રાજેન્દ્ર પટેલની કવિતા/કાઢી નાખેલું ટાયર
જોકે એ ખૂબ ચાલેલું
ઉબડખાબડ રસ્તાઓ પર
ખાડા ટેકરાઓ વચ્ચે,
બધા આઘાત ઝીલતું ઝીલતું
નિર્વિઘ્ન રાખતું રહ્યું
બધાય પ્રવાસો....
પથ્થરિયા રસ્તે પણ
એણે સાચવ્યું હતું
સમતોલન બરોબર.
એક વાર ખીલી ભોંકાયેલી તોય
ચાલ્યું હતું મક્કમપણે માઈલોના માઈલ...
છતાં કાઢી નંખાયા પછી આ ટાયર
પડ્યું છે સાવ ઉપેક્ષિત
ધૂળિયા રસ્તાના એક ખૂણે,
નનામી પર મૂકેલા કોઈ અજાણ્યા વૃદ્ધની જેમ...
માલિકને ઉતાવળ છે તેનો ઝટ નિકાલ લાવવાની
પણ આજકાલ પસ્તીવાળાય કશો ભાવ આપતા નથી.
ક્યારેક કોઈ એની પર બેસી
ઘડીભર વિસામો લે
ત્યારે એ ભૂલી જતું
કે એ ત્યજાયેલું નકામું એક ટાયર છે.
એક તો વાને એ સાવ કાળું
સૌ કોઈને હવે સાવ નડતું.
વનસ્પતિ પ્રેમીજનો કહેતાં
‘એને કાપી નાના ટુકડા કરી
અંદર વેલ ઉગાડો’
કોઈ વળી એને
બાળકો માટે ઝૂલો બનાવવા સૂચન કરતું.
એ બધું થવા દેવા તૈયાર હતું
માત્ર પસ્તીવાળાને ત્યાં જવા એ
ઇચ્છતું ન હતું.
—પણ અંતે
એની નિયતિ
પસ્તીવાળાની પાસે જ જવાની હતી.
એ ક્યાંથી આવ્યું
કઈ રીતે આવ્યું
ક્યાં ગયું
તેનું શું થયું
એની કોઈને કંઈ જ ખબર નથી.
૦
હવે એ પ્રાણરક્ષક ક્યાં હશે?
એના વિચારમાં
હંમેશાં હું
ગાડી ધીરે ચલાવું છું.