સ્વાધ્યાયલોક—૧/કવિતાનો અનુવાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિતાનો અનુવાદ

ફેબ્રુઆરી ૧૩, ૧૯૭૫
સ્નેહી ભાઈ સુરેશ, ફ્રૉસ્ટે કહ્યું છે, ‘Poetry is that which gets lost from verse and prose in translation’ (કવિતા એ ચીજ છે જે એના પદ્ય અને ગદ્ય અનુવાદમાંથી અદૃશ્ય થાય છે.) એનું કારણ એ છે કે કવિતા એ sonal art (અવાજની કળા) 
છે અને કવિતામાં જે ભાષા હોય છે એમાં શબ્દના પ્રત્યેક અવાજ — મૌન સુધ્ધાં — નો મહિમા હોય છે. કવિતામાં જે ભાષા હોય છે તે tonal language — અર્થની સાથેસાથે જેમાં અવાજ પણ અર્થ જેટલો જ મહત્ત્વનો છે એવી ભાષા — હોય છે. મૂળ કાવ્યમાં જે શબ્દો જે ક્રમમાં હોય એથી એમાંથી જે અવાજ — સ્વરવ્યંજનસંકલના, આરોહઅવરોહ દ્રુતવિલંબિત ગતિ. લય, આદિ — પ્રગટ થાય એ જ અવાજ એના અનુવાદમાં જે શબ્દો જે ક્રમમાં હોય એમાંથી પ્રગટ ન જ થાય. વળી મૂળ કાવ્યમાં શબ્દોનો જે અર્થ હોય એ જ અર્થ અનુવાદમાં પ્રગટ કરવો હોય તો વારંવાર અનુવાદમાં શબ્દોની સંખ્યામાં વૃદ્ધિ-અપવૃદ્ધિ દ્વારા જ શક્ય હોય છે. વળી મૂળ કાવ્યમાં શબ્દોમાં જે કલ્પન, પ્રતીક, પુરાકલ્પન, શ્લેષ, ઉપમા, ધ્વનિ, અન્ય અલંકારો આદિ હોય છે એ અનુવાદના શબ્દોમાં શક્ય ન પણ હોય. એથી મૂળ કાવ્યમાં જે કવિતા હોય છે તે અનુવાદમાંથી અદૃશ્ય થાય છે. મૂળ કાવ્યમાં જે કવિતા હોય છે તે એના શબ્દોમાં હોય છે. અનુવાદમાં એ શબ્દો અદૃશ્ય થાય એની સાથે જ એ કવિતા પણ આપોઆપ અદૃશ્ય થાય છે. એથીસ્તો ઇટાલિયન ભાષામાં અનુવાદક (traduttore) એ દ્રોહી (traditore) છે એવો શ્લેષ પણ થયો છે. મૂળ કાવ્યથી અનુવાદ વધુ સુન્દર છે એવું જ્યારે લાગે ત્યારે વહેમ આવવો જોઈએ કે અનુવાદ જુઠ્ઠો છે, મૂળ કાવ્યના સત્યને વફાદાર નથી. આમ, અનુવાદ મૂળ કાવ્યના સત્યને વફાદાર હોય અને સ્વયં સુન્દર કાવ્ય પણ હોય એ એક વિરલ, લગભગ અશક્ય ઘટના છે. ‘કવિતા’ના રૉબર્ટ ફ્રૉસ્ટ વિશેષાંકમાં ફ્રૉસ્ટનાં કુલ ૩૭ કાવ્યોના કુલ ૫૬ અનુવાદો છે. (કોઈ કાવ્યના ૭, કોઈના ૬, કોઈના ૩, કોઈના ર અનુવાદો પણ છે.) એમાંથી જે અનુવાદમાં મૂળ કાવ્યના સત્ય અને અનુવાદમાંના સુન્દરની વચ્ચે ઓછામાં ઓછો વિસંવાદ પ્રગટ થયો હોય એવો એક અનુવાદ પસંદ કરું છું. અનેતે છે સિતાંશુ યશશ્ચંદ્રનો અનુવાદ ‘બ્રહ્માંડમાં ભૂલા પડેલા માણસની કથા’ (Lost in Heaven). ‘કવિતા’નાં કુશળ ઇચ્છું છું. તમે પણ કુશળ હશો. સ્નેહાધીન
નિરંજન ભગત



જાન્યુઆરી ૧, ૧૯૮૧
તંત્રીશ્રી, ‘કવિતા’ મુંબઈ ‘કવિતા’ના ઑક્ટોબર ૧૯૮૦ના અંકમાં જે અનુવાદો પ્રસિદ્ધ થયા છે એમાંથી ત્રણ ઉત્તમ અનુવાદો — પ્રથમ, દ્વિતીય અને તુતીય એવા ક્રમમાં — પસંદ કરવાનું તમે આમંત્રણ આપ્યું એ માટે તમારો આભાર. ત્રણ અનુવાદો — પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવા ક્રમમાં — આ પ્રમાણે છે : પ્રથમ : કાવ્યગુચ્છ : ભોળાભાઈ પટેલ દ્વિતીય : કાવ્યગુચ્છ : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ તૃતીય  : દરવાજો  : મકરંદ દવે ઉત્તમ અનુવાદો અંગે બે ધોરણો હોય : ૧. મૂળ કાવ્ય પ્રત્યેની નિષ્ઠા (અર્થમૂલક અને લયમૂલક). ર. અનુવાદ સ્વયં એક કાવ્ય લગભગ મૌલિક, સ્વતંત્ર કાવ્ય. પ્રથમ ધોરણમાં પ્રમાણભૂત અને પ્રામાણિક અનુવાદની અપેક્ષા હોય. મૂળ કાવ્યમાં જે કાવ્યસ્વરૂપ જે કાવ્યશૈલી, જે લય, છંદ, સ્વરવ્યંજન- સંકલના હોય, જે નાદસંકુલ હોય તથા જે અર્થસંકુલ હોય તે સંપૂર્ણપણે અથવા મહદ્ અંશે અનુવાદમાં પણ હોય. આ ધોરણ પ્રમાણેનો સંપૂર્ણ સફળ અનુવાદ, એક ભાષામાંથી અન્ય ભાષામાં કાવ્યનો અનુવાદ થાય ત્યારે આ સંદર્ભમાં બન્ને ભાષાની કેટલીક અંતર્ગત ભિન્નતા અને પ્રત્યેક ભાષાની કેટલીક અંતર્ગત વિશિષ્ટતાને કારણે, અશક્યવત્ હોય એ ભાગ્યે જ કહેવાનું હોય. વળી ‘કવિતા’માં જે અનુવાદો પ્રસિદ્ધ થયા છે એમાંથી અનેક અનુવાદો મૂળ ભાષાઓમાંથી નહિ પણ મૂળ ભાષાઓમાંથી અંગ્રેજી ભાષામાંના અનુવાદો પરથી થયા છે. એટલે કે એ અનુવાદો અનુવાદોના અનુવાદો છે એથી આ ધોરણ આ પસંદગીમાં અપ્રસ્તુત હોય એ પણ ભાગ્ય જ કહેવાનું હોય. એથી આ પસંદગીમાં બીજું ધોરણ સ્વીકાર્યું છે — અનુવાદ એ જાણે ગુજરાતી ભાષામાં લગભગ મૌલિક, સ્વતંત્ર કાવ્ય હોય. અનુવાદ એટલી સહજ અને સ્વાભાવિક હોય એમાં નાદસંકુલ અને અર્થસંકુલના સંદર્ભમાં લગભગ મૌલિક, સ્વતંત્ર કાવ્યનું સૌંદર્ય સિદ્ધ થયું હોય. કવિતાને અને ‘કવિતા’ને ક્ષેમકુશળ. સ્નેહાધીન
નિરંજન ભગત

*