સ્વાધ્યાયલોક—૪/વ્હીટમેનનો વારસો—આધુનિક અમેરિકન કવિતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વ્હીટમેનનો વારસો — આધુનિક અમેરિકન કવિતા

આધુનિક અમેરિકન કવિતાનું આયુષ્ય એક સદીનું. ૧૮૫૫ના જુલાઈની ૨૧મીએ એમર્સને વ્હીટમેનને એક પત્ર પાઠવ્યો: ‘I give you joy of free and brave thought. I have great joy in it. … I find the courage of treatment which so delights us and which large perception only can in-spire. I greet you at the beginning of a great career.’ — ‘હું તમારી મુક્ત અને સાહસિક વિચારણાને આનંદપૂર્વક અભિનંદું છું. એમાં અત્યંત આનંદદાયક અને માત્ર ભવ્ય દર્શન જ પ્રેરી શકે એવું શૈલીનું સાહસ હું જોઉં છું. એક ભવ્ય કારકિર્દીના આરંભે હું તમને આવકારું છું.’ ૧૮૫૫ના જુલાઈની ૪થીએ વ્હીટમેને એનો કાવ્યસંગ્રહ ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’ પ્રગટ કર્યો. (અમેરિકાનો મુક્તિદિન આમ અમેરિકન કવિતાનો પણ મુક્તિદિન ઠર્યો). હમણાં જ અમેરિકાએ આ પ્રકાશનના ઐતિહાસિક પ્રસંગની, અમેરિકન કવિતાના જન્મની શતાબ્દી ઊજવી. (આ ૧૮૫૫ની પ્રથમ આવૃત્તિમાં કાવ્યોની સંખ્યા બારની હતી તે વ્હીટમેનની હયાતીમાં ૧૮૯૨ની અંતિમ અને દસમી આવૃત્તિમાં વધીને લગભગ ચારસોએ પહોંચી ગઈ હતી.) ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’ પર એમર્સનના વિચારોની સ્પષ્ટ અસર હતી, એમાં એમર્સનનું અમેરિકન કવિતા, એનાં વસ્તુ અને સ્વરૂપ અને અમેરિકન કવિ વિશેનું સ્વપ્ન સાકાર બન્યું હતું એટલે ઋણસ્વીકાર લેખે વ્હીટમેને એની એક નકલ એમર્સનને ભેટ મોકલી. એમાં એમર્સને પોતાનું સ્વપ્ન સિદ્ધ થયેલું જોયું એટલે એના આનંદમાં એક પખવાડિયામાં જ ઉપરનો પત્ર પાઠવ્યો. અન્ય પ્રજાની કવિતાની જેમ અમેરિકન કવિતાનો આરંભ અમેરિકાના આદિવાસીઓની ‘પ્રજા સમસ્તની વાણી’ જેવી ‘અમેરીન્ડિયન’ કવિતામાંથી ન થયો, કારણ કે યુરોપથી આગંતુક ગોરા લોકોમાં અમેરિકાના આદિવાસીની સંસ્કૃતિને સમજવા જેટલી સહાનુભૂતિનો સદંતર અભાવ હતો. યુરોપથી જે લોકો અમેરિકા આવ્યા તેમાંથી કેટલાક ધાર્મિક અને રાજકીય મુક્તિની શોધમાં આવ્યા હતા. (અમેરિકન પ્રજાએ સાંસ્કૃતિક મુક્તિની અનિવાર્યતા ક્રાંતિ પછી જ અનુભવી), અને કેટલાક સાહસ અને સિતમ દ્વારા સમૃદ્ધિની શોધમાં, ભૌતિક સાધનો દ્વારા ભૌતિક વિજય પ્રાપ્ત કરી ભૌતિક સુખની સિદ્ધિની શોધમાં આવ્યા હતા. (આ સુખની સિદ્ધિનું એક સાધન તે યંત્ર, એથી જ અમેરિકન સંસ્કૃતિ જન્મથી યાંત્રિક સંસ્કૃતિ છે.) સંસ્કારી લોકોમાં સાહસ ન હોય અને સાહસિક લોકોમાં સંસ્કાર ન હોય ત્યારે કોઈ પણ કવિતાની જે કરુણતા હોય એવી આ આરંભની અમેરિકન કવિતાની હતી. આવી પરિસ્થિતિ કવિતાના જન્મ માટે ભાગ્યે જ અનુકૂળ કહેવાય. અમેરિકામાં ‘ભવ્ય ભૂતકાળ’ના અભાવનો લાભ નેપોલિયનના સમકાલીન એવા વિશ્વમાનવી ગેટેએ ભલે જોયો પણ એનો ગેરલાભ યુરોપીય સંસ્કૃતિના વારસ એવા કવિ ગેટેએ કેમ નહિ જોયો હોય? પરંપરાની પ્રેરણા વિના જો કોઈ કવિતા પૂરબહાર પાંગરી હોય, અને તે પણ એક સદી જેટલા અલ્પ સમયમાં, તો તે અમેરિકન કવિતા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ — અથવા તો એમાં જ — પાંગરવું એ કવિતાનાં અનેક આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય જ હશે. યુરોપથી જે લોકો અમેરિકા આવ્યા તેમાં બુદ્ધિજીવીઓ કે કલાપ્રેમીઓ ન હતા, એવા લોકો તો યુરોપમાં જ રહ્યા હતા. ૧૬૦૭માં ઉત્તર અમેરિકામાં પ્રથમ સંસ્થાનો સ્થાપીને જે લોકો વસ્યા એમના સાહિત્યનું પ્રેરણાપુસ્તક બાઇબલ હતું. એમનો સ્વભાવ ધર્મચુસ્ત અને ધર્મભીરુ હતો. આ ધર્મની ધૂંસરી, સર્વત્ર અને સર્વદા હોય છે તેમ, કલ્પનાપ્રધાન મૌલિક સર્જકતાને પ્રતિકૂળ હતી. આરંભના અમેરિકન કવિઓ એન બ્રેડસ્ટ્રીટ, એડવર્ડ ટેયલર, માઇકેલ વીગલવર્થ વગેરેને યુરોપથી કવિતાનો કાચો માલ અને ઇંગ્લૅન્ડથી કવિતાના નમૂના આયાત કરવા પડ્યા. કલ્પનાપ્રધાન કાવ્યવસ્તુ અને મૌલિક કાવ્યસ્વરૂપના અભાવે ઉછીના આદર્શો અને પારકી પ્રેરણાથી સત્ત્વશીલ અને સ્વત્વશીલ સર્જન ન થાય તો શી નવાઈ! બૌદ્ધિક જગતનું પાટનગર ત્યારે લંડન હતું. જેનામાં ‘અમેરિકન’ કવિતાની પહેલી કૂંપળો ફૂટી તે કવિ ફિલીપ ફ્રેનોએ તો આવી આયાત સામે ફરિયાદ કરી જ હતી:

‘Can we never be thought
To have learning or grace
Unless it be brought
From that damnable place?’

આ પ્રશ્ન ત્યારના અને ત્યાર પછીના કવિઓને પડકારરૂપ હતો. એમની કવિતામાં ધર્મની આણ (બોધાત્મકતા) અને મૌલિક વસ્તુ અને સ્વરૂપની અછત (અનુકરણશીલતા) હતી. એમાં સાહસનો અભાવ હતો. કારણ કે અમેરિકન પ્રજાએ એની સાહસવૃત્તિ અન્યત્ર, આગળ કહ્યું તેમ, ભૌતિક સુખની સિદ્ધિમાં યોજી હતી. એથી ચૈતન્યની લીલા જેવી સર્જનપ્રવૃત્તિમાં એનું દર્શન ન થાય એ સ્વાભાવિક હતું. કોઈ પણ પ્રજાના સાહિત્યના પ્રશ્નોની જેમ અમેરિકન પ્રજાના સાહિત્યના પ્રશ્નો પણ અમેરિકન પ્રજાના સમગ્ર જીવનના પ્રશ્નોના પરિચય અને સંદર્ભ વિના ન સમજાય એ સ્પષ્ટ છે. ૧૭૭૫માં અમેરિકામાં ક્રાંતિ (War of Independ-ence) થઈ. પણ એ દ્વારા માત્ર રાજકીય સ્વતંત્રતા સિદ્ધ થઈ, સાંસ્કૃતિક સ્વતંત્રતા નહિ. અમેરિકન પ્રજામાં યુરોપ અને ઇંગ્લૅન્ડના સાંસ્કૃતિક વર્ચસ્‌માંથી — મુખ્યત્વે સાહિત્યના ક્ષેત્રમાં — મુક્તિ અને મૌલિકતાનું સાહસ ન પ્રગટ્યું. જો કે આ સાંસ્કૃતિક વર્ચસ્‌ એ સાહસના અભાવનું જ બીજું નામ હતું. એ યુરોપ અને ઇંગ્લૅન્ડે અમેરિકાની અનિચ્છા છતાં સ્થાપ્યું ન હતું, પણ એમનામાં અમેરિકાએ એનું આરોપણ કર્યું હતું. એ સત્ય ન હતું, માત્ર કલ્પના હતી. (ઊલટાનું અંગ્રેજોને તો અમેરિકન સાહિત્યમાં ‘અમેરિકનત્વ’ની જ અપેક્ષા હતી. એટલે જ વ્હીટમેનનો સ્વદેશમાં ન થયો એટલો સત્કાર ઇંગ્લૅન્ડમાં થયો હતો.) છતાં પણ યુરોપ અને ઇંગ્લૅન્ડના આ કહેવાતા સાંસ્કૃતિક વર્ચસ્‌માંથી મુક્ત થવાની અમેરિકન પ્રજાની તીવ્ર ઇચ્છા સમજ્યા વિના એના સાહિત્યની મર્યાદાઓ અને મુશ્કેલીઓનો તથા એમાં પાછળથી પ્રગટેલા ‘અમેરિકનત્વ’ના અતિરેકનો — વ્હીટમેનના કાવ્યવસ્તુ અમેરિકન રાષ્ટ્રપ્રેમ અને એના કાવ્યસ્વરૂપ અછાંદસ પ્રવાહી લયનો — પાર પામવો અશક્ય છે. રાજકીય સ્વતંત્રતાની સાથે સાથે જ સાંસ્કૃતિક સ્વતંત્રતા સિદ્ધ ન થઈ. પણ એથી જ તો એનું મહત્ત્વ અમેરિકન પ્રજાને તીવ્રપણે સમજાયું. આપણી જેમ અમેરિકામાં પણ રાજકીય સ્વતંત્રતા પછી અંગ્રેજી ભાષાના સ્થાન વિશે ઉગ્ર ઊહાપોહ થયો. ‘કોન્ટીનેન્ટલ કૉન્ગ્રેસ’માં એક અમેરિકન પ્રતિનિધિએ અમેરિકા અંગ્રેજી ભાષાનો ઉપયોગ નહિ કરે એવો ઠરાવ રજૂ કર્યો. એમાં બીજા પ્રતિનિધિ રોજર શેરમેને સુધારો સૂચવ્યો કે માત્ર અમેરિકા જ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરશે અને હવેથી ઇંગ્લૅન્ડને ગ્રીક ભાષાનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવશે. ફ્રેન્કલીન, બર્ટ્રામ, બ્રેકનરીજ જેવાઓએ તો ‘અમેરિકન ઇંગ્લિશ’માં સાહિત્યના સર્જનનો આરંભ પણ કર્યો. (સહેજ વિચિત્ર લાગશે પણ જાણકારોને પૂછશો તો કહેશે કે અત્યારે બે પ્રકારની ભાષા છે. એક ‘અમેરિકન ઇંગ્લિશ’ અને બીજી ‘ઇંગ્લિશ ઇંગ્લિશ’ અને ભય તો એ છે કે ભવિષ્યમાં જો ‘અમેરિકન ઇંગ્લિશ’નો વધુ વિકાસ થશે તો અંગ્રેજો કદાચ એને સમજી જ નહિ શકે.) એક તંત્રીએ આ ભાષાનો વિરોધ કરતાં પોતાના તંત્રીલેખમાં એને ‘the vile alloy of provin-cial idioms, and colloquial barbarism, the shame of grammar and akin to any language, rather than Eng-lish’ (લોકબોલીની બર્બરતા અને દેશી પ્રયોગોનો વર્ણસંકર, વ્યાકરણનું ખૂન અને અંગ્રેજી સિવાયની કોઈ પણ ભાષાની સગી) એવું નામ પણ આપ્યું. જોકે સત્ય તો એ હતું કે સાહિત્યમાં ‘અમેરિકનત્વ’ સિદ્ધ કરવા કોઈ સમર્થ અમેરિકન કાવ્યવસ્તુનું કે પ્રાણવાન અમેરિકન કાવ્યસ્વરૂપનું વાહન બની શકે એવી અમેરિકન બાનીનું ત્યારે અસ્તિત્વ જ ન હતું. એ તો પશ્ચિમ અમેરિકાના ઉદય અને માર્ક ટ્વેઇનના આગમન પછી જ અસ્તિત્વમાં આવી. આ ભાષા-પ્રકરણને પરિણામે ભવિષ્યમાં ‘અમેરિકન ઇંગ્લિશ’ની અનિવાર્યતાનું દર્શન થયું અને અમેરિકન કવિતા કેવા દૈન્ય, દાસ્ય અને દૌર્બલ્યથી પીડાતી હતી તે સ્પષ્ટ થયું. ૧૯મી સદીમાં બૌદ્ધિક જગતની રાજધાની લંડનથી ખસીને બોસ્ટનમાં આવી. અને અમેરિકાના બૌદ્ધિકજીવનમાં ચૈતન્યનો પ્રથમ સંચાર થયો, જેને ‘ન્યૂ ઇંગ્લૅન્ડ રનેસાંસ’ને નામે નવાજવામાં આવ્યો. ત્યારના કવિઓ બ્રાયન્ટ, વ્હીટીએર, લોવેલ, લોંગફેલો, હોમ્સ અને એમર્સન વગેરે ‘બોસ્ટન જેન્ટલમેન ઑફ ધ અર્લી રનેસાંસ’ને નામે પ્રસિદ્ધ છે. આ સજ્જનો અતિસંસ્કારી, એમનામાંના જ એકે હોમ્સે પસંદ કર્યો છે તે શબ્દ પ્રમાણે ‘બ્રાહ્મિન્સ’ હતા. જ્યૉર્જ સાન્તયાનાએ એમની પરંપરાને ‘genteel tradition’ — ‘સંસ્કાર પરંપરા’ — કહી છે. એ સૌએ ન્યૂ ઇંગ્લૅન્ડનાં વિશ્વવિદ્યાલયો — (મુખ્યત્વે તો તદ્દન નજીક હતું તે હારવર્ડ)માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું, પણ લોવેલના ‘બીંગ્લો પેપર્સ’ જેવાં જૂજ કાવ્યોના અપવાદ સિવાય મૌલિક ‘અમેરિકન’ કવિતાનું સર્જન ન કર્યું. અંગ્રેજી અને યુરોપીય કવિતાનાં અનુકરણો અને અનુવાદો કર્યાં. એમનામાં ‘અમેરિકન’ કવિતાનું સર્જન કરવાનું સાહસ ન હતું એટલું જ નહિ પણ એવી સ્વદેશી કવિતા એમને મન મશ્કરી હતી. વર્તમાનમાં એમને રસ ન હતો. પ્રજાને અને એના પ્રશ્નોને સમજવાની સહાનુભૂતિ ન હતી. યુરોપનું એમને ઘેલું હતું. ઇંગ્લૅન્ડમાં કવિયશની સિદ્ધિનું એમને સ્વપ્ન હતું. એથી ક્રાંતિ પછીના અમેરિકન સાહિત્યના પ્રશ્નોથી સભાન હોવા છતાં એમનામાં સાહસ ન હતું. પણ ઇંગ્લૅન્ડમાં અમેરિકન કવિઓમાં અને અમેરિકામાં અંગ્રેજ કવિઓમાં ગણના થાય એવું એમનું કમભાગ્ય હતું. ઇંગ્લૅન્ડમાં એમની કવિતામાં અમેરિકનત્વ (જેની, આગળ કહ્યું તેમ, ઇંગ્લૅન્ડને અમેરિકાની કવિતામાં સદાય અપેક્ષા હતી તે)ના અભાવે અને અમેરિકામાં એમની કવિતામાં અંગ્રેજી કવિતાની અંધપૂજાને કારણે એમની કવિતા કોઈને સ્પર્શી નહિ. અરે, એકબીજા પ્રત્યે પણ એમને સહાનુભૂતિ ન હતી. સૌ એક સ્થળે છતાંય પોતપોતાના અલાયદા એકાંતમાં વસતા. એમની મુશ્કેલીઓ અને મર્યાદાઓથી એ અજાણ ન હતા. આગળના કવિઓ જેવી ધર્મચુસ્તતા તો નહિ પણ પોતાને જે જરીય પસંદ નહિ એવી ધર્મપરાયણતા અને બોધાત્મકતા એ એમની કવિતાના અંતરંગની મર્યાદા અને અસહાયતા તથા અનિવાર્યતાથી અમેરિકન બાનીનો અભાવ એ એમની કવિતાના બહિરંગની મર્યાદા હતી. આમ ક્રાંતિ પછી અમેરિકન કવિઓ સંસ્થાનવાસીને બદલે પરગણાવાસી બન્યા એટલું જ. એમના એક અનુગામી હેન્રી આદમે એમના વતી લખ્યું છે: ‘Improvised Europeans we were, and — Lord God — how thin,’ (અમે સૌ માત્ર અકસ્માતથી જ યુરોપીઅનો હતા, અને તે પણ કેવા જૂજ!) આ સમકાલીનોની કવિતા વિશે થોરોએ કહ્યું છે ઃ ‘Much of our poetry has the very best manners but no character.’ (આપણી મોટા ભાગની કવિતામાં આકર્ષક રૂપ છે પણ વ્યક્તિત્વ નથી.) હજુ પણ અમેરિકન કવિઓની પ્રેરણા ‘ન્યૂ ઇંગ્લૅન્ડ’માં નહિ પણ ‘ઑલ્ડ ઇંગ્લૅન્ડ’માં હતી. હજુ પણ જાણે કે અમેરિકા જેવો વિશાળ ખંડ એ માત્ર યુરોપનું પરગણું હોય એવી પરિસ્થિતિ હતી. એની અકળામણ જો કોઈએ વધુમાં વધુ અનુભવી હોય તો તે એમર્સને. (એના ગુરુ વિલીઅમ ચેનીંગને પણ એનો કંઈક અનુભવ હતો.) અમેરિકન કવિતાએ હજુ મુક્તિ અને મૌલિકતા માટે કેટલો અને કેવો પુરુષાર્થ કરવાનો હતો એનો અંદાજ એમર્સનની આ અકળામણમાંથી કાઢી શકાય. ૧૮૩૭માં પોતાના ‘હારવર્ડ લેકચર’માં એણે કહ્યું ઃ ‘We have listened too long to the courtly muses of Eu-rope.’ (યુરોપની કાવ્યદેવીના આદેશનું આપણે વધુ પડતા લાંબા સમય લગી શ્રવણ કર્યું છે.) વળી ‘ફી બીટા કાપા એડ્રેસ’માં શ્રોતાઓને આશ્ચર્ય થાય એમ એણે કહ્યું: ‘Our day of dependence, our long apprenticeship to the learning of other lands draws to a close. … I ask not for the great, the remote, the romantic, what is doing in Italy or Arabia. I embrace the common. … The meal in the firkin; the milk in the pan; the ballad in the street, the news of the boat, the form and the gait of the body.’ (આપણી પરતંત્રતાનો, પારકા પ્રદેશની વિદ્વત્તાના પરિશીલનનો યુગ હવે વીતી ચૂક્યો છે. હું નથી આવકારતો વિરાટની વાતોને કે સુદૂરનાં સ્વપ્નોને; મને રસ નથી ઇટલીમાં કે અરેબિયામાં. હું તો સામાન્યને સત્કારું છું. શેરીઓના રાસ અને ખારવાનાં ગીત, માનવદેહનો આકાર અને એની ગતિનો મને પ્રેમ છે.) એમર્સનની આ વાણીમાં ‘અમેરિકન’ કવિને આહ્વાન છે. વ્હીટમેનના આગમનનાં એંધાણ છે. ૧૮૪૪માં એણે એક ઊંડો નિ:સાસો નાંખતાં કહ્યું: ‘We have yet had no genius in America, with tyrannous eyes, which knew the value of our incomparable mate-rials… our logrolling, our stumps and their politics, our fisheries, our Negroes and Indians, our boasts and our repudiations, the wrath of rogues and pusillanimity of honest men, Oregon and Texas are yet unsung!… Milton is too literary, and Homer too literal and histor-ical. I look in vain for the poet I describe.’ (હજુ આપણે ત્યાં અમેરિકામાં કોઈ પ્રતિભા પાકી નથી. આપણી અદ્વિતીય સામગ્રીની મહત્તા નિહાળી શકે એવી કોઈની ઝીણી નજર નથી. આપણા કઠિયારા, આપણા માછીમારો, આપણા નીગ્રો અને ઇન્ડિયન લોકો, આપણા હક્કદાવા અને ગમાઅણગમા, આપણા લુચ્ચા લોકોનો રોષ અને પ્રમાણિક લોકોની ભીરુતા; આપણા ઓરેગોન અને ટેકસાસ સૌ વણગાયાં રહ્યાં છે. મિલ્ટન અતિશય સાહિત્યિક છે તો હોમર અતિવાસ્તવિક અને અતિઐતિહાસિક છે. આ મારી કલ્પનાના કવિને હું હજુ ઝંખ્યા જ કરું છું.) ત્યારે એમર્સનને કલ્પના પણ ન હતી કે માત્ર અગિયાર જ વર્ષમાં એનું અમેરિકન કવિ અને કલ્પના વિશેનું આ સ્વપ્ન સિદ્ધ થવાનું છે. અને ૧૮૫૫માં ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’ પ્રગટ થયું ત્યારે, એમર્સનનું આ ક્રંદન વ્હીટમેનને કાને પડ્યું ન હોવા છતાં, વ્હીટમેને ‘I was simmering, simmering, simmering, Emerson brought me to a boil.’ (હું તો શીળા તાપે તપતો ને તપતો જ હતો. એમર્સને મને ઊકળતો કર્યો.) એવો ઋણસ્વીકાર કરી ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’ની એક નકલ એમર્સનને ચરણે ધરી. એના સ્વીકારમાં એમર્સને જે પત્ર પાઠવ્યો એમાંનો એકેએક શબ્દ સાચો હતો. ‘free and brave thought’ — સ્વતંત્ર અને સાહસિક વિચારણામાં યુરોપ અને ઇંગ્લૅન્ડના વર્ચસ્‌માંથી અમેરિકન કવિતાએ મુક્તિ મેળવ્યાનું સૂચન છે. પોતાની કવિતાના કાવ્યવસ્તુ અને કાવ્યસ્વરૂપમાં અમેરિકનત્વ અને નર્યું અમેરિકનત્વ છે એવું વ્હીટમેને ગર્વથી ગાઇબજાવીને કહ્યું, એના આ રાષ્ટ્રપ્રેમમાં એનો વ્યાપક વિશ્વપ્રેમ વીસરાઈ જાય એવો અમેરિકનત્વનો અતિરેક એણે પોતે જ કર્યો. (પાઉન્ડ અને એલિયટ જેવાઓએ એની સામે લાલબત્તી ધરવી પડે એવી લાલ લીટી વ્હીટમેને પોતાની કવિતાના અન્ય અનેક તત્ત્વોને ભોગે આ તત્ત્વ નીચે દોરી હતી — જે અત્યારે સેન્ડબર્ગ અને ફ્રોસ્ટની દૃષ્ટિને આંજી રહી છે. વ્હીટમેનના યુગમાં એ તદ્દન જરૂરી હતી.) વળી વ્હીટમેનના વસ્તુમાં લોહીના બુદેબુંદની પ્યાસનો અને આત્માના અણુએ અણુની ભૂખનો અહંકારયુક્ત એકરાર છે એનું પણ સૂચન છે. (આ એકરાર, પાછળથી બહુ ‘જોખમી’ જણાયો, આ ‘અનીતિ’ માટે એક કલાકની પણ નોટિસ વિના વ્હીટમેનને નોકરીમાંથી રજા મળી ગઈ હતી.) ‘Courage of treatment’ — શૈલીનું સાહસ — વ્હીટમેનની નિર્બંધ મુક્તલયવન્તી પ્રલંબ પદાવલિ સૂચવે છે. જોકે વ્હીટમેનની આ પદાવલિ એ કોઈ નવું પ્રસ્થાન નથી. અલબત્ત અમેરિકન કવિતાના સંદર્ભમાં તો એને ક્રાંતિ જ કહેવી પડે. અમેરિકન પ્રજા અને પ્રદેશના વૈવિધ્ય અને વૈષમ્યને અનુરૂપ અને અનુકૂળ એવી પદાવલિ વ્હીટમેને યોજી એ એની કલાકાર તરીકેની સિદ્ધિ — અને અનિવાર્ય હોવાથી યોજી એ એની પદાવલિનું સમર્થન — છે. એમાં પણ વ્હીટમેને અતિરેક કર્યો છે, પણ એ અત્યંત શાસ્ત્રીય વિષય હોવાથી અહીં એનો માત્ર ઉલ્લેખ જ શક્ય છે. હીબ્રુ કવિતા, બાઇબલ, વક્તૃત્વની છટાઓ અને ઇટાલીઅન ઑપેરામાંથી વ્હીટમેને પ્રેરણા લીધી છે એ સ્પષ્ટ છે. એમર્સને તો આનંદથી આ વસ્તુ અને સ્વરૂપનો સત્કાર કર્યો, કારણ કે ત્યારે એ અમેરિકન કવિતાના હિતમાં હતું, અનિવાર્ય હતું. પણ એના વિરોધમાં જે વંટોળ જાગ્યો તે ૧૯૦૦ લગી જીવ્યો. સાહિત્યના એક સમીક્ષકે ત્યારે વ્હીટમેનના ‘eccentric in-solence of phrase and temper’ (મિજાજ અને વાણીની વિચિત્ર નાદાની)નો ઉલ્લેખ કર્યો છે. જોકે ત્યાર પછી અમેરિકાએ એના ગુણોનો સતત સત્કાર કર્યો છે. અલબત્ત એના દોષોને વીસર્યા વિના. પો અને એમીલી ડીકીન્સનની સરખામણીમાં આજે હવે વ્હીટમેનનું વસ્તુ અતિઅસીમિત અને એનું સ્વરૂપ અતિઅનિયંત્રિત લાગે છે. ‘Large percep-tion’ — ભવ્ય દર્શનમાં વ્હીટમેનના વસ્તુની વ્યાપકતા અને દૃષ્ટિની વિશાળતાનું સૂચન છે. વ્હીટમેનના દર્શનની ભવ્યતા એવી છે કે એની કવિતામાં બે વિરોધી તત્ત્વોની વચ્ચે પણ સંવાદને સ્થાન છે. એ એમ કહી શકે કે ઃ ‘I depart as air’ (હું વાયુની જેમ વહી જાઉં છું) તો વળી એમ પણ કહી શકે કે ઃ ‘If you want me again look for me under your boot-soles.’ (જો તમારે મને ફરી પામવો હોય તો જરી તમારા જોડાનાં તળિયાં જોજો — હું ત્યાંથી જડી આવીશ.) એના વસ્તુમાં વિરોધોની વચ્ચે જે સંવાદ છે એનું જ પ્રતિબિંબ એના કાવ્યસ્વરૂપમાં છે, કારણ કે એમર્સનના શબ્દોમાં ભવ્ય દર્શન જ આ કાવ્યસ્વરૂપની પ્રેરણા છે. પોતાની શૈલી વિશે એ એમ કહી શકે કે: ‘I sound my barbaric yawp over the roofs of the world.’ (જગતને છાપરેથી હું મારી બ્હેકેલી બાની ઉચ્ચારું છું), તો વળી એ જ કાવ્યમાં ‘I belive a leaf of grass is no less than the journey work of the stars.’ (‘હું માનું છું કે બ્રહ્માંડમાં ભમતા તારાઓથી તરણાનું મૂલ્ય કંઈ ઓછું નથી.’ સંગ્રહનું નામ એટલે તો ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’ — તૃણદલ — રાખ્યું.) વગેરે પંક્તિઓમાં નખશિખ નાજુક, મૃદુમધુર અને સ્નિગ્ધ-સુકોમળ સંગીત પણ સર્જી શકે. આ સૌ સંવાદનું, ઐક્યના સૌંદર્યનું રહસ્ય વ્હીટમેનના આ ભવ્યદર્શનમાં એટલે કે મુક્ત માનવતાવાદમાં, માનવપ્રેમમાં છે. એ કહે છે:

‘Do I contradict myself?
Very well then, I contra-dict myself,
(I am large, I contain multitudes.)’

મારામાં શું વિસંવાદ છે?
બહુ સારું, મારામાં હા, વિસંવાદ છે,
(હું વિરાટ છું, મારામાં માનવોનો મ્હેરામણ ઊછળે છે.)

ત્રીજી લીટી જાણે કાનમાં કહેતો હોય તેમ કૌંસમાં મૂકી છે. પ્રેરણાને પ્રાર્થનારૂપ એક કાવ્ય ‘ધ મ્યુઝ ઇન ધ ન્યૂ વર્લ્ડ’માં કહે છે:

‘Come, Muse, migrate from Greece and Ionia…
For know a better, fresher, busier sphere,
a wide, untried domain awaits, demands you.’

(આવ, પ્રેરણા, ગ્રીસ અને આયોનિયાથી ચાલી આવ… અહીં વધુ સારો, વધુ નૂતન અને વધુ પ્રવૃત્ત એવો પ્રદેશ, વિશાળ અને વણબોટ્યું ક્ષેત્ર તારી પ્રતીક્ષા કરે છે, અધિકારથી પ્રતીક્ષા કરે છે.) અને પોતાની પ્રસ્તાવનારૂપ એક કાવ્ય ‘આઈ હીઅર અમેરિકા સીંગીંગ’માં કહે છે:

‘I hear America singing, the varied
                           carols I hear…
Singing with open mouths their
                  strong melodious songs.’

(હું સાંભળી રહ્યો છું અમેરિકાને લલકારતો, વિધવિધ ગાન લલકારતો. — મુક્તકંઠે એનાં પ્રાણવાન મધુર ગાન લલકારતો.) આ અમેરિકા એટલે કારીગરો, સુથારો, કડિયા, ખારવા, ખલાસીઓ, મોચીઓ, કઠિયારા, કૃષિકુમારો, માતાઓ, પત્નીઓ, અને જુવાનિયાઓ. (વ્હીટમેનને આવી નામાવલીઓ પ્રિય હતી — આ એના અમેરિકનત્વનો અહંકાર, અર્થપૂર્ણ અને અનિવાર્ય અહંકાર. અમેરિકા આમ ભલે કોલંબસે શોધ્યો, પૃથ્વીના નકશા પર, ભૂગોળમાં; પણ કવિતામાં, કવિતાના નકશા પર, તો વ્હીટમેને જ શોધ્યો છે. કોઈ પણ નવી શોધથી મનુષ્ય શું આમ જ પાગલ નથી થતો?) આગળ એમર્સને પોતાનાં વાક્યોમાં વર્ણવ્યો છે એવા જ કવિની વીરતાભરી વાણીમાં વ્હીટમેને કહ્યું" ‘I will turn the ends of my trousers around my boots and go with drivers and boatmen. In other authors of the first class there have been celebrators of low life and characters — holding it up as curious observers — but here is one who enters it with love.’ — હું મારા પાટલુનની બાંયો મારા જોડાની આસપાસ ઊંચે ચડાવીને ખટારાહાંકુઓ અને ખારવાઓની સાથે ચાલ્યો જઈશ (અને કહે છે કે એ ગયો હતો), અન્ય પ્રથમ પંક્તિના લેખકોએ નીચલાં થરનાં જીવન અને પાત્રોને સાહિત્યમાં બિરદાવ્યા છે, પણ એ તો માત્ર કુતૂહલથી, જ્યારે હું તો એમાં પ્રવેશી ગયો છું, પ્રેમથી. છેલ્લો શબ્દ love — પ્રેમ — અત્યંત મહત્ત્વનો છે. વ્હીટમેન અને તેમાં ય વિશેષ તો આંતરવિગ્રહના અનુભવ પછીનો, બે વર્ષ વૉશિંગ્ટનની હૉસ્પિટલમાં સૈનિકોની સુશ્રુષા કરતાં ‘a bearded fairy godmother’ (શ્મશ્રૂવંતી પરીમાતા)નું વ્હાલસોયું બિરુદ પામ્યા પછીનો વ્હીટમેન પ્રેમનો કવિ છે, પ્રેમનો એટલે કે માનવપ્રેમનો.(જોકે પેલા અતિપંકાયેલા પ્રેમ — સ્ત્રીપુરુષ સંબંધ — વિશે પણ એણે ‘ચીલ્ડ્રન ઑફ આદમ’માં સાચું અને ખોટું બન્ને પ્રકારનું, કંઈ ઓછું લખ્યું નથી.) ‘ડ્રમ ટેપ્સ’, ‘આઉટ ઑફ ધ ક્રેડલ એન્ડલેસલી રોકીંગ’, ‘વ્હેન લાઇલેકસ લાસ્ટ ઇન ધ ડોરયાર્ડ બ્લુમ્ડ’ અને અંતનાં મૃત્યુકાવ્યોમાં એનો માનવપ્રેમ (વિશેષ તો આંતરવિગ્રહ અને લિંકનની હત્યાથી ક્ષુબ્ધ થવાથી) પૂર્ણ વિકસિત રૂપે મ્હોરી ઊઠ્યો છે. અને આ ઉદાત્ત અને કરુણ વસ્તુનો સ્પર્શ થતાં એની શૈલીમાં આપોઆપ ભવ્યતા સહજમાં પ્રગટ થાય છે. વ્હીટમેન માત્ર આશાવાદનો, પ્રગતિનો, રાષ્ટ્રપ્રેમનો કવિ છે એવી પ્રચલિત માન્યતાને આ કાવ્યો પડકારરૂપ છે. વ્હીટમેનને અસદ્ અને દુરિતોનો અનુભવ ન જ હતો એ એક ગેરસમજ છે. એ ગેરસમજ પણ વ્હીટમેનના સભાન અતિરેકનું પરિણામ છે. વ્હીટમેને અમેરિકાની પ્રજા અને એના પ્રદેશને પ્રથમ વાર જ વાચા આપી. અમેરિકન કવિતા ‘સ્વ’ની સૃષ્ટિની સાંકડી સીમાઓ તોડીફોડીને અફાટ અમેરિકન વિસ્તારો અને માનવોના મહેરામણમાં વિહરવા લાગી. એટલે તો એ કહી શક્યો ઃ ‘I contain multitudes’ અને ‘I hear America singing.’ અમેરિકાની ધરતી જેટલું વિશાળ જેનું હૃદય હોય એવો પ્રથમ અમેરિકન કવિ વ્હીટમેન છે. એની કવિતાએ તેજ અને તિમિર, રૂપ અને વિરૂપ, સદ્ અને અસદ્, આશા અને નિરાશા, દેહ અને આત્મા, અહમ્ અને નમ્રતાનો એકસરખો સ્વીકાર કર્યો છે. આ કારણે એના અસ્તિત્વમાં સભરતા અને સમગ્રતા હતી. વ્યક્તિની પ્રશસ્તિ ગાતાં ગાતાં એણે વિશ્વની પ્રશસ્તિ ગાઈ છે. જાતને જોતાં જોતાં એણે જગતને જોયું છે. એના બાવન ખંડના અતિ પ્રસિદ્ધ કાવ્ય ‘સૉન્ગ ઑફ માયસેલ્ફ’ની પ્રથમ પંક્તિ છે:

‘I celebrate myself, and sing myself.’
(હું મને બિરદાવું છું, હું ‘હું’ને ગાઉં છું.)

પણ પછી આ ‘હું’ એનું રહસ્ય અંતે (‘હું’ કંઈ એમ સહેજમાં ઓછો સમજાય છે? વ્હીટમેનનો ‘હું’ ક્ષણે ક્ષણે સંતાતો અને પ્રગટ થતો, છટકીને છુપાતો ને પાછો પકડાતો એવો ‘હું’ છે) પ્રગટ કરે છે ઃ ‘I am large, I contain multitudes.’ વ્હીટમેને આ કાવ્ય વિશે કહ્યું છે કે એનો હેતુ છે ઃ ‘main-ly… to put a person, a human being (myself, in the later half of the nineteenth century, in America) freely, fully and truly on record.’ — મુખ્યત્વે એક વ્યક્તિનું, એક મનુષ્ય (ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકામાં અસ્તિત્વ ધરાવતા ‘હું’)નું મુક્તપણે, સંપૂર્ણપણે, સાચું ચિત્રણ. વ્હીટમેન પોતાને ‘the bard of personality’ (વ્યક્તિત્વનો ગાયક) અને ‘the divine average’ (દિવ્ય સરેરાશ)નો કવિ કહેતો. એટલે ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’નો ‘હું’ કે ‘વૉલ્ટ વ્હીટમેન’ એટલે વ્હીટમેનનો સુપુત્ર વૉલ્ટ નહિ પણ એ, આપણે બન્ને અને બીજા બધા; એટલે એક વ્યક્તિ નહિ પણ અખિલ વિશ્વ. વ્હીટમેનની કવિતાનું રહસ્ય ‘હું = વિશ્વ’ની ફૉર્મ્યુલામાં છે. વ્યક્તિમાં વિશ્વ છે એટલી શ્રદ્ધા જન્મે એવો વ્યક્તિમાં વિશ્વાસ એનું નામ જો લોકશાહી હોય, એ જો લોકશાહીનો આત્મા હોય, તો વ્હીટમેન એવી લોકશાહીનો કવિ છે. આ દષ્ટિએ જરીયે અતિશયોક્તિ વિના, બે મત વિના, બેધડક, કહી શકાય કે વ્હીટમેન જેવો માનવતાનો મહાગાયક જગતે આજ લગી જોયો ન હતો. મનુષ્ય અને સમગ્ર માનવજાતનું ગૌરવ ગાનારો આધુનિક યુગનો કદાચ એક માત્ર ગ્રંથ તે ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’. વ્હીટમેનના માનવપ્રેમનો આ મિજાજ એના ‘ટુ એ કોમન પ્રોસ્ટીટ્યુટ’ નામના કાવ્યમાં પૂરેપૂરો પ્રગટ થયો છે:

‘Be composed — be at ease with me — I am Walt
         Whitman, liberal and lusty as Nature,
Not till the sun excludes you do I exclude you.’

(સ્વસ્થ થા — મારી સાથે તું નિરાંતે નિર્ભય રહેજે — હું વૉલ્ટ વ્હીટમેન છું, સ્વયં પ્રકૃતિ જેટલો ઉદાર મુક્તરાગી છું. જ્યાં લગી સૂર્ય તારો અનાદર નહિ કરે ત્યાં લગી હું પણ તારો અનાદર નહિ કરું.) માનવપ્રેમના રસાયણ દ્વારા આમ વ્યક્તિ અને વિશ્વ, જાત અને જગત, કવિ અને કવિતા, રાષ્ટ્રપ્રેમ અને વિશ્વપ્રેમ ઓતપ્રોત, એકરૂપ, એકરસ અને એકાકાર થઈ ગયાં છે. વ્હીટમેનના સભર અને સમગ્ર વ્યક્તિત્વનું દર્શન આ ગ્રંથમાં થાય છે એટલે તો એ કહી શક્યો કે ઃ ‘Who touches this (book), touches a man’. (જે આ ગ્રંથને પામશે તે મનુષ્યને પામશે.) મુક્તિ અને મૌલિકતા માટેના અમેરિકન કવિતાના અવિરત અને વિરલ પુરુષાર્થનું પરિણામ એટલે વ્હીટમેનનું ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’. અમેરિકન કવિઓની કવિતામાં કાવ્યવસ્તુ અને કાવ્યસ્વરૂપના દૈન્ય, દાસ્ય અને દૌર્બલ્યની સામે ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’ એ એક પ્રચંડ પ્રતિકાર છે. એમાં અમેરિકનત્વનો અતિરેક (કાવ્યવસ્તુમાં અને સ્વરૂપમાં) સકારણ અને સભાન છે. સહાનુભૂતિ અને સચિંતતાથી આજના અમેરિકન કવિઓ અને વિવેચકોએ એના ગુણ અને દોષ, એની ખૂબીઓ અને ખામીઓ, એનાં સૌંદર્યસ્થાનો અને ભયસ્થાનોનો અભ્યાસ કર્યો છે. વ્હીટમેન વિના આધુનિક અમેરિકન કવિતા અને એના કવિઓનું અસ્તિત્વ કલ્પવું જ અશક્ય છે. એમર્સને પત્રના અંતમાં લખ્યું ઃ ‘I greet you at the beginning of a great career’ — હું તમને એક મહાન કારકિર્દીના આરંભે આવકારું છું (૧૮૫૫ની ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’ની પ્રથમ આવૃત્તિ એ માત્ર વ્હીટમેનની જ મહાન કારકિર્દીનો આરંભ ન હતો પણ આધુનિક અમેરિકન કવિતાની મહાન કારકિર્દીનો પણ આરંભ હતો), ત્યારથી અમેરિકન કવિતામાં વ્હીટમેનના આત્માનો વાસ છે. એ આત્માના ચૈતન્યથી વિલસતા કવિવારસો અમેરિકામાં યુગે યુગે પાકશે અને ત્યાં લગી વિશ્વસાહિત્યમાં અમેરિકન કવિતાનું એક અનોખું અને અમોલું સ્થાન હશે. ૨૦મી સદીમાં વ્હીટમેનનો આવો પ્રથમ વારસ કાર્લ સેન્ડબર્ગ છે. આધુનિક અમેરિકન કવિતા અને એનો માનવપ્રેમ એ વ્હીટમેનનો વારસો છે. ૧૯મી સદીમાં અમેરિકન કવિતા પગભર બની ને ૨૦મી સદીમાં એ પ્રૌઢ બની. વ્હીટમેનની કવિતાનો પ્રશ્ન હતો યુરોપ અને ઇંગ્લૅન્ડની કવિતાનું વર્ચસ્‌ વિરુદ્ધ અમેરિકાની કવિતાની મુક્તિ અને મૌલિકતા. એ પ્રશ્નનો ઉત્તર ‘લીવ્ઝ ઑફ ગ્રાસ’માં મળી ગયો. (જોકે પાછો એને જ કારણે, એમાં અમેરિકનત્વનો અહંકારયુક્ત અતિરેક હોવાને કારણે પાઉન્ડ અને એલિયટને યુરોપ અને ઇંગ્લૅન્ડના સાહિત્ય અને સંસ્કૃતિમાંથી પ્રેરણાનો પ્રસાદ પામવાનો પુરુષાર્થ કરવો પડ્યો. એમના સમકાલીનો ફ્રોસ્ટ અને સેન્ડબર્ગ માત્ર ‘અમેરિકન’ નીવડ્યા, એનો એમને લાભ મળ્યો છે પણ એનો ગેરલાભ પણ થયો છે. આ મર્યાદા, આધુનિક અમેરિકન કવિતામાં ‘Cosmopolitan’ (વૈવિધ્યપૂર્ણ) અને ‘Interna-tional’ (આંતરરાષ્ટ્રીય) દૃષ્ટિનો અભાવ, આ બન્ને વિદ્વાન કવિઓ જોઈ શક્યા છે.) વ્હીટમેનનો પ્રશ્ન હતો ‘અમેરિકન’ પરંપરાનો અભાવ. આધુનિક અમેરિકન કવિનો ‘પરંપરાનો અભાવ’ એ પ્રશ્ન નથી. આધુનિક અમેરિકન કવિતામાં અત્યારે ત્રણ પરંપરાઓ પ્રવૃત્ત છે ઃ વ્હીટમેનની પોની અને એમીલી ડીકીન્સનની. આ પરંપરાઓની પરસ્પરની સરખામણીમાંથી પ્રત્યેકના ગુણદોષ પ્રત્યક્ષ થાય છે. પો અને એમીલી ડીકીન્સનની. પરંપરાને (Non-Whitman) અવ્હીટમેનની પરંપરા કહીએ, તો એમાં વ્હીટમેનની પરંપરાની સરખામણીમાં વર્તમાનની ઉપેક્ષા અને માનવપ્રેમનો અભાવ સ્પષ્ટ થાય છે. તો વ્હીટમેનની પરંપરામાં અવ્હીટમેનની પરંપરાની સરખામણીમાં ભૂતકાળની ઉપેક્ષા અને કલાનાં તત્ત્વોનો — સપ્રમાણતા, સૌષ્ઠવ, સભાનતા, સંયમ વગેરેનો — અભાવ સ્પષ્ટ થાય છે. આધુનિક અમેરિકન કવિતાનો પ્રશ્ન અને પુરુષાર્થ છે આ બન્ને પરંપરાનો સુભગ સમન્વય. આ બન્ને પરંપરામાંથી પ્રેરણા પીનાર અનેક કવિઓ અત્યારે અમેરિકામાં છે. (આજે અમેરિકામાં છે એટલા અને એવા કવિઓ આ ગ્રહ પર અન્યત્ર ક્યાંય હશે?) વ્હીટમેનની પરંપરામાં કાર્લ સેન્ડબર્ગ, એજગર લી માસ્ટર્સ, વાકેલ લીન્ડસે, હાર્ટ ક્રેઇન, એઝરા પાઉન્ડ, વીલીઅમ કાર્લોસ વીલીઅમ્સ, રોબીન્સન જેફર્સ, મુરીએલ રુકેસર, ઇ. ઇ. કુમિંગ્સ, આર્ચીબાલ્ડ મેકલીશ, હોરેસ ગ્રેગરી, કેનેથ પેચન, કેનેથ ફીરીંગ, ઓગ્ડન નેશ, મેરીલ મુર, વીનફીલ્ડ સ્કોટ, ડેલ્મોર શ્વાર્ટ્ઝ, થીઓડોર રીથકે, પીટર વીએરેક, કાર્લ શેપીરો, એલિઝાબેથ બીશપ, જ્હોન ચીઆર્ડી વગેરે કવિઓ છે, તો પો અને એમીલી ડીકીન્સનની અ-વ્હીટમેની પરંપરામાં ઇ.એ. રોબીન્સન, વોલેસ સ્ટીવન્સ, ઇલીનોર વાઇલી, જ્હૉન ફ્લેચર, મેરીઆન મૂર, જ્હૉન રેન્સમ, એલન ટેઇટ, રોબર્ટ પેન વોરેન, કોનરેડ એઇકીન, માર્ક વાન ડોરેન, લીઓની આદમ્સ, લુઈ બોગાન, રોબર્ટ ફીટ્ઝીરાલ્ડ, રોબર્ટ લોવેલ, રીચર્ડ વીલ્બર, રોબર્ટ હોરાન, જેઈમ્સ મેરીલ, ડબ્લ્યુ. એસ. મેરવીન વગેરે કવિઓ છે. આ બન્ને પરંપરાના સુભગ સમન્વયનાં ચિહ્નોનું દર્શન કાર્લ શેપીરો, થીઓડોર રીથકે અને એલિઝાબેથ બીશપ જેવાઓની કવિતામાં થાય છે. વ્હીટમેનની પરંપરાનો માનવપ્રેમ અને પો અને એમીલી ડીકીન્સનની પરંપરાની કલાના આ સુભગ સમન્વયમાંથી સવાયો વ્હીટમેન પ્રગટ થશે. કાળના અનંત પથ પર ક્યાંક વ્હીટમેનનો આત્મા આ સવાયા વ્હીટમેનની પ્રતીક્ષા કરે છે. ‘સૉન્ગ ઑફ માયસેલ્ફ’ની અંતિમ પંક્તિમાં આ સવાયા વ્હીટમેનને વ્હીટમેનનું આમંત્રણ છે ઃ ‘I stop somewhere waiting for you.’ — ‘હું ક્યાંક તારી કરતો પ્રતીક્ષા.’

૧૯૫૬


*