સોરઠ, તારાં વહેતાં પાણી/૨૪. સુરેન્દ્રદેવ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૪. સુરેન્દ્રદેવ

હાઈસ્કૂલના મધ્ય ખંડને છેડે ઊંચું ચણેલું વ્યાસપીઠ હતું. તેના ઉપર રંગાલય ગોઠવાયું હતું. શહેરની નાટક કંપની પાસેથી માગી લીધેલો એક પદડો ત્યાં ઝૂલતો હતો. ખંડની જમણી બાજુએ બીજી એક ઊંચી બેઠક બનાવી હતી. તેના પર માનવંતા મહેમાનોની ખુરસીઓ હતી. વચલી બે ખુરસીઓ જરા વધુ ઠસ્સાદાર હતી. તેના ઉપર ઠાકોર સાહેબ અને રાણી સાહેબ બેસી ગયાં. એ જોઈને હેડ માસ્તર આકુલવ્યાકુલ બનવા લાગ્યા. વચલી બે પૈકીની એક ખુરસી પોતે ખાલી રખાવવા માગતા હતા. ધીરેધીરે એ બેઠકો પાસે જઈને હેડ માસ્તરે મીઠો મોં-મલકાટ ધારણ કર્યો, ને કહ્યું: “મહેરબાન પ્રાંત-સાહેબ પણ પધારવાના છે.” “ઓહો!” ઠાકોર સાહેબ રાજી થયા કે ગભરાટ પામ્યા તે તો એમની મુખમુદ્રા સ્પષ્ટ ન કહી શકી; પણ પોતે રાણી સાહેબની જમણી બાજુ હતા ત્યાંથી ડાબી બાજુએ જઈ બેઠા. ભરપૂર દાઢી અને મૂછોના વાંકડા વળ ચડાવનાર આ ડાંખરો દેખાતો રજપૂત પ્રાંત-સાહેબના નામમાત્રથી ઝંખવાણો પડ્યો. ખુરસીઓની પાછલી હારમાં બેઠેલા એક પુરુષે આ ગભરાટ પર આછું સ્મિત વેર્યું. એ પુરુષનો પોશાક સાદો પાણકોરાનો ને સાવ સફેદ હતો. એના માથા પર સફેદ લાંબી ટોપી હતી. એના જોડા ઓખાઈ ઘાટના પણ હળવા ને કુમાશદાર હતા. એની ગુલાબી ચામડી પર ખુલ્લાં ટાઢ-તડકાનું મહેનતુ જીવન આછી છાયા પાડતું હતું. એનું હસવું જરી જોરદાર બન્યું ને જોડાજોડ એના અંતરમાંથી નિશ્વાસ પણ ઢળ્યો. ઊંડા કૂવામાંથી ખેંચાઈને મંડાણ પર આવી થાળામાં ઠલવાતા કોસનો જેવો અવાજ થાય છે, તેવો જ અવાજ એ નિશ્વાસનો હતો. ઠાકોર સાહેબે પછવાડે નજર કરી. પેલા પુરુષે ઊભા થઈ બે હાથ જોડી રામરામ કર્યા. “ઓહો!” ઠાકોર સાહેબ ઓળખવા મથ્યા: “આપ સુરેન્દ્રદેવજી તો નહિ?” “હા જી, એ જ.” ઠાકોર સાહેબે પંજો લંબાવ્યો. સુરેન્દ્રદેવે સામો પંજો આપ્યો. બન્નેના પંજા મળ્યા ત્યારે બન્નેના વેશ-પરિધાન વચ્ચેનો તફાવત પણ વધુ તીવ્ર બની દેખાયો. ઠાકોર સાહેબના દેહ પર રેશમના ઠઠારા હતા. ખભા પર જનોઈ-પટે ઝરિયાની હમેલ લપેટાઈ હતી. પગમાં રાણી છાપનાં કાળાં બૂટ હતાં. સાફો સોના-સળીનો ગુલાબરંગી હતો. એ ઠાઠમાઠ જોડે તકરાર કરનાર દાઢી-મૂછના શ્વેત કેશને ઠાકોર સાહેબે કાળો કલપ લગાવી ચૂપ કર્યા હતા. આ તફાવતની હાંસીને રોળીટોળી નાખવા માટે ઠાકોર સાહેબે કહ્યું: “સુરેન્દ્રદેવજી, આપ તો તદ્દન બદલી ગયા! શું ભેખ લઈ લીધો!” “નહિ, ઠાકોર સાહેબ! જોબનના રંગો હું હવે જ માણી રહ્યો છું.” આવા શબ્દોચ્ચાર તરફ રાણી સાહેબ ખેંચાયાં. એમણે પણ પાછળ જોયું. ઠાકોર સાહેબે પિછાન દીધી: “રાણી સાહેબ, આ કડીબેડીના દરબાર સાહેબ સુરેન્દ્રદેવજી.” “એમ! ઓહો!” કહીને રાણી સાહેબે થોડીવાર ઓઢણાનો પાલવ આઘોપાછો કર્યો. માથાના કેશની બેઉ બાજુની સેંથા-પટી પર એણે લીસા હાથ પસાર્યા. “હું એમને ઓળખું છું.” સુરેન્દ્રદેવે ઠાકોર સાહેબને ચમકાવ્યા. “ઓળખો છો! ક્યાંથી?” “એમના પિતા ભેખડગઢમાં પોલીસ-હવાલદાર હતા. ત્યાંથી બદલી થઈને ગયા ત્યારે એમને મારા ગામ રંગપુરની પાટીમાંથી ગાડાં જોઈતાં હતાં; પણ વેઠના દર મુજબના પૈસા નહોતા ચૂકવવા. વરસાદ પણ અનરાધાર પડતો હતો, એટલે આપણા ઉતારામાં જ સહુને ત્રણ દિવસ સુધી રોકાવું પડેલું.” રાણી સાહેબ બીજી બાજુ જોઈ ગયાં. આ સંકડામણમાંથી નીકળવા માટે ઠાકોર સાહેબે વાત પલટાવી. ત્યાં તો ગણગણાટોનો એક સંયુક્ત જનરવ ઊઠ્યો. ગોરા પ્રાંત સાહેબનો રુઆબી દેહ પગથિયાં પર દેખાયો: જાણે સામ્રાજ્ય ચાલ્યું આવતું હતું. મેજરની લશ્કરી પદવી પામેલો એ પડછંદ અંગ્રેજ હતો. અર્ધે માથે એને ટાલ હતી. એને દેખીને ઠાકોર સાહેબ ઊઠ્યા, બે ડગલા આગળ વધી હાથ મિલાવ્યો. કમ્મરમાં જાણે કમાન નાખેલી હોય તેવી અદાથી ઠાકોર સાહેબની છાતી સહેજ નમી પડી. ગોરો અક્કડ જ રહ્યો. “હલ્લો! યોર હાઈનેસ રાની સાહેબ!” કહેતો ગોરો અઢાર વર્ષની દેવુબા તરફ વળ્યો, ને એણે પંજો લંબાવ્યો ને કહ્યું: “તમે પરદો કાઢી નાખ્યો તે બદલ અભિનંદન!” નિરુપાયે રાણી સાહેબે પોતાનો નાનો-શો હાથ કાઢીને પ્રાંત સાહેબના હાથમાં મૂક્યો. ગોરાએ રાણી સાહેબની જમણી બાજુએ આસન લીધું. ઠાકોર સાહેબ અને પ્રાંત સાહેબ વચ્ચેનો તફાવત ત્યાં પોતાની ભાત પાડી રહ્યો. બેઉ કદાવર છતાં એક હીર-ઝરિયાનની ઢીલી-વીલી કોથળી, ને બીજો શાસન-સત્તાનો સીધો સુદૃઢ સુવર્ણ-સ્તંભ. ગોરાની આંખ પછવાડે ત્રાંસી થઈ, તેણે સુરેન્દ્રદેવને દીઠા. ગોરાના ચહેરા પર કરચલીઓનાં બે વધુ અળશિયાં આલેખાઈ ગયાં. રંગાલય ઊઘડ્યું. ગુજરાતના એક મહાકવિએ રચેલું ‘રાજેન્દ્રદેવ’ નામે ગીત બોલાવા લાગ્યું. ઠાકોર સાહેબના હાથ આપોઆપ જોડાઈ ગયા. આખી પ્રાર્થના ચાલુ રહી ત્યાં સુધી ટેડી ગરદને પછવાડે ઝૂકેલા એ ગોરા અફસરને અને સુરેન્દ્રદેવજીને કશોક વાર્તાલાપ થતો રહ્યો. ગોરાના મુખ પર ઉગ્રતાનાં ગૂંચળાં પર ગૂંચળાં વળતાં હતાં, એના ધીરા વાર્તાલાપમાંથી ‘કેક્ટસ’ ‘કેક્ટસ’ એવા શબ્દો ધમણો ધમાતી ભઠ્ઠીમાંથી તિખારા છૂટે તેમ છૂટતા હતા. ‘કેક્ટસ’ એ હાથિયા થોરનું અંગ્રેજી નામ છે. સોરઠમાં તે વખતે દુષ્કાળ ચાલતો હતો. ઘાસચારા વગર દુ:ખી થતાં ઢોરને થોરનાં ડીંડલાં કાપીને ખવરાવવાની ધૂન કોઈએ આ અંગ્રેજના ભેજામાં પેસાડી હતી. સુરેન્દ્રદેવજીને સાહેબ દમદાટી દઈ રહેલ હતા કે “તમારે ઘાસ હો યા ન હો, મને તેની પરવા નથી. તમારે કેક્ટસ ઢોરને ખવરાવવાં ન હોય તો કંઈ નહિ; પણ તમારે પત્રક તો રોજેરોજનાં ભરી મોકલવાં જ પડશે.” “હું એવું જૂઠું નહિ કરી શકું.” “સ્ટૂપિડ [બેવકૂફ]...” વગેરે પ્રયોગો સાહેબના વાર્તાલાપમાં વિરામચિહ્નો જેવાં હતાં. સુરેન્દ્રદેવ એને મચક નહોતા આપતા. એના ચહેરા પર પણ લાચાર મગરૂરીના ગુલાબી અંગારા ધગતા હતા. હાથિયા થોરની વાત પરથી સાહેબ સુરેન્દ્રદેવના એક બીજા અપરાધ પર ઊતરી પડ્યાં: “તમારો છોકરો ક્યાં ભણે છે?” “મારા ગામની જ નિશાળમાં.” “રાજકુમારોની સ્કૂલમાં કેમ નથી મોકલતા?” “ત્યાં જે શિક્ષણ આપવામાં આવે છે તેને માટે મારો છોકરો હજુ ઉંમરલાયક નથી.” કહીને સુરેન્દ્રદેવે મોં પર રમૂજ ધારણ કરી. એ જવાબમાં પ્રકટ ઘૃણા હતી. “જોઈ લઈશ!” સાહેબે દાંત ભીંસ્યા. ઠાકોર સાહેબ સુરેન્દ્રદેવ તરફ ઠંડા બનવાની ઈશારતો કરતા હતા. રાણી સાહેબને ગમ નહોતી પડતી કે આ શો મામલો મચ્યો છે. એકાએક ગોરા સાહેબના કાન પર શબ્દો પડ્યા: “આઈ એમ એ થ્રૅશિયન એન્ડ એ સોલ્જર [હું એક રાષ્ટ્રપુત્ર છું, અને સિપાઈબચ્ચો છું].” સાહેબની ટેડી ગરદન સીધી બની. વિસ્મયની અને ગભરાટની એક પલ વીતી ગઈ. સાહેબે જોયું કે આ તો રંગાલય પરના બોલ છે. તાબેદાર દેશનાં છોકરાં આ તો વેશ ભજવી રહ્યાં છે. આ સૃષ્ટિ સાચી નથી. રંગાલય પર શાહ સિકંદર અને ડાકુ સરદારની વચ્ચેનો પ્રસંગ ચાલતો હતો: સિકંદર સિંહાસન પર બેઠો છે. આઠ છોકરાઓએ એના સાયાની ઝૂલતી કિનાર પકડી છે. તખ્તની સન્મુખે જંજીરે જકડાયેલો એક ચીંથરેહાલ જુવાન ઊભો છે. એનો એક કદમ આગળ છે. એની છાતી આગળ ધસવા છલંગ મારી રહી હોય તેવી ભાસે છે. ને ‘તું જ પેલો ડાકુ કે?’ એવા સિંકદરના સવાલનો એ છોકરો રુઆબી જવાબ વાળે છે કે ‘હું રાષ્ટ્રપુત્ર છું ને સિપાઈબચ્ચો છું’. પાઠ ભજવનારાઓએ સભાજનોને એકતાન બનાવી નાખ્યા. ત્યાં બેઠેલાં સર્વ કલેજાંની મગરૂરી જાણે કે મૂર્તિમાન રંગભૂમિ પર ખડી થઈ હતી. સર્વ કોઈના સીના તળે સૂતેલા શબ્દો જ જાણે કે ઉચ્ચારાયા હતા: ‘આઈ એમ એ થ્રૅશિયન એન્ડ એ સોલ્જર.’ ગોરો અફસર મલકાઈ રહ્યો. એણે અંગ્રેજી શબ્દોની સચોટતા દેખી, એણે અંગ્રેજી જબાનની સંજીવની નિહાળી. આ મુડદાલ કાળાં બાળકોને પણ અમારી જબાન કેવી ખુમારી પિવાડી રહી છે! એ વાણીના છંટકાવે આ શબો બેઠાં થાય છે. વાહ જબાન! વાહ સાહિત્ય! પણ એનો આનંદ-ઝરો થંભી ગયો. એને આ તમાશો ન ગમ્યો. આ ડાકુ-પાત્રના હુંકારમાં એણે ભવિષ્યના ભણકાર સાંભળ્યા. નિશાળોમાં નાટક કરતી કરતી આ પ્રજા ભવિષ્યમાં કોઈક દિવસ જીવનમાં તો નાટક નહિ ઉતારી બેસે ને! આપણી જ ખુમારીને આપણા સામી નહિ પ્રયોજે ને! એ વિચારે ગોરો ચડી ગયો. ડાકુની તુમાખી એને ન ગમી. એ જો સિર્ફ લશ્કરી અમલદાર હોત તો એને નવો વિચાર ન સૂઝત. પણ એ પાછો રાજદ્વારી અધિકારી હતો. એનો વિચાર આગળ ચાલ્યો. ભાવિમાં ભમવા લાગ્યો. એને ત્યાંથી ચાલ્યા જવાનું મન થયું. સંવાદ અટકાવવાની ઈચ્છા થઈ. પોતાની પૂર્વે અહીં આવી ગયેલા પોલિટિકલ અફસરોએ જ પડાવેલી આ આદતો હતી. આવા તમાશા વડે પ્રાંતના હાકેમોનું સ્વાગત કરનારા ગામગામની નિશાળોના હેડ માસ્તરો આવી કરામત ક્યાં જઈ શીખી આવ્યા છે? કોણે એમને ચડાવ્યા છે?... બીજા કોણે? — અસલના કાળમાં નોકરી કરી ગયેલ પોલિટિકલ એજન્ટોએ. એમણે જ આ કેફ કરાવ્યો છે. આ ધાંધલ જવું જોઈએ. ગોરો અધવચ્ચેથી ઊઠીને ચાલતો જ થવા માગતો હતો, ત્યાં કોઈએ આવીને એના હાથમાં ચિઠ્ઠી આપી. વાંચીને ગોરાએ મુખમુદ્રા બદલી. ‘બદલી’ એમ કહેવા કરતાં પોતાની જાણે જ ‘બદલાઈ ગઈ’ કહેવું વધુ ઉચિત થશે. એના મોં પર પ્રસન્નતા રમવા માંડી. એણે વારંવાર પાછળ ફરીને દરબાર સુરેન્દ્રદેવ જોડે પણ મીઠા શબ્દોની આપ—લે કરી. ઠાકોર સાહેબ પ્રત્યે પણ લટ્ટુ બનવા લાગ્યો. સૂર્યનું ગ્રહણ છૂટે ને જગત જેવું ઝાકમઝોળ બની જાય, તેવું તેજોમય એનું મોં બની ગયું. આ પરિવર્તનનો મર્મ ન ઠાકોર સાહેબ પારખી શક્યા કે ન સુરેન્દ્રદેવજીને સમજાયો. રાણી સાહેબ તો જાણે કે એ વાતમાંથી જ નીકળી ગયાં હતાં. એની મીટ રંગાલય પર જ જડાઈ ગઈ હતી. ડાકુ-પાઠ કરનારા છોકરાના દેહમાં તેમ જ શબ્દોમાં જે ઠંડી વિભૂતિ ધખધખતી હતી, તેનું એ રાજપૂત સુંદરીને ઘેલું લાગ્યું હતું. “માફ કરજો, ઠાકોર સાહેબ!” કહેતા સાહેબ ઊઠ્યા: “મારે તાકીદનું કામ આવી પડ્યું છે, એટલે હું આપના તેમ જ રાણી સાહેબના સુખદ સમાગમને છોડી જાઉં છું.” ઠાકોર સાહેબે ઊઠીને એમને વિદાય આપી. “ફરી મળશું ત્યારે આનંદ થશે,” કહેતાં કહેતાં સાહેબે સુરેન્દ્રદેવ તરફ એક સ્મિત વેર્યું. “જરૂર.” સુરેન્દ્રદેવ ઊઠ્યા—ન ઊઠ્યા જેવું કરીને બેસી રહ્યા. એમના પહોળા વદન પર એ-ની એ પ્રસન્નતા રમતી રહી. ભલભલી સ્ત્રીઓને પણ ઈર્ષ્યા કરાવે તેવો સુરેન્દ્રદેવના ભાલ પરનો કંકુ-ચાંદલો સોરઠની સપાટ અને અસીમ ભોમકા વચ્ચે એકલવાયા લચી પડતા કોઈ ચણોઠીના છોડ જેવો સોહામણો લાગતો હતો. ઈનામોની લહાણી શરૂ થઈ. હેડ માસ્તરે સહુને કહી રાખ્યું હતું કે ઈનામ લેતાં પહેલાં ને લીધા પછી, બન્ને વાર, ઝૂકીને રાણી સાહેબને નમન કરવાનું ન ભૂલશો, હો! જે ભૂલ્યો તેણે આ સોટીને સારુ પોતાનો બરડો સજ્જ રાખવાનો છે. પહેલું જ નામ પિનાકીનું બોલાયું. પિનાકી કશા ઉત્સાહ વગર આગળ વધ્યો. એણે નમન ન કર્યું. એ કોઈ બાઘાની માફક રાણી સાહેબની સામે ઊભો રહ્યો. સાહેબ લોકોનાં છોકરાંને હાથે જીવતાં ઝલાઈને ટાંકણી વતી પૂંઠા પર ચોડાતા સુંદર પતંગિયા જેવી એની દૃષ્ટિ રાણી સાહેબના મોં પર ચોંટી રહી. ઈનામ આપવા માટે બે સુંદર હાથ લંબાયા, પણ પિનાકી ગભરાયો. ઈનામ લેવા જતાં કદાચ પોતે એ હાથને પકડી બેસશે એવી એને ધાસ્તી લાગી. ઈનામ લીધા વિના જ એ પાછો વળી ગયો. સભાનો રંગ વણસ્યો. હેડ માસ્તરના હાથમાં સોટી ત્રમત્રમી રહી. બીજાં ઈનામો વહેંચાઈ ગયા પછી બહુ આગ્રહને વશ બની સુરેન્દ્રદેવ થોડું પ્રવચન કરવા ઊઠ્યા. તેમણે કહ્યું: “અહીં એક શહેનશાહ અને એક ડાકુ-સરદારનો પ્રવેશ ભજવાયો છે. વિદ્યાર્થીઓ! એ એક જ પાઠ તમારે ન વીસરવા જેવો છે. શહેનશાહતો તો સદા એવી જ છે. વીર નરોને ડાકુ બનાવનાર તો જુલમો જ છે. અમે રાજાઓ, નાનામોટા સહુ જ રાજાઓ, એ શહેનશાહ સિકંદરની જ નાની-મોટી આવૃત્તિઓ છીએ. માટે તમે પણ તમારો અવસર જ્યારે આવે ત્યારે અમને એ જ જવાબ આપજો કે અમે હરામખોર નથી, અમે અમારા રાષ્ટ્રના પુત્રો છીએ, ને સાચા સિપાઈઓ છીએ.” છોકરાઓએ આવા સંભાષણ પર તાળીઓના ગગડાટ કર્યા. હેડ માસ્તર રાતાપીળા બન્યા. ઠાકોર સાહેબે કશું બોલવાની ના કહી. મેળાવડો ભારેખમ હૈયે વિસર્જન થયો. હેડ માસ્તરે ગાડી પાસે જઈને રાણી સાહેબ તરફ બેઅદબી થયા બદલની ક્ષમા માગી કહ્યું: “છોકરો ગભરાઈ ગયો હતો.” “કોણ છે એ?” રાણીજીએ પ્રશ્ન કર્યો. પોતે તે ક્ષણે પોતાના વિખૂટા પડેલા નરને શોધતી કબૂતરીના જેવી મનોવસ્થામાં પડી હતી. “એક પોલીસ-ઓફિસરનો ભાણેજ છે. આમ તો ઘણો શાણો વિદ્યાર્થી છે.” વધુ કશો જ પ્રશ્ન ન કરતાં રાણીએ ગાડી ચલાવવાનો આદેશ આપ્યો. શાળાના સાંકડા દરવાજામાંથી પાણીના રેલા પેઠે નીકળી જનાર ઘોડાઓ ગાડીને ક્યાં લઈ જાય છે તેનું ભાન રાણીએ ગુમાવ્યું હતું. ઠાકોર સાહેબ શી વાત કહી રહ્યા હતા તેની તેને ગમ નહોતી. હેડ માસ્તરનાં પગલાં લાદીના પથ્થરોને કચડતાં અંદરના ખંડમાં ધસ્યાં, ત્યાં જઈ ન કાંઈ પૂછ્યું, ન ગાછ્યું, પિનાકીના શરીર પર એણે સપાટા જ ખેંચવા માંડ્યા.