સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૧
મનોહરપુરી સુવર્ણપુરથી દશેક ગાઉને છેટે છે. પુરાતન કાળમાં એ એક મહાન નગરી હતી. સ્વતંત્ર અને પ્રતાપી રાજાઓનું તે રાજનગર હતું. કાળબળે રાજાઓને મ્લેચ્છ લોકે જીતી લીધા અને મનોહરપુરી એક ગામડું બની મનોહરિયું, મનોરિયું વગેરે ક્ષુદ્ર નામથી ઓળખાવા લાગ્યું. આજ એ રત્નનગરીના રાજાના પ્રદેશમાં હતું. વિદ્યાચતુરનો જન્મ એ જ ગામમાં હતો. એનું મોસાળ અને ગુણસુંદરીનું પિયર આ જ ગામમાં હોવાથી તેમ જ બાલ્યાવસ્થા તથા યુવાવસ્થાનો કાળ આ જ ગામમાં ગાળેલો હોવાથી મનોહરપુરી ઉભયને મનોહર લાગતી. સુવર્ણપુર, રત્નનગરી અને અંગ્રેજી રાજ્ય એ ત્રણેનું તે મધ્યસ્થાન હતું અને ત્રણે રાજ્યોની સીમ મનોહરપુરીની સીમ સાથે ભેટતી હતી. પશ્ચિમમાં અર્ધ ગાઉને છેટે. સમુદ્ર હતો તેથી મનોહરપુરી ઉનાળામાં પણ શીતળ તથા રમણીય લાગતી. ઉત્તરમાં સુંદરગિરિ નામના નાના પણ સુંદર પર્વતનો આરંભ થતો. બીજી પાસ બે મોટાં વન હતાં. ઊંચાં અને લીલાસૂકાં તાડનાં વન દક્ષિણ દિશામાં સુંદરતાની ધજાઓ પેઠે ફરકતાં હતાં. ભદ્રા નદીની સુભદ્રા નામની શાખા પૂર્વમાંથી દક્ષિણમાં વાંકીચૂકી ગતિથી ચાલતી, મંદ પણ સ્થિર ઝીણો સુસ્વર કરતી તાડના મૂળ આગળ સમુદ્રમાં ભળતી હતી. ગ્રીષ્મનો સંધિ થતો તે પ્રસંગે સુરંગિત મહોર તથા સુવાસિત કેરીઓથી ઊભરાતું આંબાનું વન અને ભરતી પામતો સમુદ્ર મનોહરપુરીની પૂર્વપશ્ચિમમાં સુંદરતાના ત્રાજવામાં તોળાતાં હતાં. ત્યાં સંધ્યાકાળે રગશિયું ગાડું ઘસડાતું હતું અને વિશ્રામસ્થાન આવ્યું જાણી થાકેલા બળદને જોર આવતું હતું. જે ગાડામાં બેસી સરસ્વતીચંદ્ર નીકળ્યો હતો તે જ આ ગાડું ને તે જ એ ગાડાવાળો હતો; પણ અંદર સરસ્વતીચંદ્ર અથવા એના સાથમાંનું કોઈ માણસ ન હતું. ગાડાની સાથે ચાલનારો દંડી સંન્યાસી માત્ર અંદર ચઢી બેઠો હતો. ગાડાવાળો અને સંન્યાસી ગમ્મત કરતા ગપાટા મારતા હતા. સંન્યાસીનો દંડ ગાડાના પાંજરા પર આડો પડ્યો હતો અને તેની આકાશ ભણીની અણી લોહીવાળી થઈ હતી. સંન્યાસીના મનમાં કાંઈક શંકા હોય તેમ તેની આંખ ચારેપાસ કીકી ફેરવતી હતી. ગાડાની પાછળ જે ત્રણ સવાર સુવર્ણપુરથી ચાલતા હતા તે અત્યારે દેખાતા ન હતા. સરસ્વતીચંદ્ર ચાલ્યો જતો જોઈ અબ્દુલ્લા, ફતેસંગ અને હરભમજી નામના ત્રણ સવારો કુમુદસુંદરીએ સરસ્વતીચંદ્રની પાછળ મોકલ્યા હતા. ગાડું ત્રિભેટા આગળ આવી અટક્યું. સરસ્વતીચંદ્રને લઈને સુવર્ણપુરથી નીકળેલું ગાડું આંબા અને તાડના વન આગળ આવી પહોંચ્યું, ત્યારે પાછલા પહોરના ત્રણ વાગવા આવ્યા હતા. આંબાઓની ઘટામાં બહારવટિયાઓમાંનો એક ચંદનદાસ બહારવટિયાઓનું ટોળું લઈ સંન્યાસીને વેશે સુવર્ણપુરની સ્થિતિ તપાસી આવતા સુરસંગની વાટ જોતો હતો. સુરસંગ ભાયાત હતો. શઠરાયે એના કબજામાંથી ધીરપુર લઈ લીધું અને સુરસંગને ન્યાયનું દ્વાર ન જડવાથી એણે બહારવટું લીધું હતું. ભૂપસિંહના મનમાં એવું હતું કે શઠરાયનો કારભાર બદલાયા પછી સુરસંગને તેનો ગરાસ સોંપવો. આ સુરસંગ જાણતો ન હતો, અને શઠરાયનો જ સંદેશો આવતાં તે લૂંટફાટ કરવા મંડ્યો હતો. તેને એમ હતું કે ભૂપસિંહને ડરાવી બધો નિકાલ આણવો, કુમુદસુંદરીને પોતાના માણસો પાસે કેદ કરાવવી, પોતે ઉપકાર કરતો હોય તેમ બુદ્ધિધનને પાછી સોંપવી અને પોતાનું કામ કાઢી લેવું. સરસ્વતીચંદ્ર બુદ્ધિધનના ઘરનો માણસ છે એ તપાસ સુરસંગે કરી હતી. અને તેને પકડ્યાથી લાભ સમજી ગાડા જોડે ચાલતો હતો. આંબા અને તાડના વન આગળ ગાડું આવ્યું અને ઉઘાડું મેદાન બંધ પડ્યું એટલે સુરસંગ ગાડાથી આગળ નીકળ્યો. ચંદનદાસ ઝાડીમાંથી બહાર આવ્યો અને સુરસંગની સાનથી આઠેક હથિયારબંધ માણસો સાથે ગાડા ઉપર તૂટી પડ્યો. ગાડામાંથી વાણિયાને એક જણે હેઠે નાખ્યો. તે નીચે પડી પોકેપોક મૂકી રોવા લાગ્યો. જુવાન વાણિયણ ગભરાઈ ગઈ. તેનું ભાન ગયું અને બોલવા મથતી જીભ દાંત વચ્ચે અટકી. બિચારીની બોચી ઝાલી એક જણે તેને પકડી રાખી. સૌમાં અનુભવી ડોશી નીકળી. પોટલીમાં થોડાક રૂપિયા રાખ્યા હતા તે સંતાડી. બહાર નીકળી છેટે ઊભી ઊભી બોલી : ‘ભાઈ, બ્રાહ્મણી છું – તમારી પાસેથી માગવા લાયક છું. પછી તમને ખપે તે લ્યો.’ ‘હવે, બેસ બેસ, બુઢ્ઢી!' કહી એક જણ ધોલ મારવા આવ્યો. ડોશી આઘી ખસી ગઈ અને દયામણું મોં કરી બોલી : ‘ભા, માર મારવી હોય તો. વર્ષે બે વર્ષે મોત છેસ્તો, તે એમ જાણીશ કે આજે જ આવ્યું. તનેય ઘડપણ આવજો – સો વરસનો થજે – ભા! મારા જેવો!' સરસ્વતીચંદ્ર પગથી માથા સુધી ઓઢી સૂઈ ગયો હતો તે આ ગડબડાટ સાંભળી સફાળો ઊઠ્યો. અને વાણિયણની અવસ્થા જોઈ તે પાસ કૂદી પડ્યો. તેને સામો થતો જોઈ ચંદનદાસ અને તેના માણસ આસપાસ વીંટળાઈ વળ્યા. હથિયાર વિનાનો સુકુમાર પુરુષ શું કરી શકે? કોપાયમાન મુખવાળો સરસ્વતીચંદ્ર બોલ્યો પણ નહીં – ખસ્યો પણ નહીં – સુરસંગ સામે દાંત પીસી ઊભો રહ્યો. ‘ચંદરભાઈ, તમને લૂંટવા નથી – હું તમને ઓળખું છું. મારે તમારું કામ છે – આમની સાથે જાવ–' સરસ્વતીચંદ્ર ન જ ખસ્યો. સુરસંગે પાછળ આવતા ત્રણ સવાર દીઠા અને હોંકારો કર્યો. તેની સાથે જ ચંદનદાસ અને તેના માણસોએ હાથ ઉગામ્યા અને સરસ્વતીચંદ્રને ખેંચી ગયા. તેવામાં પાછળના સવારો આવ્યા. તેમને આડીવાટે દોરવા સુરસંગ તેમની સાથે લડવા લાગ્યો અને સરસ્વતીચંદ્ર પાછો નાસવા જતો હતો તેને ડાંગવતે ગોદો એવો માર્યો કે તે લોહીવાળો થઈ પડી ગયો. પગના નળામાં વાગવાથી ચાલવાને અશક્ત સુરસંગ ગાડામાં બેસી વડતળે આવ્યો. પણ સરસ્વતીચંદ્રનું શું થયું? વડતળે ચંદનદાસ આવ્યો. ત્યારે તેના સાથમાં એ ન હતો. કુમુદસુંદરીએ મોકલેલા સવારો પૂરવેગમાં બહારવટિયાઓની પાછળ દોડતા હતા. દશ દશ વર્ષના નિષ્ફળ બહારવટાથી ચંદનદાસ સાથેના સુરસંગના માણસો કંટાળેલા હતા. તેમાં પાછળ સવારો. ચંદનદાસે પણ વણિક-બુદ્ધિ જ ગ્રહી. સુરસંગનો ખરો હેતુ સમજ્યો નહીં, અને આ મુસાફરોને લૂંટવા સિવાય બીજો અર્થ સુરસંગના મનમાં ન હોય એમ માન્યું. ‘આ માણસો તો ભિખારી છે, મૂકોને પડતા.' કરી વાણિયાને અને સરસ્વતીચંદ્રને એક ઊંચા ઘાસવાળી જમીનમાં ઘાસ વચ્ચે છોડી ચંદનદાસ નાસી ગયો. સવારોને ખબર ન પડી અને થોડેક સુધી દોડી નિરાશ થઈ મનોહરપુરી ભણી વળ્યા. આ બાજુ વડતળે સુરસંગે ચંદનદાસ અને એના બીજા સાગરીતો ભેગા કરી સભા ભરી. ચંદનદાસે સરસ્વતીચંદ્રને જવા દીધો તેથી એનું મોં લેવાઈ ગયું. પણ ધીરપુર પાછું મેળવવું જ એ દૃઢ નિશ્ચય કર્યો. એને બે દીકરા પ્રતાપસિંહ અને વાઘજી હતા. પ્રતાપ કપટી અને વિષયી હતો; જ્યારે તેનો નાનો ભાઈ વાઘજી બુદ્ધિવાળો તથા સ્ત્રી અને બાળક બેને હેરાન ન કરવાં એવો બહારવટિયાનો નિયમ પાળવાવાળો હતો. પ્રતાપે જણાવ્યું કે બુદ્ધિધનના દીકરાની વહુ ભદ્રેશ્વર જવા નીકળી છે, તો એને જ પકડવી. પછી ધીરપુર પચાવી પડાયું છે તે જીવતી માખ ગળ્યા જેવું થશે. વાઘજીનો મત જુદો હતો. પણ તેનું ચાલ્યું નહીં. અધૂરામાં પૂરું આ યોજનામાં ભીમજી પણ સંમત થયો – એમ વિચારીને કે એથી બુદ્ધિધનની ચોટલી હાથમાં આવશે અને વિદ્યાચતુરથી પણ આપણું માગ્યું અપાવવા પછી કેમ પાછા પડાશે? આમ કુમુદસુંદરીને પકડવા માટેની યોજના પણ ઘડાઈ ગઈ. થોડી વારમાં વડતળે એ ધબકારનો તંબુ હતો તેવો પાછો પથરાઈ ગયો. આ સાગરીતોમાં બુદ્ધિધનનો માણસ બ્રાહ્મણ શંકર પણ છૂપી રીતે ભળ્યો હતો. તેણે બધી મંત્રણા જાણી લીધી ને હરણની પેઠે ફલંગો ભરતો કુમુદસુંદરીના સાથને મળવા ચાલ્યો. ચંદનદાસના માણસ, સરસ્વતીચંદ્ર અને વાણિયાને ઘાસમાં પડતાં નાખી ચાલ્યા ગયા હતા. તે સમયે સરસ્વતીચંદ્રના હાથમાંથી લોહી વહેતું હતું અને એ મૂછવશ હતો. પણ પક્કા વાણિયાનો વાળ વાંકો થવા પામ્યો ન હતો. વાણિયા અર્થદાસની પત્ની ધનકોરની વહાર કરતાં સરસ્વતીચંદ્રની આ દશા થઈ હતી તે સાંભરી આવતાં વાણિયો બ્રાહ્મણ પાસે ગયો. તેના અંત:કરણમાં શુદ્ધ દયા વસી. થોડેક છેટે. તળાવ હતું ત્યાંથી અર્થદાસ પાણી લઈ આવ્યો અને મોં પર છાંટી તેને જગાડ્યો. સરસ્વતીચંદ્ર જાગ્યો. ચારે પાસ નવીન સ્થળ જોવા લાગ્યો. ચકિત થયો; તાવ, ઘાની નબળાઈ, થાક, ભૂખ, આ સ્થળ અને આ સમયની વૃત્તિઓથી દીન દેખાવા લાગ્યો. કુમુદસુંદરીના રણકારથી કંપી રહેતો પ્રેમસત્તાર તોડી નાખતાં પોતાનું આખું હૃદયતંત્ર ચૂરા થયું અને તે છતાં વૈરાગ્યના શિખર ભણી દોડતા વિચારે તે જોયું પણ નહીં હતું. વૈરાગ્ય છતાં રસમાં પલોટાવું, રસમાં પલોટાઈ ત્યાગી થવું, ત્યાગી થઈ કુમુદને સુખી જોવા સુવર્ણપુર આવવું ને કુમુદસુંદરીની દૃષ્ટિએ પડી તેના દુઃખનું સાધન થવું, આમ આજલગીમાં અનેક અવસ્થાનો સરસ્વતીચંદ્રે અનુભવ કર્યો. પણ ઉપર આકાશ અને નીચે ધરતી બેની વચ્ચે જડ ઝાડો વિના કોઈનો સાથ ન દેખતાં, કુમુદસુંદરી સાંભરી આવતાં, વિપત્તિનું પ્રથમ દર્શન થયું. વાણિયાએ સરસ્વતીચંદ્રને ઉઠાડી બેઠો કર્યો. ‘પેલો સંન્યાસી જેવો તમને નામ દઈ બોલાવતો હતો. તમને આ બહારવટિયા ઓળખે છે કે શું?' એમ પૂછવા લાગ્યો. આસપાસ ઊગેલા ઘાસમાંના ઘાબાજરિયાથી સરસ્વતીચંદ્રનો ઘા રુઝાઈ ગયો હતો. બે જણ ઊઠ્યા અને મનોહરપુરી ભણી ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં અર્થદાસે ખેલ માંડ્યો અને અચિંત્યો રસ્તા વચ્ચે બેઠો ને રોવા લાગ્યો : ‘ઓ મારી મા રે! તારું શું થશે? ઓ–' સરસ્વતીચંદ્ર ચમકયો. ‘શું છે! તમારી માને શું થયું?' ‘અરે, મારી બાયડીને પેલા લઈ ગયા. બિચારી રવડી મરશે – ઓ મારી મા રે – બાયડી રે! મારા તો પેટમાં ગૂંચળાં વળે છે – ઊઠાતુંયે નથી ને બોલાતુંયે નથી. ઓ ચાંદાભાઈ! અબબબબબ!' જીભ અટકી હોય એમ અર્થદાસ લાંબો થઈ સૂઈ ગયો, આંખો ચગાવવા લાગ્યો ને મોંમાંથી ફીણના પરપોટા કાઢવા લાગ્યો. સરસ્વતીચંદ્રને અત્યંત દયા આવી ને ગળગળો થઈ ગયો. ‘આને સ્ત્રીનું દુ:ખ નથી, પણ પૈસાનું દુ:ખ છે. દ્રવ્યનો આવે પ્રસંગે ઉપયોગ થતો હશે તેનું મને ભાન ન રહ્યું. આનું ઔષધ દ્રવ્ય તે હું ક્યાંથી આપું?' જનોઈએ બાંધેલી મણિમુદ્રા સાંભરી આવી. ‘મણિમુદ્રા! કુમુદસુંદરીની લલિત આંગળીએ વસવા મેં કેટલા મોહથી ઘડાવી હતી! તે સર્વ હવે વ્યર્થ થયું. આ દીન વણિકને આનંદનું સાધન તું હવે થા! મણિમુદ્રા લક્ષ્મીના છેલ્લા અવશેષ! મારા સ્નેહની સ્મશાનવિભૂતિ! મારા આંસુથી કલંકિત કર્યા સિવાય તને તજું છું. જા. ગરીબનું ઘર દીપાવ.’ સરસ્વતીચંદ્રે અર્થદાસની આંગળીએ મુદ્રા પહેરાવી; અને ભૂખથી, દુઃખથી, દયાથી, વિરહથી નબળો બનેલો તરુણ ઢળી પડ્યો. સરસ્વતીચંદ્ર ઢળી પડ્યો કે એકદમ વીજળીની ત્વરાથી ચોર ચિત્તવાળો અર્થદાસ સરસ્વતીચંદ્રને બહારવટિયો કલ્પતો પાછું જોયા વગર, વિચાર કરવા ઊભા રહ્યા વગર, મણિમુદ્રા લઈ, મૂઠી વાળી નાઠો.