સત્યના પ્રયોગો/વકીલાતનાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૪. વકીલાતનાં કેટલાંક સ્મરણો

હિંદુસ્તાનમાં આવ્યા પછી મારા જીવનની ગતિ કેમ ચાલી તેના વર્ણન ઉપર આવતાં પહેલાં મેં ઇરાદાપૂર્વક છોડી દીધેલા કેટલાક ભાગમાંનો થોડો આપવાની જરૂર જણાઈ છે. કેટલાક વકીલ મિત્રોએ વકીલાતના સમયનાં ને વકીલ તરીકેનાં સ્મરણોની માગણી કરી છે. આ સ્મરણો એટલાં બધાં છે કે તે ભરવા બેસું તો તેનું જ એક પુસ્તક થઈ જાય. એવાં વર્ણનો મેં જે મર્યાદા આંકી છે તેની બહાર જાય છે. પણ કેટલાંક જે સત્યને લાગતાં છે તે આપવાં કદાચ અનુચિત નહીં ગણાય.

મને યાદ છે તે પ્રમાણે, હું એમ તો જણાવી ગયો છું કે વકીલાતના ધંધામાં મેં કદી અસત્યનો પ્રયોગ નથી કર્યો, ને વકીલાતનો મોટો ભાગ કેવળ સેવા અર્થે જ અર્પિત હતો, અને તેને સારુ ખીસાખર્ચ ઉપરાંત હું કશું ન લેતો; કેટલીક વેળા ખીસાખર્ચ પણ જાતે કરતો. મેં માનેલું કે આટલી પ્રતિજ્ઞા એ વિભાગને અંગે બસ હતી. પણ મિત્રોની માગણી તેથી આગળ જાય છે. તેઓ માને છે કે જો હું સત્ય જાળવ્યાના પ્રસંગોનું આછુંપાતળું પણ વર્ણન આપું તો વકીલોને તેમાંથી કંઈક જાણવાનું મળે.

વકીલાતના ધંધામાં જૂઠું બોલ્યા વિના ન જ ચાલે એમ હું વિદ્યાર્થી તરીકે પણ સાંભળતો. મારે તો જૂઠું બોલીને નહોતું પદ જોઈતું કે નહોતો પૈસો જોઈતો. એટલે એ વાતોની અસર મારી ઉપર નહોતી પડતી.

દક્ષિણ આફ્રિકામાં આની કસોટી તો ઘણી વાર થયેલી. હું જાણું કે સામા પક્ષના સાક્ષીઓને ભણાવવામાં આવ્યા છે, ને હું જરાક પણ અસીલને કે સાક્ષીને જૂઠું બોલવામાં ઉત્તેજન આપું, તો અસીલનો કેસ જિતાય. પણ મેં હમેશાં આ લાલચને જતી કરી છે. એવા એક જ પ્રસંગનું મને સ્મરણ છે કે જ્યારે અસીલનો કેસ જીત્યા પછી મને એવો શક પડયો કે અસીલે મને છેતર્યો છે. મારા અંતરમાં પણ હમેશાં એમ જ રહેતું કે, જો અસીલનો કેસ સાચો હોય તો જીત મળજો અને ખોટો હોય તો હાર થજો. ફી લેવામાં મેં હારજીત ઉપર ફીનો દર કદી મુકરર કર્યાનું મને સ્મરણ નથી. અસીલ હારે કે જીતે, હું તો હમેશાં મહેનતાણું જ માગતો ને જીતે થતાં પણ તેની જ આશા રાખતો. અસીલને પ્રથમ જ કહી દેતોઃ ‘જૂઠો કેસ હોય તો મારી પાસે ન આવજો. સાક્ષીને ભણાવવાનું કામ કરાવવાની મારી તરફથી આશા જ ન રાખશો.’ છેવટે મારી શાખ તો એવી જ પડી હતી કે જૂઠા કેસ મારી પાસે ન જ આવે. એવા અસીલો પણ મારી પાસે હતા કે જેઓ પોતાના ચોખ્ખા કેસ મારી પાસે લાવે, ને જરા પણ મેલા હોય તો તે બીજા વકીલ પાસે લઈ જાય.

એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે મારી બહુ સખત પરીક્ષા થઈ. મારા સારામાં સારામાંના એક અસીલનો આ કેસ હતો. તેમાં નામાની ભારે ગૂંચો હતી. કેસ બહુ લાંબો ચાલ્યો હતો. ઘણી અદાલતોમાં તેમાંના કંઈક ભાગો ગયેલા. છેવટે કોર્ટે નીમેલા હિસાબ જાણનાર પંચને તેનો હિસાબી ભાગ સોંપવામાં આવ્યો હતો. પંચના ઠરાવમાં અસીલની પૂરી જીત હતી. પણ તેના હિસાબમાં એક નાનકડી પણ ગંભીર ભૂલ રહી ગઈ હતી. જમેઉધારની રકમ પંચની સરતચૂકથી ઊલટી લેવાઈ ગઈ હતી. સામેના પક્ષે આ પંચનો ઠરાવ રદ કરવાની અરજી કરેલી. અસીલ તરફથી હું નાનો વકીલ હતો. મોટા વકીલે પંચની ભૂલ જોઈ હતી. પણ તેમનો અભિપ્રાય હતો કે પંચની ભૂલ કબૂલ કરવા અસીલ બંધાયેલા નહોતા. પોતાની સામેની હકીકત કબૂલ કરવા કોઈ વકીલ બંધાયેલ નથી એમ તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો. મેં કહ્યું, ‘આ કેસમાં રહેલી ભૂલ કબૂલ થવી જ જોઈએ.’

મોટા વકીલે કહ્યું: ‘એમ થાય તો કોર્ટ આખો ઠરાવ રદ કરે એવો પૂરો ભય છે, ને એવા જોખમમાં અસીલને કોઈ શાણો વકીલ ન નાખે. હું તો એ જોખમ વહોરવા કદી તૈયાર ન થાઉં. કેસ પાછો ઊખળે તો અસીલ કેટલા ખર્ચમાં ઊતરે, ને છેવટ પરિણામ શું આવે તે કોણ કહી શકે?’

આ સંવાદ વખતે અસીલ હાજર હતા.

મેં કહ્યું, ‘મને તો લાગે છે કે અસીલ અને આપણે બન્નેએ એવાં જોખમો તો વહોરવાં જ જોઈએ. આપણી કબૂલાત વિના પણ કોર્ટ ભૂલભરેલો ઠરાવ ભૂલ જણાતાં બહાલ રાખે એવો શો વિશ્વાસ? અને ભૂલ સુધારવા જતાં અસીલને નુકસાન વેઠવું પડે તો શી હરકત હોય?’

‘પણ આપણે ભૂલ કબૂલ કરીએ તો ના?’ મોટા વકીલ બોલ્યા.

‘આપણે ભૂલ કબૂલ કરીએ તોયે કોર્ટ તે ભૂલ ન પકડે, અથવા સામેનો પક્ષ પણ નહીં શોષે, એવી પણ શી ખાતરી?’ મેં જવાબ આપ્યો.

‘ત્યારે એ કેસમાં તમે દલીલ કરશો? ભૂલ કબૂલ કરવાની શરતે હું તેમાં હાજર રહેવા તૈયાર નથી,’ મોટા વકીલ દૃઢતાપૂર્વક બોલ્યા.

મેં નમ્રતાપૂર્વક કહ્યું, ‘જો તમે ન જ ઊભો રહો, ને અસીલ ઇચ્છે તો હું ઊભવા તૈયાર છું. જો ભૂલ કબૂલ ન કરીએ તો મારાથી આ કેસમાં કામ થવું અસંભવિત માનું છું.’

આટલું કહી મેં અસીલ સામે જોયું. અસીલ જરા અકળાયા. કેસમાં હું તો આરંભકાળથી જ હતો. અસીલનો વિશ્વાસ મારી ઉપર પૂરો હતો. મારા સ્વભાવથી સંપૂર્ણ રીતે વાકેફ હતા. તેમણે કહ્યું: ‘ભલે ત્યારે, તમે જ અદાલતમાં ઊભા રહેજો. ભૂલ કબૂલ કરજો. હારવાનું નસીબમાં હશે તો હારી જઈશું. સાચાનો બેલી ઈશ્વર તો છે જ ના?’

હું રાજી થયો. મેં બીજા જવાબની આશા જ નહોતી રાખી. મોટા વકીલે મને ફરી ચેતવ્યો. ને મારી ‘હઠ’ને સારુ મારી દયા ખાધી ને ધન્યવાદ પણ આપ્યો.

અદાલતમાં શું થયું તે હવે પછી.