સોરઠી સંતવાણી/મહાભક્તિનાં મૂલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મહાભક્તિનાં મૂલ

આગળના ભજનમાં નિર્દેશ છે કે આ ભક્તિનો મહાપંથ પ્રથમ શિવજીને સોંપાયો. તેમણે ને પાર્વતીજીએ એ પંથ ચલાવ્યો. હવે આ ભજનમાં ઉમા પાર્વતીજીએ શંભુની પાસેથી એ મહાપંથનો મર્મધારક મંત્ર કેવી રીતે મેળવ્યો તેની કથા છે. એકલા પુરુષની પાસે જ જો એ પરમ રહસ્ય રહે ને સ્ત્રીને સાથીદાર ન બનાવાય, તો સ્ત્રી ઉત્પાત મચાવી મૂકે છે. એવું આ આદ્ય નારી ઉમાના આચરણ પરથી ફલિત થાય છે.

સતી રે ઉમૈયા દેવી શિવજીને પૂછે રે જી.
નિજિયા ધરમ એવું શું છે હાં!
એ જી શિવજી મહાભગતીનાં મૂળ અમને બતાવો રે જી.
ઉમૈયાને આશ્રમે મુનિ નારદ પધાર્યા રે જી.
એનાં સતીએ સનમાન બહુ કીધાં હાં.
રૂંઢ રે માળનાં જ્યારે પરસન પૂછ્યા રે જી;
એવો ઉપદેશ નારદે બતાવ્યો હાં. — સતી રે.
એ જી શિવજી! મહાભગતીનાં મૂળ અમને બતાવો રે જી.
નીકર મારે મન આવે ન ઈતબારા હાં!
એ જી શિવજી! અખંડાનંદ તો તમે કેવરાણા જી.
અમારે નિત રે મરણ અવતારા હાં. — સતી રે.
એ જી સતી! તમે રે અસ્ત્રી ને અંગ અબળાનાં રે જી;
તમને મહામંત્ર કેમ કરી આપું હાં!
સતી રે! અમર પિયાલા તમને નો જરે રે જી,
તમને કુબેર ભંડારી થાપું હાં. — સતી રે.
શિવજી! જાહ્નવી ગંગા તમે જટામાં રાખો રે જી,
અને બાળ કેવા બ્રહ્મચારી હાં.
શિવજી! હરખ ને શોક તમે અમને આપ્યો રે જી,
તમને નાર મળી છે નિજારી રે હાં. — સતી રે.
એજી દેવી! તમારા પિતાનું શીષ તમે ખેધાવ્યું રે જી,
તે દી દોષ લૈને અમને દીધો હાં!
સતી! અજિયા-સૂતનાં મસ્તક લૈને રે જી,
તે દી અમે દક્ષ પરજાપત બેઠો કીધો હાં. — સતી રે.
એજી દેવી! સતી રે સીતાનાં આગળ રૂપ રે ધરીને જી,
તે દી રામચંદ્રજીને નવ જાણ્યા હાં.
સતી! ચૌદ બ્રહ્માંડના નાથ કે’વરાણા રે જી.
એને તમે મનુષ્ય બરાબર જાણ્યા હાં. — સતી રે.
શિવજી! આપો ભગતિ, નીકર સૃષ્ટિ ઉથાપું રે જી
જગત કરું ધંધૂકારા હાં.
શિવજી! એક રે ઘડીમાં ચૌદ બ્રહ્માંડ પ્રજાળું એ જી.
પછી શું કરે સરજનહારાં હાં. — સતી રે.
બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર જેવા રે જી,
દેવીનાં વચન સુણીને વિચાર્યા રે હાં!
મહામંત્ર ઉમૈયા દેવીને આપો રે જી,
નીકર મોત વિનાના માર્યા હાં. — સતી રે.
હરોહર જેવા આગળ હાથ જોડીને રે જી,
દેવીને ભગતિનો ભેદ સુણાવ્યો હાં,
મહામંત્ર ઉમૈયા દેવીને આપ્યો રે જી,
એનો ગુણ રાજા ધરમે ગાયો હાં.

[ગંગાસતી]

અર્થ : પાર્વતીજીએ, નારદની ભંભેરણીથી મહાદેવ પાસે મહાભક્તિનું રહસ્ય માગ્યું. હે શિવજી! તમે તો અખંડાનંદ, અને અમારે કાયમ જન્મ મરણની જંજાળ, માટે મને અમરત્વનો ભક્તિમંત્ર આપો. હે સતી! તમે તો અબળા. તમને એ જલદ રહસ્ય-પ્યાલો પચે નહીં. હે મહાદેવ! તમે પોતે અમૃતાનંદ બનીને અમને જ હર્ષ:શોકમાં કાં રાખ્યાં? હે દેવી! તમારો સ્ત્રીનો અધિકાર નથી. તમે આગલે જન્મે તમારા બાપુ દક્ષ પ્રજાપતિનું મસ્તક મારે હાથે કપાવ્યું, તમે સ્ત્રીના અવતારમાં રામને કેવળ માનવી સમજી મૃગનું ચામડું લેવા દોડાવ્યાં. એવાં તમે સ્ત્રી, તે ભક્તિનાં અનધિકારી કહેવાઓ. હે ભગવાન! ભક્તિનું રહસ્ય બતાવો, નહીંતર હમણાં જગતમાં અંધાધૂંધી મચાવું છું, બ્રહ્માંડને સળગાવું છું. એટલે ભયભીત દેવોએ શિવને વીનવીને પાર્વતીને ભક્તિનો મંત્ર અપાવ્યો.