લીલુડી ધરતી - ૨/ભીતરના ભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીતરના ભેદ

‘કાઢી નાખ્ય હંધા ય ઓમકાર; ગણી દે હંધાં ય માદરડાં–’

એકેક ભાઠાવાળી સાથે શંકરભાઈ ડારો દઈ રહ્યા હતા.

‘દેખાડ્ય ક્યાં સંતાડ્યાં છે હધાં ય છોકરાં ? બોલી નાખ્ય, શું ભર્યું છે આ પટારામાં ?’

ડોશીનાં ખિસ્સાં, ખિસ્સી, પોટલાં, પોટલી, ગાભા, બચકી, ચીંદરડી, ચીથરાંચીંથરી બધું ય ફેંદી નાખ્યા છતાં ઓમ્‌કાર કે માદરડી તો શું, પણ સોનાની ઝીણી સરખી કરચ પણ હાથ ન આવી, તેથી શંકરભાઈ નિરાશ થયા. હવે માત્ર મૌખિક દમદાટીઓ દેવા સિવાય કોઈ ઉપાય ન રહ્યો.

‘કાઢી દે હંધો ય ચોરાઉ માલ, નીકર હાડકાં રંગી નાખીશ... ચામડું ઊતરડી નાખીશ... ગોખરું ભરીને રણગોવાળિયો કરીશ... વડવાઈએ ટાંગીને હેઠે તાપ કરીશ... જંદગીભર હેડમાં ઘાલીશ... કાનખજૂરા કરડાવીશ... આખા અંગમાં ઈતરડી ભરીશ...’

આટઆટલી ધમકીઓની પણ કશી અસર ન થઈ ત્યારે શંકરભાઈને સમજાયું કે આમાં નવાણિયું કુટાઈ ગયું લાગે છે; આંધળે બહેરાં જેવો ઘાટ થયો છે. આ તો કોઈક પરદેશી ભિખારણ જ લાગે છે ને ‘દલ્લી-મુંબી’ દેખાડીને પેટ ભરતી લાગે છે. પણ આ પરદેશણ છે કયા મુલકની ? જાતજાતની ભાષા બોલે છે, કિસમ કિસમની બોલીઓ જાણે છે, મલક આખાનાં પાણી પીને આવી છે. ​ શંકરભાઈએ પૂછ્યું : ‘બાઈ ! તારું નામ શું ? ગામ કિયું ?’

ડોસીએ વળી પાંચ–સાત બોલીઓનું મિશ્રણ કરીને એવો તો બબડાટ કર્યો કે ફોજદાર પણ હસવું ખાળી ન શક્યા.

કાસમે કહ્યું : ‘સાબ ! ઈ તો બનાવટ કરે છે. બાકી મૂળ તો આ ગામની જ સુતારણ્ય છે, એમ સહુ વાતું કરે છે—’

‘હવે રાખ્ય, રાખ્ય ! આ તી કાંઈ ગુંદાહરની ડોહલી છે ? આ તો કાબુલણ્ય છે, કાબુલણ્ય—’

‘અરે પણ ઓઘડભાભો તો કિયે છ કે આ અમથી સુતારણ્ય જ છે. રઘો મા’રાજ નાનપણમાં ગામમાંથી ભગવી ગ્યો’તો ઈ જ—’

‘એલા તું ય ગધાડાને તાવ આવે એવી વાત કર છ ? ફોજદારે કાસમની વાત ફરી હસી કાઢી, ‘ક્યાં રઘો મા’રાજ, ને ક્યાં પરમલકની કાબુલણ્ય !’

સોનાનાં ઓમ્‌કાર–માદળિયાં કાપનાર તથા છોકરાંઓને ઉઠાવી જનાર ગુનેગારનું પગેરું કાઢવાનો પોતાનો પ્રયત્ન નિષ્ફળ ગયો એમ સમજીને શંકરભાઈ પાછા ફરવાની તૈયારી કરતા હતા ત્યાં જ ભૂધર મેરાઈના વલ્લભે શ્વાસભેર આવીને સમાચાર આપ્યા :

‘ધોડજો, ધોડજો કાસમભાઈ ! રઘા મા’રાજ પેટકટારી ખાઈને લોહીના પાટોડામાં પડ્યા છે—’

‘હેં !’ કોઈએ નહિ ને ડોસીએ જ ચીસ પાડી અને તુરત એ ચોરાની દિશામાં દોડી.

‘આ ઉપાધિમાં નવી ઉપાધિ... ઠાલા મોફતનો પંચક્યાસ કરવાની પીડા... એમ બબડતા બબડતા ફોજદાર અને કાસમ ચોરા નજીક પહોંચ્યા ત્યારે રઘાના મૃતદેહ સમક્ષ પડીને ડોસી હૈયાફાટ કલ્પાંત કરતી હતી.

જોનારાઓને તો હસવું ને હાણ્ય જેવો બેવડો અનુભવ થઈ રહ્યો. ડોસી આમ તો ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી ને મોઢામાંથી રઘાને મણમણની ગાળો સંભળાવતી જતી હતી. ​ ‘મારા રોયા ! મને રઝળાવીને ક્યાં ગ્યો ? અંત ઘડીએ મૂઓ મને છેતરી ગ્યો...... મારા છોકરાને આશ્રમમાંથી ચોરી આવ્યો ને હવે અમને માછોરુને નોંધારાં મેલી ગ્યો મારો પીટડિયો !... હાય રે હાય ! જંદગી આખી મને ભેગી ફેરવી, ને ઘડપણમાં આવા વિજોગ કરાવતો ગ્યો, ફાટી પડ્યો !....’

ધડીમ ધડીમ છાતી કૂટતી ને મોઢેથી ગાળોનો વરસાદ વરસાવતી આ વૃદ્ધાને જોઈને લોકો વિમાસણમાં પડી ગયાં.

‘એલા ઓઘડભાભાનો વે’મ સાચો જ લાગે છે. આ તો અમથી સુતારણ્ય જ ! બીજું કોઈ નહિ—’

‘આપણે કે’તા’તા કે આ તો કાબૂલથી આવી છે, ને કલકત્તાવાળી છે, પણ નીહરી તો ગુંદાહરની જ—’

‘ગુંદાહરની ન હોય તો આવી મજાની શુદ્ધ ગુજરાતી ગાળ્યું ક્યાંથી આવડે ?’

રઘાની આત્મહત્યાનું કમ્પાવનાર દૃશ્ય જોઈને બેબાકળા બની ગયેલા ગિરજાને ડોસીએ ખોળે લીધો ને માતૃસહજ વાત્સલ્યથી એને છાનો રાખતાં રાખતાં પણ એણે મૃત રઘાને ઉદ્દેશીને સ્વસ્તિવચનો તો ચાલુ જ રાખ્યાં.

‘રોયા ! જંદગી આખી મારી હાર્યે છેતરામણી જ રમ્યો ? મને છેતરીને ગામમાંથી લઈ ગ્યો. મને છેતરીને મલક મલકમાં ભમ્યો. મને છેતરીને મારા છોકરાને આશ્રમમાં મેલ્યો, ને મને છેતરીને એને આશ્રમમાંથી પાછો ઉપાડી આવ્યો... ને અંત ઘડીએ મને છેતરીને જ હાલતો થઈ ગ્યો ! હલામણ—’

રોંઢો નમતાં સુધી ડોશીની આ રોકકળ ચાલુ રહી. રઘાએ આત્મહત્યા જ કરી છે, કોઈએ એનું ખૂન નથી કર્યું, એના પ્રતીતિકર પુરાવાઓ એકઠા કરવામાં શંકરભાઈને ઠીક ઠીક શ્રમ લેવો પડ્યો. આખરે, આખી ય ઘટનાના સાહેદ તરીકે મુખીએ પોતાનો બોલ આપ્યો ત્યારે ફોજદારે ગામના એ મોવડી પર ઈતબાર રાખીને ​ છેક સમી સાંજે રઘાની લાશની સોંપણી કરી.

રઘાએ ખેાળે લીધેલો ગિરજાપ્રસાદ વાસ્તવમાં તો એનો પોતાનો જ પુત્ર છે, અને લોકલાજે એને આશ્રમમાં મૂકવો પડેલો ત્યાંથી એને પાછો લાવવામાં આવ્યો છે, એવી જાણ થતાં હવે લોકો આશ્ચર્ય અને આનંદની બેવડી લાગણી અનુભવી રહ્યાં.

‘હવે સમજાણું ઓલ્યા વાજાંવાળા આવ્યા તંયે રઘો એના ઉપર આટલો બધો વરસી કેમ પડ્યો’તો !’

‘ઈ તો હધું ય લાભેલોભે જ, આમ તો કોઈને છાંટ ન નાખનારો રઘો ઈ વાજાંવાળાને અચ્છોઅચ્છો વાનાં કરતો’તો ઈ કાંઈ સવારથ વિના ?’

‘ને એમાં એલ્યો કાંખમાં કોથળો દાખીદાબીને મોરલી–વાજું વગાડતો’તો, ઈ છોકરો આ ગિરજા જેવો જ નો’તો લાગતો ? તંયે જાંબલાં પાટલૂન પેર્યા’તાં એટલે ઓળખાતો નો’તો; પણ મોંકળા કાંઈ અછતી રિયે !’

‘એલા ગિરજો તો રઘાનો જ છોકરો છે ઈ તો જાણે સમજ્યાં; પણ આ ડોહલી સાચે જ અમથી સુતારણ્ય છે કે પછી કોઈ ગળેપડુ છે ?’

આ સંશય સકારણ હતો. પણ ડોશીએ પોતે અમથી હોવાની એવી તો પાકી સાબિતીઓ આપી દીધી, આખા ગામના માણસોનાં નામ એવાં તો કડડાટ બોલી ગઈ, ઓળખીતા–પાળખીતાઓના એવા તો ઝીણવટથી ખબરઅંતર પૂછ્યા કે આ સંશય તો સમૂળો જ ઊડી ગયો.

‘ના, ના, છે તો અમથી જ. ઓઘડભાભાની અટકળ સાવ સાચી પડી.’

અને પછી તો ઓઘડ અને અમથી એવાં તો વાતે ચડ્યાં, એવાં તો વાતે ચડ્યાં કે વીતી ચૂકેલા દાયકાઓ દરમિયાનનો ગામ આખાનો ઇતિહાસ એમણે ઉથલાવી નાખ્યો. વાતવાતમાં જાણવા ​ મળ્યું કે ડોશીને કલકત્તા તરફના કોઈક ગામમાં જેરામ મિસ્ત્રીનો ભેટો થઈ ગયેલો અને જેરામ મારફત એણે જાણેલું કે રઘાએ કોઈક અજાણ્યા છોકરાને ખોળે લીધો છે. અમથીને તુરત વહેમ ગયો. એણે અનાથાશ્રમમાં તપાસ કરી તો પોતે મૂકેલો પુત્ર જ ન મળે ! તુરત એણે ગાંસડાંપોટલાં ઉપાડ્યાં ને ‘દલ્લી દેખો બમ્બઈ દેખો’ નો ખેલ લઈને ગુંદાસર આવવા નીકળી પડેલી.

રઘાનાં લાકડાં ટાઢાં થયા પછી પણ આ નાટ્યાત્મક ઘટનાની અસર એાસરી નહિ, બલકે, થોડા દિવસ સુધી તો એના પડઘા ગામપરગામમાં પણ ગાજતા રહ્યા. અડખેપડેખેનાં ગામડાંમાંથી પણ ઘણાં ય માણસો : હટાણાનું કે એવું કોઈક બહાનું કાઢીને ઐતિહાસિક અમથીને જોવા આવી લાગતાં. ડોસી કેમ જાણે રાણીબાગનું કોઈ જનાવર હોય એમ આગંતુકો એને ટગર ટગર તાકી રહેતા. કોઈ જિજ્ઞાસુ લોકો એને પૂછતાં :

‘અમથી ! આટલાં વરહ લગણ ક્યાં હતી ?’

ડોશી જવાબ આપતી : ‘સરગાપુરીમાં—’

‘મર રે રાંડ !’ સાંભળનારાંઓ મનમાં કહેતાં : ‘તને તો રવરવ નરક કે સાતમું પાતાળે ય નહિ સંઘરે. ને વાતું મોટી સરગાપુરીની કરે છે !’

ધીમે ધીમે અમથી અંગેનું કુતૂહલ તો શમવા માંડ્યું, પણ રઘાની આત્મહત્યા તથા આ વૃદ્ધાના અણધાર્યા આગમન પાછળનો ભેદ તો ઉત્તરોત્તર વધારે ઘેરો બનતો ગયો.

રઘાએ પેટકટારી શા માટે ખાધી ? દેખાવ તો એ જ થયો હતો કે રઘો જાણે કે એક અબળાની વહારે ચડ્યો હતો અને એની રક્ષાને ખાતર પોતે પ્રાણ ન્યોછાવર કરી નાખ્યા.

‘પણ સંતુને હાંકી કાઢવાની વાત તો માંડવાળ થઈ જ ગઈ’તી. કટારી ખાધા મોર્ય જ જીવોભાઈ જઈને માફામાફી કરી આવ્યો’તો.’ ​ ‘જીવેભાઈએ તો ચોખ્ખું કીધું કે સંતુને ઊની આંચ આવે તો એની જુમ્મેદારી મારે માથે.’

‘એણે તો ઉઘાડેલી કટાર મ્યાન કરાવવા સારુ ગોરમા’રાજનાં બવબવ મનામણાં કરી જોયાં’તાં.’

‘તો પછી હંધુંય સમુંસૂતર ઊતરી ગયા કેડ્યે રહીરહીને ભૂદેવને આ શું સૂઝ્યું ?’

‘ભાઈ ! માણહના મનની માલીપા કોણ જોવા ગ્યું છે ? બાકી કાંઈ ઊંડા કારણ વન્યા માણહ જીવ થોડો કાઢી નાખે ?’

‘ને એમ જીવ કાઢી નાખવો કાંઈ રમત્ય વાત છે ? એનું કહટ તો ઈ કટારી ખાનાર જ જાણે.’

‘કિયે છે કે કટારી ખાતાં તો ખાઈ લીધી પણ પછી લોહીના પાટોડામાં એણે કાંઈ તરફડિયાં માર્યાં છે, તરફડિયાં માર્યાં છે !’

‘આવા કહટ ખમીને ય જેને મરવું ગમ્યું એની ભીતરમાં કેવી અગન ભરી હશે !’

‘કિયે છે કે આ અમથીએ જ રઘાને પેટકટારી ખવરાવી.’

‘એમાં અમથીનો શું વાંક ? ડોહી તો બિચારી બટકું બટકું રોટલો ઉઘરાવીને દલ્લીમુંબી દેખાડતી’તી; ઈનો ને રઘાનો તો હજી મોંમેળાપેય નો’તો થ્યો—’

‘મોંમેળાપ ભલેની ન થ્યો હોય, પણ ડોહીને છેટથી ભાળીને જ રઘો ભડકી ગ્યો—’

‘આમ તો ગામ આખાને ઊભું ધ્રુજાવતો ને તીરને ઘાએ રાખતો ઈ ભડનો દીકરો આ સાડલો પેરનારીથી ભડકી જાય ?’

‘ભાઈ, ઈ જ મોટો ભેદ છે આમાં. ઈ સાડલો પેરનારીના હાથમાં જ રઘાની ચોટલી હતી—’

‘રઘાની ચોટલી ?’

‘હા, રઘાની ચોટલી અમથીના હાથમાં હતી. કિયે છ કે રઘાને માથે તો દેશપરદેશનાં વારન્ટ ભમતાં’તાં, ને એના માથાનું ​ તો ઈનામ પણ નીકળેલું—’

‘ભામણના દીકરા ઉપર આટલો બધો ભો હતો ?’

‘ઈ તો ધંધા એવા કરે પછી તો ભો હોય જ ને ? રઘલો દીઠ્યે આમ ચુંચો લાગતો’તો પણ આફ્રિકાને મધદરિયે ચાંચિયાગીરી કરતો. હબસિનિયામાંથી ગુલામ પકડી પકડીને અરબસ્તાનમાં વેચતો ને અરબસ્તાનમાંથી સાવ પાણીને મૂલે સોનું ઊસરડી ઊસ૨ડીને સલાયાને બંદરે ઠલવતો. આ અમથી એના હંધાય ગોરખધંધા જાણે એટલે એને ભાળતાંવેંત જ ભડકી ઊઠ્યો હશે.’

*