શબ્દલોકના યાત્રીઓ – ૧/અશોક હર્ષ
શ્રી અશોક હર્ષ સાહિત્ય અને પત્રકારત્વ ઉભય ક્ષેત્રે સવ્યસાચી છે. આપણા કેટલાક સર્જકો અને વિવેચકોએ પત્રકારત્વને એક વ્યવસાય તરીકે સ્વીકાર્યું અને એનાથી બંનેને ફાયદો થયો હોય એવા ગણતર લેખકોમાં અશોક હર્ષને મૂકી શકાય. બહુ ઓછાને કદાચ ખબર હશે કે અશોકભાઈએ કાવ્યો પણ લખેલાં. શ્રી ઉમાશંકર જોશી વિશે સુરેશ દલાલે સંપાદિત કરેલ ગ્રંથ ‘કવિનો શબ્દ’માં ઉમાશંકર વિશેનું તેમનું કાવ્ય સંગૃહીત થયેલું છે. તેમણે વાર્તા, સાહસકથાઓ, ચરિત્ર, વિવેચન એમ વિવિધ પ્રકારોમાં લેખનકાર્ય કર્યું છે. તેમનાં લખાણોની તીક્ષ્ણતા, તેજસ્વિતા અને માર્મિકતા હૃદયંગમ નીવડે છે. શ્રી અશોક હર્ષનો જન્મ તા. ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૫ના રોજ મુંદ્રા(કચ્છ)માં થયો હતો. તેમણે પ્રાથમિક અને થોડું માધ્યમિક શિક્ષણ પોતાના વતન મુંદ્રામાં જ લીધું. પણ એ વખતે ત્યાં હાઈસ્કૂલ ન હોવાથી છઠ્ઠા ધોરણમાં અમદાવાદ અભ્યાસાર્થે આવ્યા અને ટંકશાળની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં દાખલ થયા. ૧૯૩૦માં અતિહાસિક દાંડીકૂચ પછી સત્યાગ્રહની લડત આવી. તે કિશોરવયે એમાં જોડાયા. અમદાવાદમાં શ્રી છગનલાલ ભવાનીશંકર મહેતા કચ્છ માટેનું ‘વતન’ નામનું સાપ્તાહિક કાઢતા હતા. અશોકભાઈએ પિતાજીને એ અંગે લખ્યું, તે ગુસ્સે થયા અને પૈસા મોકલવા ના લખી. ફરી ભણવાનો યોગ ન આવ્યો. કિશોરવયે તેમણે ‘કુમાર’માં લખવાનું શરુ કરેલું. ધીમે ધીમે ‘કુમાર’ના તંત્રી રવિશંકર રાવળ સાથે સંબંધ બંધાયો. એ સંબંધ વિકસ્યો અને ઓગણીસ વર્ષની વયે ‘કુમાર’માં બચુભાઈ રાવતના સહકાર્યકર તરીકે જોડાઈ ગયા. ‘કુમાર’ છોડી થોડો વખત સ્વ. કકલભાઈ કોઠારીના સાપ્તાહિક ‘નવસૌરાષ્ટ્ર’માં કામ કર્યું. એ સમયમાં સમાજવાદી આંદોલનમાં સ્વ. જયન્તી દલાલ, શ્રી નરુભાઈ દેસાઈ, શ્રી ઉત્સવ પરીખ વગેરે સાથે કામ કર્યું. કચ્છ જઈ લગ્ન કર્યા બાદ આફ્રિકા જવાનું ગોઠવેલું પણ ખેડા સત્યાગ્રહની લડતમાં સમાજવાદી જૂથના બધા કાર્યકરો પકડાઈ જવાથી સ્વ. જયન્તી દલાલે તેમને જણાવ્યું એટલે આફ્રિકા જવાનું માંડી વાળી ‘ગતિરેખા’માં જોડાયા. પણ નિરુભાઈ જેલમાંથી છૂટ્યા એટલે તેમને એ કામ સોંપી પોતે ‘પ્રજાબંધુ’માં જોડાયા. શ્રી અશોક હર્ષ વાચનના ભારે શોખીન. કચ્છની શાળાની લાઈબ્રેરીનાં ઘણાં પુસ્તકો તેમણે વાંચી નાખેલાં. શાળા-મહાશાળાનું પદ્ધતિપૂર્વકનું શિક્ષણ સંજોગવશાત્ તે મેળવી શક્યા નહિ, પણ અભ્યાસી વૃત્તિને કારણે તે સાચા અર્થમાં બહુશ્રુત બન્યા હતા. જે કોઈ નવું સત્ત્વશીલ પુસ્તક તેમના હાથમાં આવે તે તરત વાંચી નાખે. લાહોરથી અંજુમન ઈશાઅતે ઇસ્લામ તરફથી નીકળતા ‘લાઈટ’ નામના પત્રમાં શ્રીકૃષ્ણ વિશે ઘસાતું લખાણ આવેલું. અશોકભાઈએ શ્રીકૃષ્ણની વિભૂતિમત્તા પર પ્રકાશ પાડતા ત્રણ અભ્યાસલેખો લખેલા. એનાથી પ્રભાવિત થઈ સંપાદકે ઈસ્લામ ધર્મના મૂળભૂત ગ્રંથો એમને અભ્યાસ અર્થે મોકલેલા. આર. પી. એ. (રૅશનાલિસ્ટ પ્રેસ ઍસોસિયેશન) અને આર. યુ. (રીડર્સ યુનિયન)ના સભ્ય બનીને એમના તરફથી પ્રસિદ્ધ થતાં પુસ્તકો તે નિયમિત મેળવતા અને વાંચતા. એમાંથી તેમને માનવવંશશાસ્ત્રમાં રસ પડ્યો અને આ વિષયનો અભ્યાસ કરી ગુજરાતીમાં ‘માનવ જીવનનો ઉષઃકાળ’ નામે પુસ્તક તૈયાર કર્યું. ગુજરાત વિદ્યાસભાએ ૧૯૪૦માં એ પ્રગટ કર્યું, અને ઍન્થ્રોપોલૉજીવિષયક આ પુસ્તક ગુજરાતીમાં એક સારા સંદર્ભગ્રંથની ગરજ સારે છે. ડાંગની ભાષાને લાગતા વિવાદ વખતે ગુજરાત સાહિત્ય સભાએ જે પ્રતિનિધિમંડળ ડાંગ મોકલેલું તેમાં ઍન્થ્રોપોલૉજિકલ અને ઍન્થ્રોપોમૅટ્રિક સરવેનું કામ એમને સોંપાયેલું જેનાં તારતમ્યો સાહિત્ય સભાએ એ અંગે બહાર પાડેલા પુસ્તકમાં સંઘરાયેલાં છે. ‘કુમાર’માં લખાયેલાં જીવનચરિત્રોનો હિંદીમાં અનુવાદ પ્રસિદ્ધ થતો હતો તે પરથી ભારતના મહાન વિજ્ઞાની ડૉ. ભટનાગરનું જીવનચરિત્ર લખવાનું કામ એમને સોંપાયેલું અને તે ‘કુમાર’ તરફથી પ્રગટ થયું હતું. ૧૯૪૫થી ૧૯૪૮ના ગાળામાં તેમનાં વાર્તાનાં બે પુસ્તકો — ‘સાગરના સાવજ’ અને ‘સુષમા’ પ્રગટ થયેલાં. તેમનો જીવનચરિત્રોનો સંગ્રહ ‘વિભૂતિ મંદિર’ જાણીતો છે. ૧૯૪૯માં જગતનાં શ્રેષ્ઠ એકાંકીઓના અનુવાદનો સંગ્રહ ‘આરાધના અને બીજાં નાટકો’ એ નામે પ્રગટ થયો હતો. ‘પ્રજાબંધુ’ છોડીને શ્રી રમણલાલ જાનીના ‘ભારતી’ સાપ્તાહિકમાં તે જોડાયેલા, પણ શ્રી જાનીના અવસાનથી ‘ભારતી’ બંધ થતાં અશોક હર્ષે નીરુભાઈ દેસાઈ સાથે મળી ‘સર્જન’, ‘ઘડતર’ અને ‘માનસી’ એ ત્રૈમાસિકો શરૂ કર્યાં, પણ ફરી ‘પ્રજાબંધુ’માં જોડાવાનું થતાં એ સમેટી લીધાં. એ પછી અશોકભાઈ, રમણલાલ શેઠના ‘જનસત્તા’માં જોડાઈ ગયા. ત્યાં તેમણે ‘ચાંદની’ અને ‘રંગતરંગ’ શરૂ કર્યાં. ‘ચાંદની’ દ્વારા અનેક નવોદિત વાર્તાકારોને પોંખવાનું પ્રશસ્ય કાર્ય તેમના હાથે થયું. ૧૯૭૬માં તે ‘જનસત્તા’માંથી નિવૃત્ત થયા. બે વરસથી તે ‘ગુજરાત સમાચાર’માં જોડાયા છે. ‘ગુજરાત સમાચાર’માં તે ‘વાંચતાં વિચારતાં’ કૉલમ સંભાળે છે. હમણાં તે સાહસકથાઓ તરફ વળ્યા છે. નવી પેઢીને સાહસ અને પરાક્રમ વગેરેની પ્રેરણા આપવા ચોસઠ વર્ષના અશોક હર્ષ યુવાનના ઉત્સાહથી કામ કરે છે. તેમનું ‘જંગલની કથાઓ’ પુસ્તક હમણાં પ્રગટ થયું છે, પણ માનવીની અને સાહિત્યની કથા વિશે પણ તે ઘણું સારું આપી શકે. ગુજરાતી પત્રકારત્વમાં તેમના જેવા વિદ્યાવ્યાસંગી અને સુસજ્જ એવા લેખકો કેટલા?
૧૦-૬-૭૯