સોનાની દ્વારિકા/તેર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

તેર

પેમામારાજ એટલે ગામની અજાયબી. લાંબા ઓડિયાં રાખે. વાન સીસમ જેવો ચમકતો. આંખો એવી મોટી, તે કાયમ ડોળા કાઢતા હોય એવું જ લાગે. ખભા ઉપર લાલગમછો તો હોય જ. તમાકુ ભરવાને કારણે નીચેનો હોઠ સહેજ ઊપસી આવેલો. ધોતિયું અને પહેરણ, માથે કૉફી રંગની બંડી. સાયકલ તો એવી ચલાવે કે ભલભલાને પાછા પાડી દે. કપાળમાં ત્રિપુંડ અને મોટો લાલ ચાંદલો. ડોકમાં રુદ્રાક્ષની, તુલસીની, મંગળની અને સ્ફટિકની માળાઓ. દૂરથી જુઓ તો કાપાલિક જેવા જ લાગે. એમની પાસે એવી એવી વાતો કે સાંભળતાં જ રહી જઈએ. વાતવાતમાં ટણપીના, નવરીના, ઠોકીના, ઠેંહીના ને એવી બધી ગાળો બોલ્યા કરે. એક વાર વાતે ચડી જાય પછી રોકવા મુશ્કેલ. વચ્ચે કોઈ બિનજરૂરી બોલે તો એમનો પિત્તો જાય! ન બોલવાનું બોલવા માંડે. પેમામારાજે આવડી ઉંમર થઈ પણ લગ્ન કર્યાં નહોતાં. એમનાં માબાપ તો વહુ જોવાની આશામાં ને આશામાં જ ગુજરી ગયા. પણ આ પ્રેમશંકર ન માન્યા તે ન જ માન્યા. ગામની મોટી સ્ત્રીઓ એમને પેમાભઈ કહે, નાની વહુવારુ લાજ કાઢીને ભૈજી ભૈજી કર્યા કરે અને બાકીનું આખું ગામ પેમામારાજ કહીને બોલાવે! એકવાર કંઈ અમસ્થા જ સભા ભરીને ઓટે બેઠેલા. અમે બધા એમની વાતો સાંભળવા અધીરા થયેલા. કોઈ કહે કે રાજકુમારની નકલ કરો તો કોઈ કહે કે અજિતના અવાજમાં બોલો! વળી કોઈ બલરાજ સહાનીને યાદ કરાવે. રાજ કપૂરની તો બધી ફિલ્મો એમણે જોયેલી. પેમામારાજ હર કોઈ એક્ટરની આબાદ નકલ કરી જાણે. સરખેસરખા ભેગા થયા હોય તો આખું કામસૂત્ર દેશી ભાષામાં ભણાવી દે. ભૂંડી વાતો તો એવી માંડે કે શરીરશાસ્ત્ર અને આખું માનવવિજ્ઞાન માર્યું ફરે! એમાં પાછાં એમનાં કેટલાંક મૌલિક સંશોધનોય ખરાં! મોટે ભાગે તો એમ લાગે કે સાવ ટાઢાપહોરનાં હાંક્યે રાખે છે. પણ એમની કહેણી જ એવી કે તમે વાતમાં આવી જાવ. કો’ક બોલ્યું, ‘પેમામારાજ! તમારા દાદાને ભારાજ બાપુ ભેટી જ્યા’તા ઈની વાત કરોને!’ એમની આંખોમાં ચમક આવી ગઈ. કશુંક યાદ કરતા હોય એમ, ક્યાંય સુધી ડોળા ઊંચા ચડાવી રાખ્યા અને પછી શરૂ કર્યું- ‘ઈમાં તો જાણ્યે એવું થ્યેલું કે અમારા દાદા વીરેશ્વરભા એક દિ’ રાત્યે મુંજપરના મારગેથી હાલ્યા આવે. સતનારા’ણની કથા કરવા જ્યા હશ્યે તે... જજમાને દીધેલું પોટલું માથે મેલેલું. ભારાજબાપુની વાડી પાંહે પોગ્યા.... તો ન્યાં એક માણાહ ઊભેલો જોયો. ધોળો બાસ્તા જેવો! ઈમને કે’ કે- ‘મા’રાજ! ચ્યાં મુંજપર જ્યા’તા?’ દાદાને ઈનો અણહાર જાણીતો હોય એવું લાગ્યું, પણ કંઈ ગડ નો બેઠી એટલ્યે ક્યેકે, ‘ભઈલા તમારી ઓળખાણ નો પડી...!’ નો ચ્યમ પડી? ‘હું ભારાજ!’ ‘હવેં ભારાજબાપુને તો દેવ થઈ જ્યાનેય પચ્ચા હાઈઠ વરાહ ઉપર થઈ જ્યેલું. તે દાદાને થ્યું કે, નક્કી આજ આવી બન્યું. એટલ્યે ઈ તો પાધરા જ વાંકા વળીન્ પગે જ પડી જ્યા. ઈમને ઊભા કરીને બાપુ કે’ કે- ‘તમ્યે તો ગોરભા સો ગોરભા! તમારે પગ્યે પડવાનું નો હોય! ગમે ઈમ તોય ભામણનું ખોળિયું...!’ ‘કંઈ આજ્ઞા હોય તો કહો!’ દાદાએ કીધું. ‘મા’રાજ, આજ્ઞા તો શું કરવાની, પણ એક કામ કરશ્યો?’ ‘દાદા તો મૂંઝાણા, દૈવજાણે શું કામ કરવાનું હશ્યે. તોય ઈમણે તો હિંમત રાખીન્ કીધું કે બોલો બાપુ! પણ મારાથી થાય એવું હશ્યે તો કરીશ એટ્લ્યું નક્કી કઉં સું...’ બાપુ ક્યે કે, ‘આવતી આઠ્યમની રાતે મુંજપર જાજ્યો. આપડી ડેલીએ શકતમાની દેરી પાંહે ખોદજો અટલ્યે એક ભોંયરું જડશ્યે.... બીતા નંઈ… દીવો લઈન્ ઊતરજો... થોડાક ઊંડા જાશ્યો અટલ્યે એની મેળે ધોળા દિ’ જેવું અંજવાળું થઈ જાશ્યે... અગિયાર પગથિયાં ઊતરશ્યો ત્યાં એક ગોળ પાણો પડ્યો હશે... ઈને આઘો કરશ્યો અટલ્યે ઈ ખાડામાં બીજાં પગથિયાં દેખાશે. પગથિયાં ઊતર્યા કેડ્યે હાંમેં એક લાંબી શીપર સે ઈને આઘી કરો અટ્લ્યે કુંડળી નાંખેલો મણિધર ફેણ માંડશે... ગભરાતા નંઈ, દીવો મેલીન્ પગે લાગજો ને કે’જો કે કાકુભા હારુ, ભારાજનો મેલ્યો આવ્યો સું... તરત મારગ કરી દેશે. બસ ન્યાં જ બધી માયા પડી સે ઈ બધી લઈન્ કાકુભાને દઈ દેજ્યો. જોજો મા’રાજ! નાની એવી વાળીમાંય જીવ નો બગાડતા નકે ભવ બગડી જાશ્યે...!’ દાદાએ કીધું કે, ‘બાપુ, હું કાકુભાને જ કઈ દઈશ અટલે ઈ કાઢી લેશ્યે... મને ચ્યાં ઈમાં...’ ‘ના કાકુભાને તો રાખ, ધૂળ ને ઢેખાળા જ જડશ્યે... ઈ જમાનાના અમારા કામદાર વજેરામ તરવાડીના હાથ્યે મેલેલું સે તે ઈ ભામણના હાથ વન્યા નો નીકળે! બીજા કોઈને આ વાત કરવી નંઈ... નકે એકના હાટે બીજું થઈન્ ઊભું રે’શ્યે...’ દાદાને તો પરસેવો વળી જ્યો… માંડમાંડ બોલ્યા કે, ‘બાપુ આપની ડેલી તો પડીન પાધર થઈ જઈ સે ઈમાં તો જાવું જ કઠણ...’ ‘ગમે ઈમ કરીન પણ તમારે જાવું તો જોશે જ.’ ‘પણ, બાપુ આનું પરમાણ દો તો વાતમાં વશવા બેહે...’ ભારાજ ક્યે કે, ‘ઘર્યે જાવ ને ગાને વાછડી થઈ હોય, ઈ પરમાણ!’ એટલું કઈન્ ઈ તો અંતરધાન થઈ જ્યા... દાદા ઘરે આવ્યા ને બાયણામાં જાતાંવેંત જોયું તો ગાને વાછડી બચ બચ ધાવે.... દાદીમાએ કીધું કે હમણેં બે કલાક પે’લાં જ ગા વિયાણી... અજમલથી રહેવાયું નહીં તે એકદમ પૂછ્યું, ‘તે હેં ભા! ગા ગાભણી નો’તી ને તોય વિયાણી? મારું બેટું આ તો ભારે કે’વાય!’ પેમામારાજ ગરજ્યા, ‘ટણપીના! તારી મા ગાભણી તો હતી જ પણ ઈ વખતે જ વિયાણી ને તારા જેવો વાસડો નો આઈવો ઈ જ ઈનું પરમાણ! હાંધાની હમજણ પડે નંઈ ને વચ્ચે હું ડફાકા માર્યા કરસ્?’ નીરુ કહે કે, ‘મા’રાજ આગળ ચલાવો!’ પેમામારાજે દોર સાંધી લીધો. પસે તો દાદા મુંજપરથી બધી મતા ગાડું ભરીને લઈ આવ્યાને કાકુભાને બોલાવીન બધું રજેરજ દઈ દીધું... કાકુભા તો મતા જોઈને અડધા ગાંડા જેવા થઈ જ્યા! ઈ તો દાદાએ ઈમને કીધું કે, ‘આ તો તમારા હકનું સે. તમારા બાપુએ આપેલું સે. ભારાજબાપુ ધામમાં જ્યા તાંણે તમ્યે તો હાવ નાના હતા, તે આ માયાની વાતની તો ખબરેય કુંને હોય? અટલ્યે તો ઈમનો જીવ તમારામાં વળગી રિયેલો... હવે આ મેં તમને હાથોહાથ દઈ દીધું... ઈમ હમજો ને કે ભારાજ હવે જ ગતે જ્યા...’ એટલ્યે પશી કાકુભાએ ખુશી થઈન્ આ પાદયડાવાળું ખેતર તાંબાના પતરે દાદાને લખી દીધું! ‘પશી હું થ્થું?’ અજમલ બોલ્યો. ‘પશી પશી પસવાડું! આંબે આવ્યા મો’ર ને વાર્તા કે’શું પોર! પેમામારાજનો મૂડ પલટાઈ ગયો.... આ પેમામારાજ બાવીસ-ત્રેવીસના હતા ત્યારે બર્મા શેલના પેટ્રોલપંપે નોકરી કરતા. સંપૂર્ણ પણે ગોરપદું સ્વીકાર્યું ને પોતાનો દેખાવ બદલાયો એ તો પચાસ પછી. વાન તો પહેલેથી જ શ્યામ પણ યુવાનીમાં તો એકદમ આકર્ષક લાગતા! સિનેમા જોવાના જબ્બર શોખીન. એકેય ફિલમ છોડે નહીં. એમની આંખો સુનિલ દત્ત જેવી ઉપસેલી તે થોડો એનો વહેમ મારી લે. ઈચ્છા તો ઘણુંય ભણવાની હતી, પણ સંજોગો અને અગવડોએ એમને ભણતરથી દૂર રાખ્યા. હિન્દી ફિલ્મના કોઈ પણ કલાકારની આબાદ નકલ કરી જાણે એ કારણે પણ એમના ચાહકોનો વર્ગ મોટો. શેઠ તો કંઈ આખો દિવસ પેટ્રોલપંપ ઉપર હાજર હોય નહીં, એટલે એમની ગેરહાજરીમાં પોતે શેઠઈ કરતા. પોતે રાતપાળી નહીં કરવાની શરતે જ નોકરી લીધેલી. એટલે સવારે આઠ વાગ્યે પંપે પહોંચી જાય. લગભગ રોજ રાત્રે ફિલમ જોવા જાય. ચાલુ શોએ ગમે ત્યારે જાય, ગમે ત્યારે નીકળી જાય, એકનું એક પિક્ચર વારંવાર જુએ. પોતાના શેઠની જ કલ્પના ટોકીઝ એટલે એમણે ટિકિટબિકિટ લેવાની નહીં. બાલ્કનીમાં જે ખુરશી ખાલી હોય એ એમની! ક્યારેક એક્સ્ટ્રા ખુરશીમાં કે ઊભાં ઊભાંય જોવું પડે! સવારે પંપે જઈને દીવાબત્તી કરે. બધાં મીટર અને ગલ્લો બરોબર જોઈ ચકાસીને ચાર્જ લે. ચાર આનાય આઘા પાછા હોય તો ઝગડો કરે. સામાન્ય રીતે, ડિઝલના અને પેટ્રોલના બે પંપ વચ્ચે ખાટલો નાંખીને આડા પડ્યા હોય. કોઈ વાહન આવે ત્યારે જ ઊભા થાય. કોઈનેય વધારે કે ઓછું આપે ઈ પેમામારાજ નહીં! પાછા સેવાભાવી એવા કે ટાયરમાં હવાય પોતે ભરી આપે. એમનું કહેવાનું એમ કે ‘ઈ હાળા ટોટીનો વાલ બગાડી નાંખે સે! ઈ કરતાં તો આપડે જ ભરી દઈ ઈ હારું.’ એક વાર બપોરે ટિફિન ખાધા પછી, ખાટલામાં આડા પડેલા તે બરાબરનું ઝોકું આવી ગયેલું. એ જ વખતે શેઠની દીકરી કલ્પના મોટર લઈને આવી, પેટ્રોલ ભરાવવા. આખા સુરેન્દ્રનગરમાં માંડ બે-પાંચ મોટરો. એમાં કોઈ છોકરી મોટર ચલાવે એનું બધાંને બહુ આશ્ચર્ય. થોડી હાડેતી ને પાછી શેઠે મોઢે ચડાવેલી. જેટલી વાર જાય એટલી વાર મુંબઈની બધી ફેશનો લઈને આવે! ફૂલગુલાબી વાન તે બધુંય અરઘે. પેમામારાજ જાગ્યા નહીં, એટલે એણે તો હોર્ન ઉપર હોર્ન મારવા માંડ્યા. મારાજની તો કમાન છટકી.... ‘ચિયો સે ઈની માનો...... તારી માને રાંડ કરુંઉંઉં!’ કહીને ઊભા થયા... પણ સામે કલ્પનાને જોઈને એકદમ છોભીલા પડી ગયા. એમને પાછી માફી માગતાંય આવડે નહીં! એટલે કહે કે, ‘મને શું ખબર કે તમ્યે હશ્યો? મને તો ઈમ કે હયે કો’ક નવરીનો.... માર ખાવાનો થ્યો લાગે સે… તમ્યે તો કાયમ હાંજે આવો અટલ્યે અત્તારે તો ઓહાણેય ચ્યાંથી હોય? એ હાલો હમણેં તમને ફુલ્લ કરી દઉં!’ એમ કરીને ખાટલામાંથી ઊભાં થયા ને સીધું જ ડિઝલનું નાળચું હાથમાં ઝાલ્યું! કલ્પનાએ એકદમ તીખી ચીસ પાડી, ‘એ પેમલા! તારું મગજ ઠેકાણે છે કે નહીં?’ એમ કરતીકને સીધી મોટરનું બારણું ખોલીને નીચે આવી ગઈ.... ‘ખબર નથી પડતી આ પેટ્રોલની મોટર છે ‘એની? ભૂત જેવા! આ તને ખટારો દેખાય છે? અને બોલવામાં જરાક ભાન રાખ! મને ફુલ્લ નથી કરવાની સમજ્યો ને?’ પેમામારાજે માથું ખણતાં ખણતાં નાળચું પાછું સ્ટેન્ડમાં ગોઠવ્યું ને પેટ્રોલની નોઝલ હાથમાં લીધી. પેટ્રોલની ટાંકીમાં મૂકતાં પહેલાં નાળચું એવી રીતે ઘુમાવ્યું કે પળેકવાર એ કલ્પનાના મોઢા સામે આવે! કલ્પનાનો ગુસ્સો શાંત કરવા હસતાં મોઢે પેટ્રોલ ભરતાં ભરતાં કહે કે, ‘અરે હા, ઈ તો હું ભૂલી જ જ્યો! પેટ્ટોલ તો તરત હળગે… ભડકો થાતાં વાર જ નંઈ ને! તમ્યે ઈમ કરો આ મોટરની વાંહે ‘હાઈલી ઈન્ફ્લેમેબલ’ એવું કાં’ક લખે સે ને? ઈ લખાવી દ્યો! ચ્યમ મેં હાચું કીધું ને?’ એમ કહીને એમણે કલ્પનાના ચહેરા સામે જોયું. કલ્પનાને હસવું નહોતું તોય હસી પડી! તરત હસવું રોકીને બોલી, ‘કેમ ખાધું નથી આજે તે ક્યારનો આવા ગોટાળા કરે છે?’ ‘અરે! હમણાં જ ખઈન્ જરાક આડો પડ્યો એટલામાં તમ્યે આવી જ્યાં... જોવો હજી તો ટિફિનેય આ પડ્યું... પેમાને કલ્પનાના કપડાંમાંથી અત્તરની સુવાસ આવતી હતી ને કલ્પનાને પેમાના શરીરની અને ઉઘાડા પડેલા ટિફિનના ડબ્બામાંથી શાકના વઘારની સોડમ આવતી હતી. એણે કોઈ પણ જાતના સંકોચ વિના જ પૂછી નાખ્યું— ‘આજ ટિફિનમાં શું હતું?’ ‘અરે! અમારે તો શું હોય? ભાખરી, શાક, મરચાં ને ગોળ... માથે પીધી થોડીક છ્યાશ! ચ્યમ તમારે જમ્બુ સે? પણ અમારું તમેં નો ખઈ હકો... તીખું હોય લાય જેવું!’ કોઈ પુરુષ સાથે આ સંવાદ થયો હોત તો ‘તીખું હોય’ પછી બીજા બેચાર શબ્દો એમના મોઢામાંથી નીકળ્યા હોત! ‘પણ, આજ તો તેં જમી લીધું! હવે શું? કોઈ દિવસ આગળથી કહેવરાવીને આવીશ. એક વાર મારે તારું ટિફિન ચાખવું છે...’ ‘એક દિ’ સું કામ? કાલ્ય જ લેતો આવીશ બે જણનું! મારે તો ભાભીને એટલ્યું જ કે’વાનુંને કે થોડુંક ઝાઝું ભરજ્યો..... તમે હા કે’તાં હો તો તો કાલ્ય જ ....’ ‘પણ, આજે પેટ્રોલ ફૂલ કરાવું તો પછી કાલ ક્યાંથી અવાય?’ એ ક્ષણે જ પેમાથી નોઝલનો ઘોડો છૂટી ગયો… કહે કે, ‘જ્યું એટલ્યું જ્યું... હવે કાલ્ય બપોરે બારના ટકોરે આવી જાજ્યો!’ પેમાએ ધરાર પૂરી ટાંકી ન ભરી. કલ્પના પણ ખુશ થઈને એની વાત માની ગઈ. એણે ઘોંઓઓઓઓ..... કરતી મોટર મારી મૂકી. એ આખી રાત પેમાના શ્વાસ અત્તરિયા બની રહ્યા. જિંદગીમાં કદાચ પહેલી વાર બીજા દિવસ સવારની પેમાએ રાહ જોઈ... સવારે ઊઠીને ભાભીને કીધું કે આજ ટિફિનમાં ભરેલાં રીંગણાનું શાક બનાવજો ને બે જણનું ભરજ્યો! પાછાં ભાભીને એકબે ફૂલેય ચડાવ્યાં, ‘ભરેલાં રીંગણાં તો તમારા જેવાં કોઈ નો બનાવી હકે હોં!’ ભાભીએ જોયું કે ભઈ આજ તો ઘસી ઘસીન્ નાહ્યા છે કંઈ! સવારથી ઉમંગેય જબરો! પણ એ કંઈ બોલ્યાં નહીં ને સારું કરીને ટિફિન ભરી દીધું. આજ તો પેમાએ સાયકલનેય પ્રેમથી ગાભો ફેરવ્યો. ઘરની બહાર નીકળવા જાય ત્યાં તો ભાભીએ ગીત ઉપાડ્યું... ‘પેમાજી હાલ્યા ચાકરી...’ બપોરના બારે તો આવી ગઈ આકાશી ફિયાટ. પેમાએ ઊંડો શ્વાસ લઈને સુગંધ ભરી લીધી બેય ફેફસાંમાં. ઑફિસ પાસેના ગુલમહોર નીચે મોટર પાર્ક કરાવી. રોજ તો ખાટલા ઉપર બેસીને ખાય, પણ આજે તો અંદર ઑફિસમાં જ શેતરંજી લાંબી કરી દીધી. વચ્ચે પહોળું કરીને છાપું પાથર્યું. કલ્પના સામે જોઈને કહે કે, ‘તમ્યે આંય બેસીને જમો. હું પછી ખઈ લઈશ.’ કલ્પનાનો મિજાજ બદલાયો. ચહેરો તંગ કરીને કહે કે, ‘હું કાંઈ એમ એકલી ન બેસું. તુંય અહીં સામો બેસ!’ શેઠની છોકરી થોડીક તુંડમિજાજી અને સાહસિક છે એવું સાંભળ્યું હતું, પણ આજ તો પેમાને ખાતરી થઈ ગઈ! પેમો ખરેખર સંકોચાયો. એકદમ કૂણો પડી ગયો.. એને અચાનક ભાન આવ્યું કે શેઠની છોકરી સાથે આમ કંઈ જમવા થોડું જ બેસી જવાય? ફુગ્ગામાંથી હવા નીકળવા માંડી હોય એમ થોડો ઢીલો પડી ગયો. ‘પણ... કલ્પનાબહેન થાળી એક જ સે... એમ કરો ને હું… પછી થોડી વાર રહીને... ‘એક થાળી છે તો શું થઈ ગયું? બેસ અહીં મારી સામે! આપણે ભેગાં જ જમીએ... એમાં તને કંઈ વાંધો છે?’ ‘વાંધો તો કંઈ નહીં... પણ...’ ‘પણ શું? અમે લુહાણા છીએ એટલે?’ પેમાને થોડુંક ભોંઠામણ જેવું લાગ્યું. તે કહે, ‘એવું તો કંઈ નંઈ! પણ કો’ક જોવે તો શેઠ તમને….’ કલ્પના અચાનક સિંહણ જેમ ઊછળી... પેમાને હાથ પકડીને પહેલાં બેસાડ્યો અને પછી પોતે સામે બેઠી! એક છેડે કલ્પના ને બીજે છેડે પોતે. વચ્ચે છાપા ઉપર મૂકેલી થાળી. થાળીમાં ભરેલાં રીંગણાંનું શાક, થોડીક જાડી પણ કૂણી રોટલી, ગોળનું દડબું અને કાચના ગ્લાસમાં છાસ... પેમાને થયું કે આ શું? થોડુંક અતડું અતડુંય લાગ્યું... પણ પછી સંકોચ છોડીને બેઠો. હજી બે-ચાર કોળિયા જ મોંમાં મૂક્યા હશે ત્યાં તો એક ખટારો આવીને ઊભો રહ્યો. કોઈ માણસ ન દેખાયો એટલે ડ્રાયવરે જોરદાર હોર્ન વગાડ્યો. જમવાનું પડતું મૂકીને પેમો ઊઠ્યો. ટાંકીના નળે હાથ ધોયા ને ડિઝલ ભરી આપ્યું. પાછો આવીને હતો એમ ગોઠવાયો. એ આવ્યો ત્યાં સુધી કલ્પનાના હાથમાં કોળિયો હતો એમ જ રહી ગયો હતો. ‘લે તમારે તો જમ્બાનું ચાલુ રાખવું’તું ને!’ ‘તેં તો હું કોળિયો પૂરો કરું એની રાહેય ન જોઈ? સીધો દોડી જ ગયો! બહુ વહાલી છે નોકરી એમ?’ પેમો તો એકદમ ઢીલો પડી ગયો! એને જોઈને કલ્પનાએ પોતાના હાથનો સ્થિર રહી ગયેલો કોળિયો મોઢામાં મૂક્યો અને જમવા લાગી. એને તો એવો ચટાકો લાગ્યો કે થાળીમાંનું તેલેય લૂછી લૂછીને ખાવા લાગી. છેલ્લે એકબે કોળિયા જેટલું વધ્યું, ત્યાર પહેલાંનો પેમો તો અદબ વાળીને બેસી ગયો હતો. ‘લે! આ પૂરું કર...’ એમ કહીને કલ્પનાએ બે ભાગ કર્યા, પોતાનો ભાગ મોંમાં મૂક્યો અને પેમાનો હાથ પકડીને થાળીમાં ગોઠવી દીધો! પૂરું થયું એટલે, કલ્પનાને ખુરશીમાં બેસવાનું કહીને પેમાએ પાછળ ટાંકી પાસે જઈને વાસણ ઊટક્યાં.. પછી હાથ લૂછતો લૂછતો પૂછે : ‘મજા આવી? અમારું તો આવું જ હોય!’ તિજોરી ઉપર પડેલો રેડિયો ચાલુ કર્યો. કલ્પનાની સામે જોઈને કહે— ‘હમણાં જયભારતી આવષે… મને રોજ આ રેડિયો સાંભળવાની ટેવ...’ થોડી વારમાં જયભારતીનું મ્યૂઝિક વાગ્યું.... અને પહેલું ગીત શરૂ થયું… ‘હમ તુમ્હારે લિયે… તૂમ હમારે લિયે… ફિર જમાને કા ક્યા હૈ....’ કલ્પના ક્યારે લતાની સાથે અને પેમો ક્યારે રફીની સાથે ગાવા લાગ્યાં એનો ખ્યાલ ન રહ્યો. ગીત પૂરું થયું ત્યારે પેટ્રોલ-ડિઝલ માટે બે-ચાર વાહનો આવી ગયાં હતાં. કલ્પના એક ઝાટકે ઊઠી અને કહે કે, ‘હું હવે જાઉં!’ પેમાને મનમાં એમ કે હજી થોડું વધારે બેસે તો સારું... પણ એ કહી ન શક્યો અને મોટર એક આંચકા સાથે ઊપડી ગઈ! રાત્રે ઊંઘવાને બદલે પેમો પડખાં ફેરવતો હતો… એટલે ભાભીએ લાગલું જ પૂછ્યું : ‘પેમભઈ! આજ ચ્યમ નીદરનાં પોડાં પડે સે? તમારો જીવ ચ્યમ માળે બેહતો નથી? શરીરે હજાપો તો સે ને?’

***