રા’ ગંગાજળિયો/૧૮. ગુજરાતના દરવેશો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૮. ગુજરાતના દરવેશો

“અફસોસની બાત છે આ બધી, સોરઠરાજ!” દાતારના તકિયાની એક પર્ણકુટિમાં એકાદ વર્ષ પછી સાંઈ જમિયલશા રા’ માંડળિકની સાથે વાતો કરતા હતા. “તમારા જતિજોગંદરો અને દેવસ્થાનાંના રખેવાળોની જ્યારે આ હાલત સુણું છું, ત્યારે ગુજરાતના અમારા સૈયદો-દરવેશોના એથી ઊલટા જ વર્તાવની વાતો મુસાફિર ફકીરો મારે કાને લાવે છે. એ ધર્મપુરુષો ધર્મની બરદાસ્ત કરતા કરતા પણ દુન્યવી ડહાપણનો દોર ચૂકતા નથી. તમે સાંભળ્યું ને? આખરે માળવાના સુલતાન મુહુમ્મુદ ખીલજીને ગુજરાત પરથી હાથ ઉઠાવી લઈને ભાગી જવું પડ્યું છે. ભાગતાં ભાગતાં એને કબૂલ કરવું પડ્યું છે કે ગુજરાતના સુલતાનની પાસે બે લશ્કરો છે : એક લશ્કર હથિયારથી દિવસે લડે છે, ને બીજું લશ્કર રાત્રિએ દુવાઓ તેમ જ બંદગીઓથી લડતું લડતું જ ગુજરાતના સુલતાનની સત્તાને મજબૂત રાખે છે. એ લશ્કર એટલે અમારા સૈયદો, સાંઈઓ, દરવેશો, ધર્મપુરુષો.” “અમારે તો હિંદુ દરવેશોના બે જ વિભાગ છે : એક ઈશ્વરોપાસનામાં તલ્લીન એકાંતવાસીઓ, ને બીજા દેવસ્થાનાંની દુકાનદારી કરતા વૈભવપ્રેમીઓ.” રા’એ દાતાર જમિયલશાને કહ્યું. “અમારામાં પણ આપમતલબીઓ ને ટૂંકબુદ્ધિવાળા નથી એમ ક્યાં છે, રા’? પણ તેમની સામે લાંબી નજર પહોંચાડનાર સુજાણો પણ સવાયા સમરથ પડ્યા છે. આ જુઓ અમારા સાંઈ શેખ કમાલ : અમદાવાદ શહેરના એ આલિમ કાંઈ કમ વિદ્વાન હતા! પણ કેવી ખોટ ખાઈ બેઠા! માળવાનો સુલતાન મુહુમ્મુદ ખીલજી અમારા શેખ કમાલનો જૂના વખતનો દોસ્ત : માળવાથી એ મુહુમ્મુદ ખીલજી શેખ કમાલના તકિયામાં ભેટસોગાદો મોકલ્યા કરે : મતલબ? મતલબ એક, કે શેખજી! ગુજરાતની સુલતાનિયત મારા નામે થાય તેવી બંદગીઓ કરો, તેવાં તાવીજો વગેરે કરો, તો હું ફકીરોની સેવા કાજે મોટો મઠ બંધાવીશ ને તેના ખર્ચ માટે વાર્ષિક ત્રણ કરોડ તંકા(રૂપિયા)ની જિવાઈ મુકરર કરી આપીશ. આવા સંદેશાની સાથે એણે શેખ કમાલ પર પાંચસો સોનાની દીનારો (સિક્કા) પણ મોકલી આપી. શેખ કમાલ એમાં લપટાઈ પડ્યા. એણે કુરાનને દીનારોની પેટી બનાવી. હવે જો ગુજરાતનો મરહૂમ સુલતાન મહમદશા મૂર્ખ ન હોત તો એ વાતની છેડતી કર્યા વગર પોતાનું કામ કર્યે જાત. તેને બદલે ગુજરાતના એ બેવકૂફ સુલતાને શેખ કમાલની એ દીનારો છીનવી લઈ પોતાના ખજાનામાં મૂકી. પરિણામે શેખ કમાલની કદુવા તો વધુ જોરશોરથી શરૂ થઈ, કે મને સતાવનારનું સત્યાનાશ જજો ને માળવાવાળા મુહુમ્મુદ ખીલજીને ગુજરાત મળજો! એકલા ઇલ્મી હોવાનો આ બૂરો અંજામ : કે ફકીર પોતાનું પોતાપણું ભૂલી ગયો. ને એણે માળવાવાળા એ દોસ્તને ખાતર ખુદાના દરબારમાં ગુજરાતનું સત્યાનાશ માગ્યું.” “તમારા ધર્મપુરુષોમાં પણ આવી બાબત?” રા’એ અચંબો બતાવ્યો. “બાબા! ઇન્સાન તો તમારામાં ને અમારામાં બધેય એક જ છે. તમારા બ્રાહ્મણો મારણના જાપ કરે, અમારા દરવેશો પણ એકના ભલાના ને બીજાના બૂરાના રોજા રહે છે. ફરક એટલો જ છે અત્યારે તો, કે અમારામાં જે સુજાન પુરુષો છે તે આવી દુન્યવી બાબતોથી નફરત રાખીને દૂર પહાડો-ટાપુઓમાં નથી બેસી જતા. માળવાનો મુહુમ્મુદ ખીલજી માર માર કૂચ કરતો આવે છે, ગુજરાતનો અમારો સુલતાન ફોશીપણું બતાવે છે, બેબાકળો બનીને પોતાના વાણિયા કારભારીની સલાહ માગે છે. વાણિયાભાઈ એને તમામ ખજાના સાથે વહાણમાં બેસી જઈ માછલીઓના શિકારે સમુદ્રપાર નીકળી જવા સલાહ આપે છે, તે વખતે અમારો એક સૈયદ સમશેર ખેંચી ખડો થાય છે. એ બાયલા સુલતાનના બેટા કુતુબશાહને છેક નડિયાદ જઈ પડકારી લાવે છે, એ શાહજાદા કુતુબશાહને હાથે જ સુલતાન બાપ મહમદશાના જીવનરૂપ પ્યાલામાં મૌતરૂપ ઔષધ રેડાય છે…” “ફરી પાછો બાપને બેટાએ જ માર્યો! એ વાત મેં સાંભળી હતી. ગુજરાતના સુલતાનનું તો વંશપરંપરા બસ આમ જ થતું આવે છે.” રા’ હસ્યો. એમાં છૂપો આનંદ હતો. “હસી કાઢવા જેવી વાત નથી.” સાંઈ જમિયલશા બોલ્યા, “એટલી નિષ્ઠુરતા વગર રાજ સમાલવાની બધી જ તકેદારી મારી જાય છે. તમે મુસ્લિમોને ચાહે તેટલા રૂઢિગુલામ કહો, સિર્ફ અંધશ્રદ્ધાળુ કહો, પણ ખરાખરીની પલે તેઓ વ્યવહાર ભજવી જાણે છે. બાત આગળ સુણો. એ શાહજાદો કુતુબશા બાપના ખૂનભીના તખ્ત પર બેસી ગયો, ફોજની જમાવટમાં લાગી પડ્યો, છતાં તેણે દરવેશોની મદદ તો સાથોસાથ મેળવી.” “મેં પણ જાણ્યું છે, કે અમદાવાદના આપના હજરત શાહઆલમે નવા સુલતાનને ખુદ પોતાની જ દૈવી તલવાર આપી હતી, ને મંત્રેલું તીર ચડાવી માળવા-શાહને માર્યું હતું તેથી તેની ફતેહ થઈ.” “નહીં, નહીં, આપને ખબર નથી. અમારા દરવેશો સીધેસીધા સમશેરની શક્તિ ખરચી નાખતા નથી. સમશેરનો વારો તો સમજાવટના સર્વ ઇલાજો ખૂટી ગયા પછી આવે છે. સુણો હિંદવા શાહ, પયગંબરના વંશજ અમારા સૈયદ કુતબુલે—એટલે કે હજરત શાહઆલમના પિતાએ—શું કર્યું? એણે તો એક દરવેશની રીતે કામ લીધું. માળવા-સુલતાનને લઈ આવનાર શેખ કમાલની જ બૂરી બુદ્ધિને ઠેકાણે લાવવા એણે પોતાના બેટા આ હજરત શાહઆલમને સુલેહના સંદેશાનો કાસદ કરી મોકલ્યો. કહ્યું કે ‘બાબા! જઈને વીનવો શેખ કમાલને, કે તમને ગેરઇન્સાફ કરનારો સુલતાન હયાતીમાંથી ઊખડી ગયો છે, તો હવે માળવાના ખૂની પંજામાં ગુજરાતને કાં મૂકશો? અપરાધ ક્ષમા કરો, ગુસ્સો શમાવો, ને કુરાનેશરીફના બોલ વિચારો કે ક્ષમામાં જે લહેજ્જત છે તે વૈરમાં નથી.’ “પણ શેખ કમાલે આ સંદેશાને ધુતકારી કાઢ્યો. ‘ગુજરાતનું રાજ તો માળવાને નામે જ મેં ખુદાને ચોપડે મંડાવી દીધું છે’, એવો એનો જવાબ લઈને શાહઆલમ પાછા આવ્યા. પુત્રને પિતાએ કહ્યું, ‘બેટા, ફરીથી જાઓ ને ચરણે ઝૂકી શેખજીને વીનવો કે ગુસ્સો શમાવો, ખુદા શાંતિનો ચાહનાર છે તેના તરફ નજર રાખો; માળવાની સત્તા ભારી ક્રૂર છે. ગરીબડા ગુજરાતી લોકો એનું નામ પડતાં જ ઉચાળા ભરી નાસી રહ્યા છે. તેમનો બાપડાનો શો ગુનો છે? તમને સતાવનારો સુલતાન તો મરી ગયો, હવે નવા સુલતાન કુતુબશાહનો શો ગુનો? ને પાક શાયર ફિરદૌસીના બોલને યાદ કરો, શેખજી, કે એક જ દાણો ખાનાર કીડીને પણ તું ઈજા આપીશ નહીં, કારણ કે તેને પણ જીવ છે, ને તેને જીવ પ્યારો છે.’ “આ બધી જ કાકલૂદીનો જ્યારે એ પોતાની મારણ-શક્તિનો મદ ધરાવનાર વિદ્વાન શેખ કમાલે હુંકારમાં ને નકારમાં જ જવાબ વાળ્યો, ને એમ કહ્યું કે, ‘મેં સાત સાત વર્ષો સુધી રોજા રહી, ખુદાને બંદગી કરી ગુજરાતનો મુલક માળવાના સુલતાનને નામે ચડાવી દીધો છે; ને આ કાંઈ છોકરાંની રમત નથી, ને હવે તો એક વાર છૂટેલું તીર પાછું ન વળે’, ત્યારે પણ ફરી પાછી હજરત કુતબુલે પોતાના પુત્ર હજરત શાહઆલમ સાથે વિષ્ટિ મોકલી કે, ‘સંતપુરુષોનું ઈશ્વરીબળ તો છૂટેલા તીરને પણ પાછું બોલાવી શકે છે’, તેનો પણ શેખ કમાલે ગુમાની જવાબ વાળ્યો.” “હા, મેં સાંભળ્યું છે કે એ શેખ કમાલે અંતરીક્ષમાં ઊંચા હાથ કરી એક કિરમજી રંગનો કાગળ પેદા કર્યો ને તેમાં લખેલું બતાવ્યું કે ગુજરાત માળવાના ખીલજીને નામે ચડી ચૂકી છે.” રા’ વચ્ચે બોલી ઊઠ્યા. “એ તો બધી મારી અક્કલની બહારની વાતો છે, મહારાજ!” વૃદ્ધ જમિયલશાએ સહેજ જ મોં મલકાવી લીધું : “પણ મુદ્દાની બાત તો આ છે, કે શેખ કમાલનો આવો જવાબ મળ્યા પછી હજરત કુતબુલે જોયું કે આ ધર્મી પુરુષના કોપથી રાજપલટો થશે એવો વહેમી ભય ગુજરાતમાં ગભરાટ ફેલાવી ચૂક્યો છે, ત્રાસની હવા ફેલાઈ ગઈ છે, લોકો માલમતા ભરીને વતન છોડી રહેલ છે, અને ઘેર ઘેર ઘોર કતલની આગાહીથી થરેરાટી છૂટી ગઈ છે, ત્યારે એણે લાઇલાજીથી નવા સુલતાન કુતુબશાહને લડાઈ ખેલવાની સલાહ દીધી. અને લોકોમાં તેમ જ લડવૈયાઓમાં મર્દાઈ અને ઇતબાર પૂરવા માટે પોતાના એ જ બેટા હજરત શાહઆલમને શસ્ત્રો સજાવી ગુજરાતની ફોજ સાથે મોકલ્યો. ગુજરાતની એ ચમકી ઊઠેલી તાકાત સામે ટક્કર ન ઝીલી શકનાર માળવાનો મુહુમ્મુદ ખીલજી હાથ ખંખેરીને ચાલ્યો ગયો છે.” “ત્યારે તો માળવા અને ગુજરાતની બેઉ મુસ્લિમ સુલતાનિયતો વચ્ચે સદાનું વૈર ચાલશે.” એવો ઉદ્ગાર કાઢતાં રા’ના મોં ઉપર એક હળવો આનંદ વિલસી રહ્યો. “ત્યાં પણ તમારી ભૂલ થાય છે, હિંદવા પાદશા.” દરવેશ જમિયલે પોતાની લાગણી સુખની છે કે દુ:ખની એ ન કળાઈ જાય તેવી અદાથી જવાબ દીધો : “મુસ્લિમોની ખૂબી જ એ છે. તમે જાણીને દંગ ન થજો, કે માળવા-ગુજરાત બેઉ અત્યારે એકસંપી કરી રહેલ છે. આપસમાં લડ્યા પછી તેમને દરવેશોની સલાહ સાચી લાગી છે, કે બેની લડાઈમાં ત્રીજાને ફાવટ થઈ છે.” “ત્રીજા કોને?” “રાજપૂત રિયાસતોને : ચિતોડના રાવ કુંભાને, ઈડરને વગેરેને. એટલા માટે બેઉ એકત્ર થાય છે. સંપ કરી ચિતોડ પર ધસી રહ્યા છે.” રા’ ખસિયાણા પડ્યા. સાંઈએ ટકોર કરી : “હું તો કોઈનો પક્ષ લીધા વગર, જે હકીકત છે તે જ આપની પાસે મૂકી રહ્યો છું.” “મને કાંઈ સલાહ?” ચિતોડ સમા સમર્થના ભુક્કા થવાના છે એ ભયે રા’એ સહેજ ઝાંખા બની પૂછ્યું. “કંઈ સૂઝતું નથી, રા’! અલ્લાહ! અલ્લાહ! અલ્લાહ!” એટલું ઉચ્ચારીને જમિયલશાએ આંખો પર પંજો ફેરવ્યો ને કહ્યું, “આ તો કાળનું ચક્ર ફરે છે. ઉપર આવેલા ભાગ નીચે જવા જ નિર્માયેલ છે.” એ મુલાકાત પૂરી થયે રા’ પાછા ઉપરકોટ આવ્યા ત્યારે એની સામે એક ચક્ર ફરતું દેખાયું, ગિરનારનાં શૃંગો પડતાં સંભળાયાં ને એનો જીવ ઝોલે ચડ્યો : “મુસ્લિમ સુલતાનો માંહોમાંહ મરી ખૂટશે એ આશા જૂઠી પડી છે. રાજપૂતો, બ્રાહ્મણો ને શૂદ્રો એકત્ર બનશે એ વાત પણ વ્યર્થ નીવડી છે. હિંદુવટ અંદરથી જ સડી જઈને ખોખરી બની છે. કોઈ ત્રાહિતને શો દોષ દેવો? પણ-પણ-પણ હું શા માટે ગાડા નીચેનું કૂતરું બની રહ્યો છું! જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે…”