સોરઠી સંતવાણી/કોઈ નૂરીજન નજરે આવે!
કોઈ નૂરીજન નજરે આવે!
મન માંયલાની ખબરું લાવે રે,
કોઈ કામ કરોધને હટાવે રે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
જ્ઞાની હોય સો જ્ઞાન બતાવે, રૂડા ભરમોના ભેદ બતાવે,
રામનામની રટણાયું રટી લે, અંધિયારો મટી જોવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
સંસાર-સાગર મહાજળ ભરિયો, હરિજન વા’ણ હોકારે,
એના માલમીને પકડ વશ કર લો, પાર ઊતરી જાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
નિજ નામનાં નાંગળ નાખીને, પવન-પુરુષ પધરાવે,
અસલ જુગની અમર વાદળી, મોતીડે વરસાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
સતકી રોટી, સબસે મોટી, પ્યાસ હોય સો પાવે,
દોઈ કર જોડી જેઠીરામ બોલ્યા, કર્યા કરમ કંહીં જાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી