સોરઠી સંતવાણી/શિષ્ય કોને કરવો?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિષ્ય કોને કરવો?

અંતઃકરણથી પુજાવાની આશા રાખે ને
એને કેમ લાગે હરિનો સંગ રે
શિષ્ય કરવા નહીં એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે —
ભાઈ રે અંતર નથી જેનું ઊજળું ને
જેને મોટાપણું મનમાંય રે —
તેને બોધ નવ દીજીએ ને
જેની વૃત્તિ હોય આંઈ ને ત્યાંય રે. — અંતઃકરણથી.
ભાઈ રે શઠ નવ સમજે સાનમાં ને
ભલે કોટિ કરે ઉપાય રે
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને
એવાની અંતે ફજેતી થાય રે. — અંતઃકરણથી.
ભાઈ રે એવાને ઉપદેશ કદી નવ દેવો ને
ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવાનો કરવો નહીં ઈતબાર રે. — અંતકરણથી.

[ગંગાસતી]