વ્યાજનો વારસ/સુલેખા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુલેખા

દિવસો જતા ગયા તેમ આ હૈયાહોળી શમવાને બદલે વધતી જ ગઈ. આઠેય પહોર આભાશાના મગજમાં તે બપોર પછીનું દૃશ્ય આવી આવીને સણકા બોલાવી જતું હતું. ‘લાખિયારને આ બનાવની જાણ હશે ?… તો માથાં વઢાઈ જાય. કુટુંબના વેરી જીવણશાને આ વાતની જાણ થાય તો ? તો એ દુશ્મન એમીના સસરાપક્ષને ઉશ્કેરીને રિખવનું કાટલું જ કઢાવી નાખે. આવો લાગ એ ઓલા ભવનો વેરી ભૂલે જ શેનો ?… એમ થાય તો ?… તો ?… તો ? શું ?’ પરિણામોનો વિચાર કરતાં આભાશા જેવા ધીર ગંભીર માણસ પણ ઘ્રૂજી ઊઠતા.

એમીને, જસપરની પડખેને ગામ મીંગોળે પરણાવી હતી. સંધી લોકોની વસતિ ત્યાં ઝાઝી હતી. અને એ ગામ આભાશાની ધીરધારનું મુખ્ય મથક હતું. અગિયાર મહિના સુધી આભાશાની પેઢીએથી કઢારે કરાવીને આ સંધી લોકો પેટગુજારો કરતા અને એકાદ મહિના દરમિયાન બેચાર ઠેકાણે લોંટાઝાંટા કરીને વરસ આખાનું કરજ ભરપાઈ કરી આપવાની એમની રસમ હતી. છતાં અંગ્રેજ રાજઅમલે કાયદો, વ્યવસ્થા અને શાંતિ સ્થાપ્યા પછી આ કોમના ચુનંદા કસબીઓને તેમના મહામૂલા કસબનો ઉપયોગ કરવાની તકો દિવસે દિવસે ઓછી થતી ચાલી; અને એ રીતે આખી કોમ આર્થિક ઘસારો અનુભવતી, કરજદારની સ્થિતિમાં મુકાતી જતી હતી. છેલ્લાં ત્રીસ–ચાળીસ વર્ષની ધીરધાર દરમિયાન ​ તો આભાશાએ મીંગોળાનાં અર્ધાં ખોરડાં ગીરો અને વેચાણખત દ્વારા પોતાની માલિકીનાં કરી જ લીધાં હતાં, અને બાકીનાં અર્ધાં ખોરડાં પણ આવતાં દસવીસ વર્ષમાં આ પેઢીની જ માલિકીનાં થશે એવી દીર્ધદષ્ટા ચતરભજની ગણતરી હતી. આ રીતે, લોકો આભાશાને મીંગોળાનો રાજા ગણતા હતા. આ મીંગોળામાં જ એમીનું સાસરિયું હતું. એક ભારે અટંકી, જુનવટવાળા, ખાનદાન પણ આજે સંજોગવશાત્‌ ભાંગી ગયેલા, બહોળા જથ્થાવાળા કુટુંબમાં લાખિયારે એમીને પરણાવી હતી.

મીંગોળાનો બધો વહીવટ ચતરભજ હસ્તક હતો એટલે ચતરભજને કારણે ઓધિયાને તેમ જ ઓધિયાને કારણે દલુને મીંગોળાની અવરજવર ચાલુ જ રહેતી અને એને પરિણામે આ ખાપરા–કોડિયાઓ તેમની સહેલગાહમાં રિખવને પણ કોઈ કોઈ વાર સાથે લેતા. અને એ રીતે, એમી સાથેના શૈશવકાળના સંબંધોની કડીઓ આજે પણ અતૂટ રહી શકી હતી.

આભાશાને કોઈ દિશા નહોતી સૂઝતી. જો કે એક માર્ગ તો દીવા જેવો ચોખ્ખો હતો – રિખવને વીસનહોરી વળગાડી દેવાનો – પણ એ માર્ગ આડે વિમલસૂરી લાવ ફાનસ લઈને ઊભા હતા. ‘ખબરદાર, મને પૂછ્યા વિના રિખવને કંકુઆળો કર્યો છે તો ! હજી એક ગ્રહ આડો પડ્યો છે ત્યાં સુધી લગ્નયોગમાં વિઘ્ન આવશે.’

વિમલસૂરીની આવી કડક આજ્ઞા હતી. એનું ઉત્થાપન પણ શેં થાય ? સંસારમાંથી વિરક્ત થયેલા આવા વીતરાગી આચાર્ય પણ રિખવના લગ્ન બાબતમાં આટલો નકારાત્મક આગ્રહ સેવે એ કાંઈ કારણ વગર તો ન જ હોય.

વીસપુરના નગરશેઠ નિહાલચંદ લશ્કરી આભાશાના સમોવડિયા હતા. વર્ષો સુધી આ નગરશેઠની પેઢીએ ગાયકવાડી લશ્કરોની ​ શરાફી કરી હતી. આજે દેશકાળ બદલતાં એ ધંધો પડી ભાંગ્યો હતો છતાં વીસપુર પંથકમાં ધીરધાર તેમ જ સોનાચાંદીનું ચોક્સીપદુ આ લશ્કરીની પેઢીએ સાચવી રાખ્યાં હતાં. આભાશા અને ‘નિહાલ–લશ્કરી’ એ પ્રાંતની નાણાકીય દુનિયામાં ‘બળિયા જોદ્ધા બે’ જેવું બિરુદ પામ્યા હતા. બન્ને પેઢીઓની હૂંડીની ઊંચી શાખ નગદ નાણાં જેટલી હતી. નિહાલ-લશ્કરી તેમ જ આભાશાને હૂંડીના હિસાબોની ચોખવટ માટે તેમ જ અન્ય સામાજિક પ્રસંગોએ એકબીજાને ગામ અવરજવર થતી રહેતી. બંને કુટુંબો ઘણી વખત લાંબી યાત્રાઓને પ્રસંગે સાથે જ નીકળતાં. વર્ષો પહેલાં સમતશિખરણી યાત્રા બંને કુટુંબોએ સાથે કરેલી. હજી ગયે વર્ષે કેસરિયાજીમાં પણ બેય કુટુંબો ભેગાં થઈ ગયાં હતાં. લશ્કરી શેઠની સુલેખા રંગેરૂપે કંકુની પૂતળી જેવી હતી અને આભાશા, માનવંતી, તેમ જ અમરતની આંખમાં એ ક્યારની વસી ગઈ હતી. રિખવને પણ નાનપણથી જ, બીજી છોકરીઓના કરતાં સુલેખા સાથે વધારે ગોઠતું. પણ એથીય વધારે ઉગ્ર આકર્ષણ તો સુલેખાને રિખવ પ્રત્યે હતું. લશ્કરી શેઠની આ એકની એક લાડકવાયી કોડીલી કન્યાએ રિખવને પહેલવહેલો સમતશિખરની યાત્રામાં જોયો ત્યારથી જ એને મનમાં ને મનમાં પૂજ્યો હતો. ખુદ નિહાલચંદ શેઠ, તેમની પત્ની તેમ જ બન્ને પુત્રોને પણ આભાશાના રિખવ પ્રત્યે સારો આદર હતો અને સુલેખા–રિખવની જોડી થાય તો સોનામાં સુગંધ મળે એમ ઘરનાં સહું માણસો માનતાં હતાં. સુલેખા માટે વર શોધવાની ચિંતા ઘરના માણસો કરતાંય વધારે તો પરગજુ ગામલોકોને લાગી હતી. સુલેખામાં જાણ્યેઅજાણ્યે, સક્રિય કે નિષ્ક્રિય રીતે રસ લઈ રહેલા સહુ લોકોએ આ બન્ને શ્રીમંત કુટુંબના સંબંધો ઉપરથી અને જાણે કે સુલેખાનું મનોગત પામી જઈને ચુકાદો આપી દીધો હતો કે સુલેખાએ તો રિખવ ઉપર ન્યોછાવર થઈને એની સાથે ઇચ્છાલગ્ન કરી જ ​નાખ્યાં છે. પ્રેમકથાઓમાં આવતી રાજાની કુંવરીની જેમ આ દુનિયામાં રિખવ સિવાય બીજાં સહુ એને મન ભાઈબાપ છે, એમ નજુમીઓ કહેતા.

જનતા–જનાર્દનનો આ ચુકાદો છેક વજૂદ વગરનો તો કેમ કહેવાય ? સુલેખા પણ શ્રીમંત માબાપની લાડચાગમાં ઉછરેલી ભારે અહમ્‌ભાવવાળી રસિકા હતી. રિખવ એટલી જ જાહોજલાલી વચ્ચે મોટો થયેલો, પણ સુલેખા જેટલા જ અભિમાનથી ભરેલો અને વિલાસી સ્વભાવનો યુવાન હતો. પણ સુલેખા અને રિખવનાં નાનપણનાં મિલનોમાં રિખવની વિલાસવૃત્તિ જે હજી થોડી અછતી હતી, તે સુલેખાને તેના આકર્ષણમાં કોઈ રીતે અવરોધક બનાવને બદલે ઉત્તેજક બની હતી. પ્રથમ પરિચયે જ રિખવની સુરેખ, નમણી, તેજસ્વી મુખમુદ્રાની જે છબી સુલેખાએ ઝીલી હતી તે વર્ષો જતાં યાદદાસ્તના ટાંકણાં વડે એના માનસમાં કંડારાઈ ગઈ હતી. લશ્કરી શેઠની વીસપુરની આલીશાન હવેલીની ઊંચી છજામાં ઘણી વેળા નખશિખ શ્વેત પટકૂળોમાં સજ્જ થઈને સુલેખા પદ્મિનીની છટાથી ઊભી ઊભી રિખવની પ્રતીક્ષા કર્યા કરતી ત્યારે કોઈક વાર પાછળથી મસ્તીખોર ભોજાઈ આવીને નણંદને પકડી પણ પાડતી અને પૂછતી.

‘કોની રાહ જુઓ છો, બહેન ?’

‘તમારી જ.’ સુલેખા છોભીલી પડી જઈને જવાબ આપતી.

‘જાવ જાવ ! મારી રાહ જોવા સારુ આમ આકાશ સામે નજર કરીને ન ઊભાય. હું તો અહીં તમારી આંખ સામે જ ઊભી છું.’ ભોજાઈ ઠપકો આપતી હોય એવા બનાવટી ઉગ્ર અવાજે બોલતી અને પછી મુખ્ય વાતનો મર્મ કહી નાખતી :

‘રિખવ કાંઈ એમ આકાશ સામું જોયા કર્યે નથી આવવાનો, સમજ્યા ?’

સુલેખાના રતાશભર્યા ગાલ વધારે રાતા થઈ જતા. ભાભીના ​કથનના સંદર્ભમાં આપમેળે જ પોતાના હૈયાનો પ્રશ્ન હોઠે આવી જતો : ‘આકાશ સામું જોયે નહિ આવે તો કેવી રીતે આવશે, તમે જ કહોને !’

ભાભી આંખો નચાવીને પૂછતી : ‘કહું ?’

‘હા, કહો.’

‘સાચોસાચ કહી દઉં ?’ ભાભીની આંખો વધારે નાચતી.

‘હા, કહો ને ! સાચે જ નહિ તો શું ખોટે જ કહેવાતાં હશે ?’ ભોળી સુલેખા કહેતી.

‘સાચોસાચ કહી દઈશ હો !’ ભાભી ધમકી આપતી.

‘કહી દિયોને ! નાહક ટટળાવો છો શું કામ ?’ સુલેખા રડવા જેવી થઈ જતી.

‘લ્યો ત્યારે હવે તમારું બહુ મન છે, તો કહી દઉં. રિખવ એમ આકાશ સામે જોયા કર્યે નહિ આવે, પણ…’ ફરી ભાભીએ નણંદની અધીરાઈ વધારી.

‘જાવ, હું તમારી જોડે કોઈ દિવસ બોલીશ જ નહિ ! ‘પણ’, ‘પણ’, કર્યા કરો છો તે !’

‘ઠીક લ્યો, હવે પૂરું જ કરું. હં, એમ આકાશ સામું જોયે નહિ આવે પણ આંહી ડેલીએ પોંખાતો હશે ને તમે જઈને તાંબૂલ છાંટી આવશો ત્યારે આવશે; લ્યો હાંઉ ? હવે રાજી ?’

એ પ્રસંગે સુલેખાના મોં ઉપર એટલું તો લોહી ધસી આવ્યું અને એની છાતીના ધબકારા એટલા તો વધી પડ્યા કે એને ૨ડવાનું મન થઈ આવ્યું. ૨ડ્યા વિના આ આનંદનો અતિરેક નહિ જ જીરવાય એમ એને લાગ્યું. પણ તે પહેલાં તો ભાભી કંઈક કામનું બહાનું કાઢીને દોડી ગઈ હતી એટલે સુલેખાનો ક્ષોભ દૂર થયો અને વરસાદની આંધી વીખરાયા પછીની ખુશનુમા પ્રફુલ્લતા એ અનુભવી ૨હી. ​ ભાભી દ્વારા ભાઈને અને ભાઈઓ દ્વારા માતાપિતાને સુલેખાના આ ઇચ્છાવરની વાત પહોંચી ગઈ હતી અને સહુએ ઉમળકાભેર એ વાતને વધાવી લીધી હતી. લશ્કરી શેઠે ઘણી વખત આભાશા સમક્ષ વેપારની વાતો આડે આ વાતનો દાણો દાબી જોયો હતો; પણ આભાશાએ એ અંગે હજી જરાય ઉત્સાહ બતાવ્યો નહોતો.

*

રિખવ માટે લશ્કરી શેઠની સુલેખાનું કહેણ આવ્યું છે એમ જ્યારે આભાશાએ ઘરમાં વાત કરી ત્યારે સહુને આનંદ થયો. માનવંતીને તો સુલેખા જેવી પાતળી–પૂતળી છોકરીને પુત્રવધૂ બનાવવાનું મન થાય જ, પણ અમરતને પણ રિખવ ઝટઝટ પરણી જાય એ જોવાની તાલાવેલી લાગી. સહુસહુની આતુરતાનાં કારણો જુદાં જુદાં હતાં. માનવંતીને પુત્રવધૂ પાસે પગ દબાવવાના કોડ હતા તો અમરતને લોભ હતો કે રિખવના લગનનું પતી જાય તો પછી પોતાના દલુનો વિચાર થઈ શકે. બન્યું હતું એવું કે દલુના કેટલાંક પરાક્રમોની સુવાસ ગામના સીમાડાઓ વળોટીને પરગામો સુધી પહોંચી ગઈ હતી અને તેથી, રિખવ કરતાં દલુ સારી પેઠે મોટો હોવા છતાં હજી સુધી એ અવિવાહિત રહી ગયો હતો. આભાશા જેવા જોરૂકા મામાના ભાણેજ તરીકે પણ દલુને કોઈ કન્યા આપવા તૈયાર નહોતું થતું એ હકીકતથી અમરતને ભારે નીચાજોણું લાગતું હતું. સ્ત્રીસહજ સ્વાર્થની દૃષ્ટિએ એને એમ પણ લાગતું હતું કે રિખવ હજી સુધી કુંવારો છે, તેને કારણે જ પુત્રીઓનાં માગાં લઈને આવનાર પિતાઓની નજરમાં દલુ નથી વસી શકતો. આથી જો રિખવનું ઝટ પતી જાય તો દલુ માટે માર્ગ ચોખ્ખો બને એમ અમરત માનતી હતી.

ઘણી વખત માનવંતીની સહાય લઈને અમરત મોટા ભાઈને ​સમજાવતી કે લશ્કરી શેઠની સુલેખા સાથે રિખવનું કરી નાખો; પણ આભાશા હજી સુધી તેમના નિશ્ચયમાંથી ડગ્યા નહોતા.

નિશ્ચયમાંથી ન ડગવાનું કારણ વર્ષોથી વિમલસૂરીએ બાંધી રાખેલી આણ હતી. પણ આજે સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરતાં આભાશા એટલા તો વ્યગ્ર થઈ ગયા કે તેમને લાગ્યું કે એ દૃઢ નિશ્ચય હવે ફેરવો જ પડશે. એ નિશ્ચયમાંથી ચ્યુત થવા માટે અથવા એ નિર્ણય ફેરવવામાં અનુમતિ લેવા માટે તેમણે છેક દૂરને ગામ ચાતુર્માસ વિહરી રહેલ મુનિશ્રીને વંદના કરવા જવાનું નક્કી કર્યું.

ફરી એક વખત પેઢીના વાણોતરોને તેમ જ કેટલાક વિચક્ષણ ગામલોકોને નવાઈ લાગી. મોસમી પાકની હેરફેર ટાણે તો હૂંડીઓનો એટલો બધો ભરાવો રહેતો કે મોસમના દિવસોમાં આભાશા ઘણી વાર દહેરાનાં દર્શન સુધ્ધાં જવા દેતા અને સંજોસાંજ પેઢીને ગાદીતકિયે જ પડ્યા રહેતા. એ આજે આમ ઓચિંતા ઠેઠ વીસ ગાઉ ઉપર વિહાર કરી રહેલા વિમલસૂરીને વાંદવા જાય એમાં જરૂર કાંઈક ભેદ છે, એક પંથમાં દો કાજ જેવું છે એમ વાણોતરો કહેવા લાગ્યા. એટલું વળી સારું હતું કે સોનાચાંદીની તેજીમંદી કે રૂની રૂખ જોઈ આપવા માટે વિમલસૂરી જાણીતા નહોતા; નહિતર આભાશાના આ ભેદી પ્રવાસ સાથે કલ્પનાશીલ ગામલોકોએ જરૂર એવું કોઈ પ્રયોજન જોડી કાઢ્યું હોત.

જતી વેળા આભાશાએ અમરત તેમ જ માનવંતીને પોતાના મનની વાતનો સહેજ ઈશારો કર્યો હતો. ચતુર નણંદ–ભોજાઈ અર્ધી વાત સાંભળતાં આખી સમજી ગયાં. આભાશાએ માત્ર એટલું જ પૂછ્યું :

‘લશ્કરી શેઠની સુલેખાનો રૂપિયો સાચો ને ?’

‘હા, સાચો, સાચો, સાચો.’ નણંદ–ભોજાઈ બન્નેએ એક જ સ્વરમાં ભારપૂર્વક જણાવ્યું : ‘સોળ વાલ ને માથે એક રેતી સાચો.’ ​‘બસ, તો જાઉં છું.’ આભાશાએ શીખ માગી.

‘જાવ, ને ફત્તે કરો.’ સામેથી શુભાશિષ મળી.

આભાશા વિદાય થયા પછી અમરત મનશું ગણગણતી હતી :

‘જીવણિયો એના નેમલાનું માગું લઈને લશ્કરી શેઠ પાસે પહોંચે એ પહેલાં જ રિખવના ચાંદલા કરી નાખો, એટલે નેમલો રિયે ૨ઝળતો.’

જીવણશા પોતાના પુત્ર – અને રિખવના સમોવડિયા – નેમીદાસનું વેવિશાળ સુલેખા જોડે કરવા આકાશપાતાળ એક કરતા હતા.

*