સોરઠી સંતવાણી/મૂળ વચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મૂળ વચન


ઉપર જેને ‘શબદ’ કહેલ છે તેને સોરઠની સ્ત્રીસંત લોયણ, પોતાના શિષ્ય લાખાને પ્રબોધતાં ‘મૂળ વચન’ કહીને ગાય છે.

જી રે લાખા! મૂળ રે વચનનો મહિમા બહુ મોટો જી
એને સંત વિરલા જાણે હાં!
જી રે લાખા! વચન થકી જે કોઈ અધૂરા જી
તે તો પ્રેમરસને શું માણે હાં!
જી રે લાખા! વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી જી
વચને પૃથવી ઠેરાણી હાં.
જી રે લાખા! ચૌદ લોકમાં વચન રમે છે જી
તેને જાણે પુરુષ પુરાણી હાં.
જી રે લાખા! એવા રે વચનની જેને પરતીત આવે જી
એ તો કદી ચોરાશી ન જાવે હાં.
જી રે લાખા! વચનના કબજામાં જે કોઈ વસે જી
એની સૂરતા શુનમાં સમાવે હાં.
જી રે લાખા! એ રે વચન શિરને સાટે જી
એ ઓછા માણસને ન કહેવું હાં.
જી રે લાખા! સદ્ગુરુ આગળ શીષ નમાવી જી
એના હુકમમાં હંમેશાં રે’વું હાં.
જી રે લાખા! આદ ને અનાદમાં વચન છે મોટું જી
એને જાણે વિવેકી પૂરા હા.
જી રે લાખા! શેલણશીની ચેલી લોયણ બોલિયાં જી
એને નેણે વરસે નૂરા હાં!

[લોયણ]

અર્થ : હે લાખા, આદિવચનનો મહિમા એટલો મોટો છે, કે વિરલ સંતો જ એ જાણે છે. એ વચનના જ્ઞાનથી જેઓ વંચિત છે તેઓ પ્રેમરસને ન માણી શકે. આ સૃષ્ટિને બ્રહ્માએ એ વચનથી (શબ્દથી) જ રચી. પૃથ્વી સ્થિર રહી છે તે પણ વચનના પાયા પર. વચન તો ચૌદ લોકમાં રમે છે. એના પુરાતન પુરુષે જ જાણેલ છે. એના વચનની જેને પ્રતીતિ થાય તેને પુનર્જન્મ ટળી જાય. એ વચનને વશવર્તી બનનારની આત્મદૃષ્ટિ (સૂરતા) સમસ્ત શૂન્યમાં વ્યાપી જાય. એ આદિવચન (મહામંત્ર) તો શિર સાટે કહેવાય. અપૂર્ણ માણસને એ નથી કહેવા જેવું.