zoom in zoom out toggle zoom 

< રાજા-રાણી

રાજા-રાણી/ત્રીજો પ્રવેશ2

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રીજો પ્રવેશ

ત્રીજો અંક


         સ્થળ : કાશ્મીર; યુવરાજનો મહેલ. કુમારસેન અને છૂપે વેશે સુમિત્રા.

કુમારસેન : હું કેટલો આતુર છું તે તને કેમ કરી બતાવું, બહેન! પલેપલે મને વ્યથા થાય છે; અબઘડી જ સૈન્ય લઈ એ ફાટેલા લૂંટારાઓને દમવા ને કાશ્મીરનું એ કલંક ટાળવા ચાલી નીકળવાનું મન થાય છે; પણ શું કરું? કાકાનો હજુ હુકમ નથી મળ્યો. છૂપો વેશ કાઢી નાખ, બહેન, અને ચાલો આપણ બેય જઈને કાકાના ચરણમાં પડીએ.
સુમિત્રા : ના, ના, વીરા, એ શું બોલ્યો? હું જાલંધર રાજ્યની મહારાણી શું કાશ્મીર કને ભિક્ષા માગવા આવી છું? ના, હું તો આવી છું મારા ભાઈની પાસે એક બહેનની મર્મવેદના ખોલવા. બાકી તો, ભાઈ, આ ગુપ્ત વેશ મારા હૈયાને બાળી નાખે છે. આજ આટલા દિવસ વીત્યે બાપને આંગણે મારે છૂપાઈને આવવું પડ્યું! બુઢ્ઢા બિચારા શંકરભાઈનું ગળું કેટલી વાર આંસુથી રુંધાઈ ગયું. ધ્રૂસકો મૂકીને બોલવાનું મને કેટલીવાર મન થયું કે ‘શંકર, શંકર, તારી સુમિત્રા બહેન તને આજ મળવા આવી છે!’ અરેરે, શંકર ડોસા, તે દિવસ સાસરે જતી વખતે કેટકેટલાં પાણી મેં પાડેલાં, અને આજે મળતી વખતે એક ટીપુંય ન પાડી શકાયું! કારણ કે હવે હું એકલી કાશ્મીરની કુંવરી નથી રહી, વીરા, હવે તો હું જાલંધરની રાણી બની છું.
કુમારસેન : હું સમજ્યો, બહેન! જાઉં, અને બીજો કોઈ ઇલાજ હોય તો જોઉં.