રાજા-રાણી/ચોથો પ્રવેશ2

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચોથો પ્રવેશ

ત્રીજો અંક


         સ્થળ : કાશ્મીરનો રાજમહેલ : અંત :પુર. રેવતી અને ચંદ્રસેન.

રેવતી : જવા દો એને, પ્રભુ! એમાં બેઠા બેઠા વિચાર શું કરો છો? ભલે જાય યુદ્ધમાં; ત્યાર પછી ઈશ્વર કરશે તો પાછો જ નહીં આવે.
ચંદ્રસેન : ધીરે, રાણી, ધીરે બોલો.
રેવતી : આજ લગી તો ભૂખ્યો બિલાડો ટાંપીને બેઠો હતો; અને આજ લાગ આવ્યો તોય કાં ન સળવળે?
ચંદ્રસેન : કોણ? કોણ બેઠું હતું, રાણી? કોને ટાંપીને?
રેવતી : રાખો, રાખો, વળી છળ આદર્યું? મારીયે ચોરી? બોલો, શા વિચારથી આજ લગી કુમારના વિવાહ અટકાવ્યા? ત્રિચૂડ રાજ્યની અનાર્ય પ્રથાને શા માટે અનુમતિ આપી? પાંચ-પાંચ વરસ થયાં શું કન્યાની ઓળખાણ ચાલે છે? વાહ રે!
ચંદ્રસેન : ધિક્! ચુપ કરો, રાણી, કોઈના વિચારોની બીજાંને શી ખબર પડે?
રેવતી : તો પછી બરાબર સમજી જાવ. કામ કરવું હોય તે જોઈ સાંભળીને કરો. પોતાનો ઇરાદો પોતાનાથી ખાનગી ન રાખો. જે નિશાન પાડવું હોય તે નજરે ચોખ્ખું જોઈ લ્યો. ઈશ્વર આવીને કાંઈ તમારા આંધળુકિયા તીરને નિશાન ઉપર નહીં પહોંચાડી દે. અવસર સમજીને પોતાને હાથે જ ઉપાય કરો. એક તો વાસનાનાં પાપ એકઠાં થઈ રહ્યાં છે, તેમાંય પાછો આવો ઉત્પાત કે ‘કામ બનતું નથી, બનતું નથી!’ કહું છું કે મોકલો કુમારને યુદ્ધમાં.
ચંદ્રસેન : કાશ્મીરની બધી બલા બહાર પડી પડી પરાયાં રાજ્યોમાં પોતાના દાંતનું ઝેર ખાલી કરી રહી છે, એને શું પાછી કાશ્મીરમાં પેસાડવી છે, રાણી?

રેવતી : એની વાત પછી ઘણો વખત રહેશે. અત્યારે તો આ એકને પતાવી નાખો. યુવરાજને ગાદીએ બેસાડવા પ્રજા તલપી રહી છે, એને તો થોડા દિવસ થોભાવ. એટલા વખતમાં શું બનશે તેનો વિચાર પછી કરજો.

[કુમાર પ્રવેશ કરે છે.]

રેવતી : [કુમાર પ્રત્યે] યુદ્ધમાં જા, તારા કાકાનો હુકમ છે. વાર ન લગાડ. વિવાહ કાંઈ ભાગી નહીં જાય. ઘેર બેસી આળસના ઉત્સવ કરી કરીને તાજી જુવાનીનું તેજ ન ગુમાવ.
કુમારસેન : જય થજો, માતા, જય થજો તમારો! અહો, કેવી આનંદની વાત! કાકાબાપુ, હવે આપ પણ રાજીખુશીથી સ્વમુખે આજ્ઞા સંભળાવો!
ચંદ્રસેન : ભલે, જા ત્યારે; પણ જોજે હો બેટા, સાવધાન રહેજે! અભિમાનમાં ઉતાવળ કરી આફતની અંદર જાણીબૂજીને ન ઝંપલાવીશ. મારા આશીર્વાદ છે, દીકરા, કે વિજય કરીને સાજે શરીરે પિતાના સિંહાસને બેસવા વહેલો પાછો આવજે.
કુમાર : માજી, આપની આશિષ માગું છું.
રેવતી : ઠાલી આશિષથી શું વળવાનું હતું? પોતાની રક્ષા તો પોતાની ભુજા જ કરશે.