રાજેન્દ્ર પટેલની કવિતા/માટલું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. માટલું

માટલું પડ્યું પડ્યું જોયા કરે છે
ઍક્વાગાર્ડ, ફ્રિજ, કિચન,
પ્લૅટફૉર્મ પરની પ્લાસ્ટિકની બૉટલ
અને થરમૉસ
માટલું મીટ માંડીને જાણે બેઠું છે
બાની જેમ!

બાપુજીની ચિતા પત્યે
પાણી ભરેલી માટલી ફોડી
પાછળ જોયા વગર જ ઘેર પાછો ફરેલો.
ફૂટેલી માટલીનું પાણી એમને પહોંચ્યું હશે કે કેમ?
એ ચિંતાએ
સ્મશાન કદી જતું નથી મારામાંથી.

બાના મર્યા પછી મહિને
પાણી ભરીને માટલી મંદિરે મૂકેલી.
પછી એ માટલીમાંથી કોણે પાણી પીધું હશે?
કયા પંખીએ પીને ટહુકો કર્યો હશે? કયું ગીત ગાયું હશે?
જેટલી વાર માટલામાંથી પાણી પીઉં છું એટલી વાર
એ વાત યાદ આવે છે.

વર્ષો વીત્યાં
બાની પાછળ મૂકેલી માટલીનું પાણી
જાણે ખાલી થયું નથી!

એક વાર ટકોરા મારી ખાતરી કરી
બા માટલું લાવેલી.
પૂજા કરી પાણિયારે મૂકેલું
અને પહેલી વાર પાણી ભરેલું
ત્યારે આખેઆખો પહેલો વરસાદ પીધેલો.
હવે ન ટકોરો રહ્યો ન એ સ્વાદ રહ્યો
પણ એ ઝુરાપામાં ઝમતી
રહી છે એક માટલી.

એક માટલું તૂટ્યું.
કોઈ ફૂટપાથ પરના ચૂલાની
કલાડી બનીને રાજ કરવા લાગ્યું.
કલાડી તૂટી ને
છોકરાઓની રમતની વસ્તુ બની ગઈ.
એ પછી મેલ કાઢવાની ઠીકરી બની
ને છેવટે કોઈ બાળકના હાથે
દીવાલ પર લીટી બનીને અદૃશ્ય થતી ગઈ
અદ્દલ બાની જેમ.

માટલું ભરાય, ખાલી થાય.
બુઝારાની જગાએ મૂકેલી નાનકી વાટકી
યાચક બનીને પાણી પીતાં બધાંને
કરુણાથી જોયા કરે અને
અંકે કરે બધાંનો સંતોષ.
માટલું સાવ જ નજીક છતાં ખાલી.
આખો વખત આકાશ પીધા કરે
વાટકી કદીય ખાલી થઈ નથી.

માટલું એ જોઈ
નિતનવું માટલું બનતું રહે.

માટલું મસ્તીથી માટી જોડે
રહે રમમાણ.
પાણી, આકાશ એનાં સદાનાં સાથી
પવન એનું પાણી પીએ ત્યારે એને
ટાઢકનો ઉમળકો થાય.

પાણી ભરાવાનો અને ખાલી થવાનો અવાજ
એને હંમેશાં જાગતું રાખે.
મૌનનો મહિમા કરતું એ ચૂપચાપ બેસી રહે
જાણે બેઠું હોય કાળ કાંઠે.

માટલું કદીય ખાલી થતું નથી
એ જેમ જેમ ખાલી થાય છે
એમ એમ ભરાય છે
અજ્ઞાત અવકાશથી
અને
જેમ જેમ ભરાય છે
એમ એમ ખાલી થાય
એની અંદરનો અંધકાર.

જળ ને માટી બન્ને છે
માટલાની ડાબી ને જમણી આંખો.
સતત નીરખે
ખાલી થવું ને ભરાવું
અને છતાં
હંમેશાં ભર્યાભર્યા રહેવું.
સૌને માટે.

માટલું ડૂબેલું હોય છે જળમાં
અને જળ ડૂબેલું હોય છે માટલામાં
માથે, કેડે, પાણિયારે કે પરબે
જાણે એ રહેતું હોય સદા
કોઈક અજાણ્યા નિભાડામાં!

માટલું ઘણી વાર મમળાવે છે
માટીનું ગૂંદાવું
ચાકડા પરનું ઘૂમરાવું
નિભાડે તપવું
પછી ટકોરાબંધ થઈને
નીકળી પડવું
કોઈ ઘરે, કોઈક પરબે
અને પછી તૂટી જવું
ફરી ફરીને બનવા
વધુ ટકોરાબંધ, એક માટલું.

માટલું ભલે માટીનું રહ્યું
પણ મેલું નથી
ટિપાઈ ટિપાઈને સ્થિર થાય છે
તપી તપીને ઠંડું થાય છે
ને રાહ જોઈ જોઈને
સભર થાય છે
એટલે એ
ન રહે ત્યારે પણ રહે છે.

ફ્રિજ ખોલી
પ્લાસ્ટિકની બૉટલથી સીધું પાણી પીતી
દીકરીને
એવી રીતે જોઈ રહું
જેમ એક કાળે
માટલું મને જોઈ રહેતું હતું.