સુદામાચરિત્ર/કડવું ૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૩

[આ કડવામાં સુદામા ને તેમની પત્નીનો સંવાદ ચાલે છે, જેમાં ગૃહિણી સુદામાને કૃષ્ણ પાસે જવા વીનવે છે. બંનેના સંવાદ દ્‌વારા સુદામાની સાથે એમની પત્નીનું ઋજુ, નમ્ર ને વાસ્તવને પ્રમાણતું ચરિત્ર અહીં ઊપસે છે. તેમ જ ‘ઘેર બેસીને જ બધું મળશે. કહેતાં સુદામાની ઉક્તિમાં થનાર ભાવિનો સંકેત વ્યંજનાપૂર્ણ શૈલીમાં મૂકીને પ્રેમાનંદે એમનું કવિત્વ પ્રમાણિત કર્યું છે.]


રાગ ગોડી

‘જઈને જાચો જાદવરાય, ભાવઠ[1] ભાંગશે રે;
હું તો કહું છું લાગીને પાય, ભાવઠ ભાંગશે રે.
ધન નહિ જડે તો ગોમતી-મજ્જન[2] હરિદર્શન-ફળ નહિ જાય.’
ભાવઠ ૧
સુદામો કહે વિપ્રને નથી માગતાં પ્રતિવાય
સુદામો કહે, ‘વિપ્રને નથી માગતાં પ્રતિવાય;
પણ મિત્ર આળ મામ મૂકી,
જાચતાં જીવ જાય.
મામ ન મૂકીએ રે.’૨

‘ઉદર કારણે નીચ કને જઈ, કીજે વિનય પ્રણામ;
તો આ સ્થાનક છે મળવા તણું, મામે વણસે કામ.’
ભાવઠ ૩

‘જાદવ સઘળા દેખતાં હું કેમ ધરું જમણો હાથ;
હું દુર્બળનું રૂપ દેખીને, લાજે લક્ષ્મીનાથ.’
મામ ન ૪

‘પ્રભુ પુરુષ જે ઉદ્યમી રે, જઈ કરે પોતાનું કાજ;
બ્રાહ્મણનો કુળધર્મ છે, તેમાં ભીખતાં શી લાજ?’
ભાવઠ ૫

‘અંતર્યામી અજાણ નથી રે, સ્ત્રી તમને કહું વારંવાર;
દશ માસ ગર્ભવાસ પ્રાણીની, રક્ષા કરે મોરાર.’
મામ ન ૬

શો ઉદ્યમ કરીએ એવું જાણી સંતોષ આણી મન;
સુખલીલામાં હરિ વિસરે, ભાવ થાય આપણો ભિન્ન.’
મામ ન ૭


‘જાચવા ન જઈએ ને પડી રહિયે, તો ક્યમ જીવે પરિવાર?
એક વાર જાચો જાદવા, તમને નહિ કહું બીજી વાર.’
ભાવઠ ૮

રાજા થઈ વિભીષણે જઈ જાચ્યા શ્રી જગદીશ;
પ્રભુ સામાં પગલાં ભરે તો, ટળે દારિદ્ર્ય ને રીસ’
ભાવઠ ૯

‘જોડવા પાણિ,[3] દિન બોલવી વાણી, થાય વદન પીળું વરણ;
એ ચિહ્ન છે જાચક તણાં, માગ્યાપેં રૂડું મરણ.’[4]
મામ ન ૧૦

‘જગતના મનની વાર્તા જાણે, અંતરજામી રામ,
ઇહાં બેઠાં નવનિધ આપશે, ત્યાં ગયાનું શું કામ?’
મામ ન ૧૧

સુદામો કહે નારને, ‘ક્યમ ચાલે મારા પાય;
મિત્ર આગળ મામ મૂકીએ, ધિક્ક પડો મારી કાય.’[5]
મામ ન ૧૨

‘કહેવું નહિ પડે કૃષ્ણજીને, નથી અંતરજામી અજાણ;
ઘટઘટમાં વ્યાપી રહ્યો છે પૂરણ પુરુષપુરાણ.’
ભાવઠ ૧૩


‘દશ માસ ગર્ભવાસ પ્રાણી, શો કરે ઉદ્યમ?
એવું જાણી સંતોષ આણો, હરિ વિસારશે ક્યમ?’
મામ ન ૧૪

‘તમો જ્ઞાની વૈરાગી ત્યાગી થઈ બેઠા, પંડિત ગુણભંડાર;
હું જુગતે જીવું કેમ કરી? નીચ નારીનો અવતાર.’
ભાવઠ ૧૫

વલણ

અવતાર સ્ત્રીનો અધમ કહીને, ઋષિપત્ની આંસુ ભરે;
દુઃખ પામતી જાણી પ્રેમદા, પછે સુદામોજી ઓચરે. ૧૬



  1. ભાવઠ –ઉપાધિ
  2. ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન
  3. જોડવા પાણિ – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, એથી ચહેરો ફિક્કો પડી જાય
  4. માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું
  5. મામ – સ્વમાન, આબરુ