વસુધા/પુણ્યાત્મા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પુણ્યાત્મા

દીપજ્યોતિ લહી, તજી કુસુમની કૂંળી પથારી ધસ્યું
ઉગ્રૌત્સુક્યભર્યું સુવા ઝળકતી જ્યોતિ તણી ઝાળમાં,
આવ્યું, પાંખ પછાડતું પણ રહ્યું ! ને જ્યોતને આંતરી
ભાવિ જેમ અદૃશ્ય કાચ જ પડ્યો ! એ ભેદને પામવા
માથું મુગ્ધ અફાળતું, હૃદયની ઊર્મિથી ભીંજાવતું
ધોળી કાચ સપાટીને નિજ સમાં કૈં સાથીસંગાથમાં
ઝૂરંતું : ‘અયિ તેજમૂર્તિ! લઈ લે, લે લેઈ તારે ઉરે!’

ત્યાં એ મુગ્ધ ઉરોની હાર ચુપકીથી આવી ભક્ષી લઈ –
ખૂણામાં જઈને લપાતી – ધવલા – સૂંવાળી ને ઠાવકી –
ગાંભીર્યે લસતી – અને ઉદરના ઔદાર્યથી ઓપતી –
સૃષ્ટિની સઘળી પ્રવૃત્તિ થકી જે સ્વાર્થાસવ સ્રાવતી –
પુણ્યાત્મા લપકી ગરોળી તરપી, લીધું ગ્રસી બાપડું
ભોળું મૂઢ પતંગ, – દૂર સરકી જાણે બન્યું ના કંઈ!
૧, ઓગસ્ટ, ૧૯૩૬