સ્વાધ્યાયલોક—૩/જોર્જ સેફેરીસ
સેફેરીસ અર્વાચીન છે કારણ કે એમની કવિતા પરથી પ્રતીત થાય છે તેમ એ હોમર જેટલા પ્રાચીન છે અને સેફેરીસ ગ્રીક છે કારણ કે એમના જીવન પરથી પ્રતીત થાય છે તેમ એ યુરોપીય અને વિશ્વવ્યાપી છે. સેફેરીસનો જન્મ ૧૯૦૦માં સ્મીર્ના નામના નગરમાં. ત્યારે સ્મીર્ના ગ્રીક નગર હતું. નાનપણમાં નિશાળમાં તુર્ક ભાષાનો અભ્યાસ ન કર્યો પણ સમુદ્રના તરંગોની ચંચળ ગતિશીલ લિપિનો અભ્યાસ કર્યો. તક મળે ત્યારે એ મિત્રો સાથે નિશાળમાંથી નાસી જતા અને દરિયે ઘૂમતા. આ આયોનિયન સમુદ્રતટ પર એ રજાઓમાં ત્યાંના માછીમારો અને ખેડૂતો સાથે જે રસ અને પ્રેમપૂર્વક સંવાદો કરતા એમાં એમણે ગ્રીસનો સાચો પરિચય કર્યો. એટલેસ્તો પાછળથી એ કહેતા કે પોતાના દેશનો જેટલો પ્રમાણભૂત પરિચય આ માછીમારો અને ખેડૂતો પાસે છે એટલો રાજકારણના નેતાઓ પાસે નથી. સ્મીર્ના નગરમાં પ્રાચીન સંસ્કૃતિઓના અવશેષો છે. એમાં એમણે પ્રાચીન ગ્રીસનો પણ પરિચય કર્યો. આમ સ્મીર્નાના અવશેષો અને આસપાસના સમુદ્રતટ પરની પ્રજા પાસેથી પ્રાચીન અને અર્વાચીન ગ્રીસનો પરિચય પામ્યા એટલે પાછળથી ગ્રીક કવિ થવાનું શિક્ષણ પામ્યા. ૧૯૧૨માં તુર્કો પર ગ્રીક પ્રજાએ વિજય પ્રાપ્ત કર્યો. એના આનંદના આવેશમાં સેફેરીસ ઍથેન્સ નગરમાં આવીને વસ્યા. ઍથેન્સ એટલે આ આપણી પૃથ્વી પર સૌંદર્ય અને સ્વતંત્રતાનું એક ઉતમ પ્રતીક. સેફેરીસના વ્યક્તિત્વનો વિકાસ અહીં થયો. ૧૯૧૨થી ૧૯૧૭ લગી અહીંની શાળામાં અભ્યાસ કરતાં કરતાં સેફેરીસે પોતાના જીવનનું ઘડતર કર્યું. ૧૯૧૮માં સેફેરીસ પૅરિસ ગયા. અહીં કાયદાનો અભ્યાસ કર્યો, જે પાછળથી રાજદૂત તરીકે પોતાના દેશની સેવા એમણે કરી એમાં સાર્થક થયો. પૅરિસ એટલે યુરોપનું મગજ, બુદ્ધિજીવીઓનું મક્કા અને સર્જકોનું કાશી. અહીં ગ્રીસના આ સંતાને આધુનિક ફ્રેન્ચ સાહિત્ય દ્વારા અને સવિશેષ વાલેરી, પ્રુસ્ત અને જીદ દ્વારા તથા ૧૯મી સદીના પ્રતીકવાદી કવિઓ દ્વારા અને સવિશેષ લાફોર્ગ દ્વારા યુરોપનો પરિચય કર્યો. યુરોપના વિચારો અને લાગણીઓનો પરિચય કર્યો. આમ સેફેરીસ માત્ર ગ્રીસના જ નહિ પણ સારાયે યુરોપના નાગરિક થયા. ૧૯૨૨માં એમના જીવનનો પ્રથમ કરુણ પ્રસંગ બન્યો. એશિયા માઈનરમાંથી ગ્રીકોની હીજરત થઈ. સેફેરીસ પૅરિસમાં હતા. છતાં નિર્વાસિત બન્યા. અને જ્યારે પૅરિસમાં સમાચાર સાંભળ્યા કે ઍથેન્સમાં એમની માતાના ઘરની અગાશી પર ઘરબાર વિનાના ૫૦ ગ્રીક નિરાશ્રિતોને આશ્રય આપવામાં આવ્યો છે તે જ ક્ષણે સેફેરીસના શૈશવની સુવર્ણ સ્વપ્નસૃષ્ટિ ભાંગીને ભૂક્કા થઈ ગઈ. એક ગ્રીક પ્રજાજન તરીકે સેફેરીસે તીવ્ર વેદનાનો અનુભવ કર્યો. ૧૯૨૪માં સેફેરીસ પ્રથમવાર ઇંગ્લૅન્ડ ગયા. ત્યારે ખીસ્સામાં ફ્રેન્ચ અનુવાદ સહિતની હેમ્લેટની નકલ હતી. જે આજે હવે એમની પ્રિય નકલ છે. અંગ્રેજી ભાષાનો પરિચય ત્યારે આછો. ૧૯૨૫માં નિર્વાસિતોથી સભર એવા ઍથેન્સમાં આવ્યા. ૧૯૩૬માં ગ્રીક સરકારની વિદેશ કચેરીમાં કામગીરી સ્વીકારી અને રાજદૂત તરીકેની કાયમી કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૩૧થી ૧૯૩૪ લંડનમાં વાઇસ કોન્સલ અને હંગામી કોન્સલ તરીકે કામ કર્યું. અહીં એક પુસ્તકોની દુકાનમાં એલિયટના ‘મેરીના’ કાવ્યની નકલ હાથમાં આવી ગઈ. અને સેફેરીસને એમનો સમાનધર્મા સાંપડ્યો. ૧૯૩૧માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘The Turning Point’.(વળાંક) પ્રગટ થયો. પુરોગામી ગ્રીક કવિ પાલામાસને એ એટલો પ્રિય થઈ પડ્યો કે એમણે આ સંગ્રહને સમગ્ર ગ્રીક કવિતાના વળાંક તરીકે નવાજ્યો. ૧૯૩૪માં સેફેરીસ ઍથેન્સ આવ્યા. ૧૯૩૫માં બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૩૬માં ત્રીજો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. અને સાથે સાથે એલિયટનાં કાવ્યોનો ગ્રીક અનુવાદ પણ પ્રગટ થયો. ૧૯૩૭માં ચોથો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ વર્ષો સેફેરીસના કાવ્યસર્જનનાં સમૃદ્ધ વર્ષો છે. ૧૯૩૬થી ૧૯૩૮ આલ્બેનિયામાં કોન્સલ તરીકે કામ કર્યું. ૧૯૩૮માં ઍથેન્સ આવ્યા. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ થયું. અને આ યુદ્ધ દરમ્યાન યુરોપના અનેક દેશોની જેમ ગ્રીસનું પણ પતન થયું. ત્યારે ગ્રીક સરકારના પ્રતિનિધિ તરીકે એક અખબારી પરિષદ સમક્ષ ૧૯૪૧માં એપ્રિલની ૬ઠ્ઠીએ પોતાની અને પોતાની પ્રજાની આ મહાન વેદના એમણે આ વાણીમાં પ્રગટ કરી, ‘હવેથી યુરોપમાં એક નવા તંત્રનો આરંભ થાય છે. એનો અર્થ આપણે જાણીએ છીએ. એનો અર્થ છે અસંખ્ય નિર્દોષ નિર્બલ મનુષ્યોનો નાશ અને આ સિદ્ધ કરવા અનેક અસત્યો અને અમાનુષિતાનો આશ્રય. એનો અર્થ છે અનેક નાના રાષ્ટ્રોનો વ્યવસ્થિત હ્રાસ.’ એપ્રિલના અંતમાં સેફેરીસે ગ્રીક સરકાર સાથે ગ્રીસનો ત્યાગ કર્યો. ક્રીટમાં આવીને વસ્યા. ક્રીટનું પણ પતન થયું. ત્યારે ક્રીટનો ત્યાગ કર્યો અને કેરોમાં આવીને વસ્યા. ત્યાંથી દક્ષિણ આફ્રિકા ગયા. પ્રિટોરિયાના એલચીખાતામાં પ્રથમ મંત્રી થયા. ૧૯૪૪માં લંડન, કેરો અને રોમમાં વિદેશખાતામાં કામ કર્યું. ૧૯૪૪ના ઑકટોબરમાં હીટલરના પરાજયને કારણે ગ્રીસને યુદ્ધોત્તર સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું. એથી સેફેરીસ ઍથેન્સ આવ્યા. ૧૯૪૪ના ડિસેમ્બરમાં ગ્રીસમાં આંતરવિગ્રહ થયો. એથી સેફેરીસે ૧૯૪૬માં ગ્રીસમાં ફરીથી રાજાશાહીની સ્થાપના થઈ ત્યાં લગી આર્ચબીશપ ડામાસ્કીનોસના શેફ દયુ કાબીને તરીકે સેવાઓ આપી. અને ૧૯૫૭થી ૧૯૬૨ લગી લંડનમાં ગ્રીક એલચી તરીકે સેવાઓ આપી. ૧૯૨૨માં પોતાની પ્રજાનો નિર્વાસનનો અનુભવ અને વિશ્વયુદ્ધના વર્ષોમાં બે વાર પોતાનો નિર્વાસનનો અંગત અનુભવ એ સેફેરીસના જીવનનો મુખ્ય અનુભવ છે. આ જ અનુભવ એ આપણા યુગના મનુષ્ય માત્રનો અનુભવ છે. નિર્વાસિત થવું, નિર્મૂલ થવું એના જેવો જીવનનો કોઈ કરુણ અનુભવ નથી. અને આ વિશ્વવ્યાપી કરુણ અનુભવ એ સેફેરીસની કવિતાની પ્રેરણા છે. આ અનુભવની કરુણ સુંદર કવિતાને કારણે સેફેરીસ આ વર્ષના નોબેલ પ્રાઇઝના અધિકારી છે. ઊખડી જવું ને ખોડાવું, ખોડાવું ને ઊખડી જવું — આમ જીવન એ એક અનંત ખોજ છે, સ્વત્વ માટેની. એક અખંડ શોધ છે, સનાતન માટેની. સેફેરીસે એનું એક સુંદર કાવ્ય કર્યું છે: ‘ત્રણ ખડકો, થોડાંક બળેલાં પાઇન, એક ત્યજાયેલું દેવળ અને થોડેક ઊંચે એનો એ જ પ્રદેશ, ફરીથી શરૂ થાય — ત્રણ ખડકો, દરવાજા રૂપે, કટાયલા, થોડાંક બળેલાં પાઇન, કાળાં અને પીળાં, અને એક ચોરસ ઝૂંપડી, ચૂનામાં દટાયલી અને થોડેક ઊંચે એનો એ જ પ્રદેશ વારંવાર સ્તર ઉપર સ્તર છેક ક્ષિતિજ લગી, અંધારા આકાશ લગી. અહીં અમે નાવ નાંગર્યું, ભાંગેલાં હલેસાં સમારવા, પાણી પીવા અને ઉંઘવા. અમને કડવાઝેર કરનારો દરિયો ઊંડો છે ને વણખેડ્યો છે અને પારાવાર શાંતિ પ્રગટ કરે છે. અહીં કાંકરાઓમાં અમને એક મોતી મળ્યું એને માટે અમે પાસા નાંખ્યા. અમારામાંનો સૌથી નાનો જીત્યો અને ભાગી ગયો. ભાંગેલાં હલેસાં લઈને અમે ફરીથી ઊપડ્યા.’
૧૯૬૩