાતો મારા મોંમાં ભારી ભળે છે; લોકોને વિશેષ આનંદ પડે છે. લોકો બોલે છે કે બ્રાહ્મણ બિચારો બહુ ભોળિયો! હે...એ... એ પતિતપાવન! આ વખતે શબ્દ-શાસ્ત્ર આખું ઊલટપાલટ જ કરી નાખું!