સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઝંડૂરિયો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઝંડૂરિયો

ઝવેરચંદ મેઘાણી

પગે ઘૂઘરા બાંધીને બે જુવાનિયાં ઊંચા દોર પર નાચતાં હતાં. બદલી ગાન ગાતી હતી :

‘અંધારી રાત ને બાદલ છાયા.
‘બાદલીને છાંયે મારી આંખ તો મળી.
‘ચાલો પિયા સુખની રાત મળી.
‘ચાલો પિયા સુખની રાત મળી.’
‘ચાલો...પિયા!....સુખ......ની.....’

આંધળીની અધ્ધર હાથ-ગાદલીએ ઝંડૂર દેહ ઢાળતો હતો, અને અંધીનાં નેત્રોમાંથી નીર વહેતાં હતાં. આથમતા સૂરજનાં સીધાં કિરણો શું એ આંસુ ખેંચતાં હતાં? કે ઝંડૂર પડશે તે બીકે બદલી રડતી હતી? મેદની ઝંડૂરના નાચ પર હસતી હતી શા માટે? બદલીને કાને લોકબોલ પડતા હતા. માડી રે, કાંઈ હસે છે? દેવતાનેય દુર્લભ એવા દાંત કાઢે છે. ઝંડૂર હસે છે! જગતને હસાવે છે! બદલી એ હાસ્યની માલિકણ હતી. ઝંડૂર મારા સાથમાં આવડો બધો સુખી હતો! ‘દાંત કાઢો, દુનિયા તમામ રે! દાંત કાઢો.’ બુઢ્ઢો મદારી કેડમાં ઢોલકું નાખીને લોકવૃંદને કહેતો હતો. ઝંડૂરને હાકલ દેતો હતો : ‘બચ્ચા ઝંડૂરિયા, હસાવ બધાને. આ બધાં મસાણિયાં છે. એને હસતાં શીખવ. એને રોતાં શીખવવાની જરૂર નથી, અંધી! રોતાં તો એને આવડે છે. હસવું એ ભૂલી ગયાં છે. આલમનાં લોક! હિન્દુ અને મુસલમાન! તમે પેટ માટે રુઓ છે. ઝંડૂરિયો પેટ માટે હસે છે. તમને હસાવીને એ રોટીનો ટુકડો માગે છે. ઝંડૂરનું પેટ એકલા હસવાથી ભરાતું નથી. ઝંડૂરની પ્યાસ બદલીનાં એકલાં આંસુથી છિપાતી નથી. એક રાત્રે ઝંડૂર મારી પાસે આવ્યો ત્યારેય એ આવું ને આવું હસતો હતો. પણ એનું પેટ ખાલી હતું. એ મને ખાઈ જાત. ભોગાવો બદલીની માને ખાઈ ગયો. ભૂખ્યાં ન ખાય ત્યારે શું કરે? રોવું ખૂટે ત્યારે ખાય શું? ખાય પારકાનું હસવું. ઝંડૂરને ખાઈ જશો મા, ઝંડૂરના હોઠ કોઈએ ખાધેલા છે. હજમ થયા ખાનારને, ને હસે છે ઝંડૂરિયો. તમારાં ખેતરો કોક ખાય છે, ને હસો છો તમે. તમામ હસો હસો હસો.’

‘બાદલીને છાંયે મારી આંખ તો મળી.
‘ચલો પિયા સુખની રાત મળી!
‘ચલો પિયા સુખની રાત મળી!’

સંધ્યાની લહેરો પર બદલીના ગાનની તર વળી રહી હતી. સુખની રાત કોને મળી હતી? દોર પર મોતનાં પગલાં નચાવતી અંધીને? અંધી છોકરીની ચિર અંધારી રાત શું સુખની કોઈ અજાણી ઊંડી કંદરા હતી? આ બિહામણો જુવાન, આ વિશ્વનો વિદૂષક, આ દુનિયાનો ડાગળો સુખની રાતનો ભોક્તા! રાજ-રાણીને કલેજે દ્વેષના દંશ લાગ્યા. નિ:શ્વાસની ઝાળો ઊઠી. અંધી બદલીની સારી દુનિયા એક સુતરના દોરા પર, આસમાનના તારાઓની પાડોશમાં! બદલીની ઝીણી ઓઢણી, કોઈ મસાણે બળેલી શેઠવધૂના ખાંપણ લેખે વપરાયેલી, મદારીએ કોઈ ભંગી પાસેથી વેચાતી લીધેલી; એ ઓઢણીની નીચે સોળ વર્ષની જુવાની તસતસતી હતી. વસુંધરાનાં ટાઢતડકાએ ટાંકણાં મારીને એ ઓઢણી હેઠળનો નીલવરણો આરસ-દેહ ડંકાર્યો હતો. અંધીની દુનિયામાં દ્વેષ નહોતો! ઈર્ષ્યા નહોતી! એના કદરૂપા પિયુને હાસ્યે હાસ્યે હસતાં અને નૃત્ય કરતાં હજારો યૌવનોની એને જાણ નહોતી! આ અંધકારભર્યા જીવનમાં ‘પિયુ’ નામનો જે હીરો ચળકતો હતો, એને ચોરી જનારું કોઈ નથી! રાજરાણીની આંખો ગાડીની બારીના ચકની પાછળ લસલસી રહી. અંધીનો પ્યાર એક રાજ-વિધવાના અન્ય યૌવનને માટે ખટકતું ખંજર બન્યો. રૂપ કદરૂપને માટે પુકાર કરી ઊઠ્યું. ચિરરુદન ચિરહાસ્યને મેળવવા હાહાકાર કરવા લાગ્યું. દોરને પ્રથમ પગની આંગળીઓમાં પકડી, ટેકણનો વાંસડો ફગાવી દઈ, ગજબ ફંગોળા ખાતો ને છલંગો મારી મારી પાછો દોર ઉપર ઠેરાતો ઝંડૂર બે હાથે સલામો ભરતો હતો. ઝંડૂર કોને સલામો ભરતો હતો? ‘બેટા ઝંડૂરિયા!’ હેઠે ઊભીને ઢોલક પર થાપી દેતો બુઢ્ઢો હાકલ મારતો હતો : ‘પહેલી સલામ આપણા માલિકને, હિન્દુ મુસલમીનોના સરજનહારને, અલ્લાને, ઈશ્વરને!’ ધ્રુબાંગ! ધ્રુબાંગ! ધ્રુબાંગ! ઢોલ પર થપાટો : ને ઝંડૂરે આસમાનને બબે હાથોની સલામો લીધી. ગગન એના મોં પર છાઈ રહ્યું. ‘બેટા ઝંડૂરિયા! બીજી સલામ હોય ધરતી માતાને, પોતાનાં ધાવણ પિલાવનારીને, ચકલાંને ચણ અને માનવીને કણ પૂરનારીને, આપણા કાજે પોતાનાં કાળજાં ચીરનારીને.’ ધ્રુબાંગ! ધ્રુબાંગ! ધ્રુબાંગ! ને ઝંડૂરના બે હાથ દસે દિશાના ગોળ સીમાડાનાં વારણાં લઈ રહ્યા. ‘ત્રીજી સલામ આખી આલમને : હિન્દુ ને મુસલમાનને : નાનાંને, મોટાંને, બુઢ્ઢાંને : આંહી ઊભેલા એકેએકને : દીએ તેને, ને ન દીએ તેને : તારા કટાકટીના તમાશા પર મોજનો મહાસાગર વહેતો મૂકનારને! સાત સાત સલામો આપણાં અધમ પેટમાં રોટી પૂરનાર આલમને!’ ધ્રુબાંગ! ધ્રુબાંગ! ધ્રુબાંગ! અને હસતા જુવાને ડાબી ને જમણી ગમ ઝૂકી ઝૂકી, આગળ તેમ જ પાછળ લળી લળી, સલામોના મેહુલા વરસાવ્યા. ‘ઝંડૂરિયા બેટા, પાપી પેટને કાજે સલામ, બુઢ્ઢા અને અંધીને કાજે સલામ, રતનિયા વાંદરા અને રતન ડોશીને માટે સલામ, આ બુઢ્ઢી મારી બીબી હેડમ્બાને માટે સલામ, આ દુનિયાના ડાહ્યા ખાનદાન ગધ્ધાના કોળી ઘાસને સારું સલામ!’ ને ઝંડૂરે અનાથાલયના સંચાલકને છ મહિનાની ક્ષુધા વેઠીને પણ ન આપેલી સલામો તે દિવસે આકાશ પૃથ્વીને આપી, ભરી ભરીને આપી, ઊલટતા અંતરે આપી. ન આપી એક રાજરાણીને : આ ધરતીની માલિકા કહેવરાવનાર રાજપૂતાણીને, ચક પાછળ બેઠેલું એ રાજવણનું હૈયું ‘હાય હાય’ પુકારી ઊઠ્યું. રાજરાણીએ ગાડી પાછી વાળી. ‘ચાલો પિયા સુખની રાત મળી.’ એ સૂર એનું કાંડું પકડતો હતો. એ શબ્દોની મધમાખોએ રાજરાણીને કલેજે પોડું બાંધ્યું. ‘બાદલીને છાંયે મારી આંખ તો મળી!’ એ આંખ કેવી સુભાગી હશે! બંગલાને છાંયે સળગતી આંખ એ મીઠાશને માટે તલખી રહી. રાજ-પોલીસે આવીને ખબર આપ્યા : ‘બા સાહેબ, એ જ છોકરો. એને કાંડે છૂંદણું છે.’ ‘બુઢ્ઢાને ને અંધીને અટકમાં લો. જુવાનને આંહીં લઈ આવો!’ એ આજ્ઞા લઈને ફોજદારે મેળાના રંગ રેલાવતા એ નટ-તમાશામાં ભંગાણ પાડ્યું. ફક્ત સોટીની અણી દેખાડીને એણે ઝંડૂરને નીચે ઉતાર્યો. સામે ઊભેલ ગાડીનું ખુલ્લું દ્વાર ચીંધ્યું. ‘ક્યાં –’ એટલો પ્રશ્ન મદારીના મોંમાં ખંડિત રહી ગયો. ‘ઝંડૂર ક્યાં છો?’ બદલીએ કોઈક સુગંધનો તાંતણો ગુમાવી બેસીને આજુબાજુ હાથ વીંઝ્યા. લોકમેદનીના પ્રચંડ હાસ્ય પર પોલીસની એ છડીએ સ્તબ્ધતા પાથરી નાખી. મેદાન ખાલી પડ્યું ત્યારે બદલી હજુ દોર પર વાંસને અઢેલીને બેઠી હતી. મદારીના ઢોલક પર હાથની થાપી થંભી હતી. હેડમ્બા બદલીની સામે જોતી હતી. ગધેડો પાસેના ખાડામાં ચરતો હતો.

સ્વાધ્યાય

૧. આખા પ્રસંગમાં તમને ગમતી વસ્તુ કારણ આપી વર્ણવો.
૨. ‘દીએ તેને, ને ન દીએ તેને’ સલામો ભરવા કહેનાર મદારીનું રેખાચિત્ર આપો.
૩ ‘હસવું કે રડવું?’ ઉપર નિબંધ લખો.
૪. તમે જોયેલા આવા કોઈ ખેલનું વર્ણન કરો.
૫. અલંકારથી ચિત્રો ઉઠાવીને લેખક વર્ણન કરતા હોય એવા નમૂના જુદા તારવો.