સત્યના પ્રયોગો/બિહારી
મૌલાના મજરહુલ હક્ક અને હું એક વખત લંડનમાં ભણતાં. ત્યાર બાદ અમે મુંબઈમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જૂની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઈ જવાનો આગ્રહ કર્યો. મેં તેમનો ઉપકાર માન્યો ને મારે જ્યાં જવાનું હતું ત્યાં મને પહેલી ટ્રેનથી રવાના કરી દેવાનું કહ્યું. રેલવે ગાઇડથી મને ખબર પડી શકે તેમ નહોતું. તેમણે રાજકુમાર શુક્લ સાથે વાત કરીને મારે પ્રથમ તો મુઝફ્ફરપુર જવું જોઈએ એમ સૂચવ્યું. તે જ દિવસે સાંજે મુઝફ્ફરપુરની ટ્રેન જતી હતી તેમાં મને તેમણે રવાના કર્યો. મુઝફ્ફરપુરમાં તે વખતે આચાર્ય કૃપલાની રહેતા હતા. તેમને હું ઓળખતો હતો. હૈદરાબાદ ગયો ત્યારે તેમના મહાત્યાગની, તેના જીવનની ને તેમના દ્રવ્યથી ચાલતા આશ્રમની વાત દા. ચોઈથરામને મોઢેથી સાંભળી હતી. તે મુઝફ્ફરપુર કૉલેજમાં પ્રોફેસર હતા, તેમાંથી પરવારી બેઠા હતા. મેં તેમને તાર કર્યો. મુઝફ્ફરપુર ટ્રેન મધરાતે પહોંચતી હતી. તે પોતાના શિષ્યમંડળને લઈને હાજર થયા હતા. પણ તેમને ઘરબાર નહોતાં. તે અધ્યાપક મલકાનીને ત્યાં રહેતા હતા. મને તેમને ત્યાં લઈ ગયા. મલકાની ત્યાંની કૉલેજના પ્રોફેસર હતા, અને તે વખતના વાતાવરણમાં સરકારી કૉલેજના પ્રોફેસરો મને સંઘરવો એ અસાધારણ પગલું ગણાય.
કૃપલાનીજીએ બિહારની અને તેમાંય તિરહુત વિભાગની દીન દશાની વાત કરી ને મારા કામની કઠણાઈનો ખ્યાલ આપ્યો. કૃપલાનીજીએ બિહારીઓ સાથે ગાઢ સંબંધ બાંધી લીધો હતો. તેમણે મારા કામની વાત તેમને કરી મૂકી હતી. સવારે નાનકડું વકીલમંડળ મારી પાસે આવ્યું. તેમાંના રામનવમીપ્રસાદ મને યાદ રહી ગયા છે. તેમણે પોતાના આગ્રહથી મારું ધ્યાન ખેંચ્યું.
‘તમે જે કામ કરવા આવ્યા છો તે આ જગ્યાએથી ન થાય. તમારે તો અમારા જેવાને ત્યાં રહેવું જોઈએ. ગયાબાબુ અહીંના જાણીતા વકીલ છે. તેમની વતી હું તેમને ત્યાં ઊતરવાનો આગ્રહ કરું છું. અમે બધા સરકારથી ડરીએ તો છીએ જ. પણ અમારાથી બને તેટલી મદદ અમે તમને દઈશું. રાજકુમાર શુક્લની ઘણી વાત સાચી જ છે. દુઃખ એ છે કે અમારા આગેવાન આજ અહીં નથી. બાબુ બ્રજકિશોરપ્રસાદને અને રાજેદ્રપ્રસાદને મેં તાર કર્યા છે. બંને અહીં તુરત આવી જશે ને તમને પૂરી માહિતી ને મદદ આપી શકશે. મહેરબાની કરીને તમે ગયાબાબુને ત્યાં ચાલો.
આ ભાષણથી હું લોભાયો. મને સંઘરવાથી ગયાબાબુની સ્થિતિ કફોડી થાય એવા ભયથી મને સંકોચ હતો. પણ ગયાબાબુએ મને નિશ્ચિંત કર્યો.
હું ગયાબાબુને ત્યાં ગયો. તેમણે અને તેમનાં કુટુંબીજનોએ મને પ્રેમથી નવરાવ્યો.
બ્રજકિશોરબાબુ દરભંગાથી આવ્યા. રાજેદ્રબાબુ પુરીથી આવ્યા. અહીં જોયા તે લખનૌના બ્રજકિશોરપ્રસાદ નહીં. તેમનામાં બિહારીની નમ્રતા, સાદાઈ, ભલમનસાઈ, અસાધારણ શ્રદ્ધા જોઈને મારું હૈયું હર્ષથી ઊભરાઈ ગયું બિહારી વકીલમંડળનું બ્રજકિશોરબાબુના પ્રત્યેનું માન જોઈ હું સાનંદાશ્ચર્ય પામ્યો.
આ મંડળ વચ્ચે ને મારી વચ્ચે જન્મની ગાંઠ બંધાઈ.
બ્રજકિશોરબાબુએ મને બધી હકીકતથી વાકેફ કર્યો. તેઓ ગરીબ ખેડૂતેને સારુ કેસો લડતા. એવા બે કેસો ચાલી રહ્યા હતા. આવા કેસો કરી કંઈક વ્યક્ગિત આશ્વાસન મેળવતા. કોઈ વાર તેમાં પણ નિષ્ફળ જતા. આ ભોળા ખેડૂતોની પાસેથી ફી તો લેતા જ. ત્યાગી છતાં બ્રજકિશોરબાબુ કે રાજેદ્રબાબુ ફી લેવામાં સંકોચ ન રાખતા. ધંધા પરત્વે જો ફી ન લે તો તેમનું ઘરખર્ચ ન ચાલે, ને તેઓ લોકોને મદદ પણ ન કરી શકે, એ દલીલ હતી. તેમની ફીના આંકડા અને બંગાળાના ને બિહારના બારિસ્ટરોને અપાતી ફીના ન ધારી શકાય એવા આંકડા સાંભળી હું ગૂંગળાઈ ગયો.
‘—સાહેબને અમે ‘ઓપીનિયન’ને સારુ ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા.’ હજારો સિવાય તો વાત જ મેં ન સાંભળી.
આ મિત્રમંડળે આ બાબતનો મારો મીઠો ઠપકો હેતપૂર્વક સાંભળ્યો. તેનો તેમણે ખોટો અર્થ ન કર્યો.
મેં કહ્યું: ‘આ કેસો વાંચ્યા પછી મારો અભિપ્રાય તો એવો છે કે આપણે આ કેસો કરવાનું હવે માંડી જ વાળવું. આવા કેસોથી લાભ ઘણો થોડો થાય છે. જે રૈયતવર્ગ આટલો કચરાયેલો છે, જ્યાં સહુ આટલા ભયભીત રહે છે, ત્યાં કચેરીઓ મારફતે ઇલાજ થોડો જ થઈ શકે. લોકોનો ડર કાઢવો એ તેમને સારુ ખરું ઔષધ છે. આ તીનકઠિયા પ્રથા ન જાય ત્યાં લગી આપણે સુખે બેસી નથી શકતા. હું તો બે દિવસ જોવાય તેટલું જોવા આવ્યો છું. પણ હવે જોઉં છું કે આ કામ તો બે વર્ષ પણ લે. એટલો સમય જાય તોપણ હું આપવા તૈયાર છું. આ કામમાં શું કરવું જોઈએ તેની મને સૂઝ પડે છે. પણ તમારી મદદ જોઈએ.’
બ્રજકિશોરબાબુને મેં બહુ ઠરેલ મગજના ભાળ્યા. તેમણે શાંતિથી જવાબ આપ્યોઃ ‘અમારાથી બનશે તે મદદ અમે આપશું. પણ તે કેવા પ્રકારની તે અમને સમજાવો.’
અમે આ સંવાદમાં રાત ગાળી. મેં કહ્યું: ‘મારે તમારી વકીલાતની શક્તિનો ઓછો ઉપયોગ પડશે. તમારા જેવાની પાસેથી હું તો લહિયાનું ને દુભાષિયાનું કામ માગું. આમાં જેલ જવાપણું પણ જોઉં છું. તમે તે જોખમમાં ઊતરો એ મને ગમે. પણ તેમાં ન ઊતરવું હોય તો ભલે ન ઊતરો. પણ વકીલ મટી લહિયા થવું ને તમારો ધંધો તમારે અનિશ્ચિત મુદતને સારુ પડતો મૂકવો, એ કંઈ હું ઓછું નથી માગતો. અહીંની હિંદી બોલી સમજતાં મને મુસીબત પડે છે. કાગળિયાં બધાં કૈથીમાં કે ઉર્દૂમાં લખેલાં હોય એ હું ન વાંચી શકું. આના તરજુમાની તમારી પાસેથી આશા રાખું. આ કામ પૈસા આપીને કરીએ તો પહોંચાય નહીં. આ બધું સેવાભાવથી ને વગર પૈસે થવું જોઈએ.’
બ્રજકિશોરબાબુ સમજ્યા, પણ તેમણે મારી તેમ જ પોતાના સાથીઓની ઊલટતપાસ ચલાવી. મારાં વચનોના ફલિતાર્થો પૂછયા. મારી અટકળ પ્રમાણે, ક્યાં લગી વકીલોએ ભોગ આપવો જોઈએ, કેટલા જોઈએ, થોડા થોડા થોડી થોડી મુદતને સારુ આવે તો ચાલે કે નહીં, વગેરે પ્રશ્નો મને પૂછયા. વકીલોને તેમની ત્યાગની કેટલી શક્તિ હતી તે પૂછયું.
છેવટે તેમણે આ નિશ્ચય જણાવ્યોઃ ‘અમે આટલા જણ તમે જે કામ સોંપશો તે કરી દેવા તૈયાર રહીશું. એમાંના જેટલાને જે વખતે માગશો તેટલા તમારી પાસે રહેશે. જેલ જવાની વાત નવી છે. તે વિશે અમે શક્તિ મેળવવા કોશિશ કરશું.’