શબ્દલોકના યાત્રીઓ – ૧/અમૃત ઘાયલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અમૃત ‘ઘાયલ’

શ્રી અમૃતલાલ લાલજી ભટ્ટ ગઝલકાર કવિ, અમૃત ઘાયલ શી રીતે થયા? શ્રી અમૃતલાલ યાજ્ઞિકે એક પ્રસંગ ટાંક્યો છે : મિથિલા પરિવારના શ્રી મનજીભાઈ સાથે શ્રી ઘાયલનો સંબંધ રાજકોટના કિશોર મિત્રો હતા ત્યારથી. શ્રી અમૃતભાઈ સારા ક્રિકેટર તરીકે પ્રખ્યાત હતા. હાલારમાં ક્રિકેટ રમીને નામના મેળવ્યા પછી હૉકીના ખેલાડી તરીકે પાજોદ દરબારની સાથે તેમને સંબંધ બંધાયો. પછી ત્યાં નોકરીમાં જોડાયા. તેમના લગ્નમાં ગયા. એ પ્રસંગની મધુરતાનો પ્રતિભાવ વ્યક્ત કરતો શ્રી અમૃતભાઈએ તેમને પત્ર લખ્યો. પછી મળ્યા ત્યારે તેમણે અમૃતભાઈને પૂછ્યું, ‘આ પત્ર કોની પાસે લખાવ્યો? આવી રસમય ભાષા કોની છે?’ અમૃતભાઈએ જવાબ આપ્યો: ‘હું ચાર વખત મૅટ્રિકમાં નાપાસ થયો છું એ વાત સાચી, પણ ગુજરાતી મારી માતૃભાષા છે, એમાં ચારે વાર ઉત્તીર્ણ થયો છું. મને ભાષા પર પ્રીતિ છે, એ પત્ર મેં જ લખ્યો છે.’ દરબાર ખુશ થયા. તેમને શયદાની ગઝલો ખૂબ ગમતી. અમૃતભાઈને ગઝલ લખવા સૂચવ્યું. જેને ગઝલની કદી ગતાગમ ન હતી એવા અમૃતભાઈમાં ગઝલની સરવાણી ફૂટી નીકળી તે તો લાઠીની ગુજરાતી સાહિત્ય પરિષદ વેળા. અમૃતભાઈ લાઠીના ઠાકોર સાહેબના આગ્રહથી ત્યાં ગયેલા. એ વખતનાં સ્મરણ આલેખતાં તે કહે છે: “એક દિવસ સવારે કલાપીની સમાધિનાં દર્શન કર્યા પછી મારો જીવ ચૂંથાવા લાગ્યો. હું ત્યાં જ આંસુ સાથે ઢગલો થઈ ગયો, શું થતું હતું તેની મને ગમ નહોતી. શૂન્યમનસ્ક સ્થિતિમાં પ્રહલાદસિંહજી રાજહંસ પાસે બેઠો. સામે માછલીઘર હતું. તેના પર નજર પડી. માછલીઓ મોજ કરતી હતી. હું ગુલામ હતો, અમે ગુલામો તે વેળા બ્રિટિશ સરકાર સાથે તથા અરસપરસ લડતા-ઝઘડતા હતા. માછલાં મોજ કરતાં હતાં. આ જોતાં પ્રબળ લાગણી અને ભાવ જાગ્રત થયા.

વસંતતિલકાની ચાર પંક્તિ ગુંજી ઊઠી.
સામું પડેલ નવું કાચનું મેજ ખોખું…….

સાંજે કવિ લલિતે આ વાંચી આશીર્વાદ આપ્યા. પછી હું ગઝલની દુનિયામાં કેવી રીતે દાખલ થઈ ગયો તેનું મને આશ્ચર્ય થયું — થાય છે. આજ સુધી એ દુનિયામાં હું ભટકું છું.” એ દુનિયામાં ભટકીને તેમણે ગુજરાતી ભાષાને કેટલીક સુંદર ગઝલો આપી છે. જે અમૃત છે તે જ ઘાયલ થઈ શકે છે, અને જે ઘવાયો હોય તે જ અન્યને ઘાયલ કરી શકે છે. અમૃતભાઈની ગઝલોમાં લાગણીનો પ્રબલ ઓઘ સામી વ્યક્તિને વીંધી નાખે છે. ભાષા એમની પાસે જાણે કે નાચે છે. એમને અમુક તમુક ભાષાના શબ્દોનો છોછ નથી. પોતાની ભાવાભિવ્યક્તિ માટે અનુકૂળ શબ્દ તરત તેમની હડફેટે ચઢે છે. આને કારણે સંસ્કૃતપ્રચુર શૈલીની બાલાશંકર કે મણિલાલની ગઝલો કરતાં તેમની ગઝલો જુદી પડે છે. એમના ભાષાપ્રયોગ અંગેના વિચારો સ્વ. સ્વામી આનંદ સાથેની વાતચીતમાં પ્રગટ થયેલા. આ મુલાકાત વિશે સ્વામી આનંદે તા. ૬ સપ્ટેમ્બર ૧૯૭૩ના ‘ભૂમિપત્ર’માં લખેલું : “ગુજરાતના પ્રસિદ્ધ કવિ અમૃત ઘાયલજી જોડેની મુલાકાત દરમ્યાન ભાષાપ્રયોગ અંગે એમણે કરેલી એ વાત એટલે કે વ્યાખ્યા મને સોંસરી ઊતરી ગઈ છે. તે કહે : ‘હું મોટે ભાગે ચોખલિયા સાક્ષરવર્ગની અણમાનીતી એવી ગઝલશૈલીમાં મારા મનમાં ભાવઆવેગની અભિવ્યક્તિ શોધતો હોઉં છું. મારા છૂટે દોર ખોજકવન–અવલોકનમાં સાક્ષરી ચીલાઓની ધૂંસરી ન સ્વીકારતાં ગુજરાતી, હિંદી, ફારસી, સંસ્કૃત કશાનો ટાળો કર્યા વગર જે કોઈ ભંડોળનો શબ્દ હૈયે ચડે કે ઊગે તેને જોતરીને ધસ્યો જાઉં છું અને તેની જિંદગી જનતાની જીભે ભળાવું છું. જનતાની જીભે વસે તે શબ્દ સાચો ને નરવો. …પ્રજાની જીભે ચડી જાય ને ચલણી થાય તે જ સાચી ભાષા, અને એનામાં ઊતરે એટલાં જ એનાં સાચાં જોમ ને ખમીર. ...આવી તળપદી ભાષા, શબ્દો, રૂઢિપ્રયોગો, ઓઠાંઉખાણાં અને કહેવતોની ઉપેક્ષા અક્ષમ્ય ગણાવી જોઈએ.’ ઘાયલજની વ્યાખ્યા સુવર્ણ નિયમ ગણીને હું સ્વીકારું છું.” શ્રી અમૃત ઘાયલના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. ‘શૂળ અને શમણાં’, ‘રંગ’ અને ‘રૂપ’. ચોથો સંગ્રહ હવે પછી પ્રગટ થશે. જીવનરહસ્ય, પ્રભુઝંખના, પ્રતીતિની આરજૂ, પ્રકૃતિશોભા અને માનવજાતિ પ્રત્યેની હમદર્દી ઘાયલની ગઝલોમાં અવનવા લાવણ્યથી પ્રગટ થાય છે. એક ગઝલમાં અમૃત ઘાયલ કહે છે :

કહીં છે. લ્હેરલીલા ક્યાંક કાળો કેર છે સાકી!
કહું શું કે જગતમાં કેટલું અંધેર છે સાકી!
*
નહીં મસ્તી, નહીં સાહસ, નહીં પૌરુષ, નહીં ઓજસ,
અમારી જિન્દગી ને મોતમાં શો ફેર છે સાકી!

કવિ-મિજાજ અને આત્માની મસ્તી ઘાયલની ગઝલોમાં એવાં યુગપત્ રહ્યાં છે કે ભાવકને સદ્ય રસબોધ થાય છે. કવિ અમૃત ઘાયલનો જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૧૫ના રોજ રાજકોટ જિલ્લાના સરધાર ગામે થયો હતો. મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી ૧૯૪૯માં પી.ડબ્લ્યુ.ડી.માં વિભાગીય હિસાબનીસ તરીકે જોડાયા. ચેાવીસ વર્ષ સુધી નોકરી કરી ૧૯૭૩માં નિવૃત્ત થયા. ત્યારથી તે રાજકોટમાં નિવૃત્ત જીવન ગાળે છે અને બધો વખત સર્જન અને સ્વાધ્યાયને આપે છે. વચ્ચે ૧૯૩૮થી ૧૯૪૮ સુધી પાજોદ દરબાર રુસ્વાના રહસ્યમંત્રી તરીકે હતા. અગાઉ આપણે જોયું તેમ તેમને ગઝલની એવી લગની લાગેલી કે નિદ્રા વેરણ બની ગઈ. આજે પણ તે અનિદ્રાનો રોગ તેમને પીડી રહ્યો છે. સર્જક ઘાયલ સારા અભ્યાસી પણ છે. ઉર્દૂ-ફારસી ગઝલનો તેમનો અભ્યાસ ઊંડો છે. ઘાયલને શબ્દનો નશો છે. આ નશો તેમની ગઝલમાં દેખાય છે. આ શબ્દ-કેફે ભારતની વિભિન્ન ભાષાઓના ગઝલકારોમાં તેમને આગવું સ્થાન અપાવ્યું છે. શ્રી અમૃત ઘાયલને ક્રિકેટ, હોકી વગેરે રમતોમાં જીવંત રસ હતો. વર્ષોથી તે કાઠિયાવાડ જીમખાનાના સભ્ય છે. ૧૯૬૦માં આ સંસ્થાએ તેમનું સન્માન કર્યું હતું. ભૂજ (કચ્છ), રાજકોટ વગેરે સ્થળોએ એમની સેવાઓની કદર રૂપે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઈસ્કસ નામની સંસ્થાએ ૧૫ ઑગસ્ટ ૧૯૭૮ના ભારતના એકત્રીસમાં સ્વાતંત્ર્યદિન નિમિત્તે રશિયામાં યોજાયેલ ભારત સ્વાતંત્ર્ય મહોત્સવમાં ભાવ લેવા માટે ભારતીય પ્રતિનિધિ-મંડળમાં ગુજરાતમાંથી શ્રી ઘાયલની વરણી કરી હતી. આ પ્રસંગે રાજકોટના નાગરિકોએ એમનું જાહેર સન્માન કરી પોતાના લાડીલા કવિને વિદાયમાન આપ્યું હતું. શ્રી અમૃત ઘાયલ માત્ર ગઝલ રચી જ જાણતા નથી પણ ભાવવાહી રીતે રજૂ પણ કરી જાણે છે. ગઝલના મુશાયરાઓમાં અમૃત ઘાયલની હાજરી માત્રથી પણ વાતાવરણમાં રંગત આવી જાય છે. તેમની ગઝલનો એક શેર છે :

નહિ તો સિતારાં હોય નહિ આટઆટલા
કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે.

ગુજરાતી ગઝલના ચિદાકાશમાં આ કવિ-સિતારો આજે બુઝુર્ગ વયે પણ પોતાનો પ્રકાશ રેલાવી રહ્યો છે તે ઘટના આનંદપ્રદ છે. ગુજરાતી ભાષામાં ગઝલના કાવ્યપ્રકારને ખેડનાર ગણ્યાગાંઠ્યા પ્રથમ પંક્તિના ગઝલકારોમાં કવિ અમૃત ઘાયલનું આગવું સ્થાન છે. કલાસૌન્દર્યથી ‘ઘાયલ’ થયેલા આવા ઝાઝા કવિઓ આપણી પાસે નથી!

૨૦-૪-૮૦