સિગ્નેચર પોયમ્સ/પછી શામળિયો જી – પ્રેમાનંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પછી શામળિયોજી બોલિયા

પ્રેમાનંદ


પછે શામળિયોજી બોલિયા, તુને સાંભરે રે?
હા જી, નાનપણાનો નેહ, મુને કેમ વીસરે રે?
આપણ બે મહિના સાથ રહ્યા, તુને હા જી, સાંદીપની ઋષિને ઘેર, મુને
આપણ અન્નભિક્ષા માગી લાવતા, તુને હા જી, જમતા ત્રણે ભ્રાત, મુને
આપણ સૂતા એક સાથરે, તુને હા જી, સુખદુઃખની કરતા વાત, મુને
પાછલી રાતના જાગતા, તુને હા જી, કરતા વેદની ધુન્ય, મુને
ગુરુ આપણા જ્યારે ગામ ગયા, તુને હા જી, જાચવા કોઈ મુન્ય, મુને
ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તુને હા જી, લઈ આવો, કહ્યું કાષ્ઠ, મુને
અંગ આપણાં ઊકળ્યાં, તુને હા જી, માથે તપ્યો અરિષ્ટ, મુને
ખાંધ ઉપર કુહાડા ગ્રહ્યા, તુને હા જી, ઘણું દૂર ગયા, રણછોડ, મુને
આપણ વાદ વદ્યો બેઉ બાંધવે, તુને હા જી, ફાડ્યું મોટું ખોડ, મુને
ત્રણે ભારા બાંધ્યા દોરડે, તુને હા જી, આવ્યા બારે મેહ, મુને
શીતળ સમીર વાયો ઘણો, તુને હા જી, ટાઢે થરથર ધ્રૂજે દેહ, મુને
નદીએ પૂર આવ્યાં ઘણાં, તુને હા જી, ઘન વરસ્યો મૂસળધાર, મુને
આકાશ અંધારી આવિયું, તુને હા જી, થાય વીજળિયા ચમકાર, મુને
પછે ગુરુજી શોધવા નીસર્યા, તુને હા જી, કહ્યું સ્ત્રીને કીધો કેર, મુને
આપણ હૃદિયા સાથે ચાંપિયા, તુને હા જી, તેડીને લાવ્યા ઘેર, મુને
ગોરાણી ગાય હતાં દોહતાં, તુને હા જી, હુતી દોણી માગ્યાની ટેવ, મુને
નિશાળે બેઠાં હાથ વધારિયો, તુને હા જી, તમે આણી આપી તતખેવ, મુને
ત્યારે ગુરુપત્નીને જ્ઞાન થયું, તુને હા જી, તમોને જાણ્યા જગદાધાર, મુને
ગુરુદક્ષિણામાં માગિયું, તુને હા જી, મૃત્યુ પામ્યો જે કુમાર, મુને
મેં સાગરમાં ઝંપાવિયું, તુને હા જી, શોધ્યાં સપ્ત પાતાળ, મુને
હું પંચજન શંખ જ લાવિયો, તુને હા જી, દૈત્યનો આણ્યો કાળ, મુને
પછે જમનગરે હું ગયો, તુને હા જી, આવી મળ્યો જમરાય, મુને
પુત્ર ગોરાણીને આપિયો, તુને હા જી, પછે થયા વિદાય, મુને
આપણ તે દહાડાના જુદા પડ્યા, તુને હા જી, ફરીને મળિયા આજ, મુને
તમ પાસે અમો વિદ્યા શીખતા, તુને હું મોટો કીધો, મહારાજ. મુને

વલણ
મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રીહરિ

પછી દારિદ્ર્ય ખોવા દાસનું સૌમ્ય દૃષ્ટિ નાથે કરી.
(સુદામાચરિત)