સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કૃષ્ણનું મથુરાગમન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. કૃષ્ણનું મથુરાગમન

પ્રેમાનંદ

વૃજબાળાને જ્વાળા વિખ તણી, શ્યામરામ જાયે મથુરા ભણી;
વીલાં વદન એકત્ર સુંદરી, શિર ડોલે બોલે, ‘જાશે હરિ.
મથુરાની નારી કામણભરી, તે મોહશે જોશે કટાક્ષ જ કરી;
હાવભાવ આદર ચાતુરી, અનેક વચન બોલે માધુરી.
નહીં દૂષણ, ભૂષણ સોળે ભરી, ગજગામની ભામની સરવોપરી. ૫
શીદ સેવે ગૂંદી જે પામે દ્રાખ, મથુરાદાસી આપણ સરખી લાખ;
તે ક્ષત્રાણી રાણી ગુણભંડાર, આપણ આહીર દુર્બળ અવતાર.
તે પહેરે પટોળી ચીર નિર્મળાં, આપણે પહેરીએ જાડાં કામળાં.
તેને મુક્તાફળ માળા મોટી, બાઈ આપણી કોટે ચણોઠી.
તેને સેસફૂલ સેંથો રાખડી, આપણે માથે મહીંની ગોળી ચડી; ૧૦
તે જાણે ઊગટ કરી મુખ માંજી, આપણ ન જાણીએ લોચન આંજી.
તેને સપ્તભૂમિનાં મંદિર ખરાં, આપણને વસવા નીચાં છાપરાં;
તે પંચામૃત જમાડે સુંદરી, આપણે પાઈએ છાસ વાટકો ભરી.
ચોર કરી આપણ વહડિયાં, કહાં નગ્રનાયિકા, કહાં ગામડિયાં?
કહાં કનક ને કહાં કથીર, કહાં ઉત્તમ ક્ષત્રી, ક્યાં આહીર? ૧૫
બાઈ જ્ઞાન નંદરાયનું ગયું, પાપી અક્રૂરનું માન્યું કહ્યું;
થઈ મૂર્ખ જસોદા માડી, કાળજ પુત્રને મૂકે કા’ડી.
ગોપી આકુળ વ્યાકુળ હોય, તે શરદ સુખ સંભારી રોય;
બાઈ કોણ વાંસલડી વજાડશે, કોણ રાસક્રીડા રમાડશે?
દાણ લેવા ઘાટ કોણ રોકશે? વ્યંગવચન કોણ કહી ટોકશે? ૨૦
જેણે ચંદન ચરચી દઝાડ્યાં, પ્રભુએ ઊંચાં ચડાવી પછાડ્યાં.
બાઈ, રંકને કેમ છાજે મણિ? અભાગિયાં, ને અનાથ ધણી?
માન શુકન બાઈ થાય છે ઘણા, હરિ તરછોડે એમાં નહિ મણા.’
પછે બ્રહ્માને સહુ દે છે ખોડ, ‘કાં સંજોગ મેળ્યો રણછોડ?
સંયોગ કરી કાં કરો વિયોગ, કેમ સહેશું વિયોગ લક્ષણ રોગ? ૨૫
એ રોગને ઓખદ કાંહીં નહિ મળે, ગુપ્ત માર અંતર પરજળે;
ધન્વંતરી જો વહારે ધાય, પણ દીર્ઘ રોગ દૂર નવ થાય.
હારી જાયે અશ્વિનીકુમાર, ન ભેદે ઓખદનો ઉપચાર;
તો વ્યાધિ અમારો તત્ક્ષણ ટળે, જે ફરી મોરલીધર મળે.
બ્રહ્મા તુજ કને માગું એહ, તું રખે આપતો માનુષી દેહ; ૩૦
જો આપે માનુષા અવતાર, તો ન કરીશેં કોસું મિત્રાચાર.
જો મેળે શુભ મિત્ર સંયોગ, તો ના પાડીશ વળતો વિયોગ;
જો વિયોગ દહે અંતઃકર્ણ, તો ઉતાવળું તું આપે મર્ણ.
ધન્ય મૃત્યુ, જીવવું ધિક્કાર, જો મેહેલી જાયે પ્રાણાધાર;
ઉદવસ્ત કરે છે ગોકુળ ગામ, એ દુષ્ટનું ઘટે ‘ક્રૂર’ નામ; ૩૫
અમારે નેલાટે તેં લખ્યા અક્ષર, સદા ગોપી રમશે કમળાવર.
તે અક્ષર ભૂંસે છે અક્રૂર, ધાઓ વહારે વેહેલા, થાય અસૂર;
રાતા ટળી થાયે અક્ષર શ્યામ, તો અચળ વિધિ નહિ તાહારું નામ.
ઠગરૂપ બ્રહ્મા અમો ઓળખ્યા, મથુરાની સ્ત્રીને અક્ષર લખ્યા;
સુક્રીત અમારાં સરવે ગયાં, અમો જેહેવાં હૂતાં તેહેવાં રહ્યાં. ૪૦
ઘણા યાદવ મૂઆ મથુરા માંય; તો અક્રૂર પાપી જીવ્યો કાંય!
શકટ હવડાં જોતરાશે, બાઈ રથ બેસી જીવન જાશે.’
માંહો માંહે વાત કરે સુંદરી, ‘શ્રીકૃષ્ણ વિના જીવશું કેમ કરી
હોય દીપક વોહોણું જેવું ગેહ, બાઈ પ્રાણપાખે જેવો દેહ.
થાય જળ વિના જેવી વેલડી, રાણી વિના જેમ સાહેલડી; ૪૫
મણિધર વિના જેહેવી કાંચળી, બાઈ જેવી નેત્ર ગઈ પૂતળી.
વિનય રહિત જેહેવી રસના, તેહેવાં આપણ વિઠ્ઠલ વિના;
ચાંદ્રણી ચંદ્ર વિના જેમ થાય, ગોવિંદ વિના તેમ થાશે ગાય.
સૂર્ય વિના જેમ હોય ગગન, શ્રીકૃષ્ણ વિના તેમ વૃન્દાવંન;
મૃગ વિના જેહેવી મૃગલી, વ્હાલા વિના તેહેવી વાંસળી; ૫૦
જેમ છત્રવિના જેષ્ટિકા પડી, હરિ વિના તેહેવી લાકડી.
રાજા વિના છત્ર સૂનું જથા, મોરપીંછ મુગટ તેવો સર્વથા;
જેમ ધનહીન વેપારી થાય, તેહેવે રૂપે થાશે નંદરાય.
જેમ જળ વિના નીરસ વાવડી, તેહેવી થાશે જસોદા માવડી.’
એહેવા વિચાર કરે કામની, રોઈ રોઈ ખોઈ આખી જામની. ૫૫

સ્વાધ્યાય

૧. દેવકીની દશા વર્ણવો.
૨. નાગદમનમાં તમે નજરોનજર જાણે જોતા હો તેવાં (દા. ત. પાણીમાં પડે છે તે.) ચિત્ર કવિએ કેવી રીતે ઉપજાવ્યાં છે તે સમજવા પ્રયત્ન કરો.
૩. ‘કૃષ્ણનું મથુરાગમન’માંથી ઉપમાઓ જુદી તારવો.
૪. મથુરાગમનની પંક્તિ ૩૦-૩૩ ઉપર વિવરણ કરો.
૫. ત્રણે કાવ્યખંડોમાં સ્ત્રીસ્વભાવ કવિએ કેવો ચીતર્યો છે તે જુઓ.
૬. હાસ્ય, કરુણ અને અદ્ભુત રસ ક્યાં વરતાય છે તે બતાવો.
૭. ૧ ની ૧૯ અને ૩ની ૨૧ પંક્તિને તેવી જ મીરાંની પંક્તિઓ જોડે સરખાવો.
૮. ૩ ની ૪૪-૫૪ પંક્તિની જોડે કવિના ‘કુંવરબાઈનું મામેરું’માંથી ‘ઘડો ફૂટ્યે જેવી ઠીકરી, મા વિના તેવી દીકરી’ વગેરે ઉપમાવલિવાળો ખંડ વાંચો.