સોરઠી ગીતકથાઓ/2.મેહ — ઊજળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
2.મેહ — ઊજળી

સેંકડો વર્ષો પહેલાં બનેલી મનાતી આ વાર્તા છે. બરડા ડુંગરની એક ધાર ઉપર ચારણોના નેસ પડ્યાં હતાં. જોકે, ઘટના-સ્થળ ઠાંગો ડુંગર હોવાનું વધુ સંભવિત છે. ત્યાંથી ઊજળી એ પછી મેહ જેઠવાન આકર્ષણથી આભગરે (બરડે) આવીને રહી હોય એ સહજ છે. ત્યાં રહીને ચારણો પોતાનાં પશુઓને ચારતાં હતાં. એક વખત ચોમાસાની મેઘલી રાતે, ત્રમઝૂટ વરસતા વરસાદની અંદર, એ નેસડાના નિવાસી અમરા કાજા નામના ચારણની ઓસરીએ એક ઘોડો આવીને ઊભો રહ્યો. ઘોર અંધારે ચારણની જુવાન કન્યા ઊજળીએ ઘોડા ઉપર હાથ ફેરવ્યો. શરદીથી થીજીને બેહોશ બનેલા એક અસ્વારને ઘોડાની ડોકે મડાગાંઠ વાળીને બાજેલો દીઠો. નીચે ઉતાર્યો. ઘરમાં લઈ જઈ, એને શુદ્ધિમાં લાવવાનો બીજો કોઈ ઇલાજ ન ફાવવાથી ચારણ-કન્યા ઊજળી તેની સાથે શય્યામાં સૂતી! એના દેહને પોતાના દેહની ગરમી આપીને જીવતો કર્યો. અસ્વાર ઘૂમલી નગરનો રાજકુમાર મેહજી જેઠવો નીકળ્યો. ઊજળીએ તો પોતાનાં અંગો અભડાઈ ગયાં માનીને મેહજીને જ અંતર અર્પણ કર્યું ને મેહજીએ પણ પોતાની પ્રાણદાત્રી પહાડી સુંદરીને પરણવાનો કોલ આપ્યો.

પછી તો વારંવાર મેહજી એ પહાડની ધાર પર આવતો. બંને પ્રેમીઓ મળતાં. લગ્નના મનસૂબા કરતાં. પણ રજપૂતનો પુત્ર ચારણ-કન્યાને ન પરણી શકે. એ બંનેના સંબંધો તો અસલથી ભા-ભીન (ભાઈ–બહેન)ના જ છે, એવી રૂઢિ આડે આવીને ઊભી રહી.

રાજપિતાને અને નગરજનોને આ મેહ–ઊજળીના છૂપા સંબંધની જાણ થઈ ચૂકી. સહુ આ રૂઢિ-ભંગથી ત્રાસી ઊઠ્યા. એ મહાપાપ થશે તો ઈશ્વરી કોપ ઊતરશે એમ મનાયું. કુમાર મેહજીને ચેતવવાની યુક્તિ રચાઈ. કોઈ કહે છે કે ગામના મહાજને એક ગાય ઉપર એક માણસને બેસારી કુમારની નજર સમ્મુખ એક સરઘસ કાઢ્યું. કોઈ વળી કહે છે કે રાજપિતાએ એક ગોઠ બોલાવી લોકમેદનીની વચ્ચે ગોઠનાં માંસ-ભોજન ખાતર એક ગાયનો વધ કરવાની તૈયારી બતાવી. આ રીતે મેહલજીને ઇશારામાં સમજાવી દીધું કે ચારણ-કન્યા સાથેનો વિવાહ ગૌવધ અથવા ગૌ-સવારી જેવો જ પાપમય છે ને એ પાપાચરણથી પ્રજા હાહાકાર કરી મૂકશે.

કુમાર પોતાના અંતઃકરણને કચરીને આવાસમાં બેસી ગયો. ઊજળીએ ઘણા દિવસ વાટ જોઈ. વિવાહની તિથિ વીતી ગઈ. આકુલ વનવાસિની આખરે આ ટીંગાતી મનદશા ન સહેવાતાં હિંમત કરીને ઘૂમલીમાં આવી. મેહજીને મહેલે ગઈ. પહેરેગીરોએ એને ઉપર ચડવા ન દીધી. એણે આંગણામાં (અથવા કદાચ પાદરમાં) ઊભા રહીને મેહને સાદ પાડ્યા, ‘એક વાર તો મોં બતાવ!’ એવા કાલાવાલા કર્યા. મેહજીએ બારીએથી ડોકું કાઢીને જવાબ આપ્યો : ‘રાજપૂતથી ચારણીને ન પરણાય. આપણી પ્રીતિને હવે વિસારી જજે.’

ઊજળી બહુ બહુ રડી. શાપ દીધો. ચાલી નીકળી. નેસડું ઉપાડી ઠાંગા ડુંગરે ચાલી ગઈ. સદાની કુંવારી જ રહી!

કહેવાય છે કે એ શાપને પરિણામે મેહ-કુમારને શરીરે ગળતકોઢ નીકળ્યો. એનું મોત થયું. એ ટાણે ઊજળી આવીને એના શબ સાથે બળી મરી.

દોહાઓમાં આ બધા જ પ્રસંગો નથી. ફક્ત ઊજળીની વાટના ઉદ્ગાર, વિરહના સ્વરો, મેહજીએ આપેલો જવાબ ને પોતે દીધેલો શાપ એટલું જ નીકળે છે. બાકીનું બધું લોકોક્ત છે.

આ કથાને શ્રી જગજીવન કા. પાઠકે ઈ. સ. 1915ના ‘ગુજરાતી’ના દીપાવલિ અંકમાં આપેલી હતી ને ‘મકરધ્વજવંશી મહીપમાલા’ની ચોપડીમાં મૂકી છે. એમાં સંપાદક તળાજાના એભલ વાળા માટે કહેવાતો પ્રસંગ (સાતદુકાળી, મંત્રેલ હરણ વગેરેનો: જુઓ ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ 1) મેહજીની સાથે જોડે છે. ઉપરાંત આ પ્રસંગ બરડા ડુંગરમાં નહીં, પણ ત્યાં 50-60 ગાઉ દૂરના ઠાંગા ડુંગરમાં બન્યાનું માને છે. મેહજીને શ્રી પાઠક 114મી પેઢીએ મૂકે છે. પણ તેની સાલસંવત નથી આપતા. પોતે તે પછીના 147મા રાજાને બારમી શતાબ્દીમાં મૂકતા હોઈ, અંદાજે મેહજીનો સમય બીજા-ત્રીજા સૈકાની અંદર માની શકાય. પરંતુ બીજા એક મેહજીને (152) પોતે સંવત 1235માં મૂકે છે. ઊજળીવાળો મેહજી આ તો ન હોય? કથાના દોહાઓ 1000-1500 વર્ષના પ્રાચીન તો નથી જ સંભવતા, ઘટના બન્યા બાદ સો-બસો વર્ષમાં એનું કવિતાસાહિત્ય રચાયું એવું ગણીએ તો મેહ–ઊજળીના દોહા સંવત 1400-1500 જેટલા જૂના હોવાનું કલ્પવું અનુકૂળ પડે છે. તો પછી આ કથાનો નાયક 152મો મેહજી હોવાનો સંભવ વધુ સ્વીકારવા યોગ્ય મનાય.

ઉપરાંત જેઠવાઓએ ઘૂમલી વસાવ્યું જ મૂળ ત્રીજા-ચોથા સૈકામાં. અને આ કથા તો ઘૂમલીના નાશના સમયની નજીક છે. ઘૂમલીનો પરાજય બારમી સદીમાં કચ્છના જામ બામણિયાને હાથે થયો. એ રીતે પણ 123નો મેહજી સાચો ઠરે છે.

1. નેસડામાં વાટ-પ્રતીક્ષા

અમરા કાજાની ઊજળી, ભાણ જેઠવાનો મેહ,

જે દિ’નાં સૂતેલ સાથરે, તે દિ’નો બાંધેલ નેહ. [1]

ધડનો કીધો ઢોલિયો, પંડ્યના કર્યા પલંગ,

ઉરનાં ઓશીકાં કર્યાં, પોઢો પ્રેમી મેહ. [2]

[ઊજળી હતી અમરા કાજા નામના ચારણની પુત્રી; અને મેહ હતો ભાણ જેઠવાનો પુત્ર. જે દિવસે બંને એક જ પથારી પર સૂતાં હતાં, તે દિવસનો સ્નેહ બંધાયેલો.]

ઠાંગે રે’તી ઠેઠ, આઘે પણ ઓરે નહિ,

આવ્યું બરડે બેટ, પાંજર દાણેપાણીએ. [3]

[ઊજળી છેક ઠાંગા ડુંગરમાં (પાંચાલ પ્રદેશમાં રહેતી) ઘણે દૂર રહેતી. પણ એનું દેહપિંજર લેણાદેણીને કારણે બરડા બેટમાં આવ્યું.]

જમીં ઢમઢોળે સંસારે શોધી વળી,

મનનો પારખ મે ભેદુ મળિયો ભાણનો. [4]

[જમીન (પૃથ્વી) ઢંઢોળીને આખા સંસારમાં ઊજળી શોધી વળી હતી, પરંતુ એના દિલને પિછાનનાર વિશ્વાસુ તો એક ભાણ જેઠવાનો પુત્ર મેહ જ મળ્યો.]

ફરતાં વાવેલ ફૂલ, માળી કોઈ મળિયો નહિ,

માખ શું જાણે મૂલ, ભમર પાખે ભાણના! [5]

[હે ભાણના પુત્ર મેહ! આ યૌવન-ફૂલવાડીમાં વિધવિધ ફૂલ આવ્યાં છે. પણ એને કોઈ માળી નથી મળ્યો. અને રસગ્રાહી ભ્રમર વગર, સામાન્ય માખી એ ફૂલનું મૂલ્ય પણ શું સમજે?]

જૂનાં તજીને નીર, નવાં નવાણ નિહાળવાં!

ફરતા કૂવા ફેર, જળ એનું એ જેઠવા! [6]

[હે મેહ જેઠવા! જૂનાં નવાણ ત્યજીને નવે કયે પ્રેમ-જળાશયે હું પીવા જાઉં? કૂવાઓ જૂજવા હોય, પણ જળ તો એકનું એક જ છે.]

મે મે કરતાં અમે, મેનાં તો મનમાં નહિ!

વા’લાં પળ્યાં વદેશ, વિસારી વેણુના ધણી! [7]

[હું ઓ મેહ! ઓ મેહ! પુકારું છું. પણ મેહના તો મનમાં પણ નથી આવતું. મારાં પ્રિયજન તો મને વિસારીને પરદેશ ગયાં, હે વેણુ પહાડના સ્વામી!]

તોણ્યું દીયો તમે, જેઠવા જીવાયે નહિ,

તારા અંગેના અમે ભૂખ્યા છૈએ ભાણના! [8]

[હે જેઠવા! સંકોચાતે હૃદયે જેમ કોઈ તૂટો પૂરવા માટે આપતો હોય તેમ તમે સંકોચ કરીને સ્નેહ આપો તો કેમ જીવી શકાય? હે ભાણના પુત્ર! હું તો તારા શરીરની ભૂખી છું!]

તું આવ્યે ઉમા ઘણો, તું ગ્યે ગળે ઝલાણ,

મે થાને મેમાન, બ ઘડી, બરડાના ધણી! [9]

[મેહ! તું આવે છે ત્યારે અત્યંત ઉમંગ થાય છે. તું જાય છે ત્યારે જાણે કે વેદનાથી ગળું ઝલાય છે. હે મેહ! બે ઘડી માટે તો મહેમાન બન!]

મે તું તો મેહ, વૂઠે વનસપતિ વળે

ઝાકળને જામે ભોમ નો પાકે ભાણના! [10]

[હે જેઠવા! તું તો મે (વરસાદ) સમાન છો. તું વરસે ત્યારે જ વનસ્પતિ ફાલે છે. કોઈ ઝાકળનાં વર્ણનથી ભૂમિમાં ધાન્ય ન પાકે. મતલબ કે તારા ભરપૂર પ્રેમ-સિંચન વિના થોડી થોડી માયા બતાવીને તું ચાલ્યો જા, તેમાં મારું જીવન સુધરે નહીં.]

2. વર્ષારંભે

એમ વાટ જોતાં જોતાં તો ચોમાસું બેઠું. વરસાદને નિહાળી ઊજળીની મન-વેદના વધી. એણે મે (વરસાદ) અને મેહ (જેઠવો) બંનેનું સામ્ય કલ્પીને વિલાપ ચલાવ્યા આ આખા વિલાપમાં કવિએ વરસાદ અને વીજળીનું રૂપક બાંધ્યું જણાય છે.

મોટે પણગે મેહ આવ્યો ધરતી ધરવતો;

અમ પાંતીનો એહ ઝાકળ ન વરસ્યો, જેઠવા. [11]

[આ મેહ મોટાં મોટાં ફોરાં વરસીને ધરતીને તૃપ્ત કરતો આવી પહોંચ્યો, પરંતુ મારા પરત્વે તો મેહ જેઠવો ઝાકળ જેવડાં બિન્દુ વડે પણ ન વરસ્યો.]

ગરના ડુંગર જાગિયા, ફરક્યાં વેણુ-વન,

મેહ અમારું મન બકોળ થ્યું બરડા-ધણી! [12]

[આ ગિરના ડુંગર જાગી ઊઠ્યા. વેણુ, ડુંગરનાં વનજંગલો પણ ખીલી ઊઠ્યાં, છતાં હે મેહ, તમારું અંતર કેમ કૉળ્યા વિનાનું રહ્યું?]

દાબળનાં દાઝેલ, પણગે પાલવીએં નહિ;

એક વાર એલી કરે! વન કૉળે વેણુ-ધણી! [13]

[હું દાવાનળમાં દાઝેલ ઝાડવા સરખી, એકાદ બે ટીપાંથી નવપલ્લવિત નહીં બની શકું. હે વેણુના ધણી! એક વાર સતત (આઠ દિવસની) વૃષ્ટિ કરીને તું વરસે, તો જ અમારાં જીવન-વન કૉળશે. મતલબ કે અલ્પ સ્નેહઓથી હું નહીં તૃપ્ત થાઉં.]

નાણે દાણો નવ મળે, નારી છાંડે નેહ,

(કાં) વીજળીએ વળૂંભિયો, (કાં) માંદો પડ્યો મેહ. [14]

[હે મેહ! તું વરસતાં વિલંબ કરે છે, તેથી છતે પૈસે દાણા નથી મળતા. અન્નને અભાવે સ્ત્રી સ્વામીના સ્નેહ ત્યજી ચાલી જાય છે. કાં તો તને તારી પ્રિયતમા વીજળીએ રોકી રાખ્યો, અથવા તું માંદો પડ્યો.]

3. બારમાસી : મહિને મહિને મેહની વાટ જોતી ઊજળી તલખે છે

કારતક મહિના માંય, સૌને શિયાળો સાંભરે,

ટાઢડીયું તન માંય, ઓઢણ દે, આભપરા-ધણી! [15]

[કાર્તિક મહિનામાં સહુને શિયાળો સાંભરે છે. તનમાં ટાઢ વાય છે. માટે હે આભપરાના સ્વામી મેહ જેઠવા! તું મને તારું (સ્નેહરૂપી) ઓઢણ આપ!]

માગશરમાં માનવ તણા સહુના એક જ શ્વાસ,

(ઈ) વાતુંનો વિશ્વાસ જાણ્યું કરશે જેઠવો! [16]

[માગશર માસમાં તો સહુ માનવીના એકશ્વાસ થઈ જાય છે. (પ્રિયજનો જુદાં રહી શકતાં નથી.) મેં તો માનેલું કે એ વાતનો વિશ્વાસ કરીને મેહ જેઠવો પણ મારી પાસે આવશે.]

પોષ મહિનાની પ્રીત જાણ્યું કરશે જેઠવો;

રાણા! રાખો રીત, બોલ દઈ બરડા-ધણી! [17]

[મેં તો જાણેલું કે છેવટે પોષ મહિનામાં તો જેઠવા-પુત્ર પ્રીતિ કરશે. હે બરડા ડુંગરના રાજા, કોલ દીધા પછી હવે ઓ સજ્જન બનો!]

માહ મહિના માંય ઢોલ ત્રંબાળુ ધ્રસકે;

લગન ચોખાં લે આવ! વધાવું, વેણુના ધણી! [18]

[માહ મહિનામાં વિવાહની ઋતુ હોવાથી ઢોલનગારાં વાગે છે. માટે હે વેણુ ડુંગરના ધણી મેહ! તુંયે જો શુભ તિથિની લગ્ન કંકોત્રી મોકલ તો હું વધાવી લઉં.]

ફાગણ મહિને ફૂલ, કેશૂડાં કોળ્યાં ઘણાં;

(એનાં) મોંઘા કરજો મૂલ, આવીને આભપરા-ધણી! [19]

[ફાગણ મહિને કેશૂડાં વગેરેનાં ઘણાં ફૂલો ખીલ્યાં છે. પરંતુ હે આભપરાના રાજા! તમે આવીને એ ફૂલોનાં મૂલ્ય મોંઘા કરો. (અત્યારે તો એ મારે મન નકામાં છે.)]

ચૈતરમાં ચત માંય કોળામણ વળે કારમી,

(એની) ઊલટ ઘણી અંગ માંય, આવો આભપરા-ધણી! [20]

[હે ડોલર-પુરુષ સમા પ્રીતમ! ચૈત્ર મહિને આવો દગો ન દઈએ. હવે તો હોંશેથી આ વિયોગિનીની સાર લેવા આવ!]

[ચૈત્ર માસમાં બહારની વનસ્પતિની માફક મારા ચિત્તની અંદર પણ નવી ઊર્મિઓની વસમી કૂંપળો ફૂટે છે. એ ઋતુનો ઉલ્લાસ મારા અંગમાં ઉભરાય છે. માટે હે આભપરાના ધણી! તમે આવો.]

વૈશાખે વન માંય આંબે સાખું ઊતરે,

તમ વ્હોણી કરમાય, વિજોગે વેણુના ધણી! [21]

[વૈશાખમાં આંબા પરથી કેરીની શાખો પડે છે, પરંતુ હે વેણુના સ્વામી! તારા વિયોગમાં એ ફળો સુકાઈ જાય છે. કોઈ એનો ખાનાર નથી.]

જેઠ વસમો જાય, ધર સૂકી ધોરી તણી,

પૂછલ પોરા ખાય, જીવન વિનાના જેઠવા! [22]

[જેઠ મહિનો એટલો વસમો જાય છે કે બળદનાં કાંધ (ગરદન) સૂકાઈ ગયાં. નિશ્ચેતન થઈ ગયેલાં, પૂંછડે પડેલાં એ પશુઓ વિસામા ખાતાં ખાતાં હળે ખેંચે છે. (મારા અંતઃકરણની પણ એ બળદો જેવી લાચાર હાલત બની જાય છે.)]

અષાઢ કોરાડો ઊતર્યો, મૈયલ પતળ્યો મે,

દલને ટાઢક દે! જીવન લાંભે જેઠવા! [23]

[અષાઢ પણ કોરો જ પૂરો થયો. મે (વરસાદ અથવા મેહ જેઠવો) તો ઠગારો નીવડ્યો. હે જેઠવા, થોડોક વરસીને પણ મારા દિલને ઠંડક દે, તો જીવન થોડું અવલંબી રહે.]

શ્રાવણ મહિનો સાબદો, જેમ તેમ કાઢ્યો જે,

તમ વણ મરશું, મે! ભેળાં રાખો ભાણના! [24]

[આખો શ્રાવણ મહિનો પણ વૃષ્ટિ વિના માંડ માંડ કાઢ્યો. હવે તો તમારા વિના અમે મરી જશું. હે ભાણ જેઠવાના પુત્ર! મને તમારી સાથે રાખો!]

હાથી પૂછલ્યો હોય, (એને) કેમ કરી ઉઠાડીએ!

જેઠવા, વિચારી જોય, ભાદરવો જાય, ભાણના! [25]

[આ તો ભાદરવો પણ કોરો જાય છે. હે જેઠવા! બીજાં નાનાં પશુ પૂછલ્યાં (ચેતનહીન) હોય તેને તો હરકોઈ ઉપાયે ઉઠાડીએ, પણ હાથી જેવું મોટું પશુ પણ જ્યારે આવી અનાવૃષ્ટિને પરિણામે ડૂકી જાય છે, ત્યારે એને કેમ કરીને બેઠો કરવો? ધ્વનિ એ છે કે પૂછલેલ હાથી જેવી લાચાર ગતિ મારા બળવાન પ્રેમીની બની ગઈ છે.]

આસો મહિનાની અમે, રાણા! લાલચ રાખીએ,

ત્રોડિયું સર્યું તમે, જીવ્યું નો જાય, જેઠવા! [26]

[હે મેહ! હજુ આસો માસમાં પણ અમે તમારી આશા રાખેલી છે, પણ તમે એ (સ્નેહ-જળની) સરવાણીઓ તોડી નાખી. હવે મારાથી જીવાશે નહીં.]

મા તણાવ તું મેહ! તારાં વેઠ્યા નહિ વરતીએ;

(એક) સગપણ ને સ્નેહ તારા તાણ્યે તૂટશે. [27]

[હે મેહ! તું હવે વધુ લંબાવ. તારું દુઃખ સહતાં સહતાં તો અમારાથી વર્ષ નહીં ઊતરી શકાય. જગતના સ્નેહસંબંધો એક તારા તણાવવા થકી જ તૂટશે.]

વણ સગે વણ સાગવે, વણ નતરીએ નેહ,

વણ માવતરે જીવીએ, તું વણ મરીએ, મેહ! [28]

[હે મેહ! સગા કે સ્નેહી વિના, સંબંધી વિના, અરે માતા-પિતા વિના પણ જીવી શકાય. માત્ર એક તારા અભાવે જ મોત નીપજે?]

આંહીં વરસાદ અને સ્વામી, બંનેનો સમાન મહિમા ગવાયો છે.

ઉનાળાના અમેં લાંબા દિ’ લેવાય નૈ

તોણ્યું દઈને તમે જીવતાં રાખો, જેઠવા! [29]

[હે જેઠવા! અમારાથી આ વિરહ રૂપ ઉનાળાના લાંબા દિવસો નથી વીતાવી શકાતા. હવે તો જેમ ગરીબને કોઈ માગ્યું આપીને જિવાડે તેમ તમે પણ મને થોડું થોડું હેત આપીને જીવતી રાખો.]

બાયો બીજે પાલર વણ પીવે નહિ,

સમદર ભરિયો છે, (તોય) જળ નો બોટે જેઠવા! [30]

[હે મેહ! બપૈયો પક્ષી પાલર (વરસાદનું નવું) જળ સિવાય બીજે ક્યાંય પાણી પીએ નહિ. સમુદ્ર ભર્યો હોય છતાં તેમાં ચાંચ સરખીયે ન બોળે. એ જ દશા મારી છે. બીજે ભરપૂર સ્નેહનાં પાત્રો પડ્યાં હોય, તો પણ મારું મન તો માત્ર એક મેહ (જેઠવા)ની જ પ્રીતિનો સ્વીકાર કરે.]

માથે મંડાણો મેહ, વરા મેલીને વરસશે;

વરસ્યો જઈ વદેશ, ઉનાળો રીયો, ઊજળી! [31]

[મેં માનેલું કે આ મથાળ પર અંધારેલો મેહ તો ભરપૂર વૃષ્ટિ કરશે. એટલે કે આટલી પ્રીતિ જમાવ્યા પછી તો મેહજી અંતર આખું ઠલવી નાખશે. પરંતુ ત્યાં તો, હે મેહ! તું વિદેશ જઈ વરસ્યો. (અન્યને સ્નેહ આપવા ગયો.) ઊજળીને તો વિયોગનો ઉનાળો જ રહ્યો.]

મે મે કરતા અમે બપૈયા ઘોડેં બોલિયેં,

નજર વિનાનો ને(હ) બાઝે નૈ બરડા-ધણી! [32]

[બપૈયાની માફક હું પણ ‘ઓ મેહ!’ ‘ઓ મેહ’ પુકારું છું, પરંતુ હે બરડાના સ્વામી! દૃષ્ટોદૃષ્ટ મળ્યા વિના સ્નેહ નથી બાઝતો.]

વરમંડ ખોટાં વાદળાં, વાયે ટાઢા વા,

મેનું કોઈ ન માનશો (મેએ) માર્યાં બાપ ને મા! [33]

[આ વ્યોમમાં (આકાશમાં) ચડેલાં વાદળાં જૂઠાં છે. આ ઠંડો પવન ફૂંકે છે. પણ હવે એ મેહની એવી એંધાણીઓ પર કોઈ વિશ્વાસ ન રાખજો. (એ ઠગારો છે. આશા આપીને પણ નહિ આવે.) કેમ કે એ તો પોતાનાં માબાપને (જળને તથા સૂર્યને) મારી નાખનાર છે. (બીજાને શું જીવાડશે?)]

3. નિરાશ ઊજળી આભપરા પહાડ પર ઘૂમલી નગરમાં જાય છે.

મેહની મેડી પાસે ઊભી રહી મેણાં બોલે છે :

આભપરે આવી ઊજળી, ચારણ ભૂખી છે,

જાઉં કિસે હું, જેઠવા, મત મુંઝાાયલ મેં! [34]

[હે મેહ જઠવા! હું ઊજળી ચારણી ભૂખી-તરસી આભપરા પર આવી છું. બીજે ક્યાં જાઉં? મારી મતિ મૂંઝાઈ ગઈ છે.]

વાડી માથે વાદળાં, મોલું માથે મેહ,

દુઃખની દાઝેલ દેહ, ભોંઠાં પડીએ, ભાણના! [35]

[વાડીઓ ઉપર વાદળાં છવાયાં છે. મારો દેહ દુઃખથી દાઝી ગયેલ છે. એ ભાણના પુત્ર! હું લજ્જિત બનું છું.]

મૂંઝવ મા તું મે! ઊંડાં જળમાં ઉતારીને,

મોઢું દેખાડ મે! ભોંઠપ મ દે, ભાણના! [36]

[હે મેહ! તું આટલી હદ સુધી ઊંડા પાણીમાં ઉતર્યા પછી (આટલા સ્નેહ-સંબંધમાં મને સંડોવ્યા પછી હવે) આમ લજ્જિત ન કર. મોં બતાવ.]

પરબેથાં પાછાં વળ્યાં, તરસા ઝાઝી છે;

તું વણ વાલા મે, અગન્યું ક્યાં જઈ ઓલવું? [37]

[મને તૃષા બહુ જ લાગી છે. પણ મારે પાણીની પરબ પરથી (ખુદ પ્રેમના ભરપૂર સ્થાન પરથી) પાછાં વળવું પડે છે. હવે તો કહે, મેહ! તારા વિના મારી તૃષાની આગ ક્યાં જઈ ઓલવું?]

આવ્યાં આશા કરે, નિરાશ એને તો વાળીએ;

તબડુક ટુંકારે, ભોંઠપ ઝાઝી, ભાણના! [38]

[આશા કરી આવેલીને નિરાશ કરી પાછી વાળવી ન ઘટે. હે મેહ! તારા આવા ટુંકારા થકી મને ઘણી લજ્જા આવે છે, હે ભાણ જેઠવાના પુત્ર!]

મેહ જેઠવો બારીએ ડોકું કાઢીને જવાબ આપે છે :

ચારણ એટલા દેવ, જોગમાયા કરી જાણીયેં;

લોહીનાં ખપર ખપે, (તો) બૂડે બરડાનો ધણી . [39]

[હે ઊજળી! અમારે રજપૂતોને માટે તો ચારણ જાતિનાં જેટલાં લોકો તેટલાં દેવ તુલ્ય લખાય. તું ચારણ કન્યા છે, એટલે તને તો હું દેવી સમ માનું છું. જો તમારા સરખાં લોહીનાં પાત્રો હું પીઉં, તો તો હું બરડાનો સ્વામી નાશ પામું.]

તમે છોરું ચારણ તણાં, લાજું લોપાય નૈ;

મન બગાડું અમે, (તો) આભપરો લાજે, ઊજળી! [40]

[હે ઊજળી! તું તો ચારણનું સંતાન છે, તારી લજ્જા-મર્યાદા મારાથી ન જ લોપાય. જો હું મારું મન બગાડું, તારા પર પ્રેમ કરવાનો કુવિચાર સેવું, તો મારો આભપરો ડુંગર બદનામ થાય!]

કણ ને દાણા કોય ભણ્ય તો દઉં ગાડાં ભરી;

હૈયે ભૂખું હોય, (તો) આભપરે આવે ઊજળી! [41]

[તું કહે તો તને અનાજનાં ગાડાં ભરી આપું, ભવિષ્યમાં જ્યારે જ્યારે પેટમાં (હૈયે) ભૂખ હોય, ત્યારે ત્યારે સુખેથી આંહીં આભપરે આવીને અનાજ લઈ જજે.]

આંયાંથી જાને ઊજળી! નવેનગર કર નેહ,

જાને રાવળજામને , છોગાળો ન દે છેહ. [42]

[હે ઊજળી! તારે અનાજ ન જોતું હોય, પણ રાજાને જ પરણવું હોય, તો સુખેથી તું નવાનગર જઈ રાજા રાવળ જામની સાથે સ્નેહ કર. એ છોગાવાળો (રસિક) રાજા તને દગો નહીં દે.]

4. હતાશાનું રુદન : મેહને શાપ : વિદાય

આવી હલકી ભાષામાં પોતાની અવગણના થતી સાંભળીને ચારણકન્યા રોમેરોમે સળગી ઊઠી. પોતે જેને જીવનમાં પ્રેમ, પવિત્રતા ને પ્રતિષ્ઠા અર્પણ કરી નાખ્યાં છે, તેના જ મોંમાંથી આ શબ્દો પડ્યાં; ઊજળીના શિર ઉપર જાણે એટલા વજ્ર પડ્યાં — એ કળકળે છે :

સાકરને સાદે બોલાવતો, બરડાના ધણી,

(આજ) કૂચા કાંઉ કાઢે, જાતે દા’ડે, જેઠવા! [43]

[હે બરડાના સ્વામી જેઠવા! આજ સુધી તું મને મીઠે સ્વરે બોલાવતો, ને આજ જતે દિવસે મોંમાંથી કૂચા જેવા શુષ્ક ને હલકા શબ્દો તું શીદ કાઢે છે?]

નળીયું હતીયું નકોર (તે દિ’) બોલાવતો, બરડાનો ધણી,

(આજે) જાંગે ભાગ્યા જોર, (તે દિ’) જાતાં કીધાં જેઠવા! [44]

[આ દુહો સગર્ભાવસ્થાનું સૂચન કરે છે.]

છાણે વીંછી ચડાવીએ, ટાકર મારે તેહ,

માગી લીધો મેહ, બરડાના બિલેસર કને. [45]

[પરંતુ સાચું, તું આવું બોલે એમાં આશ્ચર્ય નથી, કેમ કે જેમ જાણીબૂજીને છાણા પર ચડાવેલો વીંછી તો ડંખ જ મારે એ સહજ છે, તેમ મેં પણ, હે મેહ! તને બરડા ડુંગરના બિલેશ્વર મહાદેવ પાસેથી મારી જાતે જ માગી લીધો, તારા સ્નેહનો મેં જાણીબૂજીને અંગીકાર કર્યો, એટલે તારા જેવા કૃતઘ્નીના વિષદંશ થાય જ.]

આવડિયું અમે, જેઠીરાણ! જાણેલ નહિ,

(નીકર) પિયર પગ ઢાંકે, બેસત બરડાના ધણી! [46]

[હે જેઠવા રાણા! તારી આ અધમતા આટલી હદે હશે એ મેં જાણ્યું નહોતું. નહીં તો હે બરડાના સ્વામી! હું મારા પગને ઢાંકીને મારા પિયરમાં જ બેસી રહેત, અખંડ કૌમારવ્રત ધારણ કરી લેત.]

છેતરીને દીધા છેહ, હાલીતલ હળવાં થયાં.

મનમાં નોતું મેહ, (તો) ભાણના! નાકારો ભલો. [47]

[હે મેહ! મને છેતરી દગો દીધો. હું — આંહીં સ્વેચ્છાથી આવનારી — હલકી પડી. જો તારા મનમાં સ્નેહ નહોતો, તો હે ભાણ જેઠવાના પુત્ર! મને પ્રથમથી જ ના પાડવી બહેતર હતી.]

મનમાં હૂતું મેહ (તો) નાકારો કાં ન મોકલ્યો?

લાજું અમણી લે, ભોંઠા પાડ્યાં ભાણના! [48]

[હે મેહ! જો આવું કપટ તારા મનમાં હતું, તો મને ‘ના’ કેમ ન મોકલી? મારી લાજ લઈને તે મને ભોંઠી પાડી.]

પરદેશીની પીડ, જેઠીરાણ! જાણી નહિ,

તાણીને માર્યાં તીર, ભાથે ભરીને ભાણના! [49]

[હે જેઠવા રાણા! મારી — પરદેશી મનાવીની — પીડા તું ન સમજી શક્યો. હે ભાણના પુત્ર! તેં તો ભાથામાં ભરીભરીને મને તીર માર્યાં!!]

ઓશિયાળાં અમે, ટોડાઝલ ટળિયાં નહિ,

મેણીઆત રાખ્યાં મે! જામોકામી જેઠવા! [50]

[હું તારી ઓશિયાળી (આશ્રિત) બનીને તારા ઘરના ટોડા ઝાલી હંમેશાં તારી દયા યાચતી જ રહી, એ દયામણી હાલત ટળી જ નહિ. અને હે જેઠવા! તેં મને સદાને માટે મેંણાં ખાતી (કલંકિત) કરી મૂકી.]

બાળોતિયાનાં બળેલ, (અમે) થાનુંમાં ઠરિયાં નહિ,

તરછોડ્યાં તમે, જામોકામી જેઠવા! [51]

[હું તો બાળોતિયામાં સૂવા લાયક (બાળક) હતી તે દિવસથી જ દુઃખી છું. મારું બાળપણ નિરાધાર ગયું. માતાનાં સ્તન પર પણ હું નથી ઠરી. (માનું ધાવણ ન પામી.) ને છેવટે તેં પણ મને સદાને માટે તરછોડી!]

તાવમાં માણસ જેમ આઘાં ઠેલે અન્નને,

મે’ને લાગી એમ અફીણ રોખી ઊજળી. [52]

[તાવમાં પીડાતો મનુષ્ય જેમ કંટાળી અન્ને તરછોડે, તેમ આજે મેહ જેઠવાએ પણ મને ઘણાથી તરછોડી. હું ઊજળી એને અફીણ સમ કડવી લાગી.]

અભડાણાં અમે, મુસલમાન મળ્યો નહિ;

છેલ્લી છાંટ તમે, જળની નાખો, જેઠવા! [53]

[હું ભ્રષ્ટ બની. કોઈ મુસલમાન મળ્યો નહિ, કે જેને સ્પર્શીને હું મારી આભડછેટ નિવારું. માટે હવે તો, હે જેઠવા! તું જ મને છેલ્લી વાર પાણીનો છાંટો નાખી લે.]

ખીમરા! ખારો દેશ, મીઠાબોલાં માનવી,

નગણાસું શો નેહ! બોલ્યો નૈ બરડાધણી. [54]

[ઊજળી પોતાના સંગાથી ચારણ ખીમરાને કહે છે હે ખીમરા! આ બરડો દેશ ખારો નીકળ્યો. એનાં ક્ષારવાળાં (નિર્દય) હૃદયના માનવીઓ માત્ર મોયેથી જ મીઠું બોલે છે. આવા નગુણા (કૃતઘ્ની) સાથે સ્નેહ શો હોય? ચાલો આપણે. બરડાનો સ્વામી નથી બોલતો.]

કાચો ઘડો કુંભાર, અણજાણ્યે મેં ઉપાડિયો,

ભવનો ભાંગણહાર જેઠીરાણ જાણેલ નહિ. [55]

[અરેરેરે! મેં અજાણીએ કુંભારને ઘેરથી માટીનો કાચો ઘડો ઉપાડ્યો. (કાચા માનવીને પ્યાર કર્યો.) મેં નહોતું જાણ્યું કે આ જેઠવા રાણા રૂપી મારું પ્રેમપાત્ર આમ સહેલાઈથી તૂટી પડીને મારી આખી જિંદગી ધૂળધાણી કરી નાખશે.]

આભપરેથી ઊછળ્યાં, જળમાં દીધો ઝોક,

સરગાપરનો ચોક, ભેળા થાશું, ભાણના! [56]

[આભપરા પહાડ પરથી તો હું ફેંકાઈ ગઈ, ઊંડા પાણીમાં ડૂબી ગઈ. હવે તો હે ભાણના પુત્ર! સ્વર્ગના ચોગાનમાં આપણે મળશું.]

આટલાં વીતકો વીતવા છતાં ઊજળી પોતાના પ્રીતમને સ્વર્ગમાં પામવાની ભાવના રહી છે. ફરી પાછી રોષ કરે છે :

મરી ગ્યો હત મે, (તો) દલમાંથી દઝણ્યું ટળત,

જીવતાં માણસ જે (એને) બાળો કાં બરડા-ધણી! [57]

[હે મેહ! આ કરતાં તો તું મરી ગયો હોત, તો મારા દિલમાંથી દાઝ (આંતર્દાહના દાગ) ભૂંસાઈ જાત. હે બરડાના સ્વામી! મને જીવતા માનવીને કાં બાળી રહ્યો છે તું?]

કળ કળ કરશે કાગ, ઘૂમલીનો ઘૂમટ જશે,

લાગો વધતી આગ, રાણા! તારા રાજમાં. [58]

[હે રાણા! હું શાપ આપું છું કે આ નગર પર કાગડા કળકળશે. (નગર ઉજ્જડ બનશે.) ઘૂમલી નગરના ઘુમ્મટો તૂટી પડશે અને તારા રાજમાં વધુ ને વધુ આગ લાગશે.]

જળના ડેડા જેહ, દબાણાં થકાં ડસે,

(પણ) વશીઅરનાં વેડેલ જીવે ન કે દિ’ જેઠવા! [59]

[પાણીમાં રહેતા પામર જળસાપો તો પગ તળે દબાયા હોય તો જરા ડસી લે છે. એના દંશથી કોઈ મૃત્યુ ન નીપજે, પરંતુ મહાવિષધારી સર્પનાં ડસેલાં માનવી તો કદાપિ ન જીવે, હે જેઠવા! એવી રીતે, પામર મનુષ્યોના શાપ ન ફળે, પણ મારા સમ કુલિન ને પવિત્ર ચારણકન્યાના શાપ તારો નાશ કરી નાખશે.]