સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ગોમતીને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. ગોમતીને

સુંદરજી બેટાઈ

[વસંતતિલકા]


રે ગોમતી! તુજ ઉરે કરી કૈંક ગેલ,
સંભારણાં મુજ ઉરે ઊલટે અનેક;
મારી સખીની સ્મૃતિસંગ સદા જડેલ
મારે ઉરે તું મચવે રસરેલછેલ.

પ્હોળી કરી નિજ સુરમ્ય સુવર્ણપાંખ
ઊડે ઉષા પ્રતિપ્રભાત અગમ્ય પંથ;
એ પાંખના લલિત રંગ હ્રદે તું ધારે,
સૌભાગ્ય એ અમર પંખણીનું વધાવે.
સત્કારવા પરમ શાશ્વત યૌવનાને
તું હર્ષથી પરમ મંગલ ગીત ગાય,
કર્ણે ધરે નવ ધરે તુજ પ્રેમશબ્દો
ને ક્યાંય એ ગગનમાંહીં અદૃશ્ય થાય.
પ્રત્યેક પૂનમ ગણી નિજ પ્રેમપર્વ
તું અંતરે છલકતા અભિલાષ ભારે,
વ્હેતી વિલોલ લસતી સુખચન્દ્રિકામાં,
આહ્લાદ સંસ્મરણતારક સંસ્ફુરાવે.
એ ગેલ શું સ્મરણમાત્ર બની રહેશે?
એ ગીતશબ્દ નવ શું ઊઠશે કદીયે?
એ પ્રેમપર્વ શું હવે નહિ ઊજવાશે?
ના અંતરે તું ઉડુનાં પ્રતિબિમ્બ ર્હેશે?

તારે જલે લલિત દેહછટા પસારી
સૌન્દર્યનું સુભગ દર્શન દિવ્ય દેતી,
મૂકે તરન્ત જલ નિર્મલ કન્યકાઓ
કૌમારકોમલ અનેક પવિત્ર ભાવો,
કૂદી કૂદી સલિલ-ઊર્મિ પરે તરન્તા,
વામો સવેગ નિજ નાનકડી ભરન્તા,
કૈં ખેલતાં હૃદયનાં જલને ઉછાળી!
કેવા હતા સરલ ચંચલ એ કુમારો!
શું એ સદાય વિરમ્યા વિમળા વિલાસો
કૌમારમુગ્ધ ઋજુ બાલક બાલિકાના?
ઉલ્લાસ શું નહિ ઉરે કદીયે તું ધારે?

હા, ગોમતી! ક્યહિં શમી તુજ ઊર્મિમાલા?
ક્યાં એ શમ્યા વિપુલ યૌવનના ઉછાળા?
કાં અપ્રસન્ન મુખ તારું, સખી, દીસે આ?
શી આવડી કનડતી ઉર શોકછાયા?
માણ્યું અહીં શિશુપણું તુજ સંગ મેં તો,
ને મુગ્ધચિત્ત કંઈ યૌવન-આશ પોષી;
વૃદ્ધત્વની સુખદ કૈં કરી કલ્પનાઓ;
તૂટ્યા પરંતુ મુજ એ મનના મિનારા.

[અનુષ્ટુપ]
મૃત્યુ શા વેળુના બન્ધે રૂંધ્યું જીવન તાહરું;
સિંધુ પ્રાણેશથી તુંને પાડ્યું છેટું સદાયનું!
વાયુ આ ભાખતો ભીનો તારી કરુણ વારતા;
સંભારું આર્દ્રભાવે હું તારી વિમલ રમ્યતા.