સોરઠી ગીતકથાઓ/1.સોન — હલામણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
1.સોન — હલામણ

મેર જાતિના સોહામણા ધામ બરડામાં મોરાણું નામે ગામ છે. જૂના કાળમાં મૂળુ રાઢિયો નામે ગામધણી રાજપૂત રહેતો. એને ઘેર ‘ઢળકતી ઢેલ્ય’ જેવી, ‘લચી પડતા કૉળેલ આંબા’ જેવી, ‘પ્રથમ રંગ પકડતી આંબા-શાખા’ સરખી, સોનલદે નામે દીકરી હતી. સોનને જ્યારે જોબન બેઠું, ત્યારે પરણવાનો સવાલ ઊઠ્યો. પણ સોન તો ચતુરસુજાન, પ્રવીણ, રસિકા હતી. એ તો કવિતા રચતી. એણે વ્રત લીધું કે પરણવું તો પોતાનો ખરો જોડીદાર મેળવીને પરણવું; નહીં તો કુંવારા જન્મારો કાઢવો. એણે સમસ્યાઓ રચી. દેશમાં જે જે ચતુર પુરુષો હતા તેના પર બારોટ સાથે મોકલી. સમસ્યાની પૂર્તિ કરે તે નરને જ કંઠે વરમાળ રોપવી હતી. સમસ્યાઓ કાવ્યમાં રચાયેલી હતી. ભમી ભમીને બારોટ આભપરા ડુંગરાની ખીણમાં જેઠવા રાજાઓના ઘૂમલી નગર પર ગયો, ત્યાંના જેઠવારાજ શિયાજીની પાસે સમસ્યા ધરી. સોનના સૌંદર્યનો ભોગી થવા શિયાજીનું દિલ તરફડતું હતું, પણ પોતે બુદ્ધિનો ગમાર હતો. એનામાં સમસ્યાઓ પૂરવાની શક્તિ નહોતી. એણે કૂડ વાપર્યું. પોતાને હલામણ નામનો જુવાન ભત્રીજો હતો. હલામણ ભવિષ્યનો ગાદીવારસ હતો. રસનો, ગુણનો, રૂપનો ને ચાતુરીનો ભંડાર હતો; પણ કાકાને પિતાને સ્થાને સમજનાર આજ્ઞાંકિત યુવક હતો. સોને મોકલેલી સમસ્યાની પૂર્તિ એણે કરી આપી. કાકાએ પોતાને નામે સોન પર બીડી. પોતાનો જોડીદાર મળ્યો જાણીને આશાભરી સોનલ ઘૂમલી નગર આવી, પાદરમાં પડાવ નાખ્યો. વધુ પારખું કરવા સારુ એક પછી એક ઘણી સમસ્યાઓ મોકલી, તે તમામના સાચા જવાબો શિયાજી તરફથી મળી ગયા. લગ્નને વાર ન રહી. પણ ઓચિંતાનો બધો ભેદ ફૂટી ગયો. જળાશયને કાંઠે સોનની દાસીની હલામણની બાનીએ મેણું મારીને ભેદ ફૂંકી દીધો કે ‘હલામણ દુહા પારખે, સોન શિયાને જાય : માટે બાઈ! તમારી બાંધી મૂઠી જ રાખો એ ઠીક છે, ઉઘાડશો તો વાસર ખાશો!’ સોનને તો આ વાત સાચજૂઠનો તાગ લેવો હતો. એણે સીધેસીધા હલામણને જ નવી સમસ્યાઓ મોકલી. સાચા ઉત્તરો મળ્યા. બંનેને પ્રીત બંધાઈ. સુખને સોણલે સોન ઝૂલવા લાગી. શિયોજી સમજ્યો કે આ ભવાડો કરનાર ભત્રીજો જ છે. રાજસત્તાથી એને દેશવટો ફરમાવ્યો. આજ્ઞાપાલક જુવાન ચાલી નીકળ્યો. છેક સિંધમાં ઊતર્યો. ફુઈને ઘેર રહ્યો. અંતર તો સોનને જ અર્પણ કરી ચૂક્યો હતો, એટલે બીજે ક્યાંય, કોઈના રૂપમાં ન મોહાયો. સોનવિજોગે સુખની સેજમાં નહીં પણ સાથરે સૂતો. સોને ઘૂમલીરાજને ફિટકાર દીધો. એના લગ્ન-કહેણને, ને એના સૂંડીભર્યા શણગારને ઠોકર મારી એ તો વહાલા હલામણની શોધે નીકળી, છેક સિંધ પહોંચી. હલામણને અખાત્રીજને મેળે હાબા ડુંગરે ગયો સાંભળી, ભટકતી ભટકતી, એ ઝૂરતી વિજોગણ હાબે ડુંગરે પહોંચી. પરંતુ એ એ પહોંચે તે પહેલાં તો કોડીલો હલામણ હાબાના મેળામાં ઊંચે હીંચકે હીંચકતાં પડીને મૃત્યુ પામ્યો હતો. સોન પણ એ સાચા પિયુનું શિર ખોળામાં લઈ ત્યાં બળી મરી.

1. સોનનું સૌંદર્ય

કોળ્યો આંબો ઢળ પડે, નીચી નમતી ડાળ, પાકલ કેરી રંગ લ્યે, (એવી) સોનલ સુંદર નાર. [1]

[સોન કેવી સુંદર હતી? કૉળીને ઢળતા આંબા જેવી, લચીને નીચી નમતી આંબાડાળીઓ જેવી, નવા રંગ ધારણ કરતી પાકેલ કેરી જેવી.]

પગમાં ઠણકે કાંબીયું, હૈયે હલકે હાર, ગાળેલ હેમની ગુજરી, (એવી) સોનલ સુંદર નાર. [2]

[એના પગમાં કાંબીઓ (એ નામનાં નૂપુર) ઝણકે છે. ગળામાં હાર ઝૂલે છે. હાથમાં ગાળીને શુદ્ધ કરેલા સુવર્ણની ગુજરી (હાથનું કંકણ) પહેરી છે: તેવી સુંદર સ્ત્રી સોન છે.]

કાઠિયાણી કેડ પાતળી, હલકતી માથે હેલ્ય, બરડાહંદી બજારમાં ઢળકતી જાણું ઢેલ્ય. [3]

[પાતળી કમ્મરવાળી એ કાઠિયાણીના માથા પર પાણીનું બેડું ડોલતું આવે છે, જાણે બરડાની બજારમાં ઢળકતી ઢેલ્ય ચાલી આવે છે. એવી એ સોન.]

2. સમસ્યાઓ અને તેની પૂર્તિ પોતે વ્રત લીધું છે કે નીચેની સમસ્યાની પાદપૂર્તિ કરનાર ચતુર-સુજાણ કાવ્યવિદ્ને જ વરવું. એ સમસ્યાને દુહાના એક ચરણમાં પોતે જ રચીને તૈયાર કરી :

ઘણ વણ ઘડિયાં, એરણ આભડિયાં નહિ.

… … …

[હથોડા વગર ઘડેલા અને એરણને તો અડક્યા પણ ન હોય તેવા અલંકાર કયા?]

આ અરધો દુહો પૂરો કરવા માટે આપીને સોને પોતાના બારોટને ઘૂમલી નગરના જેઠવા રાણા પાસે મોકલ્યો :

બારોટ જા બરડે, (જ્યાં) વસે જેઠીરાણ, અધૂરાં પૂરાં કરે, વેણુ - ધણી વખાણ. [4]

[વેણુ નદીનો એ સ્વામી તારી અધૂરી સમસ્યા પૂરી કરશે.]

બારોટ બરડા પહાડ પર આવેલા ઘૂમલી નગરમાં પહોંચ્યો. રાજા શિયાજી જેઠવા સમક્ષ સમસ્યા ધરી. શિયાજીએ થોડે દિવસે આ પ્રમાણે પાદપૂર્તિ બારોટના હાથમાં ધરી :

ઘણ વણ ઘડિયાં, એરણ આભડિયાં નહિ, સરવડ સ્વાંત તણે, મળે તો મોતી નીપજે. [5]

[ઘણ વિના ઘડાય છે અને એરણને અડક્યા વિના તૈયાર થાય છે, તે સ્વાતિ નક્ષત્રનાં સરવડાં (વૃષ્ટિ) થકી જ નીપજનારાં, સમુદ્રની છીપોનાં મોતી.]

માતા મેરામણ વસે, પિતા વસે કૈલાસ, જોવે તો જૂનાં મોકલું, નવાં તો આસો માસ. [6]

[હે સોન સુંદરી! તું આ મોતી મંગાવે છે, પરંતુ એની માતા (છીપ) તો સમુદ્રમાં વસે છે. ને એનો પિતા (મેઘ) વસે છે કૈલાસ શિખર પર. એ બંનેનું મિલન તો છેક આસો માસમાં સ્વાતિ નક્ષત્રે થાય ત્યારે જ નવાં મોતી નીપજે. માટે અત્યારે જો જોઈતાં હોય તો તને જૂનાં મોકલું.]

આ પાદપૂર્તિ બારોટે સોનને પહોંચાડી. સોનનું વ્રત ફળ્યું. પોતાની સમસ્યા ઉકેલનાર એ રાજા શિયાજીને પરણવા સોન ચાલી નીકળી.

ઘૂઘરીઆળો ઘાઘરો, ચડવા માફાળી વેલ્ય, ગઢ ઘૂમલીની બજારમાં ઢળકતી આવે ઢેલ્ય.

ઢળકતી આવે ઢેલ્ય તે વાટે, બાઈ! તારો હલામણ ઊભો વાણીડાને હાટે. લખી કંકોત્રી હલામણ પર મેલ્ય. ઘૂઘરીઆળો ઘાઘરો, ચડવા માફાળી વેલ્ય. [7]

એવા એના શણગાર હતા. કોઈએ એને ના પણ પાડેલી કેદ —

ખારાં પાણી ખટમઠાં, દાઈવાળો દેશે, 

સોનલ, મ જાજે જેઠવે! બાળેલ બરડો દેશ. [8]

છતાં સોન તો આવી પહોંચી. પાદરડે ડેરા-તંબુ તાણીને ઉતારો કર્યો. ત્યાંથી પોતાના વર શિયાજીની વધુ ચોક્કસ કસોટી કરવા માટે નવી સમસ્યાઓ મોકલી

સમસ્યા 2

શિયા! સરોવર દેખાડ, (જ્યાં) પાણી કે નવ પાળ, તાસ તળે કોળાંબડે, પંખી વળૂંભ્યાં ડાળ. [9] [હે શિયાજી! એવું સરોવર કયું? — જેને પાણી નથી, પાળ નથી. છતાં જેના કિનારાનાં ઝાડની નમેલી ડાળીએ પક્ષીઓ બેઠાં છે?] જવાબ આવ્યો: સરોવર તે કાન; અને પક્ષી તે કાનમાં પહેરવાની તોટી અથવા વાળી. સમસ્યા 3

ચારપગો ને ચોસલો, નરને નામે નામ, અમે મગાવું જેઠવા! હોય તમારે કામ. [10] [હે જેઠવા! ચાર પગવાળો, ચોરસ આકારનો, પુરુષવાચક નામવાળો — તે પદાર્થનું તમારે (લગ્નમાં) કામ પડશે. એ હું મંગાવું છું.]

જવાબ આવ્યો : બાજઠ

સમસ્યા 4

પાંખાળો પરવત વસે, ગરમાં જેનાં ગામ, વર પહેલો તોરણ ચડે, કારીગરનાં કામ. [11] [પાંખવાળો છે, પર્વતમાં વસે છે. ગિરમાં એનું ગામ છે. લગ્નમાં હંમેશાં એ વરના પહેલાં તોરણે ચડે છે એ કોણ? એની તમારે જરૂર પડશે.]

શિયાજીએ જવાબ મોકલ્યો: મોડ (મોર). (મોડ હંમેશાં પરણતાં સ્ત્રી-પુરુષને મસ્તકે પહેરાવાય છે. એ ડુંગરાઉ વાંસની કાતળીઓનો બને છે.)

સમસ્યા 5

વણપંખો ઘણઉડણો, અણચણિયાં જ ચણન્ત, નજીવો સજીવાને હણે, ગણ બાંધ્યો જ રમન્ત. [12] [પાંખ વિનાનો છતાં ઘણું ઊડનારો કોઈએ ચલેણાં નહીં એવા ભક્ષને ચણનારો : પોતે નિર્જીવ છતાં સજીવોને હણનારો : ગુણ (દોરી)માં બાંધી રાખવાથી રમે છે એ કોણ?]

જવાબ આવ્યો : તીર

સમસ્યા 6

માથાહીણો મરગલો, શીંગડીયું બે-ચાર, હેડમાં ઘાલ્યો હડહડે, નત્ય નવરાવે નાર. [13] [માથા વિનાનો એક મૃગ છતાં જેને બે-ચાર શીંગડીઓ છે. કેદમાં નાખ્યા છતાં જે કોલાહલ કરે છે, જેને સ્ત્રીઓ નિત્ય નવરાવે છે : એ કોણ છે?]

જવાબ આવ્યો: છાશ વલોવવાનો રવાયો સમસ્યા 7

અધ સૂકું અધ લીલડું, ત્રાંબાવરણું જેહ, અમે મગાવું જેઠવા! આણી આપો એહ. [14] [જે અરધું સૂકેલું અને અરધું લીલું છે, જે ત્રાંબા સરીખા રંગનું છે તે અમને લાવી આપો, હે જેઠવા!]

જવાબમાં મોકલાયું : શ્રીફળ

સમસ્યા 8

જે થડ પવન ન સંચરે, પંખી ન બેસે કોય; તાસ તણાં ફળ મોકલો, સાચા સાજણ હોય. [15] [જેના થડની અંદર કદી પવન પેસતો નથી, જેની ડાળે કદી પક્ષી બેસતાં નથી, એવા ઝાડનાં ફળ મોકલશો — જો મારા સાચા સ્વજન થવું હોય તો.]

જવાબ આવ્યો : છીપ રૂપી ઝાડનાં મોતી રૂપી ફળ

સમસ્યા 9

પીતળ પે’રી પદમણી, હાલે ઝાકઝમાળ; (કાં) સોહે વીવા વધામણે, (કાં) સોહે રાજદુવાર. [16] [એક એવી પદ્મિની છે, કે જે પીતળનાં આભૂષણો પહેરીને ભભકતી ચાલે છે. કાં તો વિવાહ જેવે અવસરે શોભે છે અથવા તો રાજદ્વારે દીપે છે. એ શું?]

જવાબ આવ્યો : વેલ્ય (માફાવાળી બળદગાડી)

સમસ્યા 10

થડ થોડું ઉરે ઘણું, કેડે કેસરી લંક, શિયા! સાવઝડું મોકલો! (જેના) લોહે જડિયા દંત. [17] [હે શિયાજી રાજા! જે થડે (પગની જગ્યાએ) નાનું છે, છાતીની જગ્યાએ જે લાંબું છે. જેની કમ્મર સિંહની કમર સમી છે, ને જેના દાંત લોઢે જડી રાખેલા છે, એવું સિંહનું બચ્ચું મોકલો!]

જવાબમાં મોકલાયું : સાંબેલું સમસ્યા 11

માથું વાઢ્યે નો મરે, આંખ ફોડ્યે જીવ જાય. અમે મગાવું, જેઠવા! જળમાં પેદા થાય. [18] [જેનું માથું કાપવાથી નહીં, પણ આંખ ફોડવાથી મૃત્યુ થાય છે. (એટલે કે ‘આંખ’ નામે ઓળખાતો શેરડીનો એક ભાગ કાઢી નાખવાથી એ ફરી વાર ઊગતી નથી.) જે પાણીમાં પેદા થાય છે, તે મોકલો.]

જવાબમાં મોકલાઈ : શેરડી

સમસ્યા 12

અગની કાંઠે ઊપજે, ગોરી રાતે દંત, નારીએ નર બાંધિયો, કર વમાસણ કંથ! [19]

જવાબ : અંકોટો (સ્ત્રીઓને કાનમાં પહેરવાનો રૂપાનો અલંકાર)

સમસ્યા 13

થડ થોડો પરગટ ઘણો, પાને પાન હલંત, સોનલ આવી સાટવે, કાઢો વસાણું કંથ! [20] [જેનું થડ થોડુંક જ છે, પણ જે પ્રગટ સ્વરૂપમાં, એટલે કે સુગંધમાં બહુ મોટું લાગે છે, જેનાં પાનેપાન હલે છે, તે વૃક્ષ તુલ્ય વસ્તુને ખરીદવા સોન આવી છે.]

જવાબમાં મોકલાયું : કપૂર

સમસ્યા 14

અણીયાળાં ને વાંકડાં, સૂડાવરણાં જેહ, સમજીને ગજકરણના ! અમને એસું દેહ. [21]

જવાબમાં મોકલ્યાં : નાગરવેલનાં પાંદ સમસ્યા 15

સો નર લીધા સામટા, નારી કહેવાય જેહ, 

તુજ રક્ષાને કારણે, હાથ ધરી મેં તેહ. [22]

જવાબ : માળા આવી સમસ્યાના સાચા ઉત્તરો મળવાથી સોનને શ્રદ્ધા બેઠી કે શિયોજી જેઠવો સાચો ગુણીજન છે. લગ્નની તૈયારીઓ થવા લાગી એવે એક દિવસ પ્રભાતે —

ઊંચો ડુંગર આભપરો નીચી જેતાવાવ, પદમણીયું પાણી ભરે, હંસણી હારોહાર. [23] [ઊંચે આભપરાનો ડુંગર છે. તેની તળેટીમાં નીચે જેતાવાવ નામની વાવ છે. ત્યાં પદ્મિની જેવી રૂપવતી અને હંસ જેવી ચાલ્યવાળી નારીઓ પંક્તિબંધ પાણી ભરે છે.] એ પનઘટ પર સોનની દાસીઓ અને ગામના એક રાજકુંવર હલામણની દાસીઓ વચ્ચે ટંટો થયો. એટલે સોનની દાસી ગર્વથી બોલી :

અમે પરદેશી પાન, વા વંટોળે આવિયાં. વરશું જેઠીરાણી, (તે દિ’) મોંઘા થઈને મ્હાલશું. [24] [હે બાઈઓ! અમે પરદેશનાં માનવી વંટોળિયામાં ઝાડનાં પાંદડાં ખેંચાઈ આવે તેવી રીતે અમે આંહીં આવી પડ્યાં. આજે અમે રઝળતાં છીએ, પરંતુ જે દિવસ અમારી કુંવરી સોનને જેઠવો રાજા શિયોજી પરણશે, તે દિવસ અમે સહુ માનપાન પામીને રહેશું. તે દિવસે તમે અમારાં અપમાન નહીં કરી શકો.]

કુંવર હલામણની દાસીઓએ આના જવાબમાં સાચી વાત જણાવી દીધી :

બાંધી મૂઠી લાખની, ઉઘાડી વાસર ખાય, 

હલામણ દુહા પારખે, (પણ) સોન શિયાને જાય. સોન શિયાને જાય તે અડી, બેટાને બૈયર બાપસું જડી. એવાં મેણાં બાઈ! મુંને બાની દીયે, ને બાંધી મૂઠી લાખ જ લીયે. [25] [હે બાઈ! તમારી ઇજ્જત મૂઠીમાં ઢાંકેલી છે, ત્યાં સુધી જ એને લાખ રૂપિયાની સમજજો. જો એ સાચી વાતનો ભેદ ઊઘડી જશે તો પવન સિવાય બીજું કંઈ નહીં રહે. તમે કોડીની કિંમતનાં થઈ જશો, કેમ કે તમારા પ્રત્યેક દુહાની સમસ્યા પારખનાર ગમાર શિયોજી નથી, પણ એનો ભત્રીજો હલામણ છે. છતાં સોન તો શિયાને પરણવા બેઠી છે. બેટાની (ભત્રીજાની) બાયડીને બાપ (કાકો) ઉઠાવી જશે.]

આવું સત્ય સાંભળીને દાસી ઝંખવાણી પડી સોન પાસે આવી. સોન પૂછે છે કે, ‘હે દાસી! આટલી નિસ્તેજ કાં બની ગઈ!’ દાસી જવાબ આપે છે :

બાઈ અમને બાની વઢી, નદીએ ભરતાં નીર, 

એક વચનને કારણે શોષાણાં શરીર. શોષાણાં શરીર તે ઘડો ફૂટી ગયો ડોલરિયા હલામણ દેશવટે ગયો. (હવે) મગાવો હીરને વેચાવો ચીર, બાઈ અમને બાની વઢી, નદીએ ભરતાં નીર. [27]

સોને આખી હકીકતનો મર્મ જાણ્યો. ખબર પડી કે પોતાની પ્રત્યેક સમસ્યાના ઉકેલ મોકલનાર શિયોજી તો એ અર્થો પોતાના ભત્રીજા હલામણ પાસેથી જ કરાવતો. આવાં છલ કરીને મૂઢ શિયોજી એને પરણવા લોલુપ હતો. સોને તુર્ત પોતાના સાચા વર હલામણને સમસ્યાયુક્ત લગ્નપ્રસ્તાવ પાઠવ્યો : હે હલામણ! અમને આ ચીજ મોકલો!

ઘર પર ભરિયલ ધ્રો, ગગનાસર બાંધલ ગળે, પવને નવ પેખેલ, માછલ જળ માણેલ નહિ. [28] [સપાટી (ધરતી) ઉપર ધ્રો નામનું ઘાસ ઊગેલ છે, ગળામાં (અંદરના ભાગનાં) ગગન-સરોવર છે, જેને પવન સુધ્ધાંએ દીઠેલ નથી, જેનું પાણી માછલાંએ પણ માણ્યું નથી. એવું વિચિત્ર સરોવર અમને મોકલી આપો!]

જવાબમાં હલામણે ‘શ્રીફળ’ મોકલ્યું. સાચી સમસ્યા ઉકેલાઈ. લગ્ન મોકલ્યાં. હલામણ પરણવા માટે સોનાની ડેલી પર હાજર થયો, પરંતુ આવનાર પુરુષ અગાઉ બન્યું તે માફક બનાવટી તો રખે ને હોય! એટલે ખાતરી કરવા માટે સોને પુનઃ કસોટી માંડી. સમસ્યા મોકલી : 1. લંક લપેટણ સીતહર, નહિ લંકાપત રાવ, જે કારણ કૌરવ હણ્યા, (તે) મોકલ, મારા રાવ! [29] [જે લંક-લપેટણ છે (1. લંકાને રક્ષનાર. 2. કમર પર વીંટવામાં કામ આવનાર.) જે સીતહર છે (સીતાનું અથવા ઠંડીનું હરણ કરનાર) જેને કારણે (એટલે કે દ્રૌપદીનાં ખેંચાયેલા ચીરને કારણે) આખું કૌરવસૈન્ય હણાયું, તે ચીજ મને મોકલો, હે રાજા!]

ઉત્તરમાં હલામણે ‘રેશમી ચીર’ મોકલ્યું.

2. ગજમંડળ હસતીચઢણ, વેશ્યાવલ્લો જેહ, અબળા કેરું આભરણ, આણી આપો એહ. [30] [જે હાથીનો શણગાર છે, જે હાથી પર ચડે છે, જે વેશ્યાને વહાલો છે ને જે સ્ત્રીજાતિનું શોભાચિહ્ન છે. તે મોકલો!]

ઉત્તરમાં હલામણે સિંદૂર મોકલ્યું.

3. આભ થકી યે ઊજળો, ચંદાવલ્લો જેહ; વામા કેરો વાલીડો, આણી આપો એહ! [31] [આકાશથી પણ જે ઉજ્જ્વલ છે, ચંદ્રને જે પ્રિય છે, સ્ત્રીનો જે માનીતો છે, તે મોકલો.]

જવાબમાં હલામણે અરીસો મોકલ્યો.

4. અણિયાળાં ભમ્મરમુખાં, નારીવલ્લાં જેહ; વરતી લ્યો ગજકરણના! આણી આપો એહ! [32] [જે અણીદાર છે, ભમરમુખાં છે, સ્ત્રીઓને વહાલાં છે, તેને સમજી જઈને હે ગજકરણ જેઠવાના પુત્ર! અમને લાવી આપો!]

ઉત્તરમાં હલામણે નાગરવેલનાં પાંદ મોકલ્યાં. સોનને ખાતરી થઈ ગઈ કે સાચો વ્રત પૂરાં કરનાર તો હલામણ જ છે. એટલે સોને હલામણને કહાવ્યું કે,

હાલો હલામણ દેશમાં, સોની બેસારું ચાર, 

મોરાણે નાખું માંડવો, જુગતે જમીએ કંસાર.

જુગતે જમીએં કંસાર તે લગાર ચાખીએ! પંડ પીઠીઆળું કરી, ગળામાં વરમાળું નાખીએ!

મારે માથે બરડાનો રાજા, હું થઈ છું નિયાલ, હાલો હલામણ આપણા દેશમાં! સોની બેસારું ચાર. [33]

પછી સોને હલામણને નજરે દીઠો. એના રૂપનાં પોતે વખાણ કર્યાં :

નવરો દીનોનાથ (તે દિ’) હરખે ઘડ્યો હલામણો, પૂતળું બેસાર્યું પાટ બહોંતેરસેં બરડાધણી. [34]

મોતીડાની માળ, હૈયે હલામણ તણે, કંકુવરણી કાય જુવાની તારી જેઠવા! [35]

જેવી સોન સુજાણ, તેવો હલામણ જેઠવો, તન બે એક જ પ્રાણ, જુગતે જુગતું જોડલું. [36]

હલામણને હોઠ, પરોવેલ પરવાળાં, નવરો દીનોનાથ (તે દિ’) હરખે ઘડ્યો હલામણો.

3. દેશવટો અને દેશાટન ભત્રીજા હલામણને પોતાની પાપ-વાંછનાની આડે આવનાર ગણી શિયાજી રાજાએ દેશવટો દીધો.

હલામણ હાલી નીકળ્યો, રેઢાં મેલીને રાજ, … … … … ગળે ગેંડાની ઢાલ.

ગળે ગેંડાની ઢાલ તે ટપ ટપ ચૂવે માતા મીણલ રંગમોલમાં રૂવે.

ચડ્યને બાની કઠોડલે! કર્યને હલામણને સાદ! હલામણ હાલી નીકળ્યો, રેઢાં મેલીને રાજ. [38]

ચાલતાં ચાલતાં રસ્તામાં કઈ કઈ જગ્યાએ હલામણ થંભ્યો અને શા શા વિચારો કરતો ગયો તેનું વૃત્તાંત આવે છે

જોઈ જોતાવાવ , નવલખ્યા નાળ્યા નહિ, રામાપ્રોળનું રાજ, પ્રાપતમાં હોય (તો) પામીએ. [39] [અરે ઘૂમલીની જેતાવાવ ન જોઈ. નવલખો મહેલ પણ ન નિહાળ્યો અને રામાપોળનું રાજ તો કિસ્મતમાં હોય તો જ પમાય.]

કદાચ કાકા રોષ ઉતારીને પાછા બોલાવશે એ આશાથી થોડે છેટે આવી બગાધાર નામની ધાર પર બેઠો રહ્યો :

બેઠલ બગાધાર, જાણ્યું મનામણાં મેલશે, દેશવટો ધરાર, સાચો દીધેલ શિયે જેઠવે. [40] [બગાધારના ડુંગર પર બેસી રહ્યો છું. મનમાં આશા હતી કે કાકા મનાવવા મોકલશે, પરંતુ હવે તો સાચેસાચ શિયાજીએ દેશવટો દીધો.]

કાકાએ કહેવરાવ્યું કે જો સોન ઉપરનો દાવો છોડી દે તો રાજમાં રહેવા દઉં. જવાબમાં હલામણે કહેવરાવ્યું :

બદલે બીજાં લોક, બરડાઈત બદલે નહિ; લાગે કુળમાં ખોટ, હીણું કરે હલામણો. [41] [બીજાં લોકો ભલે ફરી જાય, બરડાનો રાજા ન ફરે. હલામણ જો હલકું પગલું ભરે તો કુળને કલંક બેસે.]

ચાલી નીકળે છે :

મેલ્યું કાળુભાર કચોળીયું, મેલ્યું ભૂંજેલું તળાવ, જીવતડા કે દિ’ આવશું, (નીકર) ગઢ ઘૂમલીને જુહાર. [42] [ઘૂમલી નગરનું કાળુભાર તળાવ, કચોળિયું તળાવ, ને ભુજેલું તળાવ ત્રણેયને હું વટાવી ગયો. હવે તો જીવતો રહીશ તો કદીક આવીશ, નહીં તો ઘૂમલીના ગઢને સદાના સલામ છે.]

આગળ વધ્યો. એક પછી એક નદીઓ વટાવી વટાવતો વટાવતો પછવાડે ઘૂમલી તરફ અને આભપરાના શિખર પર નજર કરતો જાય છે :

ઢેબરથી ઢળતે, ખાળે મન ખૂંતે નહિ; વરતું ઊતરતે, આભપરો અળગો થયો. [ઢેબર નદીથી ઊતર્યો. ખારી નદીની અંદર મન ઠર્યું નહીં. વરતું નામે નદી પણ ઊતરી ગયો. હવે તો આભપરો દૂર રહી ગયો.]

આગળ ચાલતાં બરડાના વીસાવાડા ગામને પાદર નીકળે છે, ત્યાં ગંગાજળ તળાવ છે.

વીસળપરને વાસ, વાસો વસાવ્યાં નહિ; 

(નીકર) નત્ય ગંગાજળ નાત, આભપરો આંખ્યું આગળે. [44] [આ વીસાવાડામાં હું વાસ કરીને રહ્યો હોત! તો રોજ ગંગાજળ તળાવમાં ન્હાત અને આભપરો ડુંગર પણ આંખોની સન્મુખ જ રહેત; ને ઘૂમલીની આ રાજખટપટમાંથી બચી જાત.]

પછી પોતે તળાવડીનું પાણી પીવે છે. પણ ભેંસોએ માંહી પડીને બગાડેલું પાણી ભાવતું નથી તેથી પોતાના શરીરને કરુણ ઠપકો આપે છે :

ડોબાનાં ડોળેલ, ભંભર જળ ભાવે નહિ, સુગાળ મ થા શરીર! વેણુ-જળ વાંસે રીયાં. [45] [હે મારા શરીર! તું આટલું ચાગલું ન થા! તને ભેંસોનાં ડોળેલાં ને મળમૂત્રથી ખારાં થયેલાં આ નીર નથી ભાવતાં, પણ શો ઇલાજ? તારી વહાલી મીઠી વેણુ નદીનાં નીર તો દૂર રહી ગયાં.]

વીસળપરના વાણિયા! એક સંદેશો સુણ્યે, સોનલ આંહીંથી નીકળે, (તો) ઝાઝા જુવાર ભણ્યે. [46] જાળેરાની ઝોક, આતમ અંઘોળ્યું નહિ, સરગાપરીનો સંતોક, પાંજર કે દિ પામશે! [47] [જાળેરા ગામની નદીમાં મેં મારું હૃદય નવરાવ્યું પણ નહીં. હવે તો ફરી વાર મારું હૃદયપિંજર એ સ્વર્ગાપુરીનો સંતોષ નથી પામવાનું.]

રસ્તે એક નદી આવી. નદીમાં તણાતો આવતો એક વાંસ દીઠો. પોતાને ઘૂમલી શહેરની વેણુ નદીને તીરે ઊગતા વાંસનું સ્મરણ થયું :

વીણોઈ કેરો વાંસ, શે અવગુણે આવિયો? ભણને ભોમના ભ્રાત! સંદેશો કાંઈ સોનનો! [48] [હે વીણોઈ ડુંગરના વાંસ! તું વળી કયા અપરાધે (દેશવટો પામીને) આંહીં આવ્યો! હે મારી ભૂમિના નિવાસી ભાઈ (દેશબંધુ), કાંઈ સોનનો સંદેશો તો કહે!]

દેશાઈ દીઠે દેશ, વધન હરાણાં વાંસડા! ભણને ભોમ તણા! સંદેશો કાંઈ સોનનો. [49] [દેશબંધુને દેખતાં જાણે દેશ જોયો હોય તેવો પ્રેમ થાય છે. હે વાંસડા! જાણે વિઘ્નો હરાય છે. હે મારી ભૂમિના (વતની)! સોનનો કંઈક સંદેશો તો કહે!]

જાણે કે વાંસ જવાબ આપે છે :

હલામણ હૂતે, કાતળીય કપાતી નહિ; જેઠીરાણી જાતે, વન વન થીયા વાંસડા. [50] [હે ભાઈ હલામણ! તું હતો ત્યાં સુધી અમારી એક કાતળી પણ કોઈ કાપતું નહોતું, પણ હવે તો હે જેઠવા રાજા! તારા જવાથી અમે વાંસડા બધા નષ્ટભ્રષ્ટ થઈ ગયા!]

(હું) કેડીમેરનો વાંસ, કાપ્યો કોઈ કબાડીએ, લેવાણો લોઢે, (મને) શુદ્ધ નો રહી સોનની. [51] [હું કેડીમેર ડુંગરનો વાંસડો મને કોઈ કઠિયારાએ કાપ્યો ને હું તો પાણીના લોઢમાં (પૂરમાં) ખેંચાયો. એટલે મને સોનની શુદ્ધિ ન રહી.]

એમ કરતાં હલામણ ઓખામંડળ પણ ઓળંગી ગયો :

ઓખો, બરડો ને ઘૂમલી, મેલ્યા ત્રણે દેશ, શિયે જેઠવે છેતર્યા, કાઢ્યાં કાળે વેશ. [52] [ઘૂમલી, બરડો પ્રદેશ અને ઓખામંડળ એમ ત્રણે પ્રદેશને વટાવી ગયો. હાય! શિયાજી જેઠવાએ છેતરી મને કાળે વેશે કાઢ્યો.]

દરિયાને તીરે હલામણ ઊભો રહ્યો. એણે સાગરને ઊછળતો ને અશાંત દીઠો. બોલ્યો :

સાગરને સુખ ન્હોય, રાત દિવસ રીબાવણાં, હાલકલોળો હોય, હૈયે હલામણ તણે. [53] [આ સાગરને પણ સુખ નથી. દિવસરાત એ રિબાય છે. હલામણના હૈયાની માફક એનું હૈયું પણ હાલકલોલ થઈ રહ્યું છે.]

સમુદ્રની ખાડીમાં એક મોટો મચ્છ પડેલો તેને જોઈ હલામણ પૂછે છે : મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે કાઢિયો? છલકી છેહ થિયો? (કે) સાયરે સંઘર્યો નહિ? [54] [હે મચ્છ! તારો વાસ તો ઊંડા જળમાં હોય. તને સમુદ્રે કયે દોષે કાઢ્યો? શું તું તારી જાતે જ છલકાઈને બહાર નીકળી ગયો? કે તને સમુદ્રે સંઘર્યો નહીં?]

જાણે મચ્છ જવાબ આપે છે :

ગઈ વીળ્ય વળે, વીળ્યે વળાણું નહિ, સોનાની સંગતે, હાલી ઘટ હળવું થીયું. [55] [હે હલામણ! હું મોટું માછલું પણ નાના માછલાની સંગત કરીને નીચી ભૂમિકા પર ઊતર્યું. એ નાનાંની સંગે સંગે હું પણ ભરતીની વેળ્યમાં કિનાર તરફ ચાલ્યું આવ્યું. પછી વેળ્ય પાછી વળી ત્યારે એ નાનાં તો મને છોડીને ચાલ્યાં ગયાં. પણ મારો દેહ મોટો હોવાને કારણે મારાથી કિનારા પર ખસી ન શકાયું. હું છીછરા જળમાં પડી રહ્યું.]

હાં રે કુંવર હલામણા! દશાના ફરતા ઘાટ, (તું) ઊથલ્યો આભપરા ધણી! (તો) માછલડું કોણ માત્ર! [56] [હે કુંવર હલામણ! એ તો બધા દશાના પલટતા ઘાટ છે. તારા જેવો આભપરા ડુંગરનો ધણી ઊથલી પડ્યો, તો હું માછલું શી વિસાતમાં?]

હલામણ દિલાસો ધરે છે :

રામ સમા બાણાવળી, સીતા સમાં સતી, એને વન વસવું પડ્યું, (તો) મારી કોણ ગતિ! [57]

કાંઠે માછલાં પકડનારા માછીને હલામણ કહે છે :

જાળીડા! નાખને જાળ, નસીબની નોંધી કરી કરમ છે કપાળ, (કે) બોંતેરસેં બરડે રીયાં? [58] [હે ભાઈ માછી! એક વાર મારા તકદીરની ઠરાવીને તું જાળ નાખ તો? જોઉં તો ખરો, કે મારાં ભાગ્ય મારા કપાળમાં જ છે; કે એ તકદીર પણ બહોંતરેસો ગામના બરડા રાજ્યમાં જ રહ્યું? — અર્થાત્ જો પોતાના નામે જાળમાં માછલું આવે તો પોતે સમજી શકે કે એનું કિસ્મત પરદેશમાં ફળશે.]

માછીમારે હલામણના નામ પર જાળ નાખી. બહાર કાઢતાં અંદર મોતીડાં ને રત્નો આવ્યાં. હલામણે ફરી વાર કહ્યું :

જાળીડા, નાખને જાળ! તારા નમતની નોંધીને, (આવ્યાં) શંખલાં ને શેવાળ, માછલીયું ટોળે વળી. [59]

માછીમારે જાળ નાખી. બહાર કાઢી. અંદર કેવળ શંખલાં ને શેવાળ જ આવ્યાં. એ જોઈ હલામણ બોલ્યો :

આજુકો સાગર ઊમટ્યો, રતન રેલાણાં જાય, કરમહીણો કર વાવરે, શંખલે મૂઠ ભરાય. [60] [આ સાગરમાં રત્નો રેલાય જાય છે, પરંતુ એમાં કિસ્મત વગર હાથ નાખવાથી મૂઠીમાં માત્ર શંખલાં જ આવે છે, રત્ન નથી આવતાં.]

ચાલતાં ચાલતાં એને અંતરે કેટલાં દુઃખ થયાં?

જેતી વેળુ વોંકળે, કણ જેતા કોઠાર, એતાં દુઃખ દદાર, હૈયે લાગ્યાં હલામણા! [61] [નદીમાં જેટલી રેતીની કણીઓ હોય, કઠોરમાં જેટલા દાણાના કણ હોય એટલાં દુઃખો હલામણને હૈયે લાગ્યાં.]

ચાલતાં ચાલતાં બરડાને સીમાડે સમુદ્રતીરના મિયાણી ગામે આવ્યો :

મિયાણીને મોરે, હાકલ્યું મન હાલે નહિ, કોયલાની કોરે, લટક્યું લાંબા ઉપરે. [62] [મિયાણી ગામ છોડીને આગળ મારું હૃદય હાકલ કરવા છતાં પણ હાલતું નથી. આ કોયલા ડુંગરની કોર પર અને લાંબધાર પર અંતર લટકી રહે છે. (કોયલો ડુંગર દરિયામાં ટાપુ જેવો છે.]

અને, માતા રોવે મેડીએ મંડળિક માઢ ચડે, હીરો હલામણ હલ ગીયો, શિયા સખ કરે! [63] [ઘૂમલીની મેડીએ માતા રડે છે, માઢ પર ચડી નાનો ભાઈ મંડળિક રડે છે. હલામણ જેવો હીરો ચાલ્યો ગયો. હે શિયા, હવે તું તારે સુખ કરીને રહેજે!]

4. સિંધની બજારમાં ગામની બજારમાં હલામણ ઊભો છે. તે વખતે કોઈ રાજકુંવરી વેપારીની દુકાને હટાણું કરવા બેઠેલી એને એની દાસીએ આવીને કહ્યું :

કાળો ઘોડો ને કાટવો, ભમ્મર ભાલું હાથ, બાઈ! આપણી બજારમાં જોઈ જેઠવાની જાત. [64] [હે બાઈ! આપણી બજારમાં એક અસ્વાર દીઠો. કાળો ઘોડો છે, કાળો લેબાસ છે, હાથમાં ભમ્મર ભાલું છે, મુખમુદ્રા પરથી જેઠવા કુળનો જણાય છે.]

આંગળીએ ચોગઠ વળે, નહિ વેઢે કે વળ; બાઈ! આપણી બજારમાં દીઠો માધવો નળ. [65] [જેની આંગળીઓ એટલી બધી કૂણી (વેઢા અથવા નળ વિનાની) છે, જેમ વાળીએ તેમ વળે છે — એવો કોઈ માધવા નળ સમો સુંદર પુરુષ મેં આપણી બજારમાં દીઠો. હે બાઈ! (માધવો નળ નામનો કોઈ એક વાર્તાનાયક જૂના સાહિત્યમાં આવે છે.) એ અતિ સુંદર હતો.]

એક તો ઈંદર રાજિયો, બીજો માધવ જાણ, ત્રીજો હલામણ જેઠવો વેણુ-ધણી વખાણ. [66]

રાજકુંવરી (દેવલદે) દાસીને હલામણ પાસે પૂછવા મોકલી. દાસી પૂછે છે :

અસૂરા ઊભા પરખડા ! કોણ તમારાં નામ? કિયા રાજાના બેટડા, કિયું તમારું ગામ? [67] [હે અસૂરી વેળાએ ઊભેલા પુરુષ! તમારું નામ શું? તમે કોના પુત્ર? ક્યું ગામ તમારું?]

હલામણ ઉત્તર આપે છે :

અસૂરા ઊભા પરખડા, હલામણ મારું નામ, ગજકરણનો બેટડો, ઘૂમલી મારું ગામ. [68]

રાજકુંવરી એ રૂપ નિહાળવામાં રહી, એટલે પોતે જે હાર મૂલવ્યો હતો તે વેપારીની દુકાને જ વીસરીને આવી. એણે પોતાની માતાને કહેવરાવ્યું :

વાણીડાને હાટ (અમે) દો દો વસત વીસારીયું, એક હૈડાનો હાર, બીજો હલામણ જેઠવો. [69]

રાજમાતા હલામણની ફૂઈ હતી. એણે હલામણને તેડવા મોકલ્યો. હલામણ વાણિયાની દુકાનમાં સંતાઈ ગયો છે. વાણિયો માનતો નથી. હલામણને બહાર કાઢતો નથી. તેથી દેવલદેએ કહ્યું :

વાવો મ થા વાણિયા, હૈયું રાખને હાથ, ગાંઠડિયુંના ગરાક! કાળજ હોય તો કાઢને! [70] [હે વાણિયા! તું વેવલો ન બન. તારું હૃદય કાબૂમાં રાખ. અને હે ગાંસડીઓના ગ્રાહક! હે વસ્તુઓના વેપારી! તું મારું કાળજું (હલામણ) આંહીં હોય તો કાઢી દે.]

હલામણ બહાર નીકળે છે. એને મહેલમાં લાવે છે. ફુઈ એને માટે શૈય્યા પાથરવા લાગે છે ત્યારે હલામણ બોલે છે :

સુખની સેજું નોય, સેજડીએ સુવાય નૈ, હલામણને હોય સોન-વિજોગે સાથરો. [71] [આજ મારે સુખની શૈય્યા ન હોય. શૈય્યા પર મારાથી સુવાય નહીં. સોનના વિયોગમાં તો હલામણને સાથરો જ શોભે.]

ઢોલિયે મ ઢળાય, ઢોલિયે મન ઢળશે નહિ, સાથરડે સૂવાડ (તોય) રૂઠું માને રઢિયાણી. [72] [હે ફુઈ, ઢોલિયો ન ઢળાવો. મારું હૃદય ઢોલિયે નહીં ઠરે. અરે, આજ તો તું મને સાથરે વારીશ, તો પણ સોન રાઢિયાણીને રીસ લાગશે. એના વિના હું શી રીતે સુખે સૂઉં?]

ફુઈ એને દુઃખ વિસરાવવા સિંધની સુમરીઓમાંથી કોઈ એકની સાથે પરણવા લોભાવે છે. સુમરીઓને નીરખીને હલામણ બોલે છે :

લાંબા પેરે ઘાઘરા, પેટે ડફરીયું, વારું હું સોન ઉપરાં, સોળસેં સુમરીયું! [73] [જે લાંબા ચણિયા પહેરે છે, અને જેના પેટ મોટાં છે, એવી એક જ નહીં, પણ સોળસો સુમરીઓને હું એક સોન ઉપરથી ન્યોછાવર કરી નાખું છું. (સોનની તોલે કોઈ સુમરી ન આવે.)]

આવળ જેડી ઊજળી, દો ફુલેજો ભાર, જેડી સંધજી સુમરી (એડી) માંડપરી મેઘવાળ. [74] [આવળ ફૂલ જેવી ઊજળા વર્ણની અને વજનમાં બે ફૂલ જેટલી હળવી આ સિંધની સુમરીઓ ભલે રૂપવતી રહી, પણ એના સરખી રૂપાળી તો મારા ગામ માંડપરની મેઘવાળી (ઢેઢ) કન્યાઓ પડી છે.]

5. સોન શોધે ચડે છે ઘૂમલીથી હલામણ ગયો એટલે શિયાજીએ લગ્નચિહ્ન તરીકે સોનને શણગાર મોકલ્યા. સોન એ શણગાર પાછા વાળે છે. કહાવે છે કે,

સૂંડીભર્યો શણગાર શિયાનો શોભે નહિ, હલામણ ભરથાર, શિયો અમારો સાસરો. [75] [આ સૂંડલી ભરીને મોકલેલો શિયાજીનો શણગાર મને ન શોભે, કેમ કે મારો પતિ તો હલામણ છે. શિયોજી તો મારો સસરો છે.]

શિયાને કરડે સાપ કાળો કરંડા માયલો, હલામણ ભરથાર, શિયો અમારો સાસરો. [76] [મને પરણવા આવનાર શિયાજીને તો કાળો, વાદીના કરંડિયા માંયલો સાપ ડસે!]

મન ભણિયું ન ભણાય, મન જાળવ્યું જળવાય નૈ, ઘૂંટાય ઘટડા માંય, વળી આવો વેણુ-ધણી! [77] [મનની વાત કહેવા જતાં કહેવાતી નથી, તેમ મનમાં સાચવી પણ શકાતી નથી. અંતરની અંદર ઘોળાયા જ કરે છે. હે વેણુ નદીના રાજા હલામણ! તમે પાછા આવો.]

ઉતારા અંગાર જાતાં લાગે જેઠવો, હૂલ્યું હૈયા માંય હાલ્યો મારી હલામણો. [78] [જેઠવો ચાલ્યો જતાં આ મુકામના વસવાટ મને અંગાર સમ લાગે છે. હૃદયમાં હૂલ્ય (અણીદાર હથિયાર) ભોંકીને જાણે હલામણ ચાલ્યો ગયો.]

ઘોળી ઘૂમલીની બજાર, લિયાળા લાગે; જેઠીરાણ જાતે ઉથલતે આભપરા-ધણી. [79] [હવે જેઠવો રાજા અને આભપરા પહાડનો સ્વામી જતાં આ ઘૂમલીની બજાર હું છોડી દઈશ. મને શરીરમાં જ્વાળા લાગે છે.]

વીણોઈને વને વીંટાણાં વેલા જી નીતરતે નેણે, હાલી નીકળ્યો હલામણો. [80] [આ વીણોઈ ડુંગરનાં વનમાં જેમ વેલા વધી વધીને વીંટાઈ-ગૂંચવાઈ જાય, તેમ અમે પણ અટવાઈ ગયાં. અને હલામણ તો આંસુ ટપકતે નેત્રે ચાલી નીકળ્યો.]

હલામણને કારણે ભગવો પેર્યો ભેખર પીયર મારું પાછું રીયું, પોચી ઘૂમલી ઠેઠ. પોંચી ઘૂમલી ઠેઠ તે સાચી, સોન વરવા આવી નૈ જાય પાછી. [81]

સોન કે’ વોળાવી સાસરે, તે દિ’ દકળો લાગ્યો’તો દેશ. વા’લાં હતાં તે વેરી થિયાં, શો કરવો ઉપદેશ! શો કરવો ઉપદેશ કે જાણિયાં ચોખાં નૈ બ્રાહ્મણ કે વાણિયાં.

હલામણને કારણે મેં ભગવો પેર્યો ભેખ. સોન કે’ વોળાવી સાસરે, તે દિ’ દકળો લાગેલ દેશ. [82]

હાલો બાની! વનરા ઢૂંઢીએ, મળી ઉડાડિયેં મોર, (જેને) ટૌકે હલામણ સાંભરે, કટકા કાળજ કોર. કાળજ કોર તે કટકા કિયો, ડોલરિયા હલામણને દેશવટો થિયો; સોન કે’ શિયા! તેં વખંડી અમારી જોડ, હાલો બાની! વનરાં ઢૂંઢીએ, મળી ઉડાડિયેં મોર. [83] [હે દાસી! ચાલો, આપણે વનરાઈમાં હલામણને શોધીએ. અને આ મોરલાને ઉડાડીએ. કેમ કે એના ટૌકા સાંભળતા જ હલામણ મને યાદ આવવાથી મારા કાળજાની કોરના કટકા થાય છે. મારો ડોલરિયો હલામણ દેશવટે જાય છે. હે શિયાજી! તેં અમારી જોડલી વિછોડી!]

સોને રથ કર્યો સાબદો, નીકળી બરડાની બા’ર, ધોરીને ગળે ઘૂઘરા, મોરે મોતીની માળ, મોરે મોતીની માળ તે જડતર જડી, પીંજણીએ પગ દઈ સોન રથડે ચડી, ચુબકીઆળી ચૂંદડી અંગે ઓઢી સાર, સોને રથ કર્યો સાબદો, નીકળી બરડાની બા’ર. [84] [સોને રથ તૈયાર કર્યો, બરડાની બહાર નીકળી. રથને જોતરેલા ધોરી (બળદો)ની ડોકે ઘૂઘરમાળ પહેરાવી છે. અને એને મોરડે મોતીની માળી સજી છે. એવા શણગારેલા રથની પીંજણી પર પગ મૂકીને સોન ચડી ગઈ. એના રંગ પર ભાતવાળી ચૂંદડી ઓઢેલી છે.]

ભાળ લેતી લેતી સોન સિંધમાં કેરાકોટ ગામે ગઈ. એને સમાચાર મળ્યા કે હલામણ તો અખાત્રીજને મેળે હાબા ડુંગર પર હીંચોળે હીંચકવા ગયો છે. સોન એની પાછળ હાબે આવી. પરંતુ એને થોડુંક જ મોડું થયું હતું. હલામણ હીંચકેથી પડીને મરી ગયો હતો. સોને કલ્પાંત આદર્યું :

હાબાની હદમાંય પીઠીભર્યો પોઢાડિયો, મીંઢળ છૂટ્યા મસાણ, હારી બેઠાં હલામણો. [85] [આ હાબા ડુંગરની હદમાં મેં હલામણને પીઠી ભરેલો (લગ્નના લેપથી મર્દેલો) પોઢાડ્યો. અમારાં મીંઢળ સ્મશાને છૂટ્યાં. હું હલામણને હારી બેઠી.]

પીઠીઆળે પગે ચોરિયેય ચડ્યાં નહિ, ધ્રસકતે ઢોલે બાજોઠેય બેઠાં નહિ. [86] [અરે! પગ પર પીળી પીઠીનું મર્દન કરીને અમે કન્યા-ચોરીની વિધિ પણ ન કરી. ઢોલ બજાવીને બાજઠ પર પણ ન બેસી શક્યાં.]

તાટકતી તાળીએ હલામણથી હસિયાં નહિ, અવઢવ્વ રૈ ગઈ એ જામોકામી જેઠવા! [87] [અરેરે! હું સામસામી તાળી લઈ-દઈને હલામણ સાથે હસી પણ નહિ. મારા મનમાં તો એ ઝંખના સદાને માટે રહી ગઈ.]

હલામણ હીલોળ દુઃખના દરિયા ઊમટ્યા, પીંજર કીં પરોળ વિસમશે વેણુ-ધણી! [88] [હે હલામણ! આ તો અંતરમાં દુઃખના દરિયા ઊમટીને છોળે ચડ્યા. હવે મારું હૃદય-પીંજર કેમ કરીને પોતાનું દુઃખ શમાવશે, હે વેણુના સ્વામી!]

હાબા ડુંગર હેઠ, હલામણ હીંચોળ્યો નહિ, 

(નીકર) આવતો ઉંડળ લેત જતને કરીને, જેઠવા! [89] [આ હાબા ડુંગરની તળેટીમાં વહેલી આવીને હું હલામણને અખાત્રીજના હીંચકા પર હીંચોળી ન શકી. જો હું હીંચકાવવા હાજર હોત, તો હે જેઠવા! તું પડીને જ્યારે નીચે આવતો હતો ત્યારે હું તને જાળવીને મારી બાથમાં ઝીલી લેત. તને પડવા ન દેત!]

હલામણની હડતાળ, આંગળીએ ઊઘડે નહિ, કુંચીયું વિનાનાં કમાડ જડી હાલ્યો તું જેઠવા! [90] [હલામણના મૃત્યુથી મારા ભાગ્યને હાટડે તાળું દેવાઈ ગયું છે તે કોઈ માનવીની આંગળી વડે નહિ ઊઘડે. કેમ કે તાળા કૂંચીથી બંધ કરીને નહિ, પણ કમાડને જડી દઈને તું તો હાલી નીકળ્યો છે, હે જેઠવા!]

બેવડ મીંઢળ બાંધિયા હલામણને હાથ, સોનલદેને સાથ બળવું બરડાના ધણી! [91] [પછી સોને લગ્ન-વિધિ કરી. હલામણના શબને હાથે બેવડાં મીંઢળ બાંધ્યાં, અને તેના ભેળી બળી મરવાનું નક્કી કર્યું.]

હલામણને હૈયે ખોડસ ખડકાણાં, સાથે સરગાળા! બળવું બરડાના ધણી! [92] [હલામણની છાતી પર મોટાં લાકડાં ખડકાયાં અને હે સ્વર્ગવાળા (સ્વર્ગે સંચરનાર) બરડાના સ્વામી! સોનને પણ તારી સાથે બળવું રહ્યું.]

સુખિયાં માથે દુઃખ પડ્યું, તૂટ્યો માથે આભ, હલામણ જ્યાં હાલતો (ત્યાં) ઊગ્યો જોને ડાભ. [93]