સોરઠી સંતવાણી/સંસ્કાર જોવા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંસ્કાર જોવા

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને
એવું કરવું નહીં કામ રે,
આપણી વસ્તુ ન જાય અવરથા ને એ
જવાનું લેવું નહીં નામ રે —
ભાઈ રે સેવા કરવી તો છેલ્લા જનમવાળાની ને
ભજનમાં જોવા સંસ્કાર રે,
જો પુરવનું પુરુષારથ હોય એહનું ને
તો મેળવવો વાતનો એકતાર રે. — દળી દળીને.
ભાઈ રે વિષયવાળાને આ વાત ન કહેવી ને
એથી રાખવું અલોપ રે,
દેખાદેખીએ મરને કંઠી બંધાવે ને
શુદ્ધ રંગનો ચડે ન ઓપ રે. — દળી દળીને.
ભાઈ રે ઉત્તમ કર્મ જો કરે ફળની આશાએ ને
એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે. — દળી દળીને.

[ગંગાસતી]