સિગ્નેચર પોયમ્સ/હજુ – સંજુ વાળા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હજુ

સંજુ વાળા


હજુ પ્રભાતી સ્વર ઊઘડતા તુલસીક્યારો સીંચી,
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી.

હજુ પવનમાં ભેજ વધે છે, હજુ ઢાળ છે લીલા,
હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સુરીલા.
હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં...ચીં...
હજુ મને એે લય ગણગણવો ગમતો આંખો મીંચી,

હજુ ક્યાંક આથમતી વેળે બેસી બે-ત્રણ વૃદ્ધા,
હજુ વિગતના સ્વાદ ચગળતી ખખડધજ સમૃદ્ધા,
હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે નજરે નીચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી.

હજુ નદીના કાંઠે કૂબામાં ગાતી મુનિયા,
હજુ ય ચાંદામામા કહીને મા દેખાડે દુનિયા.
હજુ ય નવતર રંગ પકડવા તું પકડે છે પીંછી,
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી.