વસુધા/મોરીનું ફૂલ
મોરીનું ફૂલ
અહીં ક્યમ પડ્યું અરે મલિન નીરની મોરીમાં?
તને–ઉચિત જેહને ઝુલવું હર્ષથી ડાળિયે,
ચુમાવું સ્પરશાવું કે પ્રકૃતિપ્રેમી કે ભૃંગથી,
ગુંથાઈ અલકે હસી મલકનું સુકેશીતણા,
ચુંટાઈ ફુલછાબમાં, મૃદુ કરોથી માળા બની
ધરાવું ચરણે પ્રભુ પરમના ઘટે–તે તને
અહીં કવણ લાવિયું, હણતું મુગ્ધ સૌન્દર્યને,
સહસ્ર દલના સુવર્ણવરણી તને, ફૂલ હે?
નહીં ઉચિત લેશ આમ વરતાવ તારા પ્રતિ
મનુષ્ય મતિમન્તનો, મિટવું તે કૃતઘ્નીપણું, ૧૦
પ્રભાતમહીં આજ મેં કુસુમ ચૂંટ્યું છે તેહનું
તને કરીશ જોડિયું પ્રભુપદે જ પૂજા વિષે.
ઉઠાવું ફુલ મોરીથી, કુસુમ મારું શોધું, અરે!
કહીં કુસુમ મારું? હું શું તવ શત્રુ છું રે બન્યો?