સ્વાધ્યાયલોક—૨/ટી. એસ. એલિયટ જન્મશતાબ્દી પ્રસંગે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ટી. એસ. એલિયટ જન્મશતાબ્દી પ્રસંગે

૧૯૮૮–૮૯નું વર્ષ ટી. એસ. એલિયટની જન્મશતાબ્દીનું વર્ષ છે. એલિયટનો જન્મ ૧૮૮૮ના સપ્ટેમ્બરની ૨૬મીએ, અમેરિકામાં મિસૂરી રાજ્યમાં સેઇન્ટ લૂઈ નગરમાં. જોકે ૧૯૧૪થી તે ૧૯૬૫ લગી, આયુષ્યના અંત લગી, એલિયટ ઇંગ્લૅન્ડમાં વસ્યા હતા. કોઈ પણ સાહિત્યકાર કે સાહિત્યકૃતિની શતાબ્દી, અર્ધશતાબ્દી આદિ પ્રસંગો એ સાહિત્યકાર કે સાહિત્યકૃતિનો એકસાથે વધુ દૂરથી અને વધુ નિકટથી આદર અને આસ્વાદ કરવામાં નિમિત્તરૂપ હોય છે. આજે અહીં એક સંસ્કારી સજ્જન અને સમૃદ્ધ સર્જકનો આદર કરવાનો અને એમની સાહિત્યકૃતિઓનો શક્ય એટલો આસ્વાદ કરવાનો આ ઉપક્રમ છે. એક-બે અંગત પ્રતિભાવ અને પ્રસંગથી આરંભ કરું તો આશા છે કે વાચકો ઉદારતાથી એને સહન કરશે અને આ લખનારને ક્ષમા કરશે. આ લખનાર ચારેક દાયકાથી એલિયટની કૃતિઓનું યથાશક્તિમતિ વાચન કરે છે. એણે એલિયટની કોઈ પણ કૃતિનું જ્યારે જ્યારે વાચન કર્યું છે ત્યારે ત્યારે એ પોતે કેવો અણઘડ અને અણસમજુ છે, પોતાનું વર્તન, પોતાની વાણી, પોતાનો ભાવ અને વિચાર — અરે, પોતાનો પહેરવેશ સુધ્ધાં — બધું જ કેવું બાલિશ અને બર્બર છે એવું એને લાગ્યા કર્યું છે. એથી ક્યારેક તો એ એલિયટની કૃતિઓનું વાચન કરવાથી ડરે છે. એલિયટની એકેએક કૃતિ, એકેએક પંક્તિ એમના કફ અને કૉલર જેવી સ્વચ્છ છે. કૌંસમાં કહેવાય કે જગતના, સૌથી વધુ સુન્દર વસ્ત્રો ધારણ કરનાર અલ્પસંખ્ય પુરુષોમાં એલિયટનું સ્થાન હતું. એલિયટનો એકેએક શબ્દ, એકેએક ભાવ, એકેએક વિચાર સ્વચ્છ, સુરેખ અને સુઘડ છે. એલિયટના જીવનમાં અને કવનમાં નાગરિકતા અને સંસ્કારિતા છે. આવા સજ્જન અને આવા સર્જક લોકપ્રિય ન હોય એમાં શી નવાઈ! અનેક ઇતરજનો માટે એલિયટ મનુષ્ય તરીકે દુરારાધ્ય અને સર્જક તરીકે દુર્બોધ હોય એમાં શું આશ્ચર્ય! ૧૯૫૬માં મિનેસોટા યુનિવર્સિટીમાં એલિયટે ‘The Fron-tiers of Criticism’ પર વ્યાખ્યાન આપ્યું ત્યારે શ્રોતાગૃહમાં ૧૩,૫૨૩ શ્રોતાઓ હતા. ત્યારે કવિમિત્ર એલન ટેઇટ યજમાન હતા. આ વ્યાખ્યાન થયું પછી ટૂંક સમયમાં ટેઇટ ભારત આવ્યા હતા અને એક દિવસ માટે અમદાવાદ આવ્યા હતા. ત્યારે આ બોલનારે એમને પૂછ્યું, ‘I learn there were about ૧૪૦૦૦ people in the audience when Eliot came to Minnesota for his lecture. Is it true?’ ત્યારે ટેઇટે કહ્યું હતું, ‘Yes, they were there. But you think they came to hear him? No, they came to see him. Eliot does not have as many readers all over the world. How could they be there at one place?’ એલિયટ જેવા મનુષ્ય અને સર્જક લોકપ્રિય હોય કે ન હોય, દુરારાધ્ય અને દુર્બોધ હોય તોપણ એમના સમયની અને પછીના સમયની સમગ્ર મનુષ્યજાતિ પર એમનો અપ્રત્યક્ષ એવો પ્રભાવ હોય છે. કારણ કે એમના જીવનમાં અને સર્જનમાં સમગ્ર મનુષ્યજાતિ, એનો ભૂતકાળ, એનું ભાવિ, એની સંસ્કૃતિ આદિ વિશે સતત ચિંતા અને ચિન્તન હોય છે. એમનો અવાજ એ અનેક સ્થળ અને સમયના સૌ સંસ્કારી મનુષ્યોના અંતરાત્માનો અવાજ હોય છે. એલિયટ સંસ્કારી સજ્જન અને સમૃદ્ધ સર્જક તો હતા જ, પણ એ સાથે એ સંસ્કૃતિચિંતક હતા — બલકે સંસ્કૃતિની સાક્ષાત્ મૂર્તિ સમા હતા, મૂર્તિમંત સંસ્કૃતિપુરુષ હતા. એલિયટે કવિતા, નાટક, વિવેચન, નિબંધ આદિ અનેક સાહિત્યપ્રકારોમાં સર્જન કર્યું છે. પણ મુખ્યત્વે એ કવિ છે. આપણા યુગમાં અંગ્રેજી ભાષાના ત્રણ મહાન કવિઓ યેટ્સ, એલિયટ અને ઑડન. છતાં એલિયટ અંગ્રેજી ભાષાની કવિતાની પરંપરાથી વિશેષ તો ડેન્ટિ અને બૉદલેરની યુરોપીય પ્રશિષ્ટ કવિતાની પરંપરાના કવિ છે. આ સંદર્ભમાં આપણા યુગમાં અન્ય બે મહાન યુરોપીય કવિઓ વાલેરી અને રિલ્કે સાથે એમનું સ્થાન છે. આ સંદર્ભમાં જ એમની કવિતાનું વધુ વાજબી મૂલ્યાંકન થાય. એમની કવિતા અર્વાચીન યુગમાં પ્રભુવિહીન વિશ્વમાં આત્માવિહીન મનુષ્ય અને એની મૂલ્યવિહીન સંસ્કૃતિના સંદર્ભમાં પ્રેમ, શ્રદ્ધા અને ધર્મની અનિવાર્યતાની કવિતા છે. એમાં સંકટગ્રસ્ત સંસ્કૃતિની મરુભૂમિના મૃતાત્માઓની વેદના અને સંવેદના છે. એમાં આધ્યાત્મિકતાની અભીપ્સા છે. એલિયટે અલ્પસંખ્ય કાવ્યો — માંડ સોએક કાવ્યો — રચ્યાં છે. એમાં ‘The Love Song of J. Alfred Prufrock’, ‘Gerontion’, ‘The Waste Land’, ‘Ash Wednesday’ અને ‘Four Quartets’ આ પાંચ કાવ્યો એમનાં મુખ્ય કાવ્યો છે. ‘Prufrock’, ‘Gerontion’ અને ‘The Waste Land’માં કાવ્યનાયકો — અનુક્રમે પ્રુફ્રૉક, જેરોન્શન અને તાઈરેસિઆસ — ની નાટ્યાત્મક એકોક્તિઓ છે. એમાં એમનું કરુણ અને કઠોર આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ છે, નિર્દય અને નિષ્ઠુર આત્મવિશ્લેષણ અને આત્મવિવેચન છે. જોકે આ પાત્રોની પડછે કે પછવાડે એલિયટ છે. આ પાત્રો એક અર્થમાં એલિયટ માટે માત્ર એક મહોરું — mask — છે. એમના અવાજમાં એલિયટનો — અને અનેક સ્થળ અને સમયના સૌ સંસ્કારી મનુષ્યોનો પણ — અવાજ છે. પ્રુફ્રૉક મધ્યમ વયનો સમકાલીન સંવેદનશીલ સંસ્કારી સજ્જન છે. એના ચિત્તમાં એક પ્રબળ પ્રશ્ન છે, ‘an overwhelming question’ છે, પણ એનો ઉત્તર નથી; ઉત્તર માટેનો પ્રયત્ન પણ નથી, ઉત્તરની આશા-અપેક્ષા પણ નથી. જેરોન્શન, એના નામમાં સૂચન છે તેમ, બે હજાર વર્ષની વયનો, ખ્રિસ્તી ધર્મની વય જેટલી વયનો કૃશકાય વૃદ્ધજન છે. એ અંધ છે. છતાં એનામાં મરુભૂમિમાં જલની આશા-અપેક્ષા છે. જોકે જલ માટેનો પ્રયત્ન નથી. તાઈરેસિઆસ તો જેરોન્શનથી પણ વધુ મોટી વયનો, ગ્રીક સંસ્કૃતિની વય જેટલી વયનો, ત્રણેક હજાર વર્ષની વયનો વૃદ્ધજન છે. એ પણ અંધ છે. પણ એ દ્રષ્ટા છે, ક્રાન્તદર્શી છે. એથી એનામાં મરુભૂમિમાં જલની આશા-અપેક્ષા છે એટલું જ નહિ પણ જલ માટેની પૂર્વશરતોનું પાલન થાય તો જલનું વચન પણ છે. ૧૯૨૭માં એલિયટે ધર્મપરિવર્તન કર્યું, ઍંગ્લો-કૅથલિક ધર્મ અંગીકાર કર્યો. પછી ‘Ash Wednesday’ અને ‘Four Quartets’માં હવે એલિયટ સ્વયં કાવ્યનાયક છે. એમાં મહોરું નથી. એમાં એલિયટનો પોતાનો અવાજ છે. આધ્યાત્મિક જલના આગમન અને અભિષેક પછી હવે આ કાવ્યોમાં મરુભૂમિ નથી, પણ પ્રેમ, શ્રદ્ધા અને ધર્મની ઉપવનભૂમિ, તપોવનભૂમિ છે. ‘Ash Wednesday’માં ધર્મપરિવર્તનની પ્રક્રિયા છે. ‘Four Quartets’માં ક્ષણિક અને શાશ્વત વિશેનું ચિન્તન છે. ‘Four Quartets’માં એલિયટનાં પૂર્વેનાં સૌ કાવ્યોનું પર્યવસાન છે, એલિયટની કવિતાની પરાકાષ્ઠા છે. ડેન્ટિએ બીઆત્રિસ અને ફ્લૉરેન્સમાંથી ‘લા કોમેદિઆ દિવિના’નું અને બૉદલેરે ઝાન દુવાલ અને પૅરિસમાંથી ‘લે ફ્લર દ્યુ માલ’નું સર્જન કર્યું છે તેમ એલિયટે વિવિયન અને લંડનમાંથી એમની કાવ્યત્રયીનું સર્જન કર્યું છે. એલિયટની આ ‘લા કોમેદિઆ દિવિના’નો ઇન્ફર્નો છે ‘The Waste Land’, પર્ગેતોરિઓ છે ‘Ash Wednesday’ અને પેરેદિસો છે ‘Four Quartets’. એ પછી એલિયટે અનિવાર્યપણે કવિતાનું નહિ, પણ નાટકોનું સર્જન કર્યું છે. એલિયટ બૉસ્ટનમાં વિદ્યાર્થી હતા ત્યારથી એમને નાટકમાં, પદ્ય-નાટકમાં સક્રિય રસ હતો. આરંભમાં એમણે અપૂર્ણ પદ્યનાટક ‘Sweeney Agonistes’માં બોલચાલની ભાષા અને જાઝ સંગીતના લયમાં સંવાદોનો તથા ‘The Rock’માં વૃન્દગાન — કોરસનો પ્રયોગ કર્યો. પછી એમણે પાંચ પદ્યનાટકોનું સર્જન કર્યું છે  ‘Murder in the Cathedral’, ‘The Family Reunion’, ‘The Cocktail Party’, ‘The Confi-dential Clerk’ અને ‘The Elder Statesman’. એ દ્વારા એમણે ૧૭મી સદીમાં અંગ્રેજી ભાષામાં પદ્યનાટકનું પતન થયું પછી, ત્રણ સદી પછી, એનો સફળ અને સમૃદ્ધ પુનરુદ્ધાર કર્યો છે. એમના અંતિમ નાટક ‘The Elder Statesman’માં મોનિકા અને ચાર્લ્સના બાલવત્ પ્રેમમાં પ્રુફ્રૉકના પ્રબળ પ્રશ્નનો ઉત્તર છે અને લૉર્ડ ક્લેવર્ટનના મૃત્યુમાં એલિયટનો મોક્ષ છે. જેમ સૉફોક્લીસમાં ‘Oedipus at Colonus’ અને શેક્સ્પિયરમાં ‘The Tempest’ તેમ એલિયટમાં ‘The Elder Statesman’ એમના સમગ્ર જીવન અને કવનનું ભરતવાક્ય છે. એલિયટમાં સર્જક કલ્પના અને વિશ્લેષક બુદ્ધિમત્તાનું — creative imagination અને critical intelligenceનું વિરલ એવું મિલન છે. એલિયટનું વિવેચન એ સક્રિય કવિનું વિવેચન છે, કવિની કાર્યશાળાનું વિવેચન છે. ‘Workshop criticism’ છે. એલિયટે અઢળક વિવેચન કર્યું છે. એમાં ‘Selected Es-says’, ‘After Strange Gods’, ‘The Use of Poetry’, ‘On Poetry and Poets’ અને ‘To Criticize the Critic’ — આ પાંચ વિવેચનસંગ્રહોમાં એમનું મુખ્ય વિવેચન છે. એમાં અનેક ભાષાના અનેક સમયના કવિઓ-નાટકકારો તથા કાવ્યો-નાટકો પ્રત્યેનો એમનો પ્રતિભાવ અને કાવ્યનાટક-સર્જનની પ્રક્રિયા વિશેની એમની સૂઝસમજ પ્રગટ થાય છે. આ વિવેચન દ્વારા એમણે પોતાનાં કાવ્યો-નાટકોનો અવબોધ અને આસ્વાદ કરવા માટે ભાવકોની રસરુચિનું શિક્ષણ કર્યું છે. એલિયટનું સર્જન અને વિવેચન પરસ્પરને ઉત્તેજક અને ઉપકારક છે. એલિયટે એમના સમગ્ર સાહિત્યિક વિવેચનમાં સવિશેષ એમના સામાજિક વિવેચન — ‘The Literature of Politics’, ‘The Idea of a Christian Society’ અને ‘Notes Towards the Definition of Culture’માં રાજ્ય, ધર્મ અને સંસ્કૃતિ વિશે સતત ચિંતન કર્યું છે. એલિયટ એટલે વિચારો, ભય અને શંકાના આપણા આ ચિંતાયુગમાં એક અટૂલા ઓછાબોલા સંયમી સંસ્કૃતિપુરુષના ધર્મ અને સંસ્કૃતિ વિશેના માર્મિક અને મૂલ્યવાન વિચારો. એમનાં સર્જનોમાં સઘન કલ્પનો અને પ્રતીકો દ્વારા સમુચિત લયયુક્ત બાનીમાં આ વિચારો વ્યક્ત થાય છે. એલિયટનું સર્જન એટલે ‘Idea through Image’, ‘Music of Ideas’, ‘Musical Thought’ — કલ્પન દ્વારા વિચાર, વિચારોનું સંગીત, સંગીતમય વિચાર. આ સંસ્કારી સજ્જન તો હવે આપણી વચ્ચે નથી. પણ એમનાં આ વિચારો, કલ્પનો, પ્રતીકો, લયો — એમનું સમૃદ્ધ સર્જન તો હંમેશ માટે આપણી વચ્ચે છે. ઈસ્ટ કોકરમાં એમની સમાધિ છે. એની રાતા રંગની શિલા પર આ શબ્દો અંકિત થયા છે  ‘Remember Thomas Stearns Eliot, Poet’ — કવિ ટૉમસ સ્ટાર્ન્સ એલિયટનું સ્મરણ કરો. આજે અહીં આપણે એમનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ. ૧૯૬૫માં લંડનમાં વેસ્ટમિન્સ્ટર ઍબીમાં એલિયટના મૃત્યુ સમયે શોકસભામાં એઝરા પાઉન્ડે એમની અંજલિમાં અંતે જે વચન ઉચ્ચાર્યું હતું એનું આજે અહીં એલિયટની જન્મશતાબ્દી પ્રસંગે એટલી જ ઉષ્મા અને ઉત્કટતાથી પુનરુચ્ચારણ કરીએ  ‘READ HIM’ — એમને વાંચો!


૧૯૮૯

*