સાહિત્યચર્યા/૨૦મી સદીનું ગુજરાતી સાહિત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૦મી સદીનું ગુજરાતી સાહિત્ય

‘૨૦મી સદીનું ગુજરાતી સાહિત્ય’ વિશેના પરિદર્શનના આ એક અનન્ય અને અપૂર્વ ઉપક્રમમાં મને અધ્યક્ષ તરીકે ઉપસ્થિત થવા આમંત્રણ આપ્યું એ માટે દિલ્હીની સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનો હૃદયથી આભાર માનું છું. આ એક અનન્ય અને અપૂર્વ ઉપક્રમ છે કારણ કે નર્મદથી આજ લગીના ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં છેલ્લાં દોઢસો વરસના અર્વાચીન યુગના સમગ્ર સમયખંડમાં આવો એક પણ ઉપક્રમ યોજવામાં આવ્યો જ નથી. આ સમયખંડ પૂર્વે તો ગુજરાતી સાહિત્યનું વિવેચન અસ્તિત્વમાં જ ન હતું. એ વિવેચન તો અંગ્રેજી સાહિત્યના પ્રભાવથી જ અસ્તિત્વમાં આવ્યું છે. એ વિવેચન સુદીર્ઘ નામાવલિ થાય એટલી સંખ્યામાં ભિન્ન ભિન્ન રસરુચિના વિદગ્ધ અને વિદ્વાન વિવેચકો દ્વારા કવિચરિત્રો, અવલોકનો, લેખો, નિબંધો, વ્યાખ્યાનો આદિમાં સતત પ્રસિદ્ધ થતું રહ્યું છે. ક્યારેક એ વિવેચન ગુજરાતી સાહિત્યના નરસિંહથી માંડીને આજ લગીના મધ્યકાલીન અને અર્વાચીન એમ અખંડ સમયના તો ક્યારેક મધ્યકાલીન અથવા અર્વાચીન એમ કોઈ એક ખંડસમયના સાહિત્યનાં સૌ સ્વરૂપો અથવા તો કોઈ એક સ્વરૂપના ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ઇતિહાસ રૂપે પણ પ્રસિદ્ધ થતું રહ્યું છે. ક્વચિત્ કોઈ એક મર્યાદિત સમયખંડના સાહિત્યમાં સૌ સ્વરૂપો અથવા કોઈ એક સ્વરૂપનું વિવેચન પણ પ્રસિદ્ધ થયું છે. રણજિતરામના ‘ઈશુનું વર્ષ ૧૯૦૮’, ડાહ્યાભાઈ દેરાસરીના ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ તથા ઉમાશંકરના ‘અંગ્રેજી અમલનું કવિતાસાહિત્ય’માં આવું વિવેચન છે. રણજિતરામ અને ડાહ્યાભાઈ દેરાસરીમાં સાહિત્યનાં સૌ સ્વરૂપોનું વિવેચન છે. પણ તેમાં એક જ વર્ષ અને સાઠ વર્ષનો સમયખંડ છે. ઉમાશંકરમાં સો વર્ષનો સમયખંડ છે પણ એમાં સાહિત્યના એક જ સ્વરૂપનું, કવિતાનું જ વિવેચન છે. વળી પૂર્વોક્ત પ્રત્યેક પ્રકારનું વિવેચન કોઈ એક જ વિવેચક દ્વારા થયું છે. એમાં ગુજરાતી સાહિત્ય પરિષદનો ચાર ભાગનો ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ અપવાદરૂપ છે. એ અનેક વિવેચકો દ્વારા રચાયો છે. પણ એ અપૂર્ણ છે. એના બે ભાગ હજુ ભવિષ્યમાં પ્રગટ થશે. અહીં આ ઉપક્રમમાં ત્રણ દિવસમાં નવ બેઠકોમાં અડતાલીસ વિવેચકો દ્વારા ૨૦મી સદીના સો વર્ષના ગુજરાતી સાહિત્યનાં સૌ સ્વરૂપો – આઠ સ્વરૂપોનું વિવેચન થશે. આવો ઉપક્રમ આ પૂર્વે ભૂતકાળમાં કદી યોજાયો નથી. એટલું જ નહિ પણ હવે પછી નિકટના ભવિષ્યમાં યોજાશે પણ નહિ, યોજાશે તો દૂરના ભવિષ્યમાં સો વર્ષ પછી ૨૧મી સદીના અંતે ૨૧૦૦ના વર્ષમાં યોજાશે. એથી સ્તો આરંભે કહ્યું કે આ એક અનન્ય અને અપૂર્વ ઉપક્રમ છે. ‘૨૦મી સદીનું ગુજરાતી સાહિત્ય’ – આ શીર્ષકમાં ‘૨૦મી સદી’ અને ‘ગુજરાતી સાહિત્ય’ એ શબ્દોના સૂચિતાર્થ વિશે આરંભે જ સ્પષ્ટતા કરવી ઉચિત અને ઉપકારક થશે. આ ઉપક્રમમાં ગુજરાતી સાહિત્યનું પરિદર્શન થશે પણ તે ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યનું. સર્જક કોઈ એક જ ભાષામાં આ કે તે ભાષામાં જ સાહિત્ય રચતો હોય છે, અનેક ભાષાઓમાં રચતો નથી. સર્જક ભલે ગુજરાતી ભાષામાં સાહિત્ય રચતો હોય પણ એ જો ૨૦મી સદીમાં સાહિત્ય રચતો હોય તો એની સંવેદના અને સભાનતા સ્થાનિક કે પ્રાદેશિક ન હોય, એતદ્દેશીય કે સ્વદેશી પણ ન હોય, એ સર્વદેશીય કે વૈશ્વિક હોય. કારણ કે ૨૦મી સદીમાં સમગ્ર વિશ્વ જાણે કે એક વૈશ્વિક નગર – global city થતું આવે છે. વળી કોઈપણ સદીમાં કોઈપણ ભાષાના સાહિત્યમાં જિવાતા જીવનનો, સમકાલીન જીવનનો સંદર્ભ અનિવાર્યપણે હોય. એથી ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યમાં ૨૦મી સદીના જિવાતા જીવનનો, સમકાલીન જીવનનો સંદર્ભ અનિવાર્યપણે હોય. અને ૨૦મી સદી કંઈ એક ગુજરાતમાં જ ઊગી અને આથમી નથી, જગતભરમાં ઊગી અને આથમી છે. એથી ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યમાં માત્ર ગુજરાત કે ભારતની ઘટનાઓનો જ સંદર્ભ ન હોય, જગતભરની ઘટનાઓનો, વૈશ્વિક ઘટનાઓનો સંદર્ભ પણ હોય. ગુજરાતમાં અને ભારતમાં ગાંધીજીનું આગમન, સત્યાગ્રહ, દાંડીકૂચ, સ્વાતંત્ર્યસંગ્રામ, રાષ્ટ્રનું વિભાજન, સ્વાતંત્ર્યપ્રાપ્તિ, ગાંધીજીની હત્યા, સ્વાતંત્ર્યોત્તર સમસ્યાઓ, નારીચેતના, દલિતચેતના આદિ મુખ્ય ઘટનાઓ તથા જગતમાં બે વિશ્વયુદ્ધો, રશિયા અને ચીનની બે ક્રાંતિઓ, ૧૯૩૦ની મહાન મંદી, નાઝીવાદ, ફાસીવાદ, સામ્યવાદ, સરમુખત્યારશાહી, હિરોશિમા, અણુશસ્ત્રો, શીતયુદ્ધ, અવકાશ-આરોહણ, યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ આદિ મુખ્ય ઘટનાઓ ઘટી છે. ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યમાં આ ઘટનાઓનો સંદર્ભ હોય. જોકે નવલકથા, ટૂંકી વારતા અને નાટક જેવા સર્જનાત્મક સાહિત્યનાં સ્વરૂપોમાં વસ્તુવિષયનું સ્થળ અને કાળમાં અનિવાર્યપણે આરોપણ કરવાનું હોય એટલે કે એમાં મોટે ભાગે ૨૦મી સદીના ગુજરાતની ઘટનાઓનો સંદર્ભ હોય. એથી એમાં અન્ય સદીઓની અથવા ભારત અને જગતની ઘટનાઓનો સંદર્ભ ન પણ હોય. જોકે મુનશી અને દર્શકમાં નવલકથા અને નાટકના સ્વરૂપમાં તથા જૂજ સર્જકોમાં ટૂંકી વારતાના સ્વરૂપમાં એવી ઘટનાઓનો પણ સંદર્ભ છે. કવિતા જેવા સર્જનાત્મક સાહિત્યના સ્વરૂપમાં તો અનેક કવિઓમાં એવી ઘટનાઓનો સંદર્ભ છે. બલવન્તરાય જેવા કવિમાં તો ગુજરાતના કોઈ સર્જકમાં નથી એવી વિરલ ઐતિહાસિક દૃષ્ટિ છે એથી દ્વિતીય વિશ્વયુદ્ધની ઘટના એક મુખ્ય વસ્તુવિષય છે. આ પરિદર્શનના વિષયના શીર્ષકમાં ‘૨૦મી સદી’ એ શબ્દોના સૂચિતાર્થ વિશે આટલી સ્પષ્ટતા અને આટલાં ઉદાહરણો બસ છે. આ પરિદર્શનમાં ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યનું મૂલ્યાંકન અને વિવેચન પણ વૈશ્વિક ધોરણોથી કરવાનું હોય. ૨૦મી સદીના પૂર્વાર્ધના બે મહાન કવિઓ બલવન્તરાય અને ન્હાનાલાલનો તો આગ્રહ હતો કે ગુજરાતી કવિતાનું – અને એમના વિધાનોના ગર્ભિતાર્થથી તો સમગ્ર ગુજરાતી સાહિત્યનું – મૂલ્યાંકન અને વિવેચન વૈશ્વિક ધોરણોથી જ કરવું જોઈએ. બલવન્તરાયે ૧૯૩૮માં એમના ‘સોરાબ અને રુસ્તમ’ વ્યાખ્યાનમાં જાણે કે એનું કારણ આપ્યું છે, ‘આખી પૃથ્વી પર એક જ રાજ્યછત્ર, આખી જનતામાં એક જ જાતની શાસનવ્યવસ્થા, એક જ જાતની ઉત્પાદન-વ્યય-વ્યવસ્થા, એક જ ધર્મ, એક જ કેળવણી અને વળી એક જ અસ્મિતા, હાલની સંકુચિત સામસામે ઝઘડતી હિંસક, અરે લોહી ઓકતી અને રેલાવતી પ્રજાસ્મિતાઓ (nationalism)ને ઠેકાણે એક જ સ્થાયી જગદ્વ્યાપી અહિંસક અથચ સેવાપ્રેમના ઉત્સાહોલ્લાસે પ્રવર્તતી માનવાસ્મિતા – એ માનવાસ્મિતાનો સમય આવશે અને ચિરંજીવ સમતાયુગ સ્થપાશે એમ હું તો આશા રાખી શકું છું.’ વૈશ્વિક સંસ્કૃતિ, વૈશ્વિક સમાજ અને વૈશ્વિક મનુષ્યના આગમનનો જાણે કે આર્ષદર્શન જેવો આ આગોતરો અણસાર છે! એથી સ્તો ૧૯૪૧માં ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં ૨૦મી સદીના ઉત્તરાર્ધથી ગુજરાતી સાહિત્યનું મૂલ્યાંકન અને વિવેચન વૈશ્વિક ધોરણોથી જ કરવાનું હોય એવો બલવન્તરાયનો આગ્રહ હતો, ‘માનવજાતિ આખી યે એક છે. તેણે પોતાના અંશાવતાર રૂપ વિધવિધ પ્રજાઓમાં અનેક શિષ્ટ ભાષા અને લૌકિક બોલી દ્વારા જુદે જુદે ખંડે પ્રદેશે યુગે સમયે... જે કંઈ ધર્મ, ફિલસૂફી અને વિજ્ઞાન, જે કંઈ કાવ્યકલા અને સર્જન મંથન પ્રવર્તાવ્યાં છે અને પ્રકાશ્યાં છે, ખીલવ્યાં છે અને ફુવારે ઉડાવ્યાં છે તે તમામ હવે એકસાથે, એકદૃષ્ટિક્ષેત્રે નિહાળવા, સરખાવવા, તપાસવા અને મૂલવવાનો આ નવો આખા મનુકુળના ઐક્યનો યુગ બેસી ચૂક્યો છે... ગુજરાતી કાવ્યકલા ભક્તો, ગુજરાતી પ્રજાના સૌંદર્યરસિકો, તમે કૂપમંડૂકતાને અશક્તિ ગણો, માનવકલાસાગરનાં બહોળાં સલૂણાં પાવક જલોમાં આવો, પૃથ્વીને આપણે ખૂણે આપણી વાણીમાં ફૂટતાં સર્જનસ્રોતને ત્હમે એ મહાસ્રોતને નમૂને સરખાવી જુવો, એ એક જ વીચિમાલિ પારાવારે આપણો સ્રોત પણ ભળી શકે એવો તેને બનાવવાને મથો. આખી માનવજાતિ જેનું કવિત્વ સ્વીકારી ભોગવી પ્રશંસી શકે તે જ સાચો કવિ, બીજા સર્વે એક ખૂણાના, એકબે દાયકાઝમાનાના, એક ભાષાના જ કવિ. એવા સાચા કવિ ગુજરાતે પણ પાકો એ જ અમારી નવીનોની મહેષણા છે.’ ન્હાનાલાલને પણ ૧૯૩૦માં ‘અર્ધશતાબ્દીના અનુભવબોધ’માં પોતાની કવિતા અને અન્ય સૌ કવિઓની કવિતાનું મૂલ્યાંકન અને વિવેચન વૈશ્વિક ધોરણોથી થાય એવો આગ્રહ હતો, ‘ગુર્જર કલાધીશોને, ગુર્જર કવિવરોને, ગુર્જર સાહિત્યકારોને મ્હારી વિનવણી એટલી છે : ‘ગુજરાતીમાં સાહિત્ય’ એ પ્રશસ્તિવાદના ગોઝારા મોહકૂપમાં પુરાઈને ન ડૂબતા. દૃષ્ટિ સદા વિશ્વપ્રતિ રાખજો કે ‘મ્હારા લેખનું જગતસાહિત્યમાં સ્થાન શું?’ છેલ્લાં સત્તાવીશ વર્ષથી આછો-અધૂરો યે હું તો એ આદર્શ ઉપાસતો આવ્યો છું!..... ગુર્જર સાહિત્ય કૃતિઓનાં ને ગુર્જર સાહિત્યકારોનાં યે મૂલ જગતબાઝારમાં મૂલવાશે એ જ સાચાં મૂલ!’ ઉમાશંકરને પણ ૧૯૬૭માં ‘કવિની શ્રદ્ધા’માં એવો જ આગ્રહ હતો, ‘....જાગતિકતાની ખોજનો સાહસભર્યો પુરુષાર્થ આપણે યુગબળથી પ્રેરાઈને આદરી ચૂક્યા હોઈએ એવાં ચિહ્નો દેખાય છે’ એના અનુસંધાનમાં ભારતીય ભાષાઓના કવિઓ વિશે એમણે કહ્યું છે, ‘એને તો દુનિયાનાં સાહિત્યિક ધોરણોથી પોતે મૂલવાય એ જોઈએ છે. જે અર્થમાં કોઈ ફ્રેંચ કે જાપાની કવિ છે એ અર્થમાં પોતે કવિ છે કે નહિ એ જાણવામાં જ એને રસ છે.’ આ પરિદર્શનના વિષયના શીર્ષકમાં ‘ગુજરાતી સાહિત્ય’ એ શબ્દોના સૂચિતાર્થ વિશે આટલી સ્પષ્ટતા અને આટલાં અવતરણો બસ છે. ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યનું જ નહિ, પણ કોઈ પણ સદીના કોઈપણ ભાષાના સાહિત્યનું મૂલ્યાંકન અને વિવેચન માત્ર સાહિત્યિક ધોરણોથી – પછી ભલે ને એ વૈશ્વિક ધોરણો હોય તો પણ – કરવાનું ન હોય. કોઈપણ સદીના કોઈપણ ભાષાના સાહિત્યની મહાનતાનું મૂલ્યાંકન અને વિવેચન તો સાહિત્યેતર ધોરણોથી – અને આજના યુગમાં તથા હવે પછીના યુગોમાં તો વૈશ્વિક એવાં સાહિત્યેતર ધોરણોથી જ કરવાનું હોય. એથી સ્તો એલિયટે કહ્યું છે, ‘The greatness of literature cannot be determined solely be literary stndards, thohugh he must remember that whether it is litrature or not can be determined only by literary standards.’ સાહિત્ય એ સાહિત્ય છે કે નહિ એનો નિર્ણય માત્ર સાહિત્યિક ધોરણોથી જ થાય પણ એ સાહિત્ય મહાન સાહિત્ય છે કે નહિ એનો નિર્ણય એટલે કે એ સાહિત્યની મહાનતાનો નિર્ણય માત્ર સાહિત્યિક ધોરણોથી ન જ થાય, એ નિર્ણય તો સાહિત્યેતર ધોરણોથી જ થાય. કારણ કે એક વાર જે સાહિત્ય વિશે સાહિત્યિક ધોરણોથી એ સાહિત્ય છે એવો નિર્ણય થાય પછી તો એ સાહિત્ય સ્વયં એક જીવનમૂલ્ય છે અને તો પછી એ સાહિત્ય મહાન સાહિત્ય છે કે નહિ એનો નિર્ણય એટલે કે એ સાહિત્યની મહાનતાનો નિર્ણય માત્ર સાહિત્યેતર ધોરણોથી, અન્ય જીવનમૂલ્યોનાં ધોરણોથી જ થાય ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી સાહિત્યમાં આ વૈશ્વિક સંદર્ભ, વૈશ્વિક ધોરણો અને જીવનમૂલ્યોનાં સાહિત્યેતર ધોરણોનો પુરસ્કાર થયો છે. એના અનુસંધાનમાં, આ વૈશ્વિકતાના પ્રતિસાદ રૂપે અને આ જીવનમૂલ્યોના પ્રતિસાદ રૂપે ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી સાહિત્યમાં અનેક સર્જકો અને વિવેચકો દ્વારા આધુનિકતાનો પુરસ્કાર થયો છે. આધુનિકતા એ એક વૈશ્વિક આંદોલન છે. સાહિત્યમાં વૈશ્વિક આધુનિકતાની જે વ્યાખ્યા અને વિભાવના છે તેની તુલનામાં ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાની જે વ્યાખ્યા અને વિભાવના છે તે જાણ્યે-અજાણ્યે પણ અપૂર્ણ વ્યાખ્યા છે, અર્ધદગ્ધ વિભાવના છે, એ સંદિગ્ધ અને સંકુચિત છે. એમાં આધુનિકતા વિશેનું પૂર્ણ સત્ય નથી, અર્ધસત્ય છે અને એને આધારે અને એને અનુસાર ગુજરાતીમાં આધુનિકતાના સાહિત્યનું સર્જન અને વિવેચન થયું છે. ગુજરાતીમાં આધુનિકતાનું જે સાહિત્ય છે એમાં વસ્તુવિષયમાં અને શૈલીસ્વરૂપમાં જાણ્યે-અજાણ્યે પણ અતિરેક અને અતિશયોક્તિ છે, એકાંગિકતા અને આત્યંતિકતા છે, અભિનિવેશ છે. આધુનિકતા નગરજનિત છે. એથી એ નગરકેન્દ્રિત અને નગરપ્રેરિત છે, નગરસીમિત અને નગરશાસિત છે. કારણ કે આધુનિકતાનો જન્મ નગરમાં અને તે પણ ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેના નહિ પણ પછીના નગરમાં અને તેમાંય અન્ય કોઈ નગરમાં નહિ પણ નગરોના નગર પૅરિસમાં થયો છે. અને એથી સ્તો આધુનિકતાના સૌ વાદો – પ્રતીકવાદ, કલા – ખાતર – કલા – વાદ પાર્નેસિઆનિઝમ, નેચરાલિઝમ, પરાવાસ્તવવાદ, દાદાઇઝમ, ફ્યુચુરિઝમ, અસ્તિત્વવાદ, એબ્સર્ડ આદિનો જન્મ અથવા વિકાસ પણ પૅરિસમાં જ થયો છે. આધુનિકતા એટલે નાગરિકતા, નગરનો અનુભવ, નગરચેતના, નગરમાનસ. આધુનિકતાનાં સૌ આંદોલનો તોકિયો, મોસ્કો, પીટર્સબર્ગ, પ્રાગ, વિયેના, ઝુરિક, બર્લિન, મ્યુનિક, પૅરિસ, માદ્રિદ, લંડન, ન્યૂયોર્ક, શિકાગો આદિ નગરોમાં જ થયાં છે. આધુનિકતાનું એકે આંદોલન ગ્રામપ્રદેશમાં થયું નથી. આધુનિકતાના સાહિત્યમાં એકમાત્ર વસ્તુવિષય છે અને તે નાગરિકતા, નગરનો અનુભવ. urbanism, urban experience. આધુનિકતાની વ્યાખ્યામાં કે વિભાવનામાં આધુનિકતાના વાદોનું સત્ય પ્રગટ થયું છે પણ સ્વયં આધુનિકતાનું આ આદિમ સત્ય આધુનિકતાના સાહિત્યમાં વસ્તુવિષય વિશેનું આ માર્મિક અને પૂરોગામી સત્ય પ્રગટ થયું નથી, યોગ્ય ભારપૂર્વક પ્રગટ થયું નથી. વળી એમાં આધુનિકતાની કવિતામાં શૈલીસ્વરૂપ વિશેનું સત્ય પણ પ્રગટ થયું નથી. યોગ્ય ભારપૂર્વક પ્રગટ થયું નથી, આધુનિકતાની કવિતામાં પદ્યનો પરિહાર, અલબત્ત છે, પણ પદ્યનો પરિહાર અનિવાર્ય નથી. આધુનિકતાની કવિતા પદ્યમાં પણ રચવામાં આવી છે. અનેક કવિઓએ – સુદીર્ઘ નામાવલિ થાય એટલી સંખ્યાના કવિઓએ એમની કવિતામાં પદ્યનો પરિહાર કર્યો છે, ગદ્યમાં કવિતા રચી છે તો એ જ કવિઓએ સાથે સાથે પદ્યમાં પણ કવિતા રચી છે, અને મુખ્યત્વે શ્લોકબંધ પદ્યમાં રચી છે. આધુનિકતાની આવી વ્યાખ્યા અને વિભાવનાને કારણે આધુનિકતાના મોટા ભાગના વિવેચનમાં અને સર્જનમાં, આધુનિકતાની કૃતિઓને નામે ઓળખાતી અને ઓળખાવાતી મોટા ભાગની કૃતિઓમાં, આધુનિકતાના સાહિત્યમાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ વિશેની ગેરસમજ અને અણસમજનું જ દર્શન – બલકે પ્રદર્શન થાય છે. ૨૦મી સદીને અંતે હવે આધુનિકતાના પુરસ્કર્તાઓએ જ ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના સર્જન અને વિવેચન વિશે પુન:વિચારનો પરિશ્રમ અને પુરુષાર્થ કરવો રહ્યો! The mentors of moderniam will have to perform the task of setting the record straight. આ પરિદર્શનમાં ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યનું જે મૂલ્યાંકન અને વિવેચન થાય એ અનેક સિદ્ધાંતો, મૂલ્યો, પ્રતીતિઓ, પ્રતિપાદનો, વિભાવનાઓ, અભિપ્રાયો, આગ્રહો, પક્ષપાતો, પૂર્વગ્રહો આદિથી તથા રસરુચિના ભેદ-પ્રભેદથી પ્રેરિત અથવા પીડિત પણ હોય. એ સૌનો આદર-સત્કાર કરવાનો હોય, એ સૌનું સન્માન અને સ્વાગત કરવાનું હોય. બોદલેરે કહ્યું છે, ‘Criticism should be personal, prejudiced and passionate.’ – વિવેચન આત્મલક્ષી, પૂર્વગ્રહપ્રેરિત અને ઉદ્રેકપૂર્ણ હોવું જોઈએ. એ સાહિત્યના હિતમાં અને લાભમાં જ છે, કારણ કે એથી સાહિત્યને નવા નવા પરિપ્રેક્ષ્યો અને પરિમાણો પ્રાપ્ત થાય છે. સાહિત્ય વિશે તત્ત્વબોધ થાય છે, કારણ કે વાદે વાદે જાયતે તત્ત્વબોધ! અંતે પાદટીપ રૂપે એક ઉલ્લેખ કરું. ૨૧મી સદીને અંતે આજથી સો વરસ પછી ૨૧૦૦ના વર્ષમાં ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યનું પશ્ચાત્દર્શન થશે ત્યારે કવિતામાં બલવન્તરાય, ન્હાનાલાલ, સુન્દરમ્‌, ઉમાશંકર, રાજેન્દ્ર, લાભશંકર અને સિતાંશુની કૃતિઓ, નાટકમાં જયંતિ દલાલ અને ઉમાશંકરની એકાંકી કૃતિઓ, ટૂંકી વારતામાં રામનારાયણ અને પન્નાલાલની કૃતિઓ, નવલકથામાં મુનશી, પન્નાલાલ અને દર્શકની કૃતિઓ, નિબંધમાં કાલેલકર, ભોળાભાઈ, આનંદશંકર, ગાંધીજી, કિશોરલાલ અને સચ્ચિદાનંદની કૃતિઓ, ચરિત્રસાહિત્યમાં ગાંધીજી, ઇન્દુલાલ યાજ્ઞિક અને નારાયણ દેસાઈની કૃતિઓ, વિવેચનમાં આનંદશંકર, બલવન્તરાય, રામનારાયણ અને ઉમાશંકરની કૃતિઓ તથા સાહિત્યિક પત્રકારત્વમાં જ્ઞાનસુધા, વસંત, પ્રસ્થાન, કૌમુદી, માનસી, સંસ્કૃતિ અને ક્ષિતિજ – આટલી કૃતિઓ તો દૂરદૂરથી પણ ઉન્નત શૃંગોની જેમ દૃષ્ટિગોચર થશે. આ કૃતિઓની નામાવલિમાં વધારા થાય પણ સુધારા ન થાય, સરવાળા થાય પણ બાદબાકી ન થાય. આ કૃતિઓને નત મસ્તકે વંદન સાથે વિરમું છું. (ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘૨૦મી સદીનું ગુજરાતી સાહિત્ય – એક પરિદર્શન’ના કાર્યક્રમ પ્રસંગે સમાપન વક્તવ્ય. ૨૮ જાન્યુઆરી ૨૦૦૦)