સહરાની ભવ્યતા/બચુભાઈ રાવત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બચુભાઈ રાવત


તમે તો જાતને ટેકે ટેકે આટલે આવ્યા, પણ અમે કંઈ પંચોતેરમે પહોંચવાના નથી. એટલું ખરું કે બીજાં પંચોતેરસોનો ભાર — એક અવાચકઓથાર — અમારી ખોપરીઓ ભેદીને છેક પગની પાનીઓ સુધી ઝમી આવ્યો છે.

અલબત્ત, એનો અર્થ એવો ન જ થાય કે અમારા મગજના કોષોનો રંગ તમારાથી જુદો હશે અને હૃદય તો માનવમાત્રમાં મૂઠી જેવડાં હોયછે એ ન્યાયે આપણે એક જમાનો સાથે ગુજાર્યો, બન્યો એટલો આપણા સંવેદનમાં ઢાળ્યો. ફેર ગણો તો એટલો જ કે અમે એના અમુકઅંશોને છોડવા — ક્યારેક તરછોડવા ગયા; જ્યારે તમે સાચવવા વધુ સજાગ થયા. જે કંઈ છોડાયું–સચવાયું એ બધું આમ તો તમારું, અમારું ને ઉંબરે ઊભેલાઓનું સહુનું સહિયારું છે. પણ અમને કોઈ પૂછશે તો હાથ કે હોઠથી કહીશું કે એનો જશ તમને જશે.

આ કંઈ બધું આપી કે છોડી દેવાની વાત નથી. અમે તો જશ–અપજશમાં માનીએ તોય મન મનાવી શકવાના નથી. મળીએ તો દર વખતમાથું નમાવી શકવાના નથી. આવતી કાલે કદાચ આટલુંય હસી શકવાના નથી. ‘બુધવાર’માં તો માત્ર બીડી પીવાની મનાઈ હતી, જ્યારેઅમારે તો બક્ષીના પેલા કલકત્તી ગાંડિયાની જેમ નાના–મોટા બૉમ્બના ધુમાડા ફેફસાંમાં ઉતારવાના છે.

તમે તો વિલાયત જઈનેય કશો રોગ, કશો રંગ ન લાવ્યા. પોતાને સંગ પાછા આવ્યા. એટલે કે અહીં બેઠાં જે બધું જાણતા હતા એ જોઈઆવ્યા. એની ના નહીં કે તમે ઘણું બધું જાણો છો, અને જાણો છો એમાં માનો છો. ધૂણી કે ધુમ્મસ વચ્ચેય સવારને સાંજ કહેતા નથી અનેદિવસે રાતની જેમ ઊંઘતા નથી. હજીયે ટોપીને ઊંચે લટકાવવાને બદલે ખુરશીની ગાદી નીચે દબાવી રાખો છો. સાંભળ્યું છે કે હવેસભાસમિતિઓમાં બહુ જતા નથી, છતાં એકસરખા અવાજે ફોન પર હસીને વાત કરી શકો છો. ખોટું લગાડીનેય પાછા વેળાસર ખુશ થઈશકો છો અને ખટમીઠી વાતો વચ્ચેના અલ્પવિરામોમાં — ખડખડાટ હાસ્યના મોજે સવાર થઈ ડુંગર ઓળંગતા સામંતી અસવારની જેમ — તમારી જીર્ણ ખુરશીના હાથાની કેશવાળી પકડી એ સુઘડ સાંકડી કૅબિન કૂદી જાઓ છો. પછી સામેના પ્રગલ્લભ મૌનની ખાઈના ઊંડાણભણી પીઠ કરીને પ્રતિમાની જેમ મૂંગા રહી શકો છો. ખુરશીમાં પૂર્વવત્ સ્થિર થઈ શકો છો. સાચું પૂછો તો તમારી એ કેળવેલી સ્વસ્થતા જઅમને કનડે છે, ‘કુમાર’ના કોઈ પણ પાને જે અનાયાસે જડે છે, જ્યાં જુઓ ત્યાં સમુદ્રિત વિશદતા, જોકે ગુજરાતે હજી પૂરેપૂરી વાંચી નથીતમારી મુદ્રણકલાની ગીતા.

ભલા માણસ, પેલા અસવારની જેમ બે દા’ડા તો બેજવાબદાર બનવું હતું! એવા એકાદ દાખલાનીય મુદ્રા ઊપસવા દીધી હોત તો કોઈસુર્રિયલ કવિ ઉષ્ણાંશુ બનીને તમારા નામનું બહુવચન ન કરત કે અમારા સ્થાનિક બંધુજનો તમને વેરભાવે ન ભજત. મોડી સાંજે નિશ્ચિતસમયે તમને ઘેર લઈ જતી લાલ બસમાં, સામેની સીટે બેસીને અમારામાંના કોઈ ચિનુ, મનુ કે માણેકલાલ બે ઘડી વાત કરી વરાળ કાઢત.

મને લાગે છે કે મેં જરા વધુ પડતું ધારી લીધું અને એય પાછું જે વીત્યું છે એને વિશે. એમ કરવાની જરૂર નહોતી; કેમ કે વચગાળામાંશબ્દોની વરાળ થઈ ગઈ છે એ તમે સ્વીકારવાના નથી. સહુ જાણે છે કે અળખામણા થવાની બીકે કાળ ભગવાન કશું તારવાના નથી.

તમે કહેશો કે આ તો અમારી જ ભાષા! હાજી, કાનની બૂટ પણ બતાવશે કે ભાષા તો એની એ જ — કોશિયાની કે કરોડપતિની. ટૂંકમાં, સાંભળે છે એ બોલે છે, હવા ને પાણી આપણને યુગોથી તોલે છે. પણ આજકાલ શબ્દો વચ્ચેનું અંતર જરા વધી ગયું છે; એટલું જ નહીં, પાણીની હવા ને હવાનું પાણી થઈ ગયું છે. એમનાં રૂપભેદ ને નામરૂપમાં અનેક અજાણ્યું પરિમાણ ઉમેરાઈ રહ્યું છે. તમને જ નહીં, અમનેયપરિચિત સંદર્ભો નેપથ્યમાં છેક છેવાડે ખસી રહ્યા છે.

નેપથ્યમાં રહેનારા તમે આટલુંય ન જાણો એ તો બને જ કેમ? પણ અમે એટલા કાચા (ને તે ક્ષણ પૂરતા તો સાચા) કે તમને ખુમારીથીકહેલું: (તમે તો કદાચ ભૂલી ગયા હશો પણ યાદ આવ્યું છે તો કહી જ દઉં) ‘બચુભાઈ, કેટલુંક છ મહિને સમજાય છે.’ પછી તો અમનેતુરત સમજાયું કે સમજવાનું હોતું નથી, પામવાનું હોય છે, અસ્તિત્વના ઊંડાણમાં.

આજે અમે એટલું જ કહેવા આવેલા કે પાંચપાંચ દાયકા પૂર્વેનાં, સાદી ખાદીનાં સુરવાલ–શેરવાની પહેરી રાખીનેય તમે તમારા જોગ પામીલીધું છે. નદીના બંને કાંઠા સમાંતર રાખીનેય એક પા જળને વહેવા દીધું છે. મુબારક મુરબ્બી, તસલીમ! આ જમાનામાં કોણ જાળવી શક્યુંછે જૂનાં નીમ?

સિતાંશુ, અનિલ કે ટોપીની કવિતા ટપાલમાં ન આવી તો એથી તમારે કે કવિતાએ શોષવું પડ્યું નથી. ગયા સૈકામાં કહેવત નહોતી? — કવિતા તો વાંચે એની. એ કંઈ અમારા–તમારા કે ઉ. જો. — સુ. જો.ના કહ્યામાં રહેવાની નથી.

આપણે રહ્યા માત્ર પંચેન્દ્રિય પ્રવાસીઓ, પૃથ્વીનેય ક્યાં હજી પૂરી પામ્યા છીએ? જ્યારે કવિતા તો કહો કે અવ્યક્ત આકાશોનું સ્પંદન: શૂન્યના ગર્ભમાં સંભાવ્ય અશબ્દ–અરૂપ વિશ્વોનું અનંત ક્રંદન. એ તો ઇશ્વરનું એકાન્ત અને તીર્થંકરોનું એકાન્ત. માફ કરજો બચુભાઈ, આબધું તો મેં મને જ કહ્યું, કહેવાયું છે, કહેવાતું રહેશે.

આ મૌન મિલનમાં આવતી વેળા કદાચ મનમાં એમ પણ હોય કે આશિષ મળે. પિતૃભાવ અમારી આંખોમાં ભલે ન દેખાય, લોહીમાં તોવરતાશે. પણ એકલી આશિષથી ક્યાં સુધી સાજા રહેવું? બહારથી તાજા રહેવું? ભલે ને ભીતરમાં ઊમટી આવે વિસંવાદી વિચારો, નેઘૂમરાયા કરે સંકુલ લાગણીઓ; બધી બીમારીઓ જીવ્યા વિના નથી કોઈ આરો, તેથી તો આવતી કાલને ઉજાળવા નથી કરવી કશીમાગણીઓ.

સારું થયું કે આપણી વચ્ચે કશી આપલે થઈ નહીં, સમયની દૂરતા સમ ખાવા જોગીય ગઈ નહીં. માઠું ન લગાડો તો કહું: તમે તો ક્યારેયપંચોતેરથી નાના હતા જ નહીં, પણ એટલું ખરું કે તમારા સુધી પહોંચેલી કવિતા સામે મોટે ભાગે તમે ગેરહાજર હતાય નહીં.

મિત્રો, બચુભાઈની વાત પૂરી થઈ. હવે મારા કહેવામાં કશી ભૂલ હોય તો કહો કે પછી બીડું ઉઠાવવા તૈયાર રહો. જે કોઈ બંદો બુધવારનીરાતે મશાલ લઈ નીકળી પડે ભાવકના વેશમાં, આપણા આ વિશાળ દેશમાં, ને એના કોઈ ખૂણેખાંચરેથી પકડી આવે આવા બીજાપંચોતેરિયા સહૃદય; તો પિનુભાઈ ને કનુભાઈની સાક્ષીએ લાભશંકર, ચંદ્રકાન્ત ને હું — અમને મળેલા ચંદ્રક એ બંદાને બક્ષીએ.

પાદટીપ

[ઉપર્યુક્ત રચના કોઈને દુર્બોધ ન લાગે એ દૃષ્ટિએ શ્રી નટુભાઈ પરીખ અને બિહારીલાલ ટાંકના વિસ્તૃત લેખની મદદથી અહીં સંદર્ભોઉમેર્યા છે તેમ જ સ્પષ્ટતાઓ કરી છે.]

પંચોતેરમે

શ્રી બચુભાઈ રાવત ક્યારેય પંચોતેરથી નાના ન હતા તે સાચું પણ એમનો જન્મ ઇ. સ. 1898ની 27મી ફેબ્રુઆરીએ થયેલો, એ હકીકત છે.

કોષોનો રંગ

બચુભાઈના મુરબ્બી સ્વ. રવિશંકર રાવળે ગુજરાતમાં રંગ અને રેખાના માધ્યમનો અપૂર્વ અને અનન્ય વિનિયોગ કર્યો, કલાગુરુનીકામગીરી બજાવી. બચુભાઈ એક ઉત્તમ કલા મર્મજ્ઞ છે તેથી રંગોનું શાસ્ત્ર તો જાણે જ. એ કોષોના રંગ વિશે પણ વાત કરી શકે. એમનાપિતાશ્રી વૈદ્ય હતા. ઉગ્ર કર્તવ્યનિષ્ઠા અને પ્રાણીઓ પ્રત્યેનું વાત્સલ્ય એમને વારસામાં મળેલાં. નાનાંમોટાં અનેક પ્રાણીઓને બચુભાઈનુંવાત્સલ્ય સાંપડ્યું છે. અહીં પ્રાણી એટલે મનુષ્ય એવો અર્થ પણ લઈ શકાય. સરખાવો: ‘માનવમાત્ર પ્રાણી છે પણ માનવ માત્ર પ્રાણી નથી.’ — નિ. ભ.

હાથ કે હોઠ

બચુભાઈ સુંદર ગદ્ય લખી જાણે, તે જ રીતે બોલી જાણે. એમને શરીરશ્રમની પણ નાનમ ન હતી. 1919માં એ અમદાવાદના ‘સસ્તુંસાહિત્ય વર્ધક’માં જોડાયા ત્યારે થોડા મહિનાના પાકા રોજમેળ, ખાતાવહી, સ્ટૉકલિસ્ટ વગેરેનાં ચડી ગયેલાં કામ સાથે છપાઈ રહેલીચોપડીઓનું પ્રૂફરીડિંગ, નવાં તૈયાર થતાં પુસ્તકોનું સંપાદન, છૂટક ગ્રંથવેચાણ, પત્રવ્યવહાર ઉપરાંત 6600 જેટલા ગ્રાહકોને મોકલવાનાંપુસ્તકોનાં સરનામાં લખવાં, એ પુસ્તકોને બાંધીને ટપાલમાં રવાના કરવાં ને સખારામ હાજર ન હોય તો એના થેલા ઊંચકી પોસ્ટ ઑફિસેપહોંચાડવા સુધીની અનેકવિધ કામગીરી એમણે એકલે હાથે ઉપાડી લીધી હતી. બચુભાઈની દૃષ્ટિએ હાથ પણ મનુષ્ય શરીરનું મહત્ત્વનુંઅંગ છે. તેથી એમણે સર્વાંગી વિકાસ કર્યો, અનેક વિષયોનું જ્ઞાન મેળવ્યું અને ટટ્ટાર બલ્કે અણનમ રહ્યા.

બુધવાર

બુધ–કવિસભા. આ લખનારને બધા વારમાં બુધવાર સવિશેષ પ્રિય છે. એનું કારણ બચુભાઈ બુધવારને દિવસે નવકવિઓ માટે સભાચલાવતા એ છે. આ બુધ–સભા હવે સાહિત્ય પરિષદના ઉપક્રમે મળે છે અને ધીરુભાઈ પરીખ અને પિનાકિન્ ઠાકોર એનું સંચાલન કરે છે. ગુજરાતના ફોટોગ્રાફરોમાં વિખ્યાત ‘નિહારિકા ક્લબ’નો પ્રારંભ પણ બચુભાઈએ કરેલો.

કલકત્તી ગાંડિયો

શ્રી ચંદ્રકાન્ત બક્ષી નહિ, પણ એમની વાર્તા ‘તમે આવશો?’નો નાયક. બચુભાઈ બક્ષીની આરંભિક વાર્તાઓના પ્રશંસક. ઘણી છાપી છે. બક્ષીએ લગભગ બધા જ વડીલ લેખકો વિરુદ્ધ લખ્યું છે, એમાં એક માત્ર બચુભાઈ બાકી રહ્યા છે.

વિલાયત

ઇંગ્લેન્ડ. લંડનમાં શરૂ થયેલા ગુજરાતી સામાયિક ‘ગરવી ગુજરાત’ના સલાહકાર તરીકે બચુભાઈએ 1968માં ત્રણ માસનો પ્રથમ પ્રવાસઅને 1977માં બીજો ટૂંકો પ્રવાસ કરેલો.

કુમાર

ગુજરાતી ભાષાનું સર્વોત્તમ હેતુલક્ષી માસિક. આ લખનારને કુમારચંદ્રક મળેલો તેનું અભિમાન થયેલું. બીજો કોઈ ચંદ્રક કે ઇનામથી પછીએટલો આનંદ પણ થયો નથી. બચુભાઈએ ‘કુમાર’ ઉપરાંત ‘જ્ઞાનાંજલિ’ અને ‘વીસમી સદી’નું સંપાદન પણ કરેલું છે. ‘કવિતા’ અનિયતકાલિક અને ‘કવિલોક’ને પણ કેમ ભુલાય?

સભાસમિતિઓ

બચુભાઈને પૂર્વે અનેક સમિતિઓ અને સંસ્થાઓનાં માન–સન્માન મળ્યાં છે. ‘ગુજરાત સાહિત્ય સભા’નો રણજિતરામ સુવર્ણચંદ્રક, લિપિસુધારણા સમિતિનું સભ્યપદ, મુંબઈ રાજ્યની વિધાનપરિષદમાં ગવર્નર તરફથી નિમણૂક, અખિલ ભારતીય મુદ્રક મહાસંઘની કારોબારીસમિતિમાં વરણી, મુંબઈ રાજ્યની મુદ્રણ ઉદ્યોગ માટેની લઘુતમ વેતન સમિતિમાં બબ્બેવારની નિમણૂક, પહેલી ગુજરાત મુદ્રક પરિષદનુંપ્રમુખપદ, ગુજરાતી સાહિત્ય પરિષદના 23મા અધિવેશનમાં પત્રકાર વિભાગનું પ્રમુખપદ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનીકારોબારી સમિતિમાં નિમણૂક કે પદ્મશ્રીનું બહુમાન એ બધું તો એમણે કરેલાં અર્પણોની આંશિક સ્વીકૃતિઓ જ છે એમ કહેવાયું છે. ગુજરાત રાજ્ય લલિતકળા અકાદમીએ એમનું સન્માન કર્યું. બચુભાઈ કોઈના પ્રેમનો અનાદર ન કરે પણ સમિતિઓ કે સત્તાંડળોમાં જવાનુંએમણે પછી જ બંધ કરેલું. એમના જેવા નિષ્ણાતને કોઈક કંપની પાંચ હજારનો પગાર પણ રાજીખુશીથી આપે. પણ બચુભાઈએપાંચસોથી વધુ પગાર લીધો નથી અને છતાં કશાયની ખેંચ ન પડતી હોય એમ વ્યવસ્થિત અને ગૌરવભેર જીવ્યા. રાવતને શોભે એ રીતે.

ઉષ્ણાંશુ

સિતાંશુ યશશ્ચંદ્ર. ‘કુમાર’માં કવિતા પ્રગટ કરાવ્યા વિના પ્રતિભાશાળી સિદ્ધ થયેલ એકમાત્ર ગુજરાતી કવિ.

ચિનુ

વિદ્યાવાચસ્પતિ ચિનુ મોદી મિત્રો સાથે ‘કુમાર’ છોડી ‘રે મઠ’માં જોડાયેલા. પાછળથી એમણે પોતાની આગવી ‘હોટેલ પોયેટ્સ’નીકાવ્યપ્રવૃત્તિ શરૂ કરી કાવ્યગુરુની સેવાઓ આપવા માંડી.

મનુ

મનહર મોદી, છેલ્લા ત્રણેક દાયકાથી ગઝલ ઉપર પીએચ. ડી. કરે છે. ‘નિરીક્ષક’ અને ‘ઉદ્ગાર’ના ભૂતપૂર્વ સંપાદક, ગઝલક્ષેત્રે આદિલનાનજીકના પ્રતિસ્પર્ધી અને પ્રશંસક. બચુભાઈને એમનું શરૂઆતનું મક્તક યાદ હતું: ‘દિલ તમોને આપતાં આપી દીધું…’

માણેકલાલ

આ કોઈ કલ્પિત નામ નથી. શ્રી માણેકલાલ પટેલ વિદ્યાપીઠમાં સમાજશાસ્ત્રના અધ્યાપક હતાં. કાવ્યસાધના પાછળ એમણે વધુમાં વધુસમય આપેલો. બાળકાવ્યો પણ લખ્યાં છે. સુન્દરમ્ ના પરિચિત.

નેપથ્ય

બચુભાઈના મકાનનું નામ. ગોવર્ધનરામની અસરથી એમણે ગુણસૂચક નામ રાખ્યું હતું. સાચી વાત છે. બચુભાઈ સહુની સામે મંચ પરઆવવાને બદલે નેપથ્યે રહેવાનું, પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવાનું વધુ પસંદ કર્યું છે. સ્વ. દેશળજી પરમાર એમના પરમ મિત્ર.

અનિલ

કવિ અનિલ જોશી, સિતાંશુના મિત્ર, પૂર્વે પોતાને બચુભાઈના મુરબ્બી માનતા.

ટોપી

ચંદ્રકાન્ત ટોપીવાળા. મહત્ત્વાકાંક્ષી વિવેચક. શૈલીવિજ્ઞાનના સિદ્ધાંતોનાં ઉદાહરણો પૂરાં પાડવા કવિતા લખે છે. પૂર્વે ગાંધીયુગ અને રાજેન્દ્ર–નિરંજન યુગ માટે પણ લખેલું. પોતાના મિત્રવર્તુળમાં સહુથી વધુ ‘મિત્ર.’

ઉ. જો.

ઉમાશંકર જોશી. બચુભાઈએ બુધ–કવિસભા પરિષદને સોંપી તે પ્રસંગે બે નવી કાવ્યકૃતિઓ સાથે હાજર થયેલા. લેખનના આરંભિક તબક્કેકુમાર કાર્યાલયમાં અનેક વાર રાતવાસો કરેલો છે. બચુભાઈને બ્રિટિશર કહીને માન આપે.

સુ. જો.

‘કુમાર’ ન વાંચનારાઓમાંના એક. અનેક સામયિકો શરૂ કરનાર તંત્રી અને વર્તમાન તેમજ ભાવિ નાગરિકોના માનસ વિશે સહુથી વધુસચિંત રહેનાર અધ્યાપક. પુસ્તકોના ડુંગરમાં ગુફાવાસીની જેમ રહેવાનું વધુ ગમે, છતાં વકતૃત્વ શક્તિમાં સહુથી આગળ. એમના ફાળેવિરોધ કરવાનું આવ્યું તેમ વિરોધ સહન કરવાનું પણ આવ્યું.

અનેકાન્ત

જૈનોનો અનેકાન્તવાદ, હાથીને થાંભલા કે સુપડારૂપે નહીં પણ આખો જોવો તે. બધા ખૂણેથી જોઈને મેળવેલું મકાનનું ચિત્ર સાચું. બચુભાઈઉદાર ખરા પણ આગ્રહી. છંદ વિનાની કવિતા ન જ છાપી તેથી અનેકાન્તવાદી ન કહેવાય.

પિનુભાઈ

શ્રી પિનાકિન્ ઠાકોર. બુધ–કવિસભાના સહુથી નિયમિત સભ્ય. શ્રી નલિન રાવળે એમને વિશે લખ્યું છે: પિનુભાઈ જબરા કાવ્ય ચિકિત્સક. કોણ જાણે ક્યાંથી તે કાવ્યમાંથી કસ્તર શોધી આપે. કાવ્યમાં જરાક જેટલો લય લથડ્યો કે ક્યાંક કશે અસ્પષ્ટતા રહી ગઈ તો તેમનીભ્રૂકુટિ ઊંચી થાય. પ્રિયકાન્તનો પહેલો નિયમ તે કાવ્યો તેમને બતાવવાં. રાત્રે ક્યારેક બારેક વાગ્યે બુધસભામાંથી પાછા ફરતાં અષાઢનાદિવસોમાં વરસાદ ત્રાટકે તો કોઈ ઘરનાં નેવાં નીચે ઊભા રહી પિનુભાઈ કાવ્યગોષ્ઠિ આગળ ચલાવે. (પૃ. 15, પ્રિયકાન્ત મણિયાર)

કનુભાઈ જાની

વિવેકચ, લોકસાહિત્યના અભ્યાસી. વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના વડા હતા. અજાતશત્રુ અને અજાતમિત્ર.

લાભશંકર

વૈદ્ય પુનર્વસુ તરીકે ગુજરાતમાં વધુ જાણીતા છે. શ્રી નિરંજન ભગત એમને અદ્યતન કવિ કહે છે. લખે છે: “છેલ્લા બે દાયકા દરમિયાનનીકવિતામાં લાભશંકર અને સિતાંશુની કવિતા સર્વાંગસંપૂર્ણપણે અદ્યતન કવિતા છે. લાભશંકરની કવિતામાં ‘શોધ’ની કવિતાનું અનુસંધાન છેઅને સિતાંશુની કવિતામાં ‘છિન્નભિન્ન છું’ની કવિતાનું અનુસંધાન છે.” આ અંગે લાભશંકર સહમત નહીં થાય. એ કશા અનુસંધામાંમાનતા નથી. મિત્રો ‘લા. ઠા.’ કહેશે તો પોતે ‘ઠા. લા.’ લખશે અને કોઈક નબળાઈની ક્ષણે પોતાના પર ખુશ થઈ જાહેર કરશે: ‘ઠા. લા. છીએ પણ ઠાકર છીએ.’ કોઈક આવા જ મિજાજથી એમણે એકવાર બચુભાઈ અને બુધકવિસભા માટે ‘અનન્ય’ વિશેષણ વાપરેલું.

ચંદ્રકાન્ત

ચંદ્રકાન્ત શેઠ. નંદ સામવેદીના ઉપનામની લલિત ગદ્ય લખતા હતા ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે એ શેઠ હશે. એમણે પ્રથમકાવ્યસંગ્રહ બચુભાઈ, લા. ઠા. અને આ લખનારને અર્પણ કરેલો. બચુભાઈ એકેયવાર જેના પર નારાજ ન થયા હોય તેવા એકમાત્ર કવિ તેઆ ચંદ્રકાન્ત શેઠ.

*

પત્રકાર તરીકેની બચુભાઈની ખાસિયતોથી ‘કુમાર’ના વાચકો અજાણ્યા નથી. એમના પત્રકાર વ્યક્તિત્વને મુખ્યત્વે આ પાંચ લક્ષણોમાંઓળખાવી શકાય: (1) તથ્યથી સત્ય ભણી (2) વ્યાપક કેળવણીની દૃષ્ટિ (3) રજૂઆતની કળા (4) માધ્યમનાં તમામ અંગોનું જ્ઞાન અને (5) ઓછી જરૂરિયાતો: નિજત્વ.

આ પાંચેય લક્ષણોને વિગતે જોઈએ તો બચુભાઈને એક પત્રકાર તરીકે ઘટનાઓ અને તથ્યમાં જે રસ હતો એ ત્યાં જ પૂરો થતો ન હતો. વ્યાપક જીવનસત્યનો સંકેત ન કરે એ ઘટના ગમે તેટલી રોમાંચક હોય તોપણ શા ખપની? એમ તો સૃષ્ટિમાં અનેક ભુલભુલામણીઓ છે, પણ પોતાના વાચકને એમાં વહેતો મૂકી દેવા માટે એમણે કશું છાપ્યું નથી.

એમના વખતના ‘કુમાર’માં રમતગમત વિશેનું લખાણ પણ જુઓ. રમત સાથે બૌદ્ધિક કસોટી થાય એ જરૂરી. વિવિધ વિભાગો જીવનનાકોઈ ને કોઈ પાસાને સ્પર્શતા હોય એની એ કાળજી રાખતા. કઈ વસ્તુની બજારમાં માંગ છે એ જાણવું તો સહુથી સહેલું હોય છે. બચુભાઈસદા બજારના ભાવતાલથી દૂર રહ્યા, ચોક્કસ હેતુ વિનાનું, માત્ર મોજ ખાતર એમણે કશું છાપ્યું છે ખરું? આપણને ન દેખાતા પ્રયોજનમાંપણ એમણે કશુંક જોયું હશે એમાં મને શંકા નથી.

‘કુમાર’ માસિક ચલાવવા પાછળ વ્યાપક કેળવણીની દૃષ્ટિ હતી એ વાત એમણે કદી છુપાવી નથી.

‘આવતી કાલનાં નાગરિકોનું માસિક’ આ સૂત્ર જવાબદારી સમજીને છાપતા.

શાળા–મહાશાળાઓ પણ અવારનવાર જે લક્ષ્ય ચૂકી જતી લાગે છે એનું જતન ‘કુમાર’માં સતત થયું છે.

એમણે સાહિત્યનાં વિવિધ સ્વરૂપોને ‘કુમાર’માં સ્થાન આપ્યું, અનેક વિષયોની લેખમાળાઓ આપી, પણ એ બધાંમાં એમણે જીવનચરિત્રનેતરતું રાખ્યું. એની પાછળ એમની દૃષ્ટિ હતી.

માણસ ઉપદેશ અને સંકેતથી પણ જરૂર શીખે છે, પણ દૃષ્ટાંતથી તો એ શીખવાની સાથે શીખવતો પણ થઈ જાય છે.

કોઈ અભ્યાસીએ આ કામ કરવા જેવું છે: ગુજરાતી સામયિકોમાં જીવનચરિત્રો કોણે વધુ છાપ્યાં? વૈવિધ્ય અને ગુણવત્તાની દૃષ્ટિએ ‘કુમાર’ પ્રથમ આવશે.

કવિતા અને ચિત્રકળા માટે તો ‘કુમાર’ એક ધોરણ રહ્યું છે. પછી તો સગવડો વધી, સામયિકો વધ્યાં. પણ છઠ્ઠા દાયકા સુધી તો કવિતા અનેચિત્રકળાના પ્રોત્સાહન અને મૂલ્યાંકનની બેવડી જવાબદારી ‘કુમારે’ અદા કરી છે.

‘સંસ્કૃતિ’એ પૂર્વેના ‘પ્રસ્થાન’ની ખોટ પૂરી અને ‘બુદ્ધિપ્રકાશે’ પોતે બંધ ન પડીને ખોટ પડવા ન દીધી. ઘડી માટે કલ્પના કરો કે આ બંનેસામયિકો એકએક વર્ષ માટે બચુભાઈએ ચલાવી આપ્યાં હોત તો? ઉમાશંકર અને યશવંતભાઈની બૌદ્ધિક ક્ષમતા બચુભાઈ કરતાં ઘણી જવધારે, પરંતુ પત્રકાર તરીકેની દૃષ્ટિ કેળવાઈ હતી બચુભાઈની. એમની પાસે શિસ્ત હતી, આયોજન હતું, વ્યાપક કેળવણીની દૃષ્ટિ હતી. શિથિલતા અને બાંધછોડને સ્થાન ન હતું.

માત્ર સાહિત્ય અને કલાના નહિ, વિજ્ઞાનના ક્ષેત્રના માણસને પૂછો અને ‘કુમાર’ વિશે એમનો અભિપ્રાય સાંભળો. ‘કુમાર’ની આજ સુધીનીફાઈલોને ગુજરાતી જ્ઞાનકોશની સામગ્રી (એનસાઈક્લોપિડિક ડેટા) તરીકે ઓળખાવી શકાય.

લેખકે કૃતિનું શીર્ષક, એને વિશેની સંપાદકીય નોંધ, ટાઈપનું માપ, એક પૃષ્ઠ પર કેટલી કોલમ કરવી. જાડીપાતળી રૂલ વાપરવી તો કેવીરીતે, કાયમી વિભાગો પણ એકવિધ ન લાગે એની કાળજી લેવી. લેખોની ભાષા સુધારવી. કાપકૂપ કરવી, પ્રૂફ વાંચવું, મશીનની કામગીરીનોખ્યાલ રાખવો, બ્લૉક બનાવવાનું શાસ્ત્ર જાણવું, ચિત્રના બધા બ્લૉક ધારોધાર છપાય અને ધાર્યું રંગસંયોજન થાય એની કાળજી લેવી, જાહેરખબર પણ સુઘડ રીતે છપાય એ જોવું, ટૂંકમાં, જેમ ખેડૂત એના ખેતરને લગતું બધું જાણે તેમ બચુભાઈ પોતાના ક્ષેત્રનું બધું જાણે, હાથમાં લીધેલા કામને પૂરેપૂરી ચોકસાઈથી કરે, સાંધો કે રેણ રહેવા ન દે.

બચુભાઈ જેમ મોટા તંત્રી હતા તેમ મોટા મુદ્રક પણ હતા અને એમણે સામયિકના પ્રકાશન સાથે પુસ્તકપ્રકાશનને જોડવા પણ પ્રયત્ન કર્યોહતો, મૂડી પૂરતી હોત તો એમણે પ્રકાશક તરીકે પણ પ્રભાવક કામગીરી મૂકી હોત, તેમ છતાં કેટલાંક પ્રકાશનોની આવૃત્તિઓ થઈ છે અનેકેટલાંક પુસ્તક નિર્માણની કળાની દૃષ્ટિએ ઉત્તમ ઠર્યાં છે.

બચુભાઈ મુદ્રક પરિષદના પ્રમુખ ચૂંટાયા હતા. ગુજરાતના મુદ્રણઉદ્યોગના વિકાસમાં એમનો પ્રત્યક્ષ–પરોક્ષ ફાળો હતો. એમણે રચેલા‘રાવત–મરોડ’નું પણ અહીં સહેજે સ્મરણ થાય. નાગરી અને ગુજરાતી બેઉ લિપિઓનો આ સમન્વય રાષ્ટ્રીય લિપિનો વિકલ્પ બની શકત. મેં મારી પ્રથમ નવલકથા ‘પૂર્વરાગ’ નવજીવન પ્રેસમાં છપાવેલી. ત્યારે અમદાવામાં ‘કુમાર’ અને ‘નવજીવન’ એ બે પ્રેસની કામગીરીવખણાતી. નવજીવન પાસે વધુ મોંઘી યંત્રસામગ્રી હતી. બચુભાઈ સસ્તી અને જૂની યંત્રસામગ્રીથી પણ સારું પરિણામ લાવતા. અમુકપ્રકારના ટાઈપ, એમની સઘન ગોઠવણી (ક્લોઝ કમ્પોઝ) વગેરે કામ એ મન મૂકીને કરાવતા. તેથી છપાવનારને થોડુંક ખર્ચ વધુ આવતું.

જેમ એક ઉત્તમ અધ્યાપકમાં વિદ્વત્તા અને વાણીની કળા બંને હોય છે તેમ બચુભાઈ પત્રકાર તરીકે લેખિત સામગ્રી અને મુદ્રણ બેઉ પરસમાન અધિકાર ધરાવતા હતા. વળી, જેમ સાહિત્યનાં વિભિન્ન સ્વરૂપોની એમને સમજણ હતી, બલ્કે એ વિશે આગ્રહો હતા, મઠારીઆપવાનો ઉત્સાહ હતો તેમ મુદ્રણનાં તમામ અંગોમાં એમની પોતીકી પહોંચ પણ હતી.

એમને કોઈ મહાન મુદ્રક કહીને અટકી જાય તો એ સભાન થઈ જતા પણ એમને પત્રકાર તરીકે બિરદાવતાં એમની મુદ્રક તરીકેનીસજ્જતાની ઉપેક્ષા થઈ શકે એમ ન હતી. ‘મુદ્રણકવિ’ (ઉ. જો.) એમના માટે શોભતો સમાસ છે.

બચુભાઈ ગાંધીયુગના આદર્શો અને રજવાડી રીતભાતથી ઘડાયેલા હતા. એમનું સ્વાભિમાન એમના પ્રેમાળ–વત્સલ વ્યક્તિત્વમાં ગોપિતરહેતું પણ એમણે કોઈની શેહમાં કામ ન કર્યું.

એમણે પત્રકાર તરીકે જે કારકિર્દીની કલ્પના કરી હતી એમાં વ્યાવસાયિક નફાની શક્યતા ન હતી. કાર્યની ગુણવત્તાથી જ એમણે અનેકંપનીના શેર હોલ્ડરોએ સંતોષ મેળવવાનો હતો.

એમણે બહુ ઓછા વેતનથી — અન્યત્ર મળ્યું હોત એથી પાંચમા ભાગના વેતનથી કામ કર્યું. ગુજરાત બહાર તો કદાચ એમને દસગણાવેતનથી કામ કરવાનાં આમંત્રણ મળી ચૂક્યાં હતાં. પણ જે દેવ કર્યા તે કર્યા. ઓછા વેતનથી કામ કરી શકાય માટે એમણે એક જીવનપદ્ધતિપણ વિકસાવી હતી: જરૂરિયાતો જ ઓછી રાખવી. એનો એક જ દાખલો પૂરતો થશે:

એ એમની ટોપીને ખુરશીની ગાદી નીચે રાખે. ટોપીની એક પણ ધાર સહેજ પણ વળેલી હોય તે તો કેમ ચાલે? પણ ઇસ્ત્રી કરાવવાનીનહિ, પોતાના જ વજનથી કામ લેવાનું.

જેમણે એમને સભાઓમાં સાંભળ્યા છે એ જાણે છે કે બચુભાઈ સારા વક્તા પણ હતા. મને યાદ છે ત્યાં સુધી એમના વક્તવ્યમાં કશુંબિનજરૂરી આવતું ન હતું.

જેટલું જરૂરી હોય એથી મોટી જરૂરિયાત જ નહિ! એની મદદથી બચુભાઈ પોતાપણું ટકાવી શક્યા.