વેરાનમાં/તમારી પત્નીઓ લખે તો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તમારી પત્નીઓ લખે તો


એક સોરઠી લોકકથા છે. દેવરાને ચાહતી પત્નીને એના સંસારી સ્વામી ઢોલરાએ બહુ બહુ તાવી જોયા પછી આખરે એના હૃદયનાથ દેવરાના જ જીવનમાં સ્વહસ્તે જઈ રોપી દીધી. આવો જ ભવ્ય ઉકેલ ઈબ્સને પોતાના ‘The Lady From The Sea' નામના નાટકમાં ઉતારેલ છે. મોંપાસાએ પોતાની ‘The Return' નામની નવલિકામાં સૂચવેલ છે; હૉ કેઈને ‘The Prodigal Son'માં ‘The Manxman' માં આ જ કરૂણ નિકાલ આવ્યો છે. ને ‘Love's Pilgrimage' નામે પોતાના જીવન પરથી ઘડેલી કથામાં અપ્ટન સીંકલેરે પણ એ ભેદક દિલાવરી બતાવી છે. ટેનીસનનું Enoch Arden પણ એ જ મહામાર્ગે ગતિ કરે છે. ઉપર લખી એકેએક કૃતિમાં પુરષ પોતાની પરણેલી સ્ત્રીને -પ્રાણભેર ચાહતો છતાં–પ્રેમવિહોણી, રસવિહોણી, અન્યને તલસતી–નિહાળીને પછી એના સાચા પ્રણયીનું મિલન કરાવે છે. કંટાળીને કૃષ્ણાર્પણ કરનારો અથવા પોતાને કોઈ નવા પ્રણયની પ્રાપ્તિ થતાં નિજ પત્નીને ‘તું હરકોઈની જોડે પરણી શકે છે’ એવી જાતની તિલાંજલિ દેનારો આમાંનો એક પણ નથી. એ પ્રત્યેકે તો ઈર્ષ્યાની આગમાં જલી જલી, પોતાના લગ્નજીવનના ધ્વંસની દારુણ કલ્પના કરી કરી, લોહીલોહાણ હૈયે બલિદાનો દીધાં છે.

*

આ પ્રત્યેક કથાનાં પરિણામો પણ તપાસવા જેવાં છે. ઇબ્સનની જલદેવી એક બીજવરને પરણી છે: દાક્તર પતિના અનોધા પ્રેમસુખની વચ્ચે પણ એને લગ્ન પૂર્વે એક વાર ભેટી ગયેલો વિદેશી પ્રણયી યાદ આવે છે. એ પૂર્વપ્રણયનું ખેંચાણ જલદેવીની સ્વસ્થતાને હરી લે છે. પતિની જોડેનો પત્ની સંબંધ એણે ત્યજી દીધો છે. એક દિવસ પેલો વિદેશી પોતાની આ પ્રેમિકાને લઈ જવા આવી ઊભો રહે છે : છેવટ સુધી દલીલો, કાલાવાલા અને ધાકધમકીનો ઉપયોગ કરતો દાક્તર પતિ આખરે કહે છે કે “તને હું મુકત મનથી મારી લગ્નગ્રંથિમાંથી છૂટી કરું છું, સુખેથી જા, સુખી થા!"– ને કોણ જાણે પણ આટલી ભવ્ય ઉદારતા એ ભાગેડુ પત્નીના હૃદયમાં નવો પલટો લાવે છે. વિદેશીને શૂન્ય હાથની વિદાય દઈને જલદેવી, પૂર્ણ પ્રેમભરી, દાક્તર પતિના જીવનમાં સમાય છે.

*

મોંપાસાએ તો ગરીબ અને નિરક્ષર ખારવા−જીવનની કથા દોરેલી છે: દરિયાઈ ખેપમાં ક્યાંક ડૂબી મુએલો મનાએલો ખલાસી દસેક વર્ષે પોતાને ગામ આવે છે; અને એક ખોરડાની સામે સૂનસાન બેઠો બેઠો એ ઘરને આાંગણે ખેલતાં બાળકોને, ઘરમાં કામ કરતી ઓરતને અને ઘરને, ટગર ટગર નિહાળ્યા કરે છે: ઓરત અને બાળકો આ કોઈ શકમંદ પરદેશીની હીણી દૃષ્ટિથી ડર પામી, ઘરના ધણીને ચેતાવે છે કે એ કાળમુખાને અહીંથી ખસેડો! ઘરનો ધણી આ ભેદભર્યા આગન્તુકની પાસે જઈ પૂછપરછ કરે છે: અજાણ્યો ભિખારી ઓળખાય છે: એ છે ઘરનો અસલ માલિક, ઓરતનો મૂળ પતિ: એક બાળકનો પિતાઃ સમુદ્રે ડૂબી મુએલો મનાએલો એ જ ખારવો! થોથરાતી, ટુંપાતી જીભે એ ખારવો પોતાના દિલની સમસ્યા જણાવે છે કે “ભાઈ બીજું તો ઠીક, બાયડીને તો તેં સાચવી છે એટલે ઈ તો તારી જ ગણાય : છોકરું ય તારે આશરે ઉછર્યું છે: મારે ઈ કાંઈ ન જોવેઃ પણ ભાઈ આ ખોરડું: આ મારો આશરો: હું જેમ તેમ પડ્યો રહું એટલે આ કુબો: આ કુબાને મારો અભાગીઓ જીવ વળગે છે, તે અહીં બેઠો છું, ને બેઠો બેઠો જોઉ છું.”

+

નવો પતિ આ વાત સાંભળીને ઊંડી વ્યથા અનુભવે છે: મહેમાનને પોતાના કુબામાં તેડી જાય છે; ઓરતને અને બાળકને એની એળખાણ પડાવે છે: ખવરાવે છે; ને પછી એક તાડીની દુકાને તેડી જઈ પીણું પાય છે: ને પીણું પીતાં પીતાં વારંવાર આટલું જ બેલ્યા કરે છે કે “તયેં તો ભા! તું પાછો આવી પુગ્યો, હેં? આવ્યો. ખરો! તું હીમખીમ આવી પુગ્યો, ખરું ભાઈ!”.વગેરે વગેરે એ ટૂંકામાં ટૂંકા શબ્દ–ચિત્રમાં મોંપાસાની લેખનકલા શી શી હૃદયોર્મિઓ મૂકે છે! પ્રેમજીવનની ફિલસુફીનો કેવો સંવેદનમય તલસ્પર્શ કરે છે! એ તાડીના ગંધારા પીણા ઉપર, સમાજની ગટરોમાં વાસ કરનાર બે માછીમારોને બેસારીને મોંપાસા એના મોંના મેળ વગરના પશુશબ્દોમાંથી કેવો ઉદાર ધ્વનિ ખેંચે છે! ટૂંકી વાર્તાના પ્રત્યેક પ્રેમીએ કંઠસ્થ કરવા જેવી એ કથા છે. એ તાડીની બદબો મારતા ત્રુટક શબ્દોમાંથી એક જ ઝંકાર આપણને સંભળાય છે કે યજમાન ખલાસી પોતાના અતિથિને ઘર તેમ જ ઓરત બન્નેની ઉદાર સોંપણી કરી દેશે.

*

અપ્ટન સીંકલેરનો તો એ જીવતો જાગતો જીવન પ્રસંગ બની ગયો છે. એમનું તો સમાનધર્મીં સ્નેહલગ્ન હતું: પરણ્યાં દસેક વર્ષો વહી ગયેલાં: એક બાલક પણ થયેલું: લેખકના ધંધામાં રોટલી રળવાનો જીવલેણ સંગ્રામ ખેલતા સીંકલેરે પોતાની પત્નીને કોઈ રમ્ય પ્રકૃતિસ્થાનમાં રાખી હતી. પત્નીને ત્યાંનાં સમૃદ્ધિવંત સહવાસી લોકોની વચ્ચે જીવનના સુંવાળા કોડ જાગ્યા; પુસ્તકોમાં રચ્યોપચ્યો, વેદીઓ, નગરવાસી સ્વામી સહેજ અણગમતો થયો, ને પોતાની કોમળ સંભાળ લેનારા એક પાડોશી જુવાનનો નેહ લાગ્યો. નગરમાંથી ફક્ત રવિવાર ગુજારવા આવતા પતિની પાસે એક રવિવારે પત્નીએ આ વાતનો એકરાર કર્યો. સીંકલેરના જીવનનું બધું રક્ત જ જાણે શોષાઈ ગયું. જેને આધારે પોતે જીવતો હતો તે દંપતી–સ્નેહની જ વરાળ બની ઊડી ગઈ. પછી એણે ઉશ્કેરાટને શાંતિમાં શમાવ્યો. ભાવી જીવનની સુનકાર મરુ–ભોમને પૂરેપૂરી કલ્પનામાં ઠેરવી. પત્નીના પ્રેમિકાને કાગળ લખ્યો, પત્નીની ઈજ્જતને કશી હાનિ ન પહોંચે તે સારુ પોતે પોતાના જ શિર પર પત્ની પ્રત્યેની બેવફાઈનું તહોમત ઓઢી લઈને અદાલતમાં છુટાછેડા મેળવવાની તૈયારી કરી: પરંતુ પત્નીનો પ્રેમિક એક પાદરીની નોકરી પર હતો. પ્રેયસીને પત્ની બનાવવાની એની હામ ચાલી નહિ. એ દેશ છોડીને નાસી ગયો. અને સીંકલેરે અટ્ટહાસ કરી ઉદ્ગારો કાઢ્યા : ‘બાયલો! નામર્દ! નાસી ગયો. જવાબદારી નહોતી જોઈતી. મોજ જ જોઈતી હતી!–નાસી ગયો! ભીરૂ! નાસી ગયો!’