વેરાનમાં/કલાકારનું વેર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કલાકારનું વેર


"મુની! દોસ્ત! હવે તો છૂટી જવાનો, આવતે મહિને જ.” તપેલા ઉપર નીચો વળીને બટેટાં ફોલતો ફોલતો એક કેદી આ શબ્દ બોલનારાઓની સામે જોવા પોતાનું મસ્તક ઊંચું કરે છે. એ જવાબ દેવા જાય તે પહેલાં તો આંતરડાં ઉપર પડેલા ચાંદાની અસહ્ય પીડાથી એના દાંત એના હોઠને બટકાં ભરે છે. શ્વાસ લેતો લેતો એ વિશ્રામ ખાય છે. ને આંખોના ઊંડા ગયેલા ફિક્કા ડોળા ફોડીને એ ઠંડોગાર ઉત્તર આપે છે: “હવે–હવે વીશ વર્ષો વીતી ગયા પછી આ સમાચાર સાંભળીને હું શું ઊભો થઈને હસું? ગાવા માંડું કહો શું કરું?” છૂટવું ન છૂટવું એ આ માણસને મન હવે એકસરખું જ બન્યું છે. છુટકારાની આશા એના મોં પર અંશમાત્ર પણ આનંદ પાથરી નથી શકતી.

*

ત્રણ વર્ષ પર પણ એ કેદીને આ જ વાત કહેવામાં આવેલી. “ટોમ! મુની! તારો છુટકારો નજીક છે. તારે માટે ખૂબ ચકચાર ચાલી રહેલ છે.” તે વખતે કેદીએ હર્ષના ઉછાળા માર્યા હતા, કેદી નાચ્યો અને કૂદ્યો હતો. પણ એ ન છૂટ્યો. ફરી એક વર્ષે એને કહેવામાં આવેલું: “ભાઈ ટોમ! આ વખતે તો તારી મુક્તિ અફર છે.” સાંભળીને કેદીએ કૂદકા તો નહોતા માર્યા. સંગીત પણ નહોતું ગાયું. છતાં આટલું તો એનાથી બોલાઈ ગયું હતું કે “બીજું તો કંઈ નહિ, પણ મારી પંચાશી વર્ષની બુઢ્ઢી મા બાપડી બહુ રાજી થશે. કેમકે એક એણે જ મને છોડાવવાની આશા હજુ છોડી નથી.” એ શબ્દોએ કેદીની આાંખોને ભીની કરી હતી.

*

પણ તે તો એક વર્ષ પહેલાં. હવે તો તેની આાંખોનાં અશ્રુ-ઝરણાં યે સુકાઈ ગયાં છે : હવે તો એ જીવતી કબરમાં જઈ રહ્યો છે. એને “અલસર’નો–આાંતરડાં પર ચાંદાનો વ્યાધિ લાગુ પડ્યો છે. રોગ ઘણો આગળ વધી ગયો છે. બહારનું કામકાજ કરવાની એની તાકાત નથી રહી. જેલના રસોડામાં બેઠાં બેઠાં બટેટાંની છાલ ઊતારવાનું તેમ જ ભોંય ધોવાનું હળવું કામ એને સોંપાયું છે. જેલની મુલાકાતે આવનારા અતિથિઓ આ જર્જરિત જૈફ, સફેદ વાળવાળા વિલક્ષણ આદમીને એક ખૂણામાં લપાઈને બેઠેલો જોઈ વારંવાર વેદનાની આાહ ઉચ્ચારતો સાંભળી, મુકાદમને કુતૂહલથી પૂછે છે કે “આ ડોસો કોણ છે? ” “એને ન ઓળખ્યો સાહેબ!” મુકદમની જીભ સળકે છે : “એ તો પેલા ટોમ મુની. ૧૯૧૬ ની સાલમાં જેણે બોંબ ફોડીને સોળ જણની હત્યા કરી હતી તે જ માણસ. તેદુનો એ અહીં અમારી કને જ છે. ઘણા ઘણા લોકો કહે છે, કે એ બોંબ એણે ફેંક્યો જ નહોતો, છતાં એને તો અહીં જ રાખ્યો છે. થોડાક વર્ષોથી એને હોજરી ઉપર ચાંદા પડ્યાં છે. હમણાં હમણાં વધુ પીડાય છે. પણ ટોમ તો લોખંડી નર છે સાહેબ! એને તમે ચાહે તેટલી સજા કરો ને! ચું કે ચાં નહિ કરે.”

*

સ્વાધીન અમેરિકાના કેલીફોર્નીઆ સ્ટેટની સાન ક્વેન્ટીન જેલમાં છેલ્લાં વીસ વર્ષોથી જીવતો દફનાએલો આ ટોમ મુની: આજે બટાટાંની છાલ ઉખાડે છે; ઓરડાનાં ભૉતળીઆાં ધુએ છે: મરણની વેદના ભોગવે છે. ૧૯૧૬ના જુલાઈ મહિનામાં એ મુક્ત માનવ હતો. પાકો સમાજવાદી હતો; વિશ્વશાંતિનો હિમાયતી હતો. યુરોપમાં તે વેળા જાદવાસથળી જામી હતી. અમેરિકા દેશ દૂર ઊભો ઉભો એ જાદવાસ્થળીને નિરખતો હતો. છ હજાર માઈલ છેટે ચાલી રહેલી એ જાદવાસ્થળીમાં પોતાને પણ જોડાવું પડશે એ વાતનો ભણકાર અમેરિકાના કાન પર રોજે રોજ ગુંજતા હતા. યુદ્ધની તરસ અમેરિકાના હજારો લોકોને લાગી ગઈ હતી. કેલીફોર્નીઆનું તો નગરે નગર ને શહેરે શહેર યુદ્ધના સ્વાંગ સજવાના શોર કરી રહ્યું હતું : ‘યુદ્ધમાં જોડાઓ!’ નાં પ્રચાર-સરઘસો નીકળતાં હતાં. આ યુદ્ધ-ઘેલછાનો વિરોધ કરનાર વર્ગ એક જ હતો. શ્રમજીવી વર્ગ: બંદરોના ખલાસીઓ, કારખાનાંના મજુરો, ખેડૂતો વગેરે. તેઓની વ્યવસ્થિત સંસ્થાઓ યુદ્ધવિરોધી પ્રચારકાર્ય ચલાવી રહી હતી.

*

સાનફ્રાન્સીસ્કો નામનું એક નગર છે. ત્યાં યે લડાઈ ઘેલડાં નાચી ઉઠેલ છે. શસ્ત્રો સજવાની તૈયારીઓ ચાલે છે. નગરમાં બે જુવાનોનું દિલ આ ઉન્માદની સામે ખાસ કરીને જલતું હતું : એકનું નામ બીલીંગ, ને બીજાનું નામ ટોમ મુની. ટોમ મુની એક ફાંકડો આયરીશ હતો. સદાય હસતો એનો મધુર ચહેરો હતો. પોતાની બુઢ્ઢી માતા જોડે ટોમ ત્યાં રહેતો હતો. થોડા જ દિવસમાં તે ટોમ પોતાની પ્રિયતમા કુમારિકાને પરણવાના કોડ સેવતો હતો. બન્નેએ આ યુદ્ધોત્તેજક સરઘસની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો. જાહેર ભાષણો કર્યા. લોકો તો ‘રાક્ષસ જર્મનો' જોડે લડી કાઢવાની પાગલ મનોદશામાં ચકચૂર હતા એટલે તેઓએ તો આ બે જણ પ્રત્યે લક્ષ્ય ન દીધું, પણ સાનફ્રાન્સીસ્કોની પોલીસે દીધું. તેઓએ પોતાની ગુપ્ત પોથીમાં આ બે નામો ટપકાવી લીધાં.

X

યુદ્ધસજાવટનો દિવસ ઊગ્યો. નાના નિર્દોષ મલકતાં બાળકોના હાથમાં વાવટાઓ ફરકતા હતા. વાવટાઓ પર લખ્યું હતું : “ચલો જંગમાં. ” શણગારેલી ગાડીઓ ઉપર: બેઠી બેઠી રૂપાળી કુમારિકાઓ હાથ ઝુલાવતી હતી. "શસ્ત્રો સજો. ચલો જંગમાં.” પૂરા લડાયક તોરમાં નીકળેલું એ ઉન્મત્તોનું સરધસ આ બાળકોને અને આ સુંદરીઓને પોતાની વશીકરણ વિદ્યા માટે વાપરી રહ્યું હતું.

*

સરઘસે એક રાજમાર્ગ પર વાંક લીધો. એજ પલકે લોકોની મેદની પર એક કાળો ગોળો પડ્યો. ગોળો ફાટ્યો. સરઘસમાં ભંગાણ પડ્યું. નાનાં શિશુઓ ને સુંદરીઓ જમીન પર ગબડી પડ્યાં. હાહાકાર મચ્યો. એમ્બ્યુલન્સ ગાડીઓ આવી ત્યારે ત્યાં સોળ શબો પડ્યાં હતાં ને એક સો ઘાયલો લોહીલોહાણ હતા. “મારનારને પકડો!” આખો દેશ પુકારી ઊઠ્યો. રોષની જવાલાઓ ભભૂકી. પોલીસ ચોકસી કરતી હતી. ચોકસી વ્યર્થ જતી હતી. મારનાર ગૂમ થઈ ગયો હતો. “ગુનેગારને જલદી પકડો, જલદી નશ્યત કરો!” દેશમાં શોર જાગ્યો. એક અઠવાડિયા સુધી પોલીસે રજે રજ તપાસ કરી. ગુનેગાર ન જડ્યો. છાપાંઓએ મથાળાં બાંધ્યાં: પકડો આપણા પાડોશી સમાજવાદીઓને. એ જ, એ રાતા વાવટાવાળાઓ જ આ કામના કરનારા છે, એનાં માથાં લાવો. અમે ગુનેગાર માગીએ છીએ.”

*

લોકોએ પોતાના વેરનો ભોગ માગ્યો ને પોલીસે એ ભોગ હાજર કર્યો. મુની અને બીલીંગ. જાહેર સભાને ચાલતે કામે પોલીસે મુનીને કડી પહેરાવી ત્યારે એણે હસતાં હસતાં પૂછ્યું: “તહોમત?” “કંઈ નહિ, એ તો સહેજ–ખૂનનું. પેલા સોળ જણના ખૂનનું તોહમત.” બેઉ જણાએ મોં મલકાવ્યું. બેઉને પોલીસ ચોકી પર લઈ જવામાં આવ્યા. તોહમતનામું વાંચી સંભળાવવામાં આવ્યું, ત્યારે પણ બેઉ હસ્યા. મુનીને મળવા એની પ્રિયતમા આવી. મુલાકાત ન થવા દીધી. પાંસઠ વર્ષની એની માતા આવી. એને થોડી મિનિટો માટે જ મુલાકાત કરાવી. દીકરો કહે, “માડી, કંઈ ચિંતા ન કરો, હમણાં જ બહાર આવીશ. ને લ્યુને વહાલ કરજો. કહેજો કે “બે અઠવાડિઆમાં તો હું છૂટો થઈશ.” ( લ્યુ એટલે મુનીની ભાવી પત્ની.)

*

ઉપલા શબ્દ બોલાયાને આજ વીસ વર્ષો વીત્યાં. દરમીઆન લ્યુ અને મુની ફક્ત બે જ વાર મળી શકયાં છે. અદાલતમાં મુનીએ ‘એલીબી' રજુ કર્યો. સાબિતિ સ્પષ્ટ હતી: બોંબ ફૂટ્યો તે વેળા મુની એ ગુનાને સ્થળેથી અર્ધો ગાઉ દૂર એક છાપરા પર ઊભો ઊભો સરઘસ જોતો હતો. ‘એલીબી'નો અસ્વીકાર થયો. જજે અને જ્યુરીએ બેઉને ખૂનના અપરાધી ઠરાવી દેહાંતની સજા ફરમાવી. હરપળે પોતાની નિર્દોષતાની જાહેરાતની તેમજ તત્કાળ છુટકારાની રાહ જોઈ મલકાતા મુનીએ જ્યારે જ્યુરીનો નિર્ણય સાંભળ્યો, ત્યારે તે એકજ ક્ષણે મુનીના મોં ઉપર એક કબર ચણી દીધી.

*

“હોય નહિ, મારે દીકરો, મારો ટોમ કદી જ એવું કામ કરે નહિ.” એવા ધાપોકાર કરતી પાંસઠ વર્ષની ડોશી, તે વેળાના પ્રેસીડેન્ટ થીઓડોર રૂઝવેલ્ટની પાસે દોડી જઈને ખાત્રી આપી આવી કે “મારા દીકરા ઉપર તર્કટ થયું છે.” રૂઝવેલ્ટની દરમ્યાનગીરીથી મોતની સજા રદ થઈ. બત્રીસ વર્ષનો જોબનજોદ્ધ મુની પોતાના કારાવાસને વેઠતો હતો. બેઠાં બેઠાં એણે સાંભળ્યું કે ૧૯૧૭માં અમેરિકાએ જાદવાસ્થળીમાં ઝુકાવી દીધું છે. તે પછી તુરતમાં એને કાને પડ્યો શાંતિનો શબ્દ: "યુદ્ધવિરામ.” હવે તો મને છોડશે: એવી આશાએ મુની બેસી રહ્યો. એ દિવસ ન આવ્યો.

*

મુનીના જેલ ગયા બાદ થોડા જ વખતમાં એક ભેદ પકડાયો. સરઘસના હત્યાકાંડમાં ખૂનીને સંડોવવા માટે જે એક માણસ ઉપર પોલીસનું દબાણ લાવવામાં આવ્યું હતું તે માણસે એ મતલબનો પોલીસનો પોતાના ઉપરનો કાગળ જગતની સામે મૂક્યો. ૧૯૨૧ માં બીજા પણ એક સાહેદે જગત પાસે એકરાર કર્યો કે મારી જુઠ્ઠી સાક્ષી પોલીસે મને પૈસા આપીને પુરાવી હતી. તે પછી એક પછી એક તમામ સાહેદોએ આ તર્કટનો એકરાર કર્યો. છતાં–છતાં મુનીને ન છોડ્યો. કેલીફોર્નીંઆના મુડીવાદી શાસકોએ સમજી લીધું કે મુની જેલની દિવાલોમાં જ સારો છે. છો ને એ નિર્દોષ રહ્યો!

*

એમ વર્ષો વહ્યાં. જેલના ખોરાકની અસર મુનીના જોરાવર દેહ પર પણ થવા લાગી. એના માંસના ગઠ્ઠા ગળી ગયા. એની ચામડીનો રંગ ઊડી ગયો. એના મોં પર ઊંડા ચાસ પડ્યા. એની આાંખોના દીવા ઝાંખા થયા. ૧૯૨૮ની સાલ આવી. કેલીફોર્નીંઆના ગવર્નર ઉપર એક કાગળ આવ્યો. એ કાગળ કોનો હતો? જજ્જ ફ્રાંક્લીનનો. મુનીને મોતની સજા ફરમાવનાર ન્યાયમુર્તિનો ખુદનો. કાગળમાં શું લખ્યું હતું? લખ્યું હતું કે, “મુકર્દમો ચલાવનારો હું પોતે, જ્યુરીના અગ્રેસર, જ્યુરીના અગિયાર સભાસદો, અત્યારના વિદ્યમાન ડીસ્ટ્રીક્ટ એટોર્ની અને મર્હુમ પ્રોસીક્યુટર સાહેબ સિવાયના અન્ય તમામ અધિકારીઓ–અમે તમામ એમ માનીએ છીએ કે તોહમતદારો નિર્દોષ હતા. ને એમની મુક્તિને માટે અમે સર્વ મળીને આ હિમાયત કરીએ છીએ.”

*

સજા કરનારા ન્યાયમૂર્તિનો જ આ એકરારઃ એ એકરારને ઉપરાઉપરી ત્રણ ગવર્નરો ઘોળીને પી ગયા.

*

૧૯૩૧ ની સાલ આવી. ટોમ મુનીને કહેવામાં આવ્યું: “તને પેરોલ પર છોડવામાં આવશે. ફક્ત તારે અઠવાડીએ એક વાર પોલીસ ચોકી પર રજુ થઈ આવવું.” ટોમે ના પાડી. એણે જવાબ આપ્યો : “હું જો પેરોલ સ્વીકારું, તો તો લોક એમ જ માનવાના કે મેં ગુનો કબૂલ કરી લીધો છે. એવી કલંકિત મુક્તિ મારે નથી જોઈતી. મેં એ હત્યા કરી નથી. એ હત્યાકાંડની જોડે મારે કશી જ નિસ્બત નહોતી. એટલી વાત પુરવાર ન થાય ત્યાં સુધી મારૂં સ્થાન અહીં જ હોય. ઈન્સાફનો આખરે વિજય જ થશે.” મુનીની મુક્તિનું આંદોલન વધ્યું. આખા સંસ્થાન ઉપર એ મોજું ફરી વળ્યું. છુપી પોલીસનો વડો, મોટા ધર્મગુરુઓ, બીજી માતબર સંસ્થાઓ ને છાપાંઓ, તમામના સૂર સંયુક્ત બન્યા. બધું જ વ્યર્થ હતું.

*

મુકદમો ચલાવનાર જજ ફ્રેન્કલીન આજે સાત વર્ષોથી મુનીના છુટકારાના આંદોલનનો અગ્રણી બન્યો છે. એ તો કહે છે કે – “પ્રભુ ઈસુની બાબતમાં હાથ ધોઈ નાખનાર પેલા પોન્ટીઅસ પાઈલેટની પેઠે મારે મારા હાથ ધોઈને જ નથી બેસી રહેવું. હું તો આ બેઉને છોડાવ્યા પછી જ જંપીશ.” ૧૯૩૪ માં મુની પર ફરીથી કામ ચલાવવામા આવ્યું: અને જ્યુરીએ એને નિર્દોષ જાહેર કર્યો. છતાંય મુની કેદમાં સડે છે. એને ફરીથી અદાલત સન્મુખ રજુ કરવાનો આદેશ ગયા મહિનામાં દેવાયો હતો. કદાચ મુની છૂટશે.

એ છુટકારો આવશે, તો પણ અતિ મોડો પડશે. મુનીના જીવનનો ધ્વંસ પૂરો થઈ ચૂક્યો છે. મુનીને આ દુનિયાનો સાદ હવે પહોંચતો નથી. ‘આશા, જીવનને ફરી એકવાર માણવાની આશા, નરકના દ્વાર ઉપર પણ લખાએલો એ બોલ, ‘આશા’ એ બોલ મુનીના હૃદયમાં કોઈ પ્રતિધ્વનિ જગાવતો નથી. બત્રીસ વર્ષનો કોડભર્યો જુવાન આજે બાવન વર્ષનો બન્યો છે: એની હોજરી ઉપર ચાંદાં પડ્યાં છે: વેદનાની લાય બળે છે. મુનીનો એક પગ કબરમાં પડી ગયો છે.