સોરઠી સંતવાણી/શબદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શબદ

બ્રહ્માંડની ઉત્પત્તિ ‘શબદ’ વડે થઈ છે એવું નિર્દેશતું આ ભજન કબીરને નામે કાઠિયાવાડમાં ગવાય છે. પણ ભજનોમાં નામાચરણનું તથ્યાતથ્ય નિશ્ચિત નથી હોતું.

આદુની રવેણી કહું વિસતારી જી,
સુણો ગુરુ રામાનંદ કથા અમારી જી.

પેલે પેલે શબદે હુવા રણુંકારા,
ત્યાંથી રે ઉપન્યા જમીંઅસમાના.

બીજે બીજે શબદે હુવા ઓહંકારા,
ત્યાંથી રે ઉપન્યા નૂરીજન ન્યારા.

ત્રીજે ત્રીજે શબદે ત્રણ નરદેવા,
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા.

ચોથે ચોથે શબદે સુરતાધારી,
ત્યાંથી રે ઉપની કન્યા રે કુંવારી.

પૂછત પૂછત કન્યા રે કુંવારી,
કોણ પુરુષ ને કોણ ઘરનારી?

આદ અનાદથી હમ તમ દોનું
હમ પુરુષ ને તમ ઘરનારી.
કહે રે કબીર તમે સુણો ધ્રમદાસા
મૂળ વચનના કરોને પ્રકાશા.

[કબીર?]

અર્થ : આ જગતના આદિ-ઉગમની કથા હું વિસ્તારીને કહું છું. પ્રથમ શબ્દે રણકાર થયો, તેમાંથી જમીન-આસમાન પેદા થયાં. બીજે શબ્દે ‘ઓહમ્’ એવો નાદ થયો, તેમાંથી ન્યારા નૂરીજન ઉત્પન્ન થયા. ત્રીજો શબ્દ ઊઠ્યો ને તેમાંથી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણ નરદેવો પેદા થયા. ચોથા શબ્દના ગર્જનની સાથે ‘સુરતાધારી’ (ધ્યાનસ્થ પુરુષ) એવો નાદ સંભળાયો ને એમાંથી કુંવારી કન્યા ઊઠી. એ કુમારી (પ્રકૃતિ) પુરુષને પૂછે છે, મારો કોણ પુરુષ છે, ને હું કોના ઘરની નારી છું? પુરુષ કહે છે : હું અને તું અનાદિથી છીએ; આપણે બેઉ નરનારી છીએ.