સોરઠ, તારાં વહેતાં પાણી/૫૬. ઉપસંહાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૬. ઉપસંહાર

“ટીડા, મા’રાજ!” શેઠે પોતાના બૂઢા રસોઈયાને તેડાવ્યો, કહ્યું: “મૂરતબૂરત નથી જોવાં, ઘડિયાં લગન લેવાં છે. મારે કન્યાદાન દેવું છે. કાલ સવારે અહીં રાજનું કે સરકારનું બુમરાણ મચે તે પહેલાં પતાવવું છે. છે હિંમત?” “હવે હિંમત જ છે ના, ભાઈ!” ટીડાએ બોખા મોમાંથી થૂંક ઉરાડતે ઉરાડતે કહ્યું. “તમારેય જેલમાં જવું પડે કદાચ!” “પણ તમ ભેળું ને?” “હા, મને તો પે’લો જ ઝાલે ને!” “ત્યારે ફિકર નહિ, હું અનુભવી છું, એટલે તમને જેલમાં વાનાં માત્રની સોઈ કરી દઈશ.” “સાચું. તમે કેમ ન ડરો તે તો હવે યાદ આવ્યું.” ટીડો મહારાજ સાત વર્ષની ટીપમાં જઈ આવેલ હતો. એના હાથે ચોરી રોપાઈ. આખા રાજવાડામાં ધામધૂમ મચાવીને ધડૂકતે ઢોલે શેઠે પુષ્પાનું કન્યાદાન દીધું. “જો, જુવાન!” શેઠે ચોરી પાસે બેઠાંબેઠાં કહ્યું: “ચેતાવું છું. આ મારી કન્યા ઠરી. એને સંતાપનારો જમાઈ જીવી ન શકે, હો બેટા!” પિનાકીએ નીચે જોયું. પુષ્પાનું મોં તો ઘૂમટામાં હતું. એનો ઘૂમટો સળવળી ઊઠ્યો.

દિવસો એકબીજાને તાળી દઈદઈ ચાલ્યા જતા હતા. બેસતા શિયાળાને વાયરે વનસ્પતિનાં પાંદડાં ફરફરે તેમ પુષ્પાના પેટનું પાંચેક મહિનાનું બાળ સળવળતું હતું. પિનાકીની હથેળી એ સળવળાટનો સ્પર્શ પામતી સ્વાગત દેતી હતી. પુષ્પાનાં નયન પ્રભાતની તડકીમાં આંસુએ ધોવાઈ સાફ થતાં હતાં. શેઠ પિનાકીને વાડીની વાડ્યેવાડ્યે રમતા જાતજાતના વેલાની અને ભોંય પર પથરાયેલી તરેહ તરેહ વનસ્પતિઓની પિછાન આપતા હતા: “જો, હાથપગના સોજા ઉપર, અથવા તો મોંની થેથર ઉપર આ વાટીને ચોપડાય. સાંધા તૂટતા હોય તો આને પાણીમાં ખદખદાવી નવરાવાય.” વગેરે વગેરે. પિનાકી સાંભળી સાંભળીને સમજતો હતો કે આ બધા વનસ્પતિ-શિક્ષણનું લક્ષ્ય હતી ગર્ભિણી કર્મકન્યા પુષ્પા. મુર્શદે બતાવેલી તે તમામ ઔષધિઓને પિનાકી ઉપાડી લેતો હતો. “અરે રામ!” શેઠ અફસોસ પણ કરતા જતા હતા: “સોરઠમાંથી જેકૃષ્ણ૪ જેવો ઓલિયો કચ્છમાં ધકેલાણો. આવડી મોટી વસુંધરા એક જેકૃષ્ણને ન સાચવી શકી. કોણ એને પાછા લાવશે? કોણ એના ઈલમનો વારસ થશે? આ ઝાડવાંને કોણ હોંકારો દેતાં કરશે?” ફરીને પાછા આવ્યા ત્યારે પાણકોરાના મોટા બગલથેલાવાળા ત્રણેક મહેમાનો આવી પહોંચ્યા હતા. મગફળીની શિંગો, ખજૂર અને કાજુનો તેઓ નાસ્તો કરતા હતા. “હો! હો! હા! હા! હા!” એક ચકચકિત મોંવાળા પડછંદ અતિથિનો ખંજરી જેવો રણઝણતો અવાજ આવ્યો: “શુભ સમાચાર! શુદ્ધ બલિદાન ચડી ગયું છે. દુષ્ટોના દિવસો ભરાઈ ચૂક્યા છે.” “શું છે પણ?” “પરમ આનંદ! મંગલ ઉત્સવ! સુરેન્દ્રદેવજીએ ગાદીત્યાગ કર્યો. શું પત્ર લખ્યો છે સરકાર પર! ઓહ! વાહ ક્ષત્રિવટ! આ તો સોરઠનો રાણો પ્રતાપ પાક્યો!” “હં! થઈ પણ ચૂક્યું?” શેઠે ગંભીર, ઊંડા અવાજે બંદૂક ખભેથી હેઠી ઉતારી અને શ્વાસ હૈયેથી હેઠો ઉતાર્યો. “બસ!” મહેમાને લલકારવા માંડ્યું: “જ્વાલા પ્રગટી સમજો હવે!” શેઠને આ શબ્દોમાં સ્વાદ ન રહ્યો. એણે પોતાની આંખો ચોળી: જાણે કશુંક ન દેખાતું નિહાળવું હતું એને. “કહો.” મહેમાને કહ્યું: “હું તો ઝોળી ધરવા આવ્યો છું. તમે હવે ક્યારે આ બધું છોડો છો? મને વચન ન આપો ત્યાં સુધી હું જમનાર નથી.” શેઠ ચૂપ રહ્યા. મહેમાને બગલથેલીમાંથી છાપું કાઢીને ફગાવ્યું. “આ વાંચો: શો જુલમાટ ચાલી રહ્યો છે! વિક્રમપુરનાં રાજમાતા દેવુબાને ત્યાંથી હુડેહુડે કરી કાઢ્યાં, ને રાજમાતા છાજિયાં લેતાંલેતાં, છાતી કૂટતાં કૂટતાં એક અદના સિગરામમાં સ્ટેશને પહોંચ્યાં! આટલું થયા પછી પણ તમારાં રૂંવાડાં ખડાં થતાં નથી?” મહેમાનની વાગ્ધારા વહેતી રહી, અને શેઠની આંખો છાપાના એક-બે બીજા જ સમાચારો પર ટકી ગઈ: પ્રવીણગઢના દરબારશ્રીને ‘સર’નો ઈલકાબ મળે છે! “વાંચ્યું આ?” શેઠે પાનું પિનાકી તરફ ફેંક્યું. વાંચીને પિનાકી ત્યાંથી ઊઠી ચાલ્યો ગયો. ધોળી ટોપી અને ખાદીના બગલથેલાવાળા મહેમાનો ખાવાપીવામાં ભાતભાતના છંદ કરીને પછી નિરાશ થઈ ચાલ્યા ગયા. શેઠે જે એમ કહ્યું કે “મારે રાંડીરાંડોને ભેગી કરી ‘આશ્રમ’ના મહંત નથી બનવું...” એથી મહેમાનો ચિડાયા હતા.

રાત ‘ઝમ્-ઝમ્’ કરતી હતી. તારાઓ આકાશની છાતીમાં ખૂતેલાં ખંજર જેવા દીસતા હતા. પિનાકી પાણીબંધ પર એકલો બેઠો હતો. એને ચેન નહોતું. “શું છે?” શેઠે શાંતિથી આવીને એનો ખભો પંપાળ્યો. પિનાકીએ સામે જોયું. એના મોં પર ઉત્તાપ હતો. “વહુને કેમ છે?” શેઠે પૂછ્યું. “બહુ કષ્ટાય છે.” જવાબ ટપાલીએ ફેંકેલા કાગળ જેવો ઝડપી હતો. “અહીં કેમ બેસવું પડ્યું છે? ચાલો ઘેર.” “એ નહિ જીવે તો?” “તો?” “તો હું શું કરીશ, કહું?” “કહો.” “પ્રવીણગઢ જઈને હિસાબ પતાવીશ.” “તે દિવસ હું તને નહિ રોકું. પણ એ દિવસને જેટલો બને તેટલો છેટો રાખવા માટે હું તારી મરતી વહુને બચાવીશ. ચાલ, ઊઠ.” પિનાકીને પોતે આગળ કર્યો. નદી-બંધ ઉપર ચંદ્ર-તારા ફરસબંધી કરતાં હતાં. એ ફરસબંધી પર ચાલ્યા જતા શેઠની પ્રચંડ છાયા પિનાકી ઉપર પડતી હતી. નદીનાં વહેતાં પાણી ઉપર ચંદ્રમા જલતરંગ બજાવતો હતો. “તું મારે ઘેર સુરેન્દ્રદેવજીની થાપણ છો, એ તને યાદ છે, બેટા?” બંદૂકધારીએ પિનાકીને એક વાર નદી-બંધ પર થોભાવ્યો. પિનાકીએ સામે જોયું. શેઠે ફરીથી કહ્યું: “એ તો ગયા.” “મારાં તો ઘણાંઘણાં ગયાં.” “એ પાછા આવે ત્યાં સુધી વાટ જોવાની.” પિનાકીના મોં પર ત્રાટક કરતા હોય તેવી તરેહથી આંખો ચોડીને શેઠ છેલ્લો શબ્દ બોલ્યા: “વાટ જોતાં શીખજે. હું શીખ્યો છું.” — ને પછી બેઉ ચાલ્યા ગયા. નદી-બંધના હૈયામાં તેમનાં પગલાં વિરમી ગયાં.

૪ જયકૃષ્ણ ઇન્દ્રજી.