લીલુડી ધરતી - ૨/પેટકટારી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પેટકટારી

પાદરમાં ‘મોટરગાડી’માં બેઠેલા શંકરભાઈ કાસમ ઉપર રાતાપીળા થઈ રહ્યા હતા :

‘પાતાળ ખોદીને ય પગેરું કાઢો. છ છોકરાંને પકડી ગઈ છે ને ઘણાંયની ડોકમાંથી ઓમ્‌કાર કાપતી આવી છે.’

કાસમ ગેંગેં ફેંફેં કરતો હતો : ‘પણ સા’બ ! આણી કોર્ય આવવાને સાટે રાણપરની સીમ ઢાળી નીકળી ગઈ હશે. નીકર કાંઈ સંજવારીમાં સાંબેલું સંચોડું હાલ્યું જાય ?’

આ વાતચીત ચાલતી હતી ત્યાં જ બે પાણિયારીઓ ખાલી બેડે ઓઝત તરફ જવા નીકળી, એ વાતો કરતી હતી :

‘ડોસીએ કાંઈ કરામત કરી છે કાંઈ કરામત ! કાચના ડબલામાં જુવો તો દલ્લીનો દરબાર દેખાય !’

‘બચાડી સૂકા રોટલાનાં બટકાં ઊઘરાવીને પેટ ભરતી લાગે છે.’

‘કોક અજાણ્યા મલકમાંથી આવી હશે, ભાત્યભાત્યની બોલી બોલે છે—’

શંકરભાઈ નિરાશ થઈને રાણપરની સીમમાં સગડ કાઢવા જતા હતા ત્યાં જ પસાર થતી આ પાણિયારીઓની વાતચીતે એમને વહેમમાં નાખી દીધા. કાસમને વીજળીના ઝબકારા જેવો અણસાર મળી રહ્યો.

ચોકમાં હવે ઓઘડભાભાએ પોતાના નિરીક્ષણના સમર્થન માટે ​ વખતી ડોસીની સહાય લીધી હતી.

‘આ અમથીની જ નાની બેન નથી લાગતી ?’

‘નાની બેને ય હોય ને મોટી બેને ય હોય.’ વખતી કહેતી હતી. ‘ને ભલી હોય તો અમથી પંડ્યે પણ હોય.’

‘પણ હવે અમથી તો શેની જીવતી હોય ? પળ પટલાઈ ગઈ; કે’દુની મરી પરવારી હશે.’

‘પણ ડોશીને પંડ્યને જ પૂછી જુવોની ?’ ભાણા ખોજાએ સૂચન કર્યું અને પછી પોતે જ એનો અમલ પણ કરી દીધો. ટોળામાંથી જરા આગળ આવીને એણે ડોશીને પૂછ્યું :

‘એલી બાઈ ! તું અમથી સુતારણ્ય જ છે કે બીજી કોઈ ?’

અને ઉત્તરમાં ડોશીએ કોઈક એવી તો અપરિચિત બોલીમાં વડછકું ભર્યું કે શ્રોતાઓ એ અજાણ્યા શબ્દો—અને એથી ય વિશેષ અજાણ્યાં ઉચ્ચાર—સાંભળીને ખડખડાટ હસી પડ્યાં.’

આ સામૂહિક હાસ્યના ખડખડાટ અવાજમાં ડાઘિયા કૂતરાનો મોટેથી ભસવાનો અવાજ એકાએક ઉમેરાઈ ગયો. ડાઘિયો કયા અજાણ્યા માણસને ભસી રહ્યો છે એ જોવા કોઈએ પાછળ નજર કરી તો સામેથી કાસમ પસાયતો હાથમાં લાકડી લઈને આવતો હતો, અને એના ખાખી ગણવેશથી ભડકીને ડાઘિયો ડાંઉ ડાંઉ ભસતો હતો.

ગામઝાંપાના દરવાજાની દોઢીમાં દિવસ દરમિયાન નિરાંતે ખાટલે પડ્યો પડ્યો ‘પહેરો’ ભરવાને ટેવાયેલો કાસમ આજે ધોળે દિવસે શા કામે ગામમાં ગર્યો એ જાણવાનો કોઈ પ્રયત્ન પણ કરે એ પહેલાં તો કાસમ મણ મણની ગાળો ઉચ્ચારીને ને લાકડી ઉગામીને ટોળામાંથી મારગ કરીને અંદર ધસી આવ્યો ને ‘રાણીકા બાગ દેખો !’ નું વર્ણન કરી રહેલી વૃદ્ધાના વાંસા ઉપર ધડ કરતીકને હાથમાંની લાકડી ફટકારી દીધી.

‘મલકની ચોરટી ! આવા ખેલ કરી કરીને ગામને લૂંટવા ​નીકળી છે ?’

લાકડીના ફટકા સાથે જ વૃદ્ધાના મોઢામાંથી નીકળી ગયેલા વૉયકારાને ગણકાર્યા વિના જ પસાયતાએ એને ઊડઝૂડ પ્રહારો કરવા માંડ્યા :

‘નામ સિનેમા દેખાડવાનું ને ધંધા જાકુબીના ? બોલ્ય, ક્યાં સતાડ્યાં છે હંધાં ય છોકરાં ?’

પસાયતાના આ પ્રશ્નના ઉત્તરમાં ડોશીએ કોઈક એવી તો જડબાતોડ ભાષામાં ગોટા વાળ્યા કે એનાં ઉચ્ચારણોએ શ્રોતાઓને હસાવ્યા, ને કાસમને બમણો ઉશ્કેર્યો. કોઈક સરહદી લોકબોલીના વળતા ઉત્તરમાં પસાયતાએ શુદ્ધ સોરઠીનો પ્રયોગ કર્યો.

‘રાંડ ગોલકીની ! મારી સામે ગોટપીટ કર છે ? ભીંગડાં ઊખેડી નાખીશ, ભીંગડાં !’

અને આ વખતે તો વૃદ્ધા કોઈ અજાણી બોલીમાં કશો ખુલાસો પણ કરી શકે એ પહેલાં જ કાસમે ધડ કરતીક લાકડી ફટકારી દીધી.

‘દલ્લી દેખો’ના ખેલમાં અડધેથી ભંગ પડ્યો. કેટલાંક ટાબરિયાં તો પસાયતાને જોઈને જ બીકનાં માર્યાં નાસી ગયાં હતાં; બીજાં કેટલાંક આ ભાઠાવાળી ભાળીને ભાગ્યાં. અને હવે તો કાસમે જે ચોંકાવનારી પૂછગાછ કરવા માંડી એ સાંભળીને તો મોટેરાંઓ પણ ભડકી ગયાં, અને વિચારવા લાગ્યાં કે આમાં જરૂર કશોક ભેદ છે.

‘બાઈ પરમલકમાંથી કાંઈક કાળું-ધોળું કરીને આવી લાગે છે.’

‘આમ દીઠ્યે તો રાંકડી લાગે છે ને વાસી રોટલા માગી પેટ ભરે છે; પણ માલીપાથી કંઈક મેલી લાગે છે.’

કાસમની ગાળાગાળી ને ભાઠાંવાળી બન્ને ચાલુ હતાં.

‘ઝાંપેથી હાલવાને સાટે નજર ચૂકવીને છીંડેથી ગામમાં ગરી ​ગઈ, કેમ ? જાણે અમે હંધા ય તો સાવ આંધળા જ હઈશું, કેમ ? દેખાડ્ય ક્યાં સંતાડ્યાં છે છોકરાં ?’

આ અણધારી ઘટનામાં સંતુને ગામમાંથી હાંકી કાઢવાની વાત તો જાણે કે સાવ વિસરાઈ જ ગઈ. સંતુની ચર્ચાને બદલે હવે તો આ ‘પરદેશી’ આગંતુકની આસપાસ ઘેરાઈ રહેલો ભેદ જ વાતચીતનો વિષય બની રહ્યો.

‘આ તો બહુરૂપી જેવું લાગે છે. ઘડીકમાં અમથી સુતારણ, ઘડીક આ ખેલ કરનારી, ઘડીક છોકરાં પકડનારી, એમ ભાત્યભાત્યના વેશ કળાય છે.’

કાસમ હજી શામ, દામ, ભેદ અને દણ્ડની સમજાવટના પ્રકારો અજમાવી રહ્યો હતો, ત્યાં જ શંકરભાઈ ફોજદારની મોટર આવી પહેાંચી.

સ્તબ્ધ વાતાવરણમાં વધારે સોંપો પડી ગયો.

કાસમના આગમનથી જ પાંખું થઈ ગયેલું ટાળું હવે વિખરાઈ ગયું. ફોજદારની ધાકનાં માર્યાં કેટલાંક માણસો આઘાંપાછાં થઈ ગયાં; કેટલાંક હવે શો તાલ થાય છે એ જોવા ફાજદારની નજરથી દૂર જઈને ઊભાં રહ્યાં.

‘ઝાંપો ચાતરીને છીંડેથી ગામમાં ગરી છો, પણ હવે ક્યાં જઈશ ?’ શંકરભાઈ બોલતા હતા, ‘આઠ આઠ દિ’ થ્યાં રાવ ઊઠી છે તારી. બોલી નાખ્ય, કેટલાં છોકરાં ચોર્યાં છે ? કેટલાંની ડોકમાંથી ઓમ્‌કાર કાપ્યાં છે ? કેટલી માદરડી સેરવી લીધી છે ?’

આ પ્રશ્નોની સામે પણ ડોશીએ એ જ અપરિચિત બોલીમાં ઘૂરકાટ કર્યો તેથી ફોજદારે કાસમને હુકમ કર્યો.

‘ઝડતી લ્યો ! ખંખેરો હંધુ ય સોનું, ને છોકરાંવને ક્યાં સંતાડ્યાં છે એની વાત કઢાવો.’

‘દિલ્હી–મુંબઈનું બાયોસ્કોપ હવા ખાતું રહી ગયું અને થોડી વાર પહેલાંના નાટકચેટક જેવા વાતાવરણમાં આ તો છોકરાં પકડનારી ​આવી છે એવી ધાક બેસી ગઈ.

એક બાજુ, જીવો વિદાય થયા પછી એકલો પડેલો રઘો પોતાના અતીત જીવનની માનસિક પરકમ્મા કરતો કરતો વધારે વ્યગ્રતા અનુભવી રહ્યો; બીજી બાજુ ઓઘડભાભો પોતે ઉતાવળે કરી નાખેલા અનુમાન બદલ લોકોની હાંસી અનુભવી રહ્યો હતો.

‘લ્યો ! ભૂવો ધૂણ્યો ને બોલ્યો કે આ તો અમથી સુતારણ્ય છે, ને નીકળી પડી કો’ક પંજાબણ્ય જેવી છોકરાં પકડનારી !’

‘રતાંધળાં માણહનું ભલું પૂછવું ! આપણને ન સૂઝે એવું એને સૂઝે ને એને ન સૂઝે એવું આપણને સૂઝે !’

‘પણ ઓઘડિયે તો સાવ આંધળે બહેરું જ કૂટી માર્યું ને ?’

આ બધાં નાટકચેટક જોઈને ગિરજાપ્રસાદ ક્યારનો મૂંઝવણ અનુભવી રહ્યો હતો. ગામમાં આવેલી આ અજાણી વૃદ્ધાને જોઈને એને ભય અને કુતૂહલની મિશ્ર લાગણીઓ થતી હતી. આરંભમાં ગામનાં છોકરાંઓ રોટલો−રોટલી આપીને આ નવતર સિનેમા જોવા લાગ્યાં. ત્યારે ગિરજાએ રઘાને પૂછેલું : ‘બાપા, હું દલ્લીમુંબી જોવા જાઉં ?’ એ વેળા તો રઘાએ રોષભરી આંખ કાઢીને જ એને મૂંગો કરી દીધેલો. એ પછી પસાયતાએ આવીને ડોશીને જે મારપીટ કરવા માંડી એથી તો ગિરજો એવો તો ગભરાઈ ગયેલો કે દલ્લીમુંબી જોવાનું નામ પણ નહોતો લેતો, અને એમાં પણ ફોજદાર આવ્યા પછી ડોશીની ઝડતી લેવાવા માંડી એ જોઈને તો ગિરજો થરથર કમ્પી રહ્યો હતો. એવામાં રઘાએ એને કહ્યું :

‘હું જાઉં છું, દીકરા !’

‘ક્યાં ? ક્યાં જાવ છો ?’

‘પરલોકમાં—’

ગિરજો કશું સમજ્યો નહિ અને રડવા લાગ્યો તેથી રઘાએ એને સાંત્વન આપ્યું : ​ ‘જો આ ડોશી આવી છે ને, ઈ તને સાચવશે.’

‘ઈ કોણ છે !’

‘તારી મા.’

‘મારી મા ?’ ગિરજાને નવાઈ લાગી. ‘મારી મા તો મરી ગઈ છે—’

‘નથી મરી; જીવતી છે—’

‘બાપદીકરા વચ્ચે આ વાતચીત ચાલતી હતી અને કાસમ ડોશી પાસેથી ચોરાઉ સોનું મેળવવા તપાસ કરી રહ્યો હતો. ડોશીના પોટલાં–પોટલી ને ગાભેગાભા વીંખી નાખ્યા પછી કાસમે નિરાશ થઈને શંકરભાઈને કહ્યું : ‘કાંઈ નથી—’

‘અરે ક્યાંક સાચવીને સંતાડેલું હશે, હાલો, એને કડી પે’રાવીને ઝાંપાની કોટડીમાં પૂરી દિયો, એટલે આફુડી સીધી થઈને હંધું ય કાઢી દેશે.’

કાસમે ડોશીને ખભે એનો સઘળો સરંજામ ચડાવ્યો, ને બાવડું ઝાલીને એને ઝાંપા તરફ દોરી; પાછળ શંકરભાઈની મોટરગાડી ચાલી, અને ગાડીની પાછળ નવરાં માણસોનું ધાડિયું ઊપડ્યું.

ઠાકરદ્વારમાં સોંપો પડી ગયો કે તુરત રઘાએ લાગ જોઈને નાગી કટારી હાથમાં લીધી.

પોતાના હાથમાંની તાતી કટાર અને એથી ય વધારે તાતી આંખો જોઈને ગિરજો પૂછી રહ્યો :

‘બાપા, બાપા ! આ શું ?’

પણ રઘા પાસે આ પ્રશ્નનો ઉત્તર નહોતો. કશો ખુલાસો કરવાનો પણ એને અવકાશ નહોતો. માંડ કરીને સાંપડેલો એકાંતનો લાભ લઈને પોતે ધારેલું કામ ઝટપટ પતાવી નાખવા એણે ઠાકરદ્વારના ગભારા તરફ નજર નોંધીને મોટેથી ‘ૐ નમ: ​ શિવાય’નો ઉચ્ચાર કર્યો અને તત્ક્ષણ પેલી તીક્ષ્ણ કટારી પોતાના પેટમાં ભોંકી દીધી.

કમકમાંપ્રેરક આ ભીષણ દૃશ્ય જોઈને ગિરજો કાળી ચીસ પાડી ઊઠ્યો. એ સાંભળીને પડખેની શેરીમાંથી એક–બે ખેડૂતો દોડી આવ્યા.

પણ રઘાને પેટકટારી ખાતો અટકાવવામાં તેઓ મોડા પડ્યા હતા. ઠાકુરદુવારની ગાર લીંપેલી એ બેઠક પર રઘો ઢળી પડ્યો હતો; તીક્ષ્ણ કટારના સંખ્યાબંધ જખમો વડે એ હાથે કરીને વેતરાઈ ગયો હતો.

*