સ્વાધ્યાયલોક—૪/સરોજિની નાયડુની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સરોજિની નાયડુની કવિતા

આપણા દેશમાં અંગ્રેજોના અમલ દરમ્યાન જેમ કેટલાક અંગ્રેજો હિન્દ વિશે સાહિત્ય લખવા પ્રેરાય તેમ કેટલાક હિન્દીઓ અંગ્રેજી ભાષામાં સાહિત્ય લખવા પ્રેરાય એ સ્વાભાવિક જ હતું. કિપલિંગ, ફોર્સ્ટર આદિએ કવિતા, વારતા અને નવલકથાનાં સ્વરૂપોમાં હિન્દને કેન્દ્રમાં રાખીને અંગ્રેજી ભાષામાં કેટલુંક ઉત્તમ સાહિત્ય લખ્યું. એમાં ફોર્સ્ટરની ૧૯૨૪માં પ્રગટ થયેલી નવલકથા ‘A Passage to India’ તો અંગ્રેજી ભાષાના એક શિષ્ટગ્રંથ તરીકેનું સ્થાન પામી ચૂકી છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન કેટલાક અંગ્રેજ કવિઓ સૈનિકો તરીકે હિન્દમાં હતા એમણે હિન્દ વિશે કેટલાંક સાચાં અને સુંદર કાવ્યો રચ્યાં હતાં એનો એક આખો સંચય ‘Poems from India’ને નામે પ્રગટ થયો છે. આ સૌ સર્જકોએ ભલે પરદેશ વિશે સાહિત્ય રચ્યું પણ જે ભાષામાં એમણે એ રચ્યું એ એમની સ્વભાષા છે. સ્વાભાવિક જ અંગ્રેજી સાહિત્યમાં એનું સ્થાન હોય! માત્ર જોસેફ કોનરેડ જ એક એવો અપવાદરૂપ સર્જક છે કે જેની સ્વભાષા પોલિશ છે, અંગ્રેજી નહિ, અને છતાં એણે અંગ્રેજીમાં જે સાહિત્ય રચ્યું છે એને અંગ્રેજી સાહિત્યમાં અંગ્રેજોએ હોંસે હોંસે, સહેજ પણ સંકોચ વિના, સ્થાન આપ્યું છે. એ એની અસાધારણ સર્જકતાને કારણે, એની અદ્વિતીય કલાને કારણે, એની પ્રતિભાને કારણે. જ્યારે તરુ દત્ત, અરવિંદ ઘોષ, સરોજિની નાયડુ વગેરેએ અંગ્રેજી ભાષામાં કવિતાનું સર્જન કર્યું એમાં વસ્તુ ભારતીય છે પણ એની ભાષા આ કવિઓની સ્વભાષા નથી એથી એને અંગ્રેજી સાહિત્યમાં સ્વાભાવિક જ સ્થાન નથી. એ અંગ્રેજી સાહિત્ય નથી પણ અંગ્રેજી ભાષામાં રચાયેલું ભારતીય સાહિત્ય છે. આપણી સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષામાં રચાયેલા સાહિત્યમાં અંગ્રેજીમાં રચાયેલા સાહિત્યને પણ સ્થાન આપ્યું છે એ અત્યંત સૂચક અને સુભગ ચિહ્ન છે. એટલે અત્યારે અહીં આપણે સરોજિની નાયડુની કવિતાનો ભારતીય કવિતા તરીકે વિચાર કરશું. કારણ કે જો આપણે એમ પ્રશ્ન પૂછશું કે સરોજિની નાયડુએ અંગ્રેજી કવિતામાં આપેલો ફાળો કેટલો? — તો અંગ્રેજો તો સ્પષ્ટ કહેશે અને સાચું કહેશે કે શૂન્ય. સરોજિની નાયડુના બીજા કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં એડમંડ ગોસે ત્રણવાર સરોજિનીનો Indian poet તરીકે સૂચક ઉલ્લેખ કર્યો છે. અને સરોજિની અંગ્રેજ કવિઓના યાંત્રિક અનુકરણથી મુક્ત એવું એક સાચા હિન્દી કવિ તરીકે સ્વતંત્ર મૌલિક સર્જન કરે એવી ચીમકી એમણે કુમળી વયનાં આ કવિને ક્રૂર લાગે તો પણ આરંભથી જ આપી હતી એનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલે અત્યારે અહીં આપણે સરોજિની નાયડુની કવિતાનો ભારતીય કવિતા તરીકે વિચાર કરશું. સરોજિની નાયડુનો જન્મ ૧૮૭૯ના ફેબ્રુઆરીની ૧૩મીએ દક્ષિણના હૈદરાબાદમાં, બંગાળના બ્રાહ્મણ કુટુંબમાં. પિતા એડીનબરો અને બોનમાં વિજ્ઞાનનો અભ્યાસ કરી નિઝામની સહાયથી હૈદરાબાદમાં નિઝામ કૉલેજના સ્થાપક આચાર્ય અને હસતા ફિલસૂફ અઘોરનાથ ચટ્ટોપાધ્યાય. માતા બંગાળીમાં કાવ્યો કરવાનો શોખ ધરાવનાર વરદાસુન્દરીદેવી. બાળપણમાં જ સરોજિનીને પિતા પાસેથી હાસ્યની અને માતા પાસેથી કાવ્યની ભેટ. સરોજિની મોટપણે ગણિતશાસ્ત્રી કે વિજ્ઞાની થાય એવી પિતાની ઇચ્છા. છ વર્ષની વયે અંગ્રેજીમાં ભૂલ પડતાં પિતાને હાથે માર. ત્યારથી ઘરમાં રોજ માતા સાથે માતૃભાષામાં પણ પિતા સાથે અંગ્રેજીમાં જ વાર્તાલાપ. અગિયાર વર્ષની વયે બીજગણિતનું મનોયત્ન કરતાં કરતાં મનમાં કાવ્યનું બીજ. બીજગણિતનું મનોયત્ન ન બેઠું ત્યારે કાવ્ય બેસી ગયું. બારમે વર્ષે મદ્રાસ યુનિવર્સિટીની મૅટ્રિક. તેરમે વર્ષે છ દિવસોમાં તેરસો પંક્તિનું કથાકાવ્ય અને પછી બે હજાર પંક્તિનું નાટ્યકાવ્ય અને અનંત એવો દક્ષિણના અબ્રાહ્મણ ગોવિન્દ રાજુલા નાયડુ સાથે પ્રેમ. બંને કુટુંબનો એની સામે વિરોધ. લગ્ન અટકાવવાના પ્રયત્નના પરિણામે રાજ્યની શિષ્યવૃત્તિની સહાયથી સોળમે વર્ષે ૧૮૯૫માં ઇંગ્લૅન્ડમાં નિવાસ. લંડનની કિંગ્સ કૉલેજમાં અને કેમ્બ્રિજની ગર્ટન કૉલેજમાં અભ્યાસ. લંડનનિવાસ દરમ્યાન અંગત પ્રેમના સુખદુઃખના અનુભવથી પ્રેરિત અંગ્રેજ રોમેન્ટિક કવિઓની શૈલીના અનુકરણમાં કવિતા અને સીમન્સ, ગોસ આદિ વિવેચકોનું મિલન. માંદગી. ઇટલીમાં પ્રવાસ. ઇટલીના કલાસૌંદર્યનું દર્શન. ૧૮૯૮માં સ્વદેશમાં. ગોવિન્દ રાજુલા નાયડુ સાથે લગ્ન. લગ્નજીવનનાં પ્રથમ પાંચ વર્ષમાં બે પુત્રો અને બે પુત્રીઓનો જન્મ. ૧૯૦૪માં કાવ્યોની હસ્તપ્રત સીમન્સના હાથમાં. ૧૯૦૫માં પ્રથમ કાવ્ય સંગ્રહ ‘The Golden Threshold’નું પ્રકાશન, આર્થર સીમન્સની પ્રસ્તાવના સાથે. ૧૯૧૨માં બીજા કાવ્યસંગ્રહ ‘The Bird of Time’નું પ્રકાશન, એડમંડ ગોસની પ્રસ્તાવના સાથે. ૧૯૧૪માં રોયલ સોસાયટી ઑફ લીટરેચરના સભ્યપદનો સ્વીકાર કરવા લંડનમાં હાજરી. ૧૯૧૬માં લખનૌ કૉંગ્રેસમાં હાજરી. ૧૯૧૭માં ત્રીજા અને છેલ્લા કાવ્યસંગ્રહ ‘The Broken Wing’નું પ્રકાશન, પોતાની પ્રસ્તાવના સાથે. ૧૯૧૭ પછી કાવ્યક્ષેત્રમાંથી વિદાય અને કાર્યક્ષેત્રમાં પ્રવેશ. શેષજીવન રાષ્ટ્રને સમર્પણ. હોમરૂલ આંદોલનથી સક્રિય કાર્યનો આરંભ. ૧૯૨૫માં કૉંગ્રેસ પ્રમુખ. પછી રાષ્ટ્રના કાર્ય અંગે અમેરિકા અને આફ્રિકામાં પ્રવાસ. ગાંધીજી અને તૈયબજીના કારાવાસ દરમ્યાન લડતની પ્રથમ વાર નેતાગીરી. ધારાસણામાં મહાકાવ્ય સમી વીરતા અને નાટ્યાત્મક સંજોગોમાં ધરપકડ. ૧૯૩૨માં કારાવાસ દરમ્યાન સદાને માટે સ્વાસ્થ્યનો નાશ. છતાં જીવનના અંત લગી રાષ્ટ્રની સતત સેવા. ૧૯૪૯ના માર્ચની ૨જીએ હૃદય બંધ પડવાથી અવસાન. સીત્તેર વર્ષના આયુષ્યમાં આરંભનાં આડત્રીસ વર્ષ દરમ્યાન ૧૮૯૫થી ૧૯૧૭ લગીની બાવીસ વર્ષની સરોજિનીની કાવ્યપ્રવૃત્તિ. એમાં ત્રણ કાવ્યસંગ્રહોનું પ્રકાશન અને કુલ ૧૨૪ કાવ્યોનું સર્જન. આ ત્રણે સંગ્રહોનો સંચય, સરોજિનીનો સર્વસંગ્રહ ‘The Sceptred Flute’ને નામે પ્રગટ થયો છે. સરોજિનીનાં આરંભનાં કાવ્યો હસ્તપ્રતમાં એડમંડ ગોસે ૧૮૯૫માં વાંચ્યાં. એમાં એમને એક બિનઅંગ્રેજ કવિના અંગ્રેજી ભાષા અને છંદ પરના અસાધારણ પ્રભુત્વનું દર્શન થયું. પણ એનું વસ્તુ અસ્વાભાવિક અને અનુકરણશીલ હતું એથી એ ભાષા અને છંદ દ્વારા ભારતવર્ષનો આત્મા પ્રગટ કરવાનો અને સાચા ભારતીય કવિ થવાનો એમણે સરોજિનીને અનુરોધ કર્યો. સરોજિનીએ, આ સત્યની પ્રતીતિ થતાં, એનું આચરણ કર્યું. અને ‘જેણે મને સુવર્ણ ઉંબર ભણી માર્ગ ચીંધ્યો’ (‘who first showed the way to the golden threshold’) એમ કહીને ગોસનો આભાર માન્યો અને પહેલાં કાવ્યસંગ્રહનું નામ ‘The Golden Threshold’ રાખ્યું. આમ, આ સંગ્રહના નામમાં ભારતીય કાવ્યવસ્તુનું સૂચન છે. આ અને પછીના બે સંગ્રહોમાં આપણા દેશના વિવિધ ઉદ્યમોમાં રચ્યાંપચ્યાં એવાં અનેક સામાન્ય સ્ત્રીપુરુષો, આપણા ઉત્સવો, આપણી ઋતુઓ, આપણાં પુષ્પો અને પંખીઓ, આપણાં વૈદિક, પૌરાણિક અને ઐતિહાસિક પાત્રો તથા આપણી પરાધીનતા અને પતનશીલતા વિશે સરોજિનીએ સ્ત્રીસુલભ સહાનુભૂતિ અને સંવેદનશીલતાથી વર્ણનાત્મક તથા ચિંતનાત્મક અનેક કાવ્યો આત્મસંભાષણ અને સંવાદ સ્વરૂપે રચ્યાં છે. પ્રથમ કાવ્યસંગ્રહની પ્રસ્તાવના આર્થર સીમન્સે લખી હતી, એમાં એને સરોજિનીનાં કાવ્યોમાં ‘bird-like quali-ty’નો, પંખી સમા તત્ત્વનો પરિચય થયો હતો. સરોજિનીના ત્રણ સંગ્રહોમાં અનેક કાવ્યોમાં અંગ્રેજી કવિતાના ઇતિહાસમાં જે ‘’Nineties’ને નામે પ્રસિદ્ધ છે તે સમયની વિશિષ્ટ કાવ્યરુચિને સંતોષે એવાં અનેક લક્ષણો છે. એમાં વસ્તુ ભલે ભારતીય હોય, છતાં એના પર ૧૯મી સદીની અંગ્રેજી રોમેન્ટિક કવિતાની તીવ્ર અસર છે. એમાં શેલીની સ્વપ્નમયતા અને ટેનીસન-સ્વીનબર્નની સંગીતમયતા છે. એના વિષયો, એનું સ્વરૂપ, એનાં લય, પ્રતીક, શબ્દ સૌ રોમેન્ટિક કવિતાના જ અવશેષો છે, એથી સ્વાભાવિક જ દેશપરદેશની કવિતામાં રસ લેનાર અને ‘’Nineties’ની લાક્ષણિક એવી કાવ્યરુચિ ધરાવનાર આર્થર સીમન્સને આ કાવ્યોનું તીવ્ર આકર્ષણ થાય! આ કાવ્યોનાં સર્વનામો, ક્રિયાપદો, વિશેષણોમાં પણ એ સમયની લોકપ્રિય લાક્ષણિકતાઓ છે એટલે કે એમાં કાલગ્રસ્તતા છે. આ પ્રકારનાં કાવ્યોમાં અસ્પષ્ટ ધૂંધળી સ્વપ્નસૃષ્ટિનું વાતાવરણ છે. જીવન, મૃત્યુ ને પ્રેમનો, વિરહની અતિવિહ્વલ વેદના ને મિલનના અતિમધુર આનંદનો, ભૂતકાળની સ્મૃતિ, વર્તમાનના એકાંત ને ભાવિના ભયનો, મૌન ને મુઝવણનો અનુભવ છે અને એ અનુભવ મંદ માદક છંદના વિલંબિત લયમાં પ્રગટ થાય છે. એમાં એક પ્રકારની રોમેન્ટિક આવેશમયતા છે, અસ્વસ્થતા છે, આત્મકરુણા છે. જો કે પ્રથમ કાવ્યસંગ્રહના જ અંતે ‘Nightfall in the City of Hyderabad’, ‘To India’ કે ‘To A Buddha Seated on a Lotus’ જેવાં કાવ્યોમાં સ્પર્શક્ષમતા, સઘનતા, નક્કરતા અને વાસ્તવિકતા છે. વસ્તુને પકડમાં લેવાનો પ્રયત્ન છે અને સદ્ભાગ્યે બીજા કાવ્યસંગ્રહમાં ‘An Indian Love Song’, ‘A Persian Love Song’, ‘At Twilight’, ‘Vasant-Panchami’, ‘The Faery Isles of Janjira’ કે ‘The Old Woman’ જેવાં કાવ્યોમાં અને ત્રીજા કાવ્યસંગ્રહમાં ‘The Gift of India’, ‘Memorial Verses’, ‘In Salutation To My Father’s Spirit’, ‘The Lotus’, ‘Awake’ કે અંતિમ પરાકાષ્ઠારૂપ ‘The Temple’ જેવાં કાવ્યોમાં સ્પર્શક્ષમતાનો, સઘનતાનો, નક્કરતાનો અને વાસ્તવિકતાનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. ૧૯૧૭ પછી એનો એવો વિકાસ થયો કે સરોજિનીનું કવિત્વ કાવ્ય દ્વારા નહિ પણ જીવનના અંત લગી કાર્ય દ્વારા પ્રગટ થયું. ૧૯૩૦માં ગાંધીજીની ધરપકડ પછી સરોજિની ધારાસણા પહોંચીને પોલિસે રોક્યાં ત્યારે મીઠાના અગરો સામે એક પલાંઠીએ કલાકો લગી બેસી રહ્યાં એ એમનું સર્વશ્રેષ્ઠ કાવ્ય લેખાશે. સરોજિનીએ આર્થર સીમન્સને એક પત્રમાં લખ્યું હતું ઃ ‘I am not a poet really. I have the vision and the de-sire but not the voice. If I could write just one poem full of beauty and the spirit of greatness, I should be exultantly silent for ever, but I sing just as the birds do and my songs are as ephemeral.’ સરોજિની, અલબત્ત, બુલબુલ હતાં. પણ કેવળ બુલબુલ નહિ, ‘બુલબુલે હિન્દ’ હતાં. એ વહાલસોયા નામના એ પૂર્ણ અધિકારી હતાં.

૧૯૫૯


*