રાજેન્દ્ર પટેલની કવિતા/વાવાઝોડાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૧. વાવાઝોડાં

ઓચિંતાં વારંવાર,
શાંત સરોવરના જળને ડહોળી નાખતાં,
વણનોતર્યાં.
આ વા-વંટોળ ને વાવાઝોડાં,
કેમ ખાબકે છે અવારનવાર!

નિદ્રામધ્યે,
સપનાંનાં વાવાઝોડાં બહુ ના ચાલે,
આંખ ખૂલતાં અદૃશ્ય,
બહારનાંય એકાદ રાતદિવસ ધસી ધસીને થાકે.

પણ અંદરના અંધકારનાં,
આ વાવાઝોડાં તો,
ધસે રાખે દિવસોના દિવસો,
ને હજાર હજાર અશ્વની ખરીઓ નીચે,
ચગદાતાં ધમરોળતાં અસંખ્ય શ્વાસ,
ચિત્કાર પણ કરી શકતાં નથી.
બહારનાં વાવાઝોડાં તો ઠીક,
આ ન દેખાતાં વધુ ભયાનક!

કહેવાય છે,
આ વાવાઝોડાંમાં,
જે નમે છે એ બચે,
પણ પછી તે સદા ઝૂકેલાં રહે છે.
ટટાર બધાં તૂટી જાય છે,
પણ
જે મૂળને પકડીને રાખે છે મજબૂત,
એ જ કાયમ ટકે છે.

ઘેઘૂર વૃક્ષો ધરાશાયી થાય છે,
ઊંચા બટકાઈ જાય છે,
પણ જે ડાળીઓએ પકડી રાખ્યાં હોય છે,
પોતાનાં મૂળ,
તે જ રહે છે યથાવત,
આ વાવાઝોડાંમાં.

એટલે શું,
મૂળની મમત રાખતા,
કુદરતના દેવદૂતો સામટા,
વાવાઝોડાંનો સ્વાંગ રચીને!
તે અતિ તીવ્રતાથી ડહોળી નાખે છે,
શાંત સરોવરનાં જળ!*[1]

આ વાવાઝોડાં આવે છે, એમ જ ચાલીયે જાય છે,
એકાએક,
બધું વેરણછેરણ કરીને,
તોય, કેમ ઊંડે ઊંડે ગમે છે આ વાવાઝોડાં!

  1. * નર્મદને યાદ કરતાં કરતાં