સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/વાળાની હરણપૂજા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાળાની હરણપૂજા


હરણાંનાં ટોળાં હાલ્યાં જાતાં હોય, પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુંવાળાં પશુ નિર્ભયપણે ચારો કરે છે. એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રજપૂત પ્રાણ સાટે પણ ગોળી છોડવા દેતો નથી. વાળો હરણાંને પૂજે છે. જૂના કાળમાં હરણાંએ એના વંશ સાટુ જીવ દીધા હતા. વાત એમ બોલાતી આવે છે કે પાદશાહની કચેરીમાં કોઈ ચાડીલો ચારણ હોડ વદી બેઠો. પાદશાહ બોલ્યા : “હસીને માથાં ઉતારી દેનારા રજપૂતો હવે મરી ખૂટ્યા.” ચારણે જવાબ ચોડ્યો : “પાતશાહ! તમને ખબર જ નથી. રજપૂતકુળ હજી જીવે છે. એવા પડ્યા છે કે એક સામટા સાત દીકરાનાં શિર વધેરી લ્યો તોય હસતાં હસતાં સાતેયનાં મૉત ઓળઘોળ કરે, અને સાતેયની આંખો પગ હેઠળ ચાંપે. આંખમાંથી એક આંસુય ન દડવા દ્યે.” ચારણનો ગર્વ પાદશાહથી ખમાયો નહિ. કચેરીના લોકો પણ આ બોલને વણતોળ્યા સમજીને દાંત કાઢવા લાગ્યા. ચારણે ફરી વાર પડકાર્યું : “સાત-સાત દીકરાની આંખ્યું હસતાં હસતાં પગ હેઠળ ચાંપનારા હઠાળા રજપૂતો પડ્યા છે. અને પાદશાહ! વખનાં પારખાં ન હોય. દાંત કાઢીને કોઈ રજપૂતોને બદનામું દ્યો મા, બાપ!” ચારણની ફૂલ્ય દેખીને ચડસે ચડેલો પાદશાહ પૂછે છે : “એવો કોઈ રજપૂત ન મિલે તો? તો ગઢવા, તમે શું હારો?” “હું હારું મારા પંડના દીકરા.” “ઠીક, ચારણ! આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો. આજથી છ મહિનાની અવધ આપું છું. લઈ આવો એવા રજપૂતને એના સાતેય દીકરા સોતો, અને શર્ત પાળી બતાવો. રજપૂત ને હું બેય પાસે રમીએ : એના સાતેય દીકરાનાં ડોકાં ઊડે : ને રમતો રમતો બાપ એની આંખો ચાંપે; ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું. જા, ગોતી આવ.” સાતેય પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો. ગામોગામ ને રાજ્યેરાજમાં આથડે છે. ક્ષત્રિયોની પાસે એકસાથે સાત-સાત પુત્રોનાં માથાંનો સવાલ કરે છે. જે સાંભળે છે તે હાહાકાર કરી ઊઠે છે. પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે? ગઢવી કાઠિયાવાડના વળા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે. વાળાએ ચારણનો સવાલ સાંભળીને સાતેય દીકરાને બોલાવ્યા. સાતેય જણે શિર ઝુકાવ્યાં. બાપુનો બોલ માથે ચઢાવ્યો. સાતેય હસીને બોલી ઊઠ્યા : “બાપુ, એમાં આવડી બધી સમજાવટ શા કારણે?” સાત દીકરાને અને એના પિતાને સાથે લઈ ચારણ દિલ્હી નગરમાં મુદત પહેલાં એક જ દિવસે આવી પહોંચ્યો. કચેરીમાં જઈને હાકલ કરી : “જય હો ક્ષત્રી જાતનો!” પાદશાહ તાજુબ બન્યો. પણ એટલેથી ઠગાય તેવો તે પાદશાહ ન હતો. એણે સાતેય ક્ષત્રીપુત્રોને બોલાવી કહ્યું : “આ મશ્કરી ન સમજતા. કાલ સવારે તમારાં માથાં આ કચેરીમાં ટીંગાતાં હશે.” સાતેય જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું. પાદશાહે ફરી ફાંફાં માર્યાં : “બેવકૂફ બાળકો, વિચાર કરો.” રજપૂતોએ હસ્યા જ કર્યું. વાળા દરબાર તરફ જોઈને ખુન્નસભર્યાં નેત્રે પાદશાહ બોલ્યા : “દરબાર, દાન દેવાની રીત જાણો છો?” “જાણું છું; છતાં ફરમાવો.” “જુઓ, દાન દેતી વખત ખુશાલી રાખવી પડશે. દાતાનો એ ધર્મ છે કે કચવાતે દિલે દાન ન દેવાય, કેમ કે મંજૂર ન થાય.” “ક્ષત્રીને એમાં કાંઈ નવું નથી.” “સુણો, સુણો, કાલે સવારે આ મેડી ઉપર એક પછી એક તમારા બેટાઓનાં ડોકાં પર તરવાર પડશે. એ અવાજ તમે સાંભળશો; એ સાંભળતાં સાંભળતાં મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે. તમારા બેટાની એક પછી એક બબ્બે આંખો હાજર થશે. તેને તમારે હસતે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે. એ દરમ્યાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુઃખ દેખાશે, રમતમાં જરા પણ શરત ચુકાશે કે એક નિસાસો પણ નીકળશે, તો એ દાન ફોક થશે, ને હું ચારણના દીકરાનો પણ જાન લઈશ.” “સુખેથી, પાદશાહ, સુખેથી.” બીજે દિવસે સવાર પડ્યું. કચેરીમાં મેદની માતી નથી. ચોપાટ મંડાઈ. ખડખડાટ હસીને વાળાએ પાસા રોડવ્યા. સાથોસાથ પાદશાહનો હુકમ છૂટ્યો : “ચલાવો કતલ!” ‘ચલાવો કતલ!’નો પોકાર પડતાં તો સાત ક્ષત્રીપુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેડી પર લઈ ગયા. ઉપલી મેડી પર ‘ધડાક’ એવો અવાજ થયો. જાણે એક માથું પડ્યું. બે ઘડીમાં તો બે મોટી મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયો. પાદશાહ કહે : “લ્યો દરબાર, આ તમારા મોટા દીકરાની આંખો.” દરબારે એ બે આંખોને પગ નીચે ચગદી. છૂટેલા ચારણપુત્રને માથે હાથ મેલ્યો. ને ખુશખુશાલ દિલે હસતાં હસતાં ચોપાટ આગળ ચલાવી. બીજી વાર ધડાકો, લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો. બાપ આંખોને ઓળખી ઓળખીને ચગદતો જાય છે. છૂટેલા ચારણપુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે. એની આંખમાં આંસુ નથી. મોંમાં નિ:શ્વાસ નથી, અંતરમાં ઉદાસી નથી. એમ છ દીકરાની જીવનલીલા પૂરી થઈ ગઈ. પાદશાહના ચહેરા પરથી નૂર ઊડી ગયું. ત્યાં તો સાતમો ધડાકો થયો, અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી. બાપે એ કચરી નાખી, પણ ઓચિંતાં એની આંખમાંથી બે આંસુ દડી પડ્યાં. “બસ. ખલાસ!” પાદશાહ ઊકળીને તાળીઓ પાડતો પોકારી ઊઠ્યો. “તમારી સખાવત ફોક ગઈ. પકડો એ સાતેય ચારણોને, ને ઉડાવી દ્યો સાતેયનાં ડોકાં!” વાળો રજપૂત ગરીબડો બનીને કહે : “પાદશાહ, પહેલાં મારી કથા સાંભળી લ્યો. હું રોઈ પડ્યો, તે મારા દીકરાને માટે નહિ.” “ત્યારે?” “આ નાનેરો બાળ મારો નથી. એ પરાયો દીકરો છે. મને વિચાર આવ્યો કે અરેરે! આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને મારવું પડ્યું. મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા ખેદથી જ મારાથી રોઈ જવાયું. હું સૂરજની સાખે કહું છું.” “આ સાતમો દીકરો તમારો નહોતો?” “સમજાવું. મારે છ જ દીકરા હતા. એક દિવસ પરોઢિયે હું ગામને પાદર દિશાએ ગયો. ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું. જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ‘આ ચારણનો બાળક છે, એના બાપને જોશીએ કહેલું કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ. અમારું મવાડું અહીં નીકળેલું. અહીંયાં બાળક અવતર્યો એટલે એને આંહીં રેઢો મૂકીને અમે ચાલ્યાં જઈએ છીએ. [1] ચારણ છે. બચાવશો તો પુણ્ય થશે.’ આ બાળકને હું ઘેર લાવ્યો. ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે એ મારો જ દીકરો છે. જહાંપનાહ, આજ રોઉં છું, કારણ કે એક દીકરાની ખોટે આજ એ નાનેથી ઉછરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો.” “શાબાશ! શાબાશ! ગભરાશો નહિ. નથી એ ચારણ મર્યો, કે નથી મર્યો તમારો એકેય દીકરો.” “અરે પાદશાહ, હવે મશ્કરી શીદ કરો છો?” “પહેરેગીર! સાતેય દીકરાને હાજર કરો.” મેડી ઉપરથી સાતેય દીકરા આવી ઊભા રહ્યા. “ક્ષત્રિય બચ્ચા! પાદશાહ લોહીનો તરસ્યો નથી. એને કસોટી કરવી હતી.” “ત્યારે આ આંખો કોની? મારા દીકરાને બદલે કોણ મર્યું?” “સાત હરણાં.” “આજથી એ પરગજુ હરણાં મારે ને મારા તમામ વંશજોને પૂજવાનાં પ્રાણીઓ બન્યાં.” કચેરીમાં પાદશાહે પિતા-પુત્રોને ઊંચા સરપાવ બક્ષ્યા, તેની બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા.



  1. હજુ પણ એ રેઢા મુકાયેલા ચારણ-પુત્રના વંશજો ‘રેઢ’ નામ ધરાવે છે.