લઘુ સિદ્ધાન્તવહી/કેન્દ્રચ્યુતિની વિભાવના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯

કેન્દ્રચ્યુતિની વિભાવના

સાહિત્યનો સૌન્દર્યાનુભવ હજી વણઊકલ્યો રહ્યો છે. ભારતીય સાહિત્યવિવેચનમાં અભિનવગુપ્તે એને આદર્શ-તત્ત્વની પરિધિમાં મૂક્યો હોવા છતાં અને પ્લેટો-ઍરિસ્ટોટલે એને ઉચિત સવાલોની પરિધિમાં ખેંચ્યો હોવા છતાં એનો ઊહાપોહ આજદિન સુધી ચાલુ રહ્યો છે. કદાચ સાહિત્યના સૌન્દર્યાનુભવને વર્ણવવાની અને સમજવાની મથામણ જ સાહિત્યવિવેચનનું લક્ષ્ય રહી છે. જુદી જુદી સાહિત્યવિવેચનની પરંપરાઓમાં સમાન્તર વહેતા આવા પ્રયત્નોને તુલનાની ભૂમિકા પર જોવાનો ઉદ્યમ પણ રસપ્રદ છે. ઈલેન સ્કેરી (Elaine Scarry)નું પુસ્તક ‘ઑન બ્યૂટી ઍન્ડ બીઇંગ જસ્ટ’ (પ્રિન્સ્ટન યુનિવર્સિટી પ્રેસ) સૌન્દર્યાનુભવની ચર્ચા કરતાં જે કેટલાક મુદ્દાઓ ઊભા કરે છે, એમાંના કેટલાક રસપ્રદ છે અને કેટલાક ભારતીય રસવિચારને નિકટ રાખીને જોઈ શકાય તેવા છે. ઈલેનની માન્યતા છે કે સૌન્દર્યાનુભવ કેવળ માનસિક નથી, શારીરિક પણ છે. એટલે કે મન અને શરીરની વચ્ચેના સરહદનો છે. ઇલેન આ સંદર્ભે એ.ઈ. હાઉસમનનો અનુભવ ટાંકે છે. કહે છે કે વાંચતી વેળાએ ત્વચા પર અસર થાય અને એ અસરને પરિણામે દાઢી કરવામાં મુશ્કેલી પડે ત્યારે હાઉસમનને લાગતું કે એણે કોઈ અદ્ભુત કવિતાનો સામનો કર્યો છે. ઈલેનનું માનવું છે કે સુન્દર રચનામાં આપણને જગાડી દેનારાં નાનાં નાનાં આહ્વાનો (small wakeup calls) પડેલાં હોય છે. આ આહ્વાનો જાણે કે જમીનની સપાટી પર પડેલી તિરાડો જેવાં હોય છે. આ તિરાડો પોતાનામાં ખેંચીને આપણને કોઈ બૃહદતર અવકાશ ભણી લઈ જાય છે. આથી જ સાહિત્યનો સૌન્દર્યાનુભવ આપણને આપણા કેન્દ્ર પરથી ચ્યુત (decentring) કરી શકવા સમર્થ બને છે. સૌન્દર્યાનુભવ સમક્ષ હોઈએ છીએ ત્યારે આપણે આપણા પોતાના વિશ્વના કેન્દ્ર તરીકે પણ મટી જવા તૈયાર હોઈએ છીએ. આપણે વ્યવહારજગતમાં આપણા પોતાના કેન્દ્ર પરથી, આપણા પૂર્વરોકાણોમાંથી તસુભર હટવા તૈયાર નથી હોતા. પણ સૌન્દર્યાનુભવ આપણને આપણું ધ્યાન નાની નાની વિગત પર ઠેરવવા વિવશ કરે છે. ઇલેન કહે છે કે આપણે જાણે કે આપણી પોતાની કથાના નાયક કે નાયિકા થતાં અટકીએ છીએ અને કથાના કોઈ બાજુના કે ગૌણ પાત્ર તરીકે વર્તતા થઈ જઈએ છીએ. નાયક કે નાયિકા થતાં અટકવું અને ગૌણ પાત્ર તરીકે વર્તવું એમ કહેવામાં સુન્દરની પોતાના પ્રકારની વસ્તુલક્ષિતા તેમજ એ વસ્તુલક્ષિતા સાથે સંકળાયેલાં નિયંત્રણોનો સંકેત છે. સૌન્દર્યાનુભવ, એ સુન્દર વસ્તુ અને સુન્દર વસ્તુને જોનાર – બંને વચ્ચેનો એક અનુબંધ છે. સુન્દર વસ્તુ સુન્દર વસ્તુને જોનારને ચેતનાનો ઉપહાર ધરે છે, તે રીતે સુન્દર વસ્તુને જોનાર પણ સુન્દર વસ્તુને પોતાની ચેતનાનો ઉપહાર ધરે છે. ઈલેનની સૌન્દર્યવિચારણામાં રહેલી ‘કેન્દ્રચ્યુતિ’ની વિભાવના ભારતીય રસવિચારની નિકટ જતી લાગે તો નવાઈ જેવું નથી. ભારતીય રસવિચારે પ્રત્યભિજ્ઞા-દર્શનને આધારે સૌન્દર્યાનુભવને ‘અપરિમિત અહંતા-બોધ’ અને ‘આવરણભંગ’ સાથે સાંકળ્યો છે. આ બંને વાતની નજીક ઈલેનની કેન્દ્રચ્યુતિની વિભાવના જાય છે. શૈવપ્રત્યભિજ્ઞા-વાદીઓએ અહંતાબોધના વિસ્તરણ દ્વારા વેદાન્તીઓના જેવી અહંકારશૂન્યતાનો વિચાર કર્યો છે, જ્યારે ‘આવરણભંગ’ દ્વારા સહૃદયના આનંદને રોકતા આવરણનો ભંગ કલ્પ્યો છે. આ બંને દાર્શનિક સ્થિતિને અભિનવગુપ્તે રસવિચારમાં પ્રયોજી છે. આ બંને સ્થિતિમાં વ્યક્તિ પોતાના કેન્દ્રથી, પોતાના સ્વ-અર્થથી છૂટે છે કે હટે છે અને એવી જ કશી વિભાવનાને ઇલેનની વિચારણા જઈને અડે છે. ઇલેનની વિભાવનામાં સૌન્દર્યનો સામનો કરનાર વ્યક્તિ અંગત સંસ્કારો અને હેતુઓથી પોતાની જાતને છૂટી કરી, પોતાને કેન્દ્રમાંથી ખસેડી લઈ શકે છે. ઈલેનનો કેન્દ્રચ્યુતિનો વિચાર રસવિચારને તુલનાત્મક રીતે નવેસરથી તપાસવા પ્રેરે તેવો છે.