The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્થળ : ત્રિચૂડ રાજ્યમાં ક્રીડા-ઉદ્યાન. ઇલાની સખીઓ.
પહેલી સખી :
|
રોશની ક્યાં ક્યાં થવાની, બહેન?
|
બીજી :
|
રોશનીની ચિંતા ન કર. રોશની તો બસ એક જ રાત મળવાની. પણ બંસી હજુ કાં ન આવી? બંસી બજ્યા વિના મને લહેર નથી પડતી, બહેન!
|
ત્રીજી :
|
બંસીવાળાને તો ઠેઠ કાશ્મીરથી તેડવા ગયેલ છે. હવે તો આવીયે પહોંચ્યા હશે. હવે ક્યારે બજશે, ભલા?
|
પહેલી :
|
બજશે, બાપુ, બજશે. તારા કર્મમાંયે એક દિવસ બજશે. ધીરી તો થા!
|
ત્રીજી :
|
બળ્યું, બહેન! મનેય બંસીના જ ઉચાટ થયા કરે છે.
|
[પહેલી સખી ગાય છે]
પિયુ આવીને બંસી બજાવશે
- બેની, જોને સાજન ઘેર આવે!
એ તો નાજુક બંસરી લાવશે
- સખી, જો ને સાજન ઘેર આવે!
અંતરની બધી વાત અંતરમાં
શમી જઈને શરમાવશે,
- સખી, જો ને સાજન ઘેર આવે!
આછે અધરે હાસ્ય રેલાવશે
- બેની, જો ને સાજન ઘેર આવે!
નીર ભર્યા એનાં નયન છલકતે
- બેની, જોને સાજન ઘેર આવે!
સ્નેહનાં સુખ અકળાવશે,
- સખી, જો ને સાજન ઘેર આવે!
એને ઉરે અગન સળગાવશે
- બેની જો ને સાજન ઘેર આવે!
બીજી :
|
ગાવું રહેવા દેને, બાપુ! વારે વારે મારા હૈયામાં જાણે બળ્યા જ કરે છે. મનમાં થાય છે કે જાણે રોશની, હાસ્ય-કલ્લોલ અને ગાવું-બજાવવું — બસ, એક જ રાત રહેવાનાં; અને વળતે દિવસથી જ જાણે અંધારાં ઊતરવાનાં.
|
પહેલી :
|
રોવાના દિવસ તો ઘણાય છે, બાપુ, આ બે દિવસ તો નરી આનંદ કરી લે! હું તો, બહેન, જો ફૂલ ન કરમાતાં હોત તો આજથી જ માળા ગૂંથવા માંડત.
|
બીજી :
|
હું વરરાજાનું શયન-ગૃહ શણગારીશ.
|
પહેલી :
|
હું કુંવરીબાને શણગાર સજાવીશ.
|
ત્રીજી :
|
ત્યારે હું શું કરું?
|
પહેલી :
|
અલી, તું પોતે જ શણગાર સજજે. કોને ખબર છે, યુવરાજ કદાચ તારા ઉપર મોહી પડે!
|
ત્રીજી :
|
તું તો, બાપુ, હાંસી જ કર્યા કરવાની ને! તારાથી ન મોહાયા, એ મારા પર તો શે મોહે? અરે! જેણે કુંવરીબાને એક વાર જોયાં હોય, એનું મન તે કદી આડેઅવળે રસ્તે મોહાય? લો, આ આવી બંસી. સાંભળ તો, બંસી બજવા મંડી.
|
[પહેલી સખીનું ગીત]
રે! મીઠી વાંસળી વાગે;
- વનમાં વાગે, એના મનમાં વાગે,
- મીઠી વાંસળી વાગે.
વાય વસંતની લહેર ક્યંહી,
- ક્યંહી ફૂલડાં ડોલે,
કહે રે સખી! રૂડી સ્નેહ-રાતલડીની
- પૂનમ ક્યાં થકી રેલે?
વનમાં રેલે, એના મનમાં રેલે,
- મીઠી વાંસળી વાગે.
જાઉં કે જાઉં ના, લાજી મરું
સખી, લોક શું કે’શે?
હું શું જાણું મારો પ્રીતમ વ્યાકુલ
- ભમતો હશે છાને વેશે?
- વનને દેશે મારા દિલને દેશે
- મીઠી વાંસળી વાગે.
બીજી :
|
અલી, ચુપ; જો, કુમારસેન આવ્યા.
|
ત્રીજી :
|
ચાલો, બહેન, આપણે જરા ઓથે ઊભાં રહીએ. તમને તો કાંઈ નથી થતું, પણ બહેનો, કોણ જાણે શાથી યુવરાજની સમીપે જતાં મને કંઈક થઈ જાય છે.
|
બીજી :
|
પરંતુ આ જયકુમાર એકાએક કવખતે કેમ આવ્યા?
|
પહેલી :
|
અલી ઘેલી, એને તે હવે શું વખત-કવખત હોય? રાજાના પુત્ર થયા એટલે શું મદનરાજ એને એકને જ અણવીંધ્યા છોડશે? ન રહેવાય, બાપુ! ન સહેવાય!
|
[પછવાડે જાય છે. કુમારસેન અને ઇલા પ્રવેશ કરે છે.]
ઇલા :
|
બસ, પ્રભુ, વધુ બોલવાની જરૂર નથી. ‘જરૂરી કામ છે! રાજ્ય છોડીને જવું પડે છે! માટે થોડો સમય વિવાહ ઠેલવા પડે છે!’ બસ? એથી વધુ કંઈ સાંભળવાનું રહે છે?
|
કુમારસેન :
|
સદાય મારા ઉપર એવો જ વિશ્વાસ ધરજો, કુમારી! વિશ્વાસથી જ મનેમન પરસ્પરની વાતો સમજી જશે. અબોલ અંતરની વાતોને વિશ્વાસ જ ખેંચીને બહાર લાવી શકે છે. આ ઉપવનની અંદર, આ ઝરણાને તીરે, આ લતામંડપ તળે, આ સંધ્યાકાળે, પશ્ચિમ આકાશને સીમાડે, એ શુક્ર તારાની સામે જોઈને તમારા પ્રવાસી પતિને યાદ કરતાં રહેજો. અને સંભારજો કે હુંયે સમી સાંજે કોઈ તરુવરને છાંયડે એકલો બેઠો આ એ જ શુક્ર તારાની ઉપર તમારી આંખોના તારલા છવાયેલા જોતો હઈશ. મનમાં કલ્પજો, કુમારી, કે એ નીલ આકાશની અંદર ફૂલોની સુવાસ સરખી આપણ બન્નેની પ્રીતિ પરસ્પર લપેટાઈ રહી છે. સમજજો કે બન્નેની વિરહ-રાત્રી ઉપર એકનો એક જ ચંદ્ર ઉદય પામ્યો છે.
|
ઇલા :
|
જાણું છું, જાણું છું, નાથ! તમારા હૃદયને હું બરાબર સમજું છું. બીજું કાંઈ કહેવું બાકી છે?
|
કુમારસેન :
|
ત્યારે હવે, અયિ અંતરની લક્ષ્મી, જીવનની મર્મમૂર્તિ, અયિ સર્વાધિક સહચરી! હું જાઉં છું.
|
[જાય છે. સખીઓ પ્રવેશ કરે છે.]
બીજી :
|
હાય હાય! આ શું કહેવાય?
|
ત્રીજી :
|
બહેન, જાવા કાં દીધા?
|
પહેલી :
|
એ સારું જ કર્યું. રાજી થઈને રજા ન દીધી હોય તો બધાં બંધનો તોડીને કદાચ સદાને માટે નાસી છૂટે! હાય રે બહેનો, અંતે શું આ ઉત્સવના દીવા બુઝાવાનું જ સરજ્યું હશે!
|
ઇલા :
|
બહેનો, ચુપ કરો, હૃદય તૂટી પડે છે. તોડી નાખો એ દીપમાલાને અને કહો, પેલી નિર્લજ્જ પૂર્ણિમાના દીવાને કોણ ઓલવી નાખશે? આજ કાં એવું લાગે, કે મારા જીવતરનો સૂર્ય પણ આથમતા સૂર્યની સાથોસાથ જ પશ્ચિમે ડૂબી ગયો? મને — ઇલાને — પોતાની છાયા બનાવીને એ અસ્તને પંથે કાં ન લઈ ગયો?
|