સ્વાધ્યાયલોક—૩/ઍથેન્સનું આતિથ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઍથેન્સનું આતિથ્ય

૧૯૮૨ની યુરોપયાત્રામાં ઑક્ટોબરની ૨૫મીથી ૩૧મી લગી સાતેક દિવસ હું ઍથેન્સમાં હતો. ઍથેન્સની વચ્ચોવચ, નગરના મધ્યભાગમાં, ઍથેન્સના હૃદય જેવા રાજકીય કેન્દ્ર સીન્તાગ્માની પશ્ચિમ દિશામાં નિકટમાં જ મિત્રોપોલિઓસ સ્ટ્રીટમાં હોટેલ ઇમ્પીરિયલમાં રહ્યો હતો. હોટેલના માલિક પંચોત્તેર-એંસી વરસની વયના વૃદ્ધજન જ્યૉર્જ ક્લિસુરિસ સાથે જોતજોતામાં જાણે કે વરસોના મુરબ્બી મિત્ર હોય એવો સંબંધ થયો હતો. એમના માર્ગદર્શનથી ૨૬મીએ સવારના નવથી ચાર લગી ત્રણેક કલાક CHATOURSના કોચમાં ઍથેન્સનાં કેટલાંક અગત્યનાં પ્રાચીન- અર્વાચીન પૌરાણિક-ઐતિહાસિક સ્થળોનો પ્રથમ પરિચય કરવાનો કાર્યક્રમ કર્યો હતો. પછીથી આ જ સ્થળો તથા અન્ય એવાં જ અગત્યનાં સ્થળો પગે ચાલીને જોવાનો ઉપક્રમ હતો. ૨૭મીએ આ જ કંપનીના કોચમાં ડેલ્ફી ગયો હતો. ૨૮મીએ પગે ચાલીને સૌપ્રથમ તો ઍક્રોપોલિસ જવું અને પાર્થેનોન તથા અન્ય ભવ્યસુન્દર સ્થાપત્યોનું નિરાંતે દર્શન કરવું એમ વિચાર્યું હતું. દિવસ સ્વચ્છ અને ઊજળો હતો. ખુશનુમા તડકો હતો, પવન પણ હતો. પણ ઑક્ટોબરની ૨૮મીનો દિવસ તો ગ્રીસનો Ochi Day — ઓચી ડે — નન્નાનો દિવસ, રાષ્ટ્રીય દિવસ, રાષ્ટ્રીય રજાનો દિવસ. (ગ્રીસમાં ભારતમાં છે તેમ બે રાષ્ટ્રીય દિન છે. માર્ચની ૨૫મીનો દિવસ એ ગ્રીસનો સ્વાતંત્ર્યદિન. ૧૪૫૬માં ઑટોમાન તુર્કોએ ગ્રીસ પર વિજય પ્રાપ્ત કર્યો અને લગભગ ચારસો વરસ લગી એમણે ગ્રીસ પર રાજ્ય કર્યું. પછી ૧૮૨૧માં માર્ચની ૨૫મીએ આ વિદેશી શાસનની વિરુદ્ધ ગ્રીક પ્રજાએ સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કર્યો. ૧૮૨૭માં ઑક્ટોબરની ૨૦મીએ અંગ્રેજ, ફ્રેન્ચ અને રશિયન નૌકાસૈન્યે તુર્કોના નૌકાસૈન્યનો નાશ કર્યો અને અંતે ૧૮૨૯માં આ ત્રણ મિત્રરાજ્યોની સહાયથી ગ્રીસે એનું સ્વાતંત્ર્ય સિદ્ધ કર્યું. એથી ગ્રીસમાં માર્ચની ૨૫મીનો દિવસ સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવાય છે. ૧૯૩૯-૧૯૪૫ના દ્વિતીય વિશ્વયુદ્ધમાં ૧૯૪૦માં ઑક્ટોબરની ૨૮મીએ મુસોલિનીએ ગ્રીસને આખરીનામું આપ્યું, ‘શરણે થાઓ !’ ગ્રીસના સરમુખત્યાર સેનાપતિ જૉન મેતાક્લાસે મુસોલિનીને મર્દાનગીની ના સુણાવી. પછી ૧૯૪૧ના એપ્રિલની ૨૭મીએ મુસોલિનીએ હિટલરની સહાયથી ગ્રીસ પર વિજય પ્રાપ્ત કર્યો, અને જર્મન સૈન્યે ગ્રીસ પર વર્ચસ્‌ સિદ્ધ કર્યું. પછી ૧૯૪૪ના ઑક્ટોબરમાં મિત્રરાજ્યોના સૈન્યનું ગ્રીસમાં આગમન થયું અને શત્રુરાજ્યોના સૈન્ય પર એમનું આક્રમણ થયું. એમની સહાયથી ગ્રીક સામ્યવાદી પક્ષોએ જર્મન સૈન્યનો અને એમના વર્ચસ્‌નો સતત પ્રતિકાર કર્યો. અંતે પ્રતિકાર કર્યા વિના જ જર્મન સૈન્ય ગ્રીસમાંથી વિદાય થયું. અને જર્મન વર્ચસ્‌માંથી ગ્રીસ મુક્ત થયું. એથી ગ્રીસમાં ઑક્ટોબરની ૨૮મીનો દિવસ ‘ઓચી’ દિન — ગ્રીક ભાષામાં ‘Ochi’ એટલે ‘ના’ — નન્નાનો દિવસ — રાષ્ટ્રીય દિન, રાષ્ટ્રીય રજાનો દિન — તરીકે ઊજવાય છે.) એટલે વહેલી સવારે તૈયાર થયો અને સાડા સાતેક વાગ્યે નીચે ભોંયતળિયે આવીને કાઉન્ટર પર જ્યૉર્જને પૂછ્યું, ‘To-day is ‘Ochi’ Day. Will Acropolis be closed today ?’(આજે ઓચી દિન છે. ઍક્રોપૉલિસ આજે બંધ હશે ?) એમણે કહ્યું, ‘I don’t think so.’ (હું માનતો નથી કે બંધ હોય.) ઍક્રોપોલિસ પર જઈને જ તપાસ કરું એમ વિચાર્યું અને ઍક્રોપોલિસ ભણી પ્રયાણ કર્યું. હોટેલની દક્ષિણ દિશામાં પ્લાકા (પ્રાચીન ઍથેન્સ)માં ગ્રીક ઑર્થોડોક્સ ચર્ચ મિત્રોપોલિસથી ઍરેક્થેઓસ અને થ્રાસિલુના રસ્તા પરથી રાષ્ટ્રીય માર્ગ જેવા વિશાળ દિઓનિસિયુ આરેઓપાગિતુના એવન્યુ પર આવીને ઍક્રોપોલિસ પર આવી પહોંચ્યો. ટેકરી પર જવાનાં પગથિયાંની નિકટ ફૂટપાથ પર એક ભાઈ ઊભા હતા. એમણે મને અંગ્રેજીમાં પૂછ્યું, ‘Do you want a guide ?’ (તમારે માર્ગદર્શક જોઈએ છે ?). ગ્રીસનું એકતૃતીયાંશ હૂંડિયામણ પ્રવાસીઓ અને પ્રવાસનમાંથી આવે છે. અન્ય એકતૃતીયાંશ હૂંડિયામણ ઑલિવ તેલની નિકાસમાંથી અને બાકીનું એકતૃતીયાંશ હૂંડિયામણ વહાણવટાના ઉદ્યોગમાંથી આવે છે. પ્રતિવર્ષ લાખો પ્રવાસીઓ–સવિશેષ તો કરોડો ડૉલર અને પાઉન્ડ સાથે અમેરિકન અને અંગ્રેજ પ્રવાસીઓ — ગ્રીસ આવે છે, એથી પ્રવાસીઓ અને પ્રવાસન સાથે જેમને સંબંધ છે એવા અસંખ્ય ગ્રીક નાગરિકો અંગ્રેજી જાણે છે. ઍથેન્સની લગભગ એકેએક દુકાન પર સૂચના હોય છે ઃ English is spoken here. (અહીં અંગ્રેજીમાં વ્યવહાર થાય છે.) તરત સમજી ગયો કે આ ભાઈ ‘ગાઈડ’ છે અને એ પણ સમજી ગયો કે આજે ઍક્રોપોલિસ બંધ નથી. પણ એક્રૉપોલિસ તો સવારના નવ વાગ્યાથી ખૂલે છે અને હજુ તો માંડ આઠ વાગ્યા છે. વચમાં એકાદ કલાક છે. એટલે થયું કે એક્રોપોલિસની પૂર્વ દિશામાં નિકટમાં Stadio — Sta-dium — સ્ટેડિયમ છે એવું ૨૬મીએ સવારના કોચમાં પ્રવાસ કર્યો ત્યારે જાણ્યું હતું અને દૂરથી ઊડતી નજરે જોયું પણ હતું એનું સ્મરણ થયું. તો આ એકાદ કલાક સ્ટેડિયમ અને આસપાસનાં પ્રસિદ્ધ સ્થળો નિકટથી વિગતે અને નિરાંતે જોઉં એમ વિચાર્યું અને પાછો દિઓનિસિયુ આરેઓપાગિતુ એવન્યુ પર એ દિશામાં ચાલ્યો. આજે જે સ્થળે સ્ટેડિયમ છે તે લોફોસ આર્દિતુ — આર્ડેતસની ટેકરી–પર પ્રાચીન કાળનું સ્ટેડિયમ હતું. ઈ. પૂ. ૩૩૦માં લાઇકરગસે (Lycurgus) એનું આયોજન કર્યું હતું. તે પૂર્વે અહીં પૌરાણિક નદી ઇલિસોસ (Ilissos) વહેતી હતી. લગભગ પાંચસો વરસ પછી ઈ. ૧લી સદીમાં હેરોદેસ આતિકસે (Herodes Atticus) એને પેન્તેલિકોન (આરસનો પહાડ)ના આરસથી જડ્યું હતું. ઈ. પૂ. ૧૪૬થી ઈ. ૧૨૦૪ લગી ગ્રીસ પર રોમન પ્રજાએ રાજ્ય કર્યું હતું. ત્યારે ઈ. ૧૨૦-૧૨૮માં સમ્રાટ હેડ્રિઅન ઍથેન્સમાં વસ્યા હતા. એમણે ઍથેન્સનો પુનરુદ્ધાર કર્યો હતો અને અનેક નવી ઇમારતો રચાવી હતી. આ લોકપ્રિય તથા ઍથેન્સપ્રિય સમ્રાટના માનમાં ઍથેન્સમાં વિજયતોરણ (Arch) રચવામાં આવ્યું હતું. આજે પણ એ તોરણના અવશેષો અસ્તિત્વમાં છે. હેડ્રિઅને સ્ટેડિયમમાં રોમની લોકપ્રિય રમતો દાખલ કરી હતી અને ગ્લેડિએટર્સ સાથે લડાવવા માટે અસંખ્ય વન્ય પશુઓ પરદેશથી મંગાવ્યાં હતાં. પછી લગભગ અઢારસો વરસ પછી ૧૮૯૬માં ઍથેન્સમાં પ્રાચીન ઑલિમ્પિક રમતોત્સવનું પુનરુત્થાન થયું ત્યારે ઉત્સવપ્રિય આશ્રયદાતા એવેરોફે (Averoff) એનું પુનઃનિર્માણ કર્યું હતું. પ્રાચીન કાળના સ્ટેડિયમની જેમ આ અર્વાચીન સ્ટેડિયમનો પણ U-આકાર છે. એની છસો ફૂટની લંબાઈ છે. એમાં સિત્તેર હજાર પ્રેક્ષકો માટેની બેઠકવ્યવસ્થા છે. સમગ્ર સ્ટેડિયમ આરસથી જડ્યું છે. ૧૮૯૬માં એનું ઉદ્ઘાટન થયું ત્યારે બાર રાષ્ટ્રોના ક્રીડાવીરોએ પ્રથમ ઑલીમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ ઇતિહાસનું સ્મરણ કરતો કરતો અને ઑલીમ્પિયા, ડેલ્ફી, આર્ગોલિસ અને કૉરિન્થના એ ચાર પ્રાચીન ગ્રીક રમતોત્સવો (Pan-athenaic Games), એની રમતો, એના ક્રીડાવીરો તથા એમની સ્પર્ધાઓ અને સિદ્ધિઓ, એમની પ્રશસ્તિમાં પિન્ડારનાં ભવ્યસુંદર સ્તોત્રો વગેરે વિશે કલ્પના કરતો કરતો એવન્યુ પરથી ક્યારે આગળના લેઓફોરોસ આમાલિઆસના માર્ગ પર આવી પહોંચ્યો અને ત્યાંથી આગળ ને આગળ ચાલતો ચાલતો ક્યારે પાછો સીન્તાગ્મા પર આવી પહોંચ્યો એનું સહેજ પણ ભાન ન રહ્યું. જોઉં છું — જાણે અર્ધસ્વપ્નમાંથી જાગીને જોઉં છું તો આમ વર્તુળાકાર ગતિમાં ચાલતો ચાલતો જ્યાંથી સવારના સાડા સાતેક વાગ્યે નીકળ્યો હતો લગભગ ત્યાં જ પાછો આવીને ઊભો હતો. તો પછી સ્ટેડિયમ ક્યાં ગયું ? થયું કે રસ્તામાં વચમાં ક્યાંક ચૂકી ગયો. સમય વ્યર્થ ન થાય એટલા માટે થયું — કોઈને પૂછવું કે સ્ટેડિયમ ક્યાં છે ? રાષ્ટ્રીય રજાનો દિવસ હતો અને વહેલી સવારનો સમય હતો. એટલે રસ્તા પર આછી અવરજવર હતી. ક્યાંક કોઈ એકલદોકલ માણસ કે એકલદોકલ વાહન હતું. (ગ્રીસની કુલ વસ્તી લગભગ એંસી લાખ છે. ઍથેન્સની વસ્તી લગભગ ત્રીસ લાખ છે. સમગ્ર રાષ્ટ્રની લગભગ એકતૃતીયાંશ વસ્તી એકલા ઍથેન્સમાં છે. પ્રતિવર્ષ પચાસેક લાખ પ્રવાસીઓ ઍથેન્સ આવે છે. ઍથેન્સમાં ત્રણેક લાખ ખાનગી મોટરો છે અને પંદરેક હજાર ટૅક્સીઓ છે.) સીન્તાગ્મા સ્ક્વેરના દક્ષિણ-પૂર્વ દિશાના ફૂટપાથ પર એક ન્યુઝસ્ટૉલ ખુલ્લો હતો. (અઢી હજારેક વરસથી ગ્રીક લોકશાહીના આરંભથી ગ્રીક પ્રજાને રાજકારણમાં તીવ્ર રસ છે એથી ઍથેન્સમાં પંદરેક દૈનિકો પ્રગટ થાય છે.) મેં એના ત્રીસ-પાંત્રીસ વરસની વયના માલિકને ‘Good Morning and Happy Ochi Day’ કહ્યું. એમણે મને અંગ્રેજીમાં ‘Good Morning’ કહ્યું. પછી મેં એમને પૂછ્યું, ‘Could you tell me where the Stadium is ?’ (સ્ટેડિયમ ક્યાં છે તે મને કહેશો ?) એમણે મને સામેથી પૂછ્યું, ‘Which way did you come ?’ (તમે કયા રસ્તેથી આવ્યા ?). મેં કહ્યું, ‘From Acropolis via D. A. and L. A.’ (એક્રૉપૉલિસથી દિ. આ. અને લે. આ.ના રસ્તેથી) એમણે મને કહ્યું, ‘You missed the Stadium on your way. Where D. A. ends and L. A. begins, there is a street called Leoforos Olgas. You passed by it, It was on your right. You missed it. There you should have turned right and walked into it a little and on your right you would have found the Stadium. Now I will show you a short cut to the Stadium. From here walk back on L. A. a little and on your left you will find an entrance to Ethnikos Kipos-our National Garden. Get into the Garden. There are winding paths in it, but at the centre of the Garden is Zappion — National Exhi-bition Hall. Continue to walk straight on all along the path, leaving the Hall on your left, and at the other end of the path there is another entrance, get out through it, cross the road and you will find yourself standing just in front of the Stadium.’ (રસ્તામાં તમે સ્ટેડિયમ ચૂકી ગયા. જ્યાં દિ. આ. પૂરો થાય છે અને લે. આ. શરૂ થાય છે ત્યાં લેઓફોરોસ ઓલ્ગાસ નામનો રસ્તો છે. તમે એને તમારી જમણી બાજુ મૂકીને-ચૂકીને આગળ ચાલી આવ્યા. તમારે જમણી બાજુએ રસ્તામાં વળી જવાનું હતું. થોડુંક જ ચાલવાનું હતું. તરત જ તમારી જમણી બાજુ તમે સ્ટેડિયમ પર આવીને ઊભા હોત. હું તમને હવે સ્ડેડિયમ જવાનો ટૂંકો રસ્તો બતાવું. અહીંથી તમે લે. આ. પર પાછા જાઓ, થોડુંક ચાલશો ત્યાં તમારી ડાબી બાજુ એથ્નિકોસ કિપોસ–અમારા રાષ્ટ્રીય ઉદ્યાન–નો દરવાજો આવશે. ઉદ્યાનમાં દાખલ થજો. ઉદ્યાનમાં વાંકાચૂંકા રસ્તા છે. પણ ઉદ્યાનની વચ્ચોવચ ઝાપિઓન–અમારો રાષ્ટ્રીય પ્રદર્શન હૉલ છે. એને તમારી ડાબી બાજુ મૂકીને સીધા સીધા જ ચાલ્યા જજો. રસ્તાને બીજે છેડે બીજો દરવાજો છે. ત્યાંથી ઉદ્યાનની બહાર નીકળી જજો, પછી રસ્તો છે તે ઓળંગી જજો. તમે બરોબર સ્ટેડિયમની સામે આવીને ઊભા હશો.’ મેં એમને કહ્યું,‘Thank you very much and good day to you.’ (તમારો ખૂબ ખૂબ આભાર અને તમને સુદિન). એમણે પણ મને કહ્યું, ‘Good luck and good day to you too.’ (સુભાગ્ય અને તમને પણ સુદિન). અને એમની સૂચના પ્રમાણે જે રસ્તે અહીં આવ્યો હતો તે રસ્તે પાછો ફર્યો અને લે. આ. પર થોડુંક ચાલ્યો ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યો. ત્યાં અચાનક પછવાડેથી એક ધીમો અવાજ આવ્યો, ‘Gentleman ! stop !’ (ભાઈ ! ઊભા રહેજો !). કંઈક આશંકા અને આશ્ચર્ય સાથે તરત જ હું ઊભો રહી ગયો. પછવાડે જોઉં છું તો પંચોતેર-એંશી વરસની વયના એક વૃદ્ધજન. સૂટ, ટાઇ અને હૅટમાં સુસજ્જ એવા એક સજ્જન. એમણે એકદમ મારી પાસે આવીને રાષ્ટ્રીય ઉદ્યાન ભણી હાથ લંબાવીને મને કહ્યું, ‘That is our National Garden. This is the entrance. Over there, in the centre is the National Exhibition Hall. You can see it from here. Walk straight on from here all the way on this path, leaving the Hall on your left and at the other end of the path is another entrance that faces the Stadium.’ (આ અમારું રાષ્ટ્રીય ઉદ્યાન. આ એનો દરવાજો. ત્યાં વચ્ચોવચ રાષ્ટ્રીય પ્રદર્શન હૉલ છે. તમે અહીંથી એ જોઈ શકો છો. અહીંથી સીધા સીધા આ રસ્તા પર ચાલ્યા જજો. હૉલને તમારી ડાબી બાજુ મૂકીને આગળ સીધા સીધા ચાલ્યા જજો. રસ્તાને બીજે છેડે બીજો દરવાજો છે, સ્ટેડિયમ બરોબર એની સામે છે.) હવે આશંકા વિના પણ વધુ આશ્ચર્ય સાથે મેં એમને પૂછ્યું, ‘Thank you very much. But how did you know I was looking for all this ?’ (તમારો ખૂબ ખૂબ આભાર. પણ હું આ બધું શોધી રહ્યો છું તે તમે ક્યાંથી જાણ્યું ?). એમણે મને કહ્યું, ‘I overheard your conversa-tion with the man at the news-stall near the Square. So I followed you. To-day is a holiday. I am not partic-ularly busy. I thought I could help you. So I followed you. In case you missed it all once again !’ (સ્ક્વેર પાસેના ન્યુઝસ્ટૉલ પર પેલા ભાઈ સાથેનો તમારો સંવાદ હું સાંભળી ગયો હતો. એટલે હું તમારી પાછળ પાછળ આવ્યો. આજે રજા છે. મારે ખાસ કંઈ કામકાજ નથી. મને થયું, હું તમને મદદ કરું, એટલે હું તમારી પાછળ પાછળ આવ્યો. કદાચ તમે આ બધું ફરીથી ચૂકી જાઓ !). એમનો આભાર કયા શબ્દોમાં માનું ? એની મૂંઝવણમાં હતો. એટલે મેં એમને આટલું જ કહ્યું, ‘You are very kind. God bless you. !’ (તમે ખૂબ જ ભલા છો. ભગવાન તમારું ભલું કરે !). એ પાછા ફર્યા અને હું રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશીને આગળ ચાલ્યો. પછી તો સ્ડેડિયમ જોયું નિકટથી, વિગતે, નિરાંતે. પશ્ચિમ દિશામાં લેઓફોરોસ ઓલ્ગાસ પરથી પાછો લે. આ. પર આવ્યો. અહીં ઝ્યૂસનું મંદિર અને હેડ્રિઅનનું વિજયતોરણ જોયું. પછી દિ. આ. પર આવ્યો. અહીં ડાયોનીસસનું થિયેટર જોયું. દિ. આ. પર આગળ ચાલ્યો. અહીં ઓદેઓન (રોમન થિયેટર) જોયું. સહેજ આગળ ચાલ્યો. ત્યાં પાછો ઍક્રોપોલિસ પર જવાના પગથિયા પાસે આવ્યો. બારેક વાગ્યે ચડાણ કર્યું. ટેકરીની પશ્ચિમ દિશાની ટોચ પર એરીઓપેગસ જોયું. પછી ઍક્રોપોલિસ પર પ્રોપીલીઆ, ઍથીના નિકીનું મંદિર, પાર્થેનોન, એરેક્થીઓન, કેરીઆટિડ્ઝ, ઍક્રોપોલિસનું મ્યુઝિયમ વગેરેનું જગતનું સુન્દરતમ્ સ્થાપત્ય જોયું. પછી ઍક્રોપોલિસની ઉત્તર-પશ્ચિમ દિશામાં નીચે ઊતર્યો અને એગોરામાં ફર્યો. અહીં સ્ટોઆ, હીફીસ્ટસનું મંદિર, નવા દ્વાદશ દેવોની વેદી અને કેરોમિકોસનું કબ્રસ્તાન વગેરેનું સ્થળ જોયું. એગોરાની પશ્ચિમ દિશામાં પોલિગ્નોતુ તથા લીસિયુના રસ્તા પરથી પાછો સવારના જે રસ્તે આવ્યો હતો તે એરેક્થેઓસના રસ્તે ત્રણેક વાગ્યે મિત્રોપેલિઓસ સ્ટ્રીટમાં હોટેલ પર પાછો આવી ગયો. સાંજે પાર્થેનોનના પિક્ચર-પોસ્ટકાર્ડ પર ઉમાશંકરને પત્ર લખ્યો, ‘લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમ જોયું. પૅરિસમાં લુવ્ર જોયું. રોમમાં વૅટિકન મ્યુઝિયમ જોયું. પણ ઍથેન્સમાં ઍક્રોપોલિસ જોયું એવું કશું ક્યાંય ન જોયું.’ સવારના નવથી બપોરના અઢી લગી સ્ટેડિયમથી એગોરા લગી ફર્યો, ત્યારે વારંવાર પેલા વૃદ્ધજનની સ્મૃતિ ચિત્તમાં ચમકી રહી હતી. વારંવાર એમના આતિથ્યને મનોમન વંદન કર્યું હતું. આજે અહીં એને શબ્દસ્થ કરું છું. ‘XENOS’ (ક્સેનોસ)–માત્ર ગ્રીક ભાષામાં જ આ એક એવો શબ્દ છે, જેના બે અર્થ થાય છે: પરદેશી અને મહેમાન અથવા આગંતુક અને અતિથિ. ગ્રીસમાં પ્રત્યેક પરદેશી સમગ્ર ગ્રીસનો મહેમાન છે. ગ્રીસમાં પ્રત્યેક આગંતુક સમગ્ર ગ્રીસનો અતિથિ છે.

કેવું આદર્શ, અપૂર્વ, અદ્વિતીય આતિથ્ય !
ઍથેન્સનું આતિથ્ય !

૧૯૯૧


*