સ્વાધ્યાયલોક—૪/રવીન્દ્રનાથની કૃતિઓમાં બાલનિરૂપણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રવીન્દ્રનાથની કૃતિઓમાં બાલનિરૂપણ

રવીન્દ્રનાથને કોઈકે ઈશ્વર વિશે પ્રશ્ન પૂછ્યો તો ઉત્તરમાં એમણે કહ્યું કે જ્યાં લગી આ પૃથ્વી પર એક નવું બાળક જન્મે છે ત્યાં લગી ઈશ્વરને મનુષ્યમાં રસ છે, શ્રદ્ધા છે. અને એથી જ કવિને બાળકમાં રસ છે, શ્રદ્ધા છે. બાળક એ માનવજાતિની આશા છે, જગતની આવતીકાલ છે. વળી કવિમાં અને બાળકમાં એક પ્રકારનું સામ્ય છે અને તે કુતૂહલ. આપણને તો આપણે સૌ એક સમયે બાળક હતા એનું સ્મરણ જ રહેતું નથી, જ્યારે કવિને સતત રહે છે. કેટલાક સદ્ભાગી કવિઓ તો સદાય બાળક જેવા રહે છે. વળી બાળકપણું એ જીવનનો પ્રથમ અનુભવ છે. બાળકપણાનો અનુભવ જીવનના અન્ય કોઈ પણ અનુભવ કરતાં વધુ લાંબો સમય સ્મરણમાં રહે છે. આમ, અનેક કારણે બાળક એ સર્વત્ર અને સદાય કવિતાનો પ્રિય વિષય રહ્યો છે ને રહેશે. કોઈ કોઈ કવિ તો બાળકને કૃતિના કેન્દ્રસ્થાને પણ સ્થાપે છે. રવીન્દ્રનાથ કવિ લેખે તેમજ મનુષ્ય લેખે જીવનના આરંભથી તે અંત લગી બાળકને વીસર્યા નથી. ‘જીવનસ્મૃતિ’ અને ‘છેલેબેલા’ પરથી પ્રતીત થશે કે પોતાનું બાળપણ એમના સ્મરણમાં સદાય સજીવ હતું. એમની અનેક ગદ્યપદ્યકૃતિઓમાં એમણે બાલનિરૂપણ કર્યું છે. પણ ‘શિશુ’નાં કાવ્યોમાં અને ‘ડાકઘર’ નાટકમાં તો બાળક જ એકમાત્ર વિષય છે. એટલે રવીન્દ્રનાથે જેમાં માત્ર બાળક પર જ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે આ બે કૃતિઓ પર આપણે આપણું પણ ધ્યાન કેન્દ્રિત કરીએ. રવીન્દ્રનાથની આ બે કૃતિઓ વિશે ત્રણ દૃષ્ટિએ વિચાર કરી શકાય. એક તો રવીન્દ્રનાથના પોતાના જ બાળપણના અંગત અનુભવો અને સ્મરણોની દૃષ્ટિએ, પોતાના જ બાળપણ પ્રત્યેના પ્રેમ (nostalgic love)ની દૃષ્ટિએ; એટલે કે આત્મલક્ષી કૃતિઓ રૂપે, રોમેન્ટિક રચનાઓ રૂપે, રવીન્દ્રનાથે પોતાના બાળપણ પ્રત્યેના આ પ્રેમ વિશે વારંવાર એકરાર કર્યો છે. ૧૯૦૨માં પત્ની મૃણાલિનીદેવીનું અવસાન થયું. સંતાનોને સહાય દેવાનું અને એમની સંભાળ લેવાનું કર્તવ્ય પિતા ઉપરાંત માતા રૂપે પણ રવીન્દ્રનાથે બજાવ્યું. એક પુત્ર અને એક પુત્રીને ક્ષયનો રોગ હતો. રવીન્દ્રનાથ એમની સારવાર કરવા શાંતિનિકેતનથી આલ્મોડા જઈ વસ્યા. ૧૯૦૪માં આલ્મોડામાં પુત્રી રેણુકાનું અવસાન થયું. ૧૯૦૪માં મોંઘીરમાં પુત્ર શમીન્દ્રનું અવસાન થયું. કુટુંબ જીવનની આ કરુણ ઘટનાઓમાંથી, પત્નીના અવસાનથી ‘સ્મરણ’નાં કાવ્યોનું અને સંતાનોના અવસાનથી ‘શિશુ’ના કાવ્યોનું સર્જન થયું. માત્ર પિતા સ્વરૂપે જ નહિ પણ પત્નીના અવસાન પછી માતા સ્વરૂપે પણ સંતાનો પ્રત્યેનું કર્તવ્ય બજાવતાં બજાવતાં એમણે ‘શિશુ’નાં કાવ્યો રચ્યાં એથી એમાં બાળક વિશેનું જગતભરના સાહિત્યમાં વિરલ અને વિશિષ્ટ એવું દર્શન પ્રગટ થાય છે. રવીન્દ્રનાથે આ અનુભવ વિશે નોંધ્યું છે, ‘મારી આગળ માંદું બાળક હતું અને એ મરણપથારીએ પડ્યું હતું. મેં બાળકો વિશે શા માટે લખ્યું એ હું નથી જાણતો. મારે બાળકોના કવિ થવું પડ્યું અને એ માટે મારે મારા બાળપણ લગી પાછળ જવું પડ્યું.’ વર્ષો પછી એક સંવાદમાં એમણે એમ એકરાર પણ કર્યો, ‘જ્યારે હું કંટાળી જાઉં છું અને બધું બરોબર થતું નથી ત્યારે હું મારી ઉંમર, મારો અનુભવ, મારું જ્ઞાન — એ બધાથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરું છું ને મારા બાળપણમાં પાછો ફરું છું.’ ‘ડાકઘર’ વિશે પણ એમણે નોંધ્યું છે, ‘હું અત્યંત વ્યાકુળ હતો. એથી મને મુક્તિ માટે ઝંખતા બાળકનો અને એને બંધનોમાં બાંધવા મથતા જગતનો વિચાર આવ્યો. મારી વ્યાકુળતા અસહ્ય બની ગઈ. ત્રણચાર દિવસમાં જ ‘ડાકઘર’ લખી નાંખ્યું.’ વળી અમલના પાત્ર વિશે પણ એમણે એકરાર કર્યો છે કે પોતે જ અમલ છે. પણ અત્યારે આપણે આ દૃષ્ટિએ આ બે કૃતિઓનો વિચાર નહિ કરીએ. કારણ કે એમ કરતાં આ બન્ને કૃતિઓ સાહિત્યકૃતિઓ મટી જાય અને માત્ર માનસશાસ્ત્રીની નોંધપોથીઓ બની જાય. બીજી દૃષ્ટિએ આ કાવ્યોનો રૂપક (allegory) તરીકે વિચાર કરી શકાય. ‘શિશુ’નું અર્પણકાવ્ય અને ‘બિદાય’ બાલચિત્ત દ્વારા જ એનાથી પર અને પારના પ્રદેશનું સૂચન કરે છે એમ કહી શકાય. છતાં ‘શિશુ’નાં કાવ્યો રચ્યાં ત્યારે પોતાનું બાળપણ, પોતાનાં બાળકો — એટલી વાસ્તવિકતા તો કવિ સમક્ષ હતી જ. ‘ડાકઘર’ના અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનામાં ડબલ્યુ. બી. યેટ્સે નોંધ્યું છે કે લંડનમાં એમના અનેક મિત્રોએ એમાં વિગતે એક રૂપક જોયું હતું. પણ પછી એમણે કહ્યું છે કે કૃતિનો અર્થ એટલો બુદ્ધિપ્રધાન નથી, પણ ઊર્મિપ્રધાન અને સીધોસાદો સરલ છે અને ઉમેર્યું છે કે રવીન્દ્રનાથે બાળપણમાં એક ઉત્સવપ્રસંગે જે લોકગીત સાંભળ્યું એમાં મુક્તિની જે ઝંખના હતી તે આ કૃતિમાં છે. ‘ડાકઘર’માં રાજા, રાજાનો પત્ર, ડાકઘર, પાત્રો વગેરેમાં પ્રતીકો અને રહસ્યવાદી જીવનદર્શનના રૂપકનો અર્થ જોવો સુગમ અને સુલભ છે પણ રવીન્દ્રનાથે એ અર્થનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું, ‘આ નાટક મને પ્રિય છે અને બીજાં નાટકો જેવું નાટક જ છે. મારે મન એ વાસ્તવિક છે.’ અત્યારે આપણે આ દૃષ્ટિએ પણ આ બે કૃતિઓનો વિચાર નહિ કરીએ. કારણ કે એમ કરતાં પણ આ બન્ને કૃતિઓ સાહિત્યકૃતિઓ મટી જાય અને માત્ર ફિલસૂફની મીમાંસાઓ બની જાય. ત્રીજી દૃષ્ટિએ આ કૃતિઓનો માત્ર સાહિત્યકૃતિઓ તરીકે વિચાર કરી શકાય અને એ જ દૃષ્ટિ સૌથી વધુ ઉપયોગી, ઉપકારક અને ઉચિત છે. ‘શિશુ’ અને ‘ડાકઘર’માં એક કવિ અને નાટકકાર બાળક વિશે કાવ્યો અને નાટક રચવાનો પ્રયત્ન કરે છે એટલે ‘શિશુ’નાં કાવ્યોમાં અને ‘ડાકઘર’ નાટકમાં રવીન્દ્રનાથે કવિ અને નાટકકાર તરીકે કેવું બાલનિરૂપણ કર્યું છે, બાળક વિશે કેવી સૂઝસમજ પ્રકટ કરી છે, બાળકની મન:સૃષ્ટિનું કેવું રહસ્ય પ્રગટ કર્યું છે, એક જ શબ્દમાં બાળકનું કેવું દર્શન કર્યું છે એ વિશે થોડોક વિચાર કરીએ. ‘જીવનસ્મૃતિ’ના આરંભે જ રવીન્દ્રનાથે નોંધ્યું છે કે બંગાળી બાળપોથીના અને વૃદ્ધ મુનીમ કૈલાસનાં બાલરવીન્દ્ર વિષયક જોડકણાંએ તથા પેલા બાળકના પ્રસિદ્ધ ક્લાસિક ‘વૃષ્ટિ પડે ટાપૂર ટૂપૂર નદેય એલો બાન’ ગીતે પોતાના પર કેવી જાદુઈ ભૂરકી નાંખી હતી. ‘શિશુ’નાં કાવ્યો રચ્યાં તે પૂર્વે ‘સાત ભાઈ ચંપા,’ ‘વૃષ્ટિ પડે ટાપૂર ટૂપૂર’ અને ‘નદી’ વગેરે પ્રકીર્ણ રચનાઓ કરી હતી. આડવાતમાં અહીં નોંધી લઈએ કે ‘શિશુ’ પછી જેમાં શિશુને, બાળકને ભોળાનાથનું, શંકરનું સ્વરૂપ ગણ્યું છે તે ‘શિશુ ભોલાનાથ’ નામનો એક શિશુકાવ્યોનો આખો ને આખો સંગ્રહ પણ રચ્યો છે. ‘શિશુ’નાં કાવ્યો એકના એક વિષયનાં જૂજવાં રૂપ છે અને છતાં વાંચતાં વાંચતાં વાચકોનો રસ ઉત્તરોત્તર વધતો જાય એવું એમનું કાવ્યત્વ છે. એના પૂર્વાર્ધમાં રવીન્દ્રનાથ પોતાની નજરે એટલે કે મોટેરાની નજરે બાળકને જુએ છે અને ઉત્તરાર્ધમાં બાળકની નજરે પોતાને એટલે કે મોટેરાને જુએ છે. જોકે આ બન્ને પ્રક્રિયા કદાચ એકસાથે ચાલે છે એમ પણ કહી શકાય. અર્પણકાવ્યમાં કવિ કહે છે ઃ ‘જગત પારાવારેર તીરે 
 છેલેરા કરે મેલા!’ (જગત કેરા સાગરતીરે 
 બાળકનો આ મેળો!) તેઓ માત્ર રમે છે — રેતીના ઘર વડે, શંખલાં ને છીપલાં વડે, પાંદડાની હોડી વડે. મરજીવાની કે વાણિયાની વેપારવિદ્યા કે વ્યવહારવિદ્યા એમને ન આવડે. તેઓ તો માત્ર રમે. અંતે કવિ કહે છે ઃ ‘જગત પારાવારેર તીરે 
 છેલેરા કરે ખેલા! ઝંઝા ફિરે ગગનતલે, 
તરની ડૂબે સુદૂર જલે, 
મરનદૂત ઊડિયા ચલે, 
 છેલેરા કરે ખેલા! જગત પારાવારેર તીરે 
 શિશુર મહામેલા!’ 
(જગત કેરા સાગરતીરે 
 બાળકના આ ખેલો! નભમાં વાવંટોળિયો વાતો, 
જલમાં નાવનો સઢ જો ન્હાતો, 
મરણનો દૂત ઊડતો જાતો, 
 બાળકના આ ખેલો! 
જગત કેરા સાગરતીરે 
 બાળકનો મહામેળો!) આમ, પ્રથમ કાવ્યમાં જ મરણનો દૂત આવે ને જાય પણ બાળકનો મહામેળો તો જગતના સાગરતીરે જામતો જ રહેશે. બાળકની ચિરંજીવિતા, અમરતા કવિએ આરંભમાં જ ગાઈ છે. ‘જન્મકથા’ નામનું કાવ્ય જોઈએ. આ એક જ કાવ્યમાં રવીન્દ્રનાથે બાળક વિશેની પોતાની સૂઝસમજનો સાર આપી દીધો છે ઃ ‘ખોકા માકે શુધાય ડેકે ઃ 
‘એલેમ આમિ કોથા થેકે, 
કોનખાને તુઈ કુડિયે પેલિ આમારે?’ 
 મા શુને કય હેંસે કેંદે, 
ખોકારે તાર બૂકે બેંધે ઃ 
‘ઇચ્છા હયે છિલિ મનેર માઝારે!” 
(બાળક આતુર માને પૂછે ઃ 
‘ક્યાંથી રે હું આવ્યો? શું છે 
સાચું? ક્હેને ક્યાંથી લાવી મને?’ 
સાંભળીને મા હસી રડી, 
ક્હે છે બાળને હૈયે જડી ઃ 
‘ઇચ્છા રૂપે વસતો’તો તું મને!’) ‘તું તો મારા મનમાં ઇચ્છા રૂપે વસતો હતો.’ મા આગળ કહે છે ઃ ‘તું મારી બાળપણની ઢીંગલીઓમાં, શિવની મૂર્તિમાં, મારા ગૃહદેવતા ને ગૃહદેવીમાં, મારી આશાઓમાં, મારા પ્રેમમાં, મારી મા અને દાદીમાના પ્રાણમાં, મારા યૌવનરૂપી પ્રફુલ્લિત પ્રાણની સુરભિ રૂપે, મારાં તરુણ અંગોમાં લાવણ્ય રૂપે વસતો હતો.’ અંતમાં કહે છે ઃ ‘હારાઈ હારાઈ ભયે ગો તાઈ, 
બૂકે ચેંપે રાખતે જે ચાઈ, 
કેંદે મરિ એકટૂ સરે દાંડાલે! 
જાનિ ના કોન માયાર ફેંદે, 
વિશ્વેર ધન રાખબો બેંધે, 
આમાર એ ક્ષીન બાહુર દુટિ આડાલે!’ 
(ખોઈ બેસું એ ભયથી કાપું, 
છાતી સરસો નિત હું ચાંપું, 
રડતી રહું દૂર જો ચાલી જાય! 
જાણું ના શાય માયાફંદે, 
વિશ્વનું ધન આમ આનંદે, 
નાજુક મારા હાથમાં આવી માય?) ‘શિશુ’માં માત્ર બાળકનાં હાસ્ય અને આનંદ જ નથી, અશ્રુ અને શોક પણ છે. ‘અપયશ’માં કહે છે ઃ ‘બાછા રે, તોર ચક્ષે કેનો જલ?’ 
(લાડલા રે, તારી આંખમાં આંસુ? રોય?) 
‘બાછા રે, તોર સબાઈ ધરે દોષ?’ 
(લાડલા રે, તારો વાંક કાઢે સહુ કોય?) તો જાણે મા આ વાંકદેખાઓને રોકડું પરખાવતી હોય એમ ‘વિચાર’ કાવ્યમાં કહે છે ઃ ‘આમાર ખોકાર કત જે દોષ 
 તે સબ આમિ જાનિ!’ 
(મારા લાડલાનો જે વાંક હશે 
 તે સઘળો હું તો જાણું!) અને એ સારો છે માટે નહિ પણ મારો છે માટે હું એને ચાહું છું એમ કહીને જે સ્નેહ કરે તે સજા તો કરી શકે એમ અંતમાં કહે છે ઃ ‘શાસન કરા તારેઈ સાજે 
 સોહાગ કરે જે ગો!’ 
(વઢવાનું તો એમને છાજે 
 વ્હાલ કરે જે કોઈ!) રવીન્દ્રનાથના સમકાલીન મહાન જર્મન સર્જક રિલ્કેએ પણ કહ્યું છે કે શિક્ષા — શબ્દના બન્ને અર્થમાં શિક્ષા એટલે બાળકનું ખૂન કરવાનું વ્યવસ્થિત કાવતરું. આસપાસનાં પાત્રો અને પરિસ્થિતિ પ્રત્યે બાળકના પ્રત્યાઘાતોનો અહીં સ્પષ્ટ અને સંપૂર્ણ પરિચય થાય છે. ‘સમાલોચક,’ ‘નૌકાજાત્રા,’ ‘જ્યોતિષશાસ્ત્ર’ — કાવ્યોમાં જ્ઞાનપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિની ઠઠ્ઠામશ્કરીઓ અને ઠેકડીઓ ઉડાવી છે. ‘વિચિત્ર સાધ’માં ફેરિયો, માળી, ચોકીદાર થવાનાં, ‘છોટો બડો’માં મોટા લાગીને શિક્ષક, કાકા, માતાપિતાને આશ્ચર્યચકિત કરવાનાં, ‘વીરપુરુષ’માં વીરતાથી માતાનું રક્ષણ કરવાનાં સ્વપ્નો સાકાર થયાં છે. ‘રાજાર બાડી’માં અગાશી પર તુલસીના કુંડા પાસેના ખૂણામાં સ્વપ્નસૃષ્ટિ રચવાની, ‘કાગજેર નૌકા’ અને ‘માઝી’માં નાવિક થવાની અને ‘દુઃખહારી’માં દૂર દેશાવરથી માતા માટે સોનું, ઝવેરાત, ભાઈ માટે પંખાળો ઘોડો અને પિતા માટે જાદુઈ કલમ લાવવાની, ‘લુકોચુરી’માં ‘દુષ્ટુમિ કરે’ એટલે કે મઝાક ખાતર ચંપાનું ફૂલ બની માતાને સુગંધ અને છાયા રૂપે ઘેરીને મધુર રીતે મૂંઝવવાની રમતગમતોની અને તોફાનમસ્તીની નિર્દોષ કલ્પનાઓ કરી છે. તો ‘સમવ્યથી’માં જો હું ગલુડિયું બનીને આવું તો તું હાંકી કાઢીશ? ને પોપટ બનીને આવું તો બાંધી રાખીશ? તો તો હું તારી પાસે કદી નહિ આવું, — એમ પશુપંખી પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો છે અને ‘વિદાય’માં ‘જન્મકથા’ જેવું જ સુંદર પણ કરુણસુંદર કાવ્ય સિદ્ધ કર્યું છે. બાળકના જન્મ અને મૃત્યુ વિષયક એક જ છંદ અને સ્વરૂપનાં આ બે કાવ્યો પરસ્પરનાં પૂરક છે અને સંગ્રહનાં શ્રેષ્ઠ કાવ્યો છે. ‘જન્મકથા’માં માતાની દૃષ્ટિએ બાળકને જોયું છે તો ‘વિદાય’માં બાળકની દૃષ્ટિએ માતાને જોઈ છે, આરંભમાં બાળક કહે છે ઃ ‘તબે આમિ જાઈ ગો તબે જાઈ! 
 ભોરેર બેલા શૂન્ય કોલે, 
ડાકબિ જખન ખોકા બોલે, 
બલબો આમિ — નાઈ સે ખોકા નાઈ 
 મા ગો જાઈ!’ (જઈશ રે હું તો જઈશ! 
 વ્હાણું વાતાં ઘર આ સૂનું, 
સાદ તું દેશે, દૂરથી સુણું; 
ક્યાં છે તારો લાલ? હું એવું કહીશ! 
 જઈશ રે માડી, જઈશ!) પણ પછી બાળક કહે છે કે પવનની લહર બનીને, પાણીનું મોજું બનીને, વર્ષાની મર્મર બનીને, આકાશનો તારો બનીને, પૂનમની ચાંદની બનીને, નેત્રનું સ્વપ્ન બનીને, પૂજા સમયની બંસીનો સૂર બનીને એ માતાની પાસે જ રહેશે અને અંતમાં કહે છે ઃ ‘પૂજાર કાપડ હાતે કરે, 
 માશી જદિ શુધાય તોરે; 
‘ખોકા તોમાર કોથાય ગેલો ચલે?’ 
બલિસ — ખોકા સેકિ હારાય, 
આછે આમાર ચોખેર તારાય, 
મિલિયે આછે આમાર બૂકે કોલે!’ (પૂજાનું લઈ કપડું હાથે, 
માશી આવી વળશે વાતે; 
પૂછશે ઃ તારો લાલ ગયો ક્યાં ચાલી? કહેજે નથી ક્યાંય રે ગયો, 
આંખનો તારો આંખમાં રહ્યો, 
હૃદયમાં આ વ્હાલથી રાખ્યો ઝાલી!) ‘શિશુ’નાં કાવ્યોમાં છંદ, લય, શબ્દ, ભાવ, વિચાર, અલંકાર, પ્રતીક વગેરે બાળકને સફળતાપૂર્વક અને સંપૂર્ણતાપૂર્વક વ્યક્ત કરે છે. ‘ડાકઘર’ એ રવીન્દ્રનાથનું અને રવીન્દ્રભક્તોનું પ્રિય નાટક છે. બર્લિન, પૅરિસ, લંડન વગેરેમાં એના અનુવાદો સફળ ભજવાયા હતા. એમાં સળંગ ગદ્ય છે, ગીતો નથી, ભાષાની સરલતા અને સ્વાભાવિકતા કૃતિની કાચી સંકલના અને લાગણીવશતાને તથા એનાં હરતાંફરતાં હડફેટમાં આવે એવાં પરિચિત પાત્રો અને એમનો સુંદર સહાનુભૂતિભર્યો સંવાદ કૃતિના કટાક્ષને અને કારુણ્યને સહ્ય બનાવે છે. રવીન્દ્રનાથની પ્રતિભા કવિની છે, નાટકકારની નહિ. એટલે ‘ડાકઘર’ની નાટક તરીકેની મર્યાદાઓ સ્પષ્ટ છે પણ એને વટાવી જાય એવી અમલના પાત્રની વેધકતા છે. અમલનો બાળકઆત્મા મુક્તિ ઝંખે છે. આ ઝંખનાને વૈદ્ય રોગ કહે છે, મુખી હસી કાઢે છે, ને માધવ તો સમજતો નથી; પણ ઠાકુરદાદા, સુધા અને અન્ય પાત્રો સમજે છે અને સ્વીકારે છે. અમલ જેની આતુરતાથી અપેક્ષા કરે છે તે રાજાનો પત્ર એટલે કે મૃત્યુ આવે છે અને એના આદેશથી બધું જ મુક્ત બને છે. આમ, અંતે મૃત્યુ દ્વારા એક જગતમાં અમલનો પુનર્જન્મ થાય છે. અમલનું પાત્ર એ જ નાટકનો આત્મા છે, નાટકની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. ‘શિશુ’માં ‘ચાતુરી’ નામના કાવ્યમાં રવીન્દ્રનાથ કહે છે ઃ ‘આમાર ખોકા સકલ કથા જાને! 
 કિન્તુ તાર એમન ભાષા 
 કે બોઝે તાર માને!’ (બાળક તો આ બધીય વાતો જાણે 
 કિન્તુ એની વાણી 
 એને કોણ શકે છે જાણી?) બાળક તો બધું સમજે છે પણ બાળકને કોણ સમજે છે! ‘શિશુ’ અને ‘ડાકઘર’ પરથી કહી શકાય, અવશ્ય કહી શકાય કે રવીન્દ્રનાથ સમજે છે.

(‘ટાગોરની કવિતા અને નાટકમાં બાલનિરૂપણ’ શીર્ષકથી ઑલ ઇન્ડિયા રેડિયો, અમદાવાદ પરથી વાર્તાલાપ. જૂન ૧૯૫૬.)

*