સિગ્નેચર પોયમ્સ/પછી – માધવ રામાનુજ
માધવ રામાનુજ
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં,
સૈયરના દાવ ન’તા ઊતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યાં ફેર ફેર—
ફેર હજી એય ન’તા ઊતર્યા.
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન!
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.
આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં!
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોક ભાન!
પરદેશી પંખીનાં ઊડ્યાં મુકામ, પછી માળામાં ફરક્યું વેરાન!