રા’ ગંગાજળિયો/૨૯. ‘હું શૂદ્ર છું’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૯. ‘હું શૂદ્ર છું’

મોણિયાથી પાછા ફરતા રા’એ પરબારો ઘોડો ગીરમાં દોંણગઢડા પર હાંક્યો. એના મનની અણફળી લાલસાઓ ‘મારું! કાપું!’ કરતી હતી. પોતાની જ વ્યાકુળતાના પડછાયા એને માર્ગે પડતા ગયા, ને ગીરમાં જઈ, કુંતાદે અને હમીરજીના ભીલબાળકની ચેષ્ટા જોતાં વાર જ ગીરને સળગાવી મૂકવી, એવો મનસૂબો એનામાં ઊઠતો ગયો. સૂર્ય ઊંચામાં ઊંચી આભ-ટોચે ચડીને ઊતરતો જાય છે તેના પ્રત્યે એનું ધ્યાન નહોતું. બળબળતી ગુજરાતમાં ફક્ત પોતાને આંગણે જ ખળખળતાં ઝરણાં; વેરાન ગુજરાતમાં કેવળ જૂનાગઢને જ ઘેરે નીલાછમ બગીચા, લચકતી કેરીઓ, ઝળૂંબતાં ગીર-ઝાડવાં, કોઈ કરતાં કોઈ તરફ એ જોતો નહોતો. રોષની રક્તજ્વાલા એની કેડી પાડતી આગળ ચાલતી હતી. એનો રસાલો દ્રોણેશ્વરની ઝાડીના ઉંબરામાં આવ્યો કે ડમરુ ને ડાકના ઘોષ કાને પડ્યા. ઢોલ ને પંપૂડાં વનરાઈને ગજવી રહ્યાં છે. “શું છે આ બધું?” એણે ભીલોને પૂછ્યું. “અમારો મુખી પરણ્યો છે. એને પરણાવવા જૂનાગઢથી રાજમાતા આવેલ છે. અમારા મુખીનાં બોન આવેલ છે.” ભીલો વગર ઓળખાણે એને વટેમાર્ગુ રાજપુરુષ જાણી મધમાં પાણી મેળવીને શરબત પાવા લાગ્યા. “પીઓ, પીઓ, અમારો મુખી પરણ્યો છે. પીઓ!” “કોને પરણ્યો?” “ભીલ વળી કોને પરણે? ભીલડીને જ તો!” એક છોકરીએ મરડાઈને કહ્યું : “ઘણોય અમારો આગેવાન રા’નો સાળો થવા ગ્યો’તો, તે ભૂંઠો પડીને પાછો ભાગી આવ્યો. ભીલ તો ભીલને જ પરણે, ભીલ શા સાટુ રાજકુંવરીને પરણે? કેદી થવા સાટુ? બાયડી ને ભાયડા વચ્ચે વહેમ ને વેરના ઝાટકા ઉડાડવા સારુ?” “બોલકી થા મા, બોલકી.” મધના પાણીના ઘડા લઈ ઊભેલા એ છોકરીના વડીલોએ એને ટપારી. “ખોટું કહું છું?” છોકરી જુવાન હતી એટલે તોરમાં ને તોરમાં બોલી ગઈ : “આપણા મુખીનાં બોન મુખીને નોતાં કે’તાં?—ભીલડીને પરણજે; રાજકુંવરી સામેથી વરમાળા રોપવા આવે તોય ના કહેજે.” ઘોડેસવારો આગળ નીકળી ગયા. ને પાછળ ભીલડાં અવાજ મોકળા મૂકી મૂકીને વાતોએ ચડ્યાં. એ વાતો ઠંડી વનરાઈમાં દૂર દૂર સુધી પથરાતી હતી. “રાણીબોન હવે જૂનેગઢ જવાનાં નથી.” “કેમ?” “એનો ધણી છે ને રા’, એમાંથી ધરમ જાતો રિયો છે. રાણીબોનને માથે વે’માય છે.” “આપણે તો વે’માયીં કે તરત કડકડતા તેલના કડામાં હાથ બોળાવીયેં. બોળાવેને રાણીબોનનો હાથ.” “તો પેલો રા’ જ બોળે ને!” “એથી તો ન પોસાય તો નોખાં જ નો પડી જાય? આપણે કેમ નોખાં પડીને પોતપોતાના મારગ લઈ લઈયેં છયેં.” “રાજવળામાં એમ ન થાય. ઈ તો માંઈ ને માંઈ થાળીમાં ઝેર ખવરાવીને મારે; કાં ભોંમાં ભંડારી દ્યે.” માંડળિકના કાન આ વાતોને ઝીલતા ગયા. આજે ન ઓળખાય તેવા ઊતરી ગયેલા રા’ છેક ભીલકુમારના રહેઠાણ પર પહોંચી ગયા. ભીલકુમારે બહાર નીકળીને રા’ને વંદન કર્યું. “ક્યાં છે કુંતાદે?” રાએ પૂછ્યું. “જૂનાગઢ ચાલ્યાં ગયાં છે. હું પણ આવવાનો જ હતો.” “ચાલો.” “ના. હવે તો જે વાત કહી દેવા ત્યાં આવતો હતો તે આંહીં જ કહી દઉં, રા’ માંડળિક, કે હું શૂદ્ર છું. હું ક્ષત્રિય નથી, રાજપૂત નથી, હું શૂદ્ર છું, ભીલ છું.” બોલતી વખત ભીલ જુવાનનાં નેત્રોમાં રાતા હીરના દોરિયા ફૂટતા હતા. “હું રાજનો બાળ નથી. મારો બાપ હમીરજી જ્યારે મોતને પંથે હતો ત્યારે એ રાજકુમાર મટી ગયો હતો, ક્ષત્રિય મટી ગયો હતો, આંહીં આવીને શૂદ્ર બની રહ્યો હતો. હું પણ શૂદ્ર છું. ને દેવ દોણેશ્વર પાસે મેં માગી લીધું છે, કે મારી ઓલાદ જંગલોમાં મધ પાડીને પેટ ભરજો, પહોડામાંથી લાકડાં વાઢજો, ને ધરતી પેટ ન પૂરે ત્યારે દરિયાને શરણે જઈ માછલાં ઉપર જીવજો! પણ વેળાસર વીસરી જજો કે એના કોઈ વડવાનું કુળ રાજવળું હતું.” “કેમ?” “મેં ધરાઈ ધરાઈને રાજવળાનું સગપણ માણ્યું છે. ગંગાજળિયા રા’, રાજવળામાં થાળીમાં જ ઝેર અપાય છે એમ નથી; હેતપ્રીતની લાગણીમાંય હળાહળ રેડાય છે. ” “ઠીક. મારો મુલક એક મહિનામાં છોડી જાજો હવે.” “તમે ઊભા રહો, મહારાજ!” એમ કહી એણે પોતાના ઝૂંપડાના ચોગાનમાં ઝાડને થડે જે મોટો ઢોલ બાંધેલો તે પર દાંડી પીટી ને રા’ને કહ્યું : “બીક રાખશો મા, હો રાજા! તમે શૂદ્રને ઘેર પરોણા છો, માટે સલામત છો.” એમ વાત કહે છે ત્યાં તો જાણે ગીરમાં ઉપરાઉપરી સેંકડો ઢોલ વગડ્યા. ઢોલના ઢબૂકાર આઘે આઘે ચાલ્યા ગયા ને ભીલની વસ્તીની કતાર પર કતાર ઊભરાઈ. સૌને એણે સંભળાવ્યું : “ગીર ખાલી કરો. કશું લેવા ન રોકાજો. દીવ-કોડીનાર તરફ.” એટલા શબ્દ સાથે તો કતાર પછી કતાર એમ ને એમ ગીરની બહાર ચાલતી થઈ. તેઓ નાગાંપૂગાં નીકળ્યાં. પુરુષો સ્ત્રીઓને ખબર દેવા ન રોકાયા. સ્ત્રીઓ પોતાનાં બાળકો આડાંઅવળાં ગયાં હતાં તેની શોધ કરવા ન થંભી. સૌ જે હાથમાં આવ્યું તે લેતાં લેતાં નીકળ્યાં. તેમણે લીધાં હતાં ફક્ત તીર ને કામઠાં. તેમની નજર, પાછળ સૂનાં પડતાં ઘરની સામે પણ ઠરતી નહોતી. તેઓ ફક્ત સન્મુખ જોતાં જ શીખ્યાં હતાં. ભીલકુમાર ચુપચાપ ઊભો હતો. ઊભાં ઊભાં એના હાથ સૌને દિશા દેખાડતા હતા. આગળ ગયેલાં માબાપોનાં પાછળ રહેનારાં બાળકોને પણ પાછળ આવનારા ઉપાડતા જતા હતા. ગીરનું ભીલ-રહેઠાણ જોતજોતામાં ઉજ્જડ બન્યું અને છેલ્લે ચાલ્યા આવતા એક નાના બાળકને ખંધોલે ઊંચકીને ભીલકુમારે રા’ની સામે સીનો બતાવ્યો. એણે જરીક નીચે ઝૂકીને કહ્યું, “જે સોમનાથ! જૂનાના ધણી, શૂદ્ર છું, ને શૂદ્ર જ રહીશ. પણ તમે ગંગાજળિયા, તમે લડથડીને કોણ જાણે કઈ ખીણમાં જઈ પડશો!” તમામ હિજરતીઓની હરોળમાં એ ચાલી નીકળ્યો. એના માથાનાં મોરપિચ્છનો ગુચ્છ ઝૂલતો જાય છે. બરડા ઉપર બાંધેલ ભાથાનાં તીરનાં ફળાં (લોઢાની અણીઓ) આથમતા સૂરજની રતાશ પી રહ્યાં છે. પારકું ભીલબાળક એના ખંધોલા ઉપર ઢળીને નીંદરમાં પડે છે. “તૈયારી કરીને બેઠાં હશે!” એમ કહેતે રા’એ ઝૂંપડાં તપાસ્યાં : કોઈ ઠેકાણે સૂપડામાં અધસોયેલા દાણા પડ્યા હતા; કોઈ ઠેકાણે ચૂલા પર આંધણની હાંડી ઊકળતી હતી; કોઈ ઠેકાણે ચૂલો પેટાવવાની તૈયારી હતી; કોઈ ઠેકાણે ઘંટીના થાળામાં લોટ પણ પડ્યો હતો. અને એક ઠેકાણે એક છીપર પર અધવાટેલી મેંદીનો લોંદો પડ્યો હતો. પૂર્વતૈયારીનું ત્યાં કોઈ ચિહ્ન નહોતું. “અરે આ તો હજુ ગીરમાંથી લોક હાલ્યું જ જાય છે.” જૂનાગઢ તરફ ઘોડા હંકારતા રા’ની નજરમાં માણસો માતાં નહોતાં. એને દેખીને લોકો દૂર ચાલતાં હતાં. ને આખી વાટે ગામડે ગામડે એને નીકળતો જોઈ સ્ત્રીઓ મોં ફેરવી જતી હતી. મોણિયાવાળો બનાવ પાંખો કરીને મુલકને ઘેર ઘેર કહી આવ્યો હતો. નાગબાઈની ધા ગામેગામ સંભળાઈ હતી. આઈ નાગબાઈ હેમાળો ગળવા હાલ્યાં છે તેને બની શકે તો રોકવા, તેને પગે પડવા, તેની આશિષ લેવા, મુલક ઊમટીને મોણિયા તરફ જાય છે. ચાલ્યા જતાં આ માનવીઓ બોલે છે : “ગંગાજળિયો આપણો રા’ ગોઝારો બન્યો. એણે આઈને પણ દૂભવ્યાં. એણે કોઈને ન છોડ્યાં.”